ભારતનો ઇતિહાસ ખૂબ વિશાળ અને જૂનો છે. અનેક મહાપુરુષો, રાજા-મહારાજાઓ અને આક્રાંતાઓના ઇતિહાસ પુસ્તકોમાં વર્ણવાયા છે, પરંતુ એક તથ્ય એ પણ છે કે મોટાભાગનો ઇતિહાસ વિકૃત કરીને રજૂ કરવામાં આવ્યો છે. ભારતનો ઇતિહાસ હંમેશાથી વિચારધારાના યુદ્ધથી પ્રભાવિત રહ્યો છે. આપણાં મહાન ઇતિહાસના નાયકોને કઈ રીતે રજૂ કરવા, એ મોટાભાગે એક વર્ગ પર નિર્ભર હતું અને તેણે દાયકાઓ સુધી પાઠ્યપુસ્ત્કો, યુનિવર્સિટીઓ અને સંશોધનો પર કબજો જમાવી રાખ્યો હતો. તે વર્ગ એટલે વામપંથી ઇતિહાસકારો.
ઘણા ઇતિહાસને વિકૃત કરીને સમાજ સામે રજૂ કરવામાં આવ્યા છે. મુઘલોની મિથ્યા પ્રશંસા, ભારતના મહાન શાસકોને અવગણવા, ભારતીય મૂળ કરતાં બ્રિટિશરોને વધુ આધુનિક ગણવા. આ બધી બાબતો અને મુદ્દાઓ વામપંથી ઇતિહાસકારોની દેન છે, જેમાંથી ભારતને બહાર નીકળતા હજુ દાયકાઓ લાગશે. આ વિકૃત કરાયેલા ઇતિહાસમાં એક નામ છે જનનાયક ધરતી આબા ભગવાન બિરસા મુંડા.
આજે આખો દેશ જાણે છે કે બિરસા માત્ર ‘ક્રાંતિકારી યોદ્ધા’ નહોતા, પણ તેમની ઓળખનો એક મોટો ભાગ ધાર્મિક-સાંસ્કૃતિક ચેતના સાથે પણ વણાયેલો છે. પરંતુ પ્રશ્ન એ છે કે કેમ વામપંથી ઇતિહાસકારોએ બિરસા મુંડાને ‘ક્રાંતિકારી’ તો ગણાવ્યા, પરંતુ તેમના હિંદુ-ધાર્મિક સ્વરૂપને છુપાવવાનો પ્રયાસ કર્યો? તેનું એક મુખ્ય કારણ એ છે કે બિરસા મુંડા આદિવાસી સમાજને ‘ધર્માંતરણ’થી બચાવવા માટે મજબૂતીથી ઊભા રહ્યા હતા. આ સૌથી મોટું કારણ છે કે જેને વામપંથી અને મિશનરી વર્ગ કાયમ છુપાવતો રહ્યો છે.
ધર્માંતરણનો વિરોધ અને મૂળ પરંપરાનું સમર્થન
19મી સદીમાં ઝારખંડ અને છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં મિશનરીઓએ મોટાપાયે ધર્માંતરણ ચલાવ્યું હતું. બિરસા મુંડાને પહેલી વખત ખુલ્લીને તેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે ન માત્ર ધર્માંતરણનો વિરોધ કર્યો, પણ આદિવાસીઓને પોતાના મૂળ ધર્મ એટલે કે સવા ધર્મ (જેને સનાતન પરંપરાનો એક ભાગ માનવામાં આવે છે) તરફ પાછા ફરવાની હાકલ પણ કરી હતી. આ વાત મિશનરી લોબી અને લેફ્ટ-લિબરલ બુદ્ધિજીવીઓને કાયમ ખૂંચતી રહી છે. કારણ કે આ ઘટના વાંમપંથીઓના તે નેરેટિવને ધ્વસ્ત કરી શકે એમ હતી કે ‘આદિવાસીઓ હિંદુ નથી.’
બ્રિટિશ સિવિલ સર્વન્ટ અને આદિવાસી સંસ્કૃતિ પર ગહન ચિંતન કરનારા બ્રિટિશ ઇતિહાસકાર અને લેખક WG આર્ચરે પોતાનાં પુસ્તક ‘The Hill of Flutes’માં લખ્યું હતું કે, “ખ્રિસ્તી મિશનરીઓ સક્રિય હતા. બિરસાએ ખ્રિસ્તી પ્રભાવની ખુલ્લી ટીકા કરી હતી અને આદિવાસીઓને પોતાની મૂળ પરંપરામાં પરત ફરવાની હાકલ કરી હતી.”
બિરસા મુંડાએ ખ્રિસ્તી પંથ સાથે તોડ્યો હતો સંબંધ
ભારતીય વહીવટી સેવાના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા કુમાર સુરેશ સિંઘે બિરસા મુંડા વિષે સંશોધન પર આધારિત એક પુસ્તક લખ્યું હતું. તેનું શીર્ષક છે: ‘બિરસા મુંડા ઔર ઉસકા આંદોલન.’ કુમાર છોટાનાગપુરના કમિશનર હતા અને તેમણે આદિવાસી સમુદાયનું વિગતવાર અધ્યયન કર્યું હતું. તેમણે લખેલા આ પુસ્તકની ગણતરી પ્રામાણિક પુસ્તકોમાં થાય છે.
