(ગતાંકથી ચાલુ)
ત્રણ મહિના પહેલાં કોલકાતાથી ભારતીય શ્રમિકોને લઈને નીકળેલું જહાજ 30 મે, 1845ના રોજ જ્યારે ત્રિનિદાદ પહોંચ્યું ત્યારે આ ભારતીયોની એક પડકારજનક યાત્રા પૂરી થઈ અને બીજી આવી જ એક યાત્રાનો આરંભ થયો. ગિરમીટ પ્રથા હેઠળ કરાર કરીને ‘નવજીવન’ની આશાએ ત્રિનિદાદ પહોંચેલા ભારતીય શ્રમિકોને ખ્યાલ ન હતો કે અંગ્રેજોએ કહેલી મોટાભાગની વાતો અહીં પોકળ જ સાબિત થવાની હતી અને જે યાતનાઓ અને કઠણાઈઓ તેમણે ભારતમાં ભોગવવી પડતી, એ જ સ્થિતિ હવે વતનથી હજારો કિલોમીટર દૂર દક્ષિણ અમેરિકી દેશમાં ફરી નિર્માણ પામવાની હતી.
આમ જોવા જાઓ તો અહીં સ્થિતિ વધુ કપરી એટલા માટે હતી કારણ કે આ ભારતીય શ્રમિકો વતનથી દૂર હતા. અહીં તેમનો સમુદાય અમુક સોની સંખ્યામાં હતો. તેઓ મજૂરીકામ માટે અહીં આવ્યા હતા અને લાવનાર હતા અંગ્રેજો. અંગ્રેજોને આ ભારતીય શ્રમિકો પાસે કાળી મજૂરી કરાવીને તેમની મહેનતે દેશની તિજોરી ભરવા સિવાય બીજી કોઈ બાબતમાં રસ ન હતો. તેમણે કરારમાં આમ તો અમુક સુવિધાઓ આપવાનો વાયદો કર્યો હતો, પણ તેમાંથી મોટાભાગની બાબતો કાગળ પર રહી ગઈ હતી.
શ્