આ પુસ્તકમાં પણ કહેવાયું છે કે બિરસા મુંડાના પરિવારે ખ્રિસ્તી પંથ અપનાવ્યો હતો. તેમના કાકા કાનુ પોલૂસ ખ્રિસ્તી પંથ અંગીકાર કરી ચૂક્યા હતા. તેમના પિતા સુગના અને તેમના નાના ભાઈએ પણ આવું જ કર્યું હતું. સાથે એવું પણ કહેવાયું છે કે પરિવારે બિરસા મુંડાનું ધર્માંતરણ પણ કરાવ્યું હતું, ધર્માંતરણ બાદ બિરસાનું નામ દાઉદ મુંડા રાખવામાં આવ્યું હતું.
પુસ્તકમાં આગળ કહેવાયું છે કે એક સમયે બિરસાનો સંપર્ક એક ખ્રિસ્તી મિશનરી-પ્રચારક સાથે થયો હતો. એ પ્રચારક તેના પ્રવચનમાં મુંડા સમુદાયની જૂની પરંપરાની ટીકા કરી રહ્યો હતો અને તેના કારણે બિરસાની લાગણીને ઠેસ પહોંચી હતી. આ જ કારણ હતું કે મિશનરી સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ પણ બિરસા મુંડા પોતાની મૂળ પરંપરામાં પરત ફર્યા હતા.
બિરસા મુંડાએ જે મૂળ પરંપરામાં પરત ફરવા આહ્વાન કર્યું હતું, તેને આજે ‘બિરસાઈત’ કહેવામાં આવે છે. આ પરંપરામાં દેવી-દેવતાઓની પૂજા, પ્રકૃતિની પૂજા અને તુલસી માતાની પૂજાનો સમાવેશ થાય છે, જે મૂળરૂપે સનાતન વૈદિક ધર્મની એક પરંપરા છે. આ ઉપરાંત આ પરંપરામાં માંસ, દારૂ, તમાકુ વગેરેનું વ્યસન પણ વર્જિત હતું. ખાસ મહત્વની વાત એ છે કે આ પરંપરાનું પાલન કરતા લોકોએ જનોઈ ધારણ કરવી અનિવાર્ય હતી, જે સ્પષ્ટપણે સનાતન ધર્મનો એક ભાગ છે.
બિરસા મુંડાએ આદિવાસી લોકોને ખ્રિસ્તી બનાવતા અટકાવવા માટે એક જનઆંદોલન શરૂ કર્યું હતું અને સનાતન પરંપરા તરફ પાછા વળવાની હાકલ પણ કરી હતી. જોકે, આ ઇતિહાસને વામપંથી ઇતિહાસકારોએ દબાવી દીધો અને જનનાયક ભગવાન બિરસા મુંડાને માત્ર એક ક્રાંતિકારી સુધી સીમિત કરી દીધા. બિરસાએ પોતાની જનસભા અને અનુયાયીઓને કહ્યું હતું કે, “પોતાની ધરતી, પોતાના દેવતા અને પોતાના ધર્મને છોડીને કોઈ વિદેશી પંથમાં ન ફસાવો.”
સરના સનાતન પરંપરાનું પુનરુત્થાન
બિરસા મુંડાએ પોતાના આંદોલન દ્વારા સરના પરંપરાને ફરી જીવંત કરી હતી, આ પરંપરા સનાતન સંસ્કૃતિનો જ પ્રાકૃતિક વિસ્તાર છે. સરના ધર્મ કોઈ અલગ ધર્મનો વિકલ્પ નહોતો, પરંતુ ભારતની સૌથી જૂની સનાતન આસ્થાનો જ એક ભાગ હતો. જેમાં પ્રકૃતિનું પૂજન, દેવતાઓનાં સ્વરૂપ, પર્વ-ઉત્સવ, પૂજા-પદ્ધતિ અને ઋષિ પરંપરા જેવી દર્શનધારાઓનો સમાવેશ થતો હતો. આ તમામ પદ્ધતિઓનો હિંદુ પરંપરા સાથે ઊંડો સંબંધ છે. જેથી સરના પરંપરાને હિંદુ ધર્મના એક અંગ તરીકે ગણવાનો ઇનકાર કરવો એ વાસ્તવમાં વામપંથીઓ અને મિશનરીઓનાં રાજકીય ષડયંત્રનો એક ભાગ છે.
બિરસા મુંડા પોતાની સભાઓ અને આદિવાસી લોકોને કાયમ કહેતા રહેતા હતા કે, “પોતાના મૂળને ન છોડો, એ જ તમારી ખરી શક્તિ છે.” પ્રકૃતિ પૂજનમાં પણ સૂર્ય, ચંદ્ર, નદી, વૃક્ષ અને પશુઓની પૂજાનો સમાવેશ થતો હતો, જે સનાતન સંસ્કૃતિનો જ એક ભાગ છે. જો બિરસા મુંડાનું આ આંદોલન ઇતિહાસનાં પુસ્તકમાં સમાવવામાં આવ્યું હોત તો વામપંથીઓનો એ નેરેટિવ કે આદિવાસી હિંદુ નથી, તે ધ્વસ્ત થઈ ગયો હોત, આ જ કારણ છે કે આ ઇતિહાસકારોએ બિરસા મુંડાને માત્ર ક્રાંતિકારી સુધી સીમિત રાખ્યા હતા.
કેમ વામપંથી ઇતિહાસકારોએ રચ્યું આ કાવતરું?
વામપંથીઓએ બિરસા મુંડા અને આદિવાસી સમુદાયને હિંદુ ધર્મથી અલગ કરવાનું આ કાવતરું એટલા માટે રચ્યું કારણ કે જો લોકોને આ જાણ થઈ જાય તો વામપંથીઓની દાયકાઓથી ઘડેલી પોતાની જ વાર્તાઓ ધ્વસ્ત થઈ જાય કે, ‘આદિવાસીઓ હિંદુ નથી’, ‘હિંદુ સમાજે આદિવાસીઓનું દમન કર્યું’ અને ‘ઈસાઈ મિશનરીઓ જ સાચા વિકાસકર્તા છે’. બિરસા મુંડાનું જીવન આ ત્રણેય નેરેટિવને તોડે છે. સ્વતંત્રતા સંગ્રામનાં પાઠ્યપુસ્ત્કોમાં પણ બિરસા મુંડાનો ઉલ્લેખ સીમિત થયો છે અને તે પણ ઇકોસિસ્ટમની જ એક સ્ટ્રેટેજી છે.
NIOS, NCERT અને રાજ્ય બોર્ડોના પુસ્તકોમાં પણ બિરસા મુંડાને માત્ર એક કે બે ફકરામાં સમજાવી દેવાયા છે અને તેમાં પણ માત્ર તેમને ‘ક્રાંતિકારી’ જ ગણાવાયા છે. આવું કેમ કરવામાં આવ્યું તો તેની પાછળ કેટલાક કારણો પણ જવાબદાર છે. એક તો બિરસા બ્રિટિશરોના વિરોધની સાથે-સાથે મિશનરીઓના પણ વિરોધી હતા. બીજું તેઓ આદિવાસીઓને પોતાની મૂળ સંસ્કૃતિમાં પરત ફરવાનું આહ્વાન કરી રહ્યા હતા અને ત્રીજું તેઓ હિંદુઓથી વિભાજિત થયા નહોતા.
‘આદિવાસી Vs હિંદુ’ની જે ખીણ બનાવવામાં આવી છે, તે રાજકીય યોજનાનો એક ભાગ છે. આ ખીણ ત્રણ તાકાતોએ સાથે મળીને બનાવી છે. 1- વામપંથી ઇતિહાસકારો, 2- ઈસાઈ મિશનરીઓ અને 3 વૉટબેન્કનું રાજકારણ. આ તાકાતોનો પ્રયાસ હતો કે આદિવાસીઓને મુખ્યધારાથી અલગ રાખવામાં આવે, જેથી ધર્માંતરણ અને રાજકીય ધ્રુવીકરણ સરળ થઈ શકે અને ‘સામાજિક અત્યાચાર’નો નેરેટિવ ઘડી શકાય.
આજે આ નેરેટિવ બદલાઈ રહ્યો છે તેના પણ ઘણા કારણો છે. હવે ધીમે-ધીમે વામપંથી ઇકોસિસ્ટમ તૂટી રહી છે, આજે બિરસા મુંડાનું નામ સંસદમાં સન્માનિત થાય છે અને ‘જનજાતિય ગૌરવ દિવસ’ પણ ઘોષિત થાય છે. દેશભરમાં ભગવાન બિરસા મુંડાના કાર્યક્રમો થાય છે અને આદિવાસી સમાજ પણ પોતાના મૂળ ઇતિહાસ પ્રત્યે જાગૃત થઈ રહ્યો છે. આ બધા પરિબળોના કારણે વામપંથી પ્રોપગેન્ડા ધીમે-ધીમે ધ્વસ્ત થઈ રહ્યો છે, જોકે રાજકારણના જોરે કોંગ્રેસ સહિતની પાર્ટીઓ આ નેરેટિવને બચાવવા ‘વિભાજનકારી’ પ્રયાસો કરતી રહી છે, પરંતુ તેમાં સફળતા મળવી હવે મુશ્કેલ છે.
સંદર્ભસૂચિ
- ‘The Hill of Flutes’- WG આર્ચરે
- બિરસા મુંડા ઔર ઉસકા આંદોલન- કુમાર સુરેશ સિંઘ
- History and Culture of the Indian People- આરસી મજૂમદાર
- The Religion of an Indian Tribe- વેરિયર એલ્વિન
- Oxford Bibliographies on Tribal Religions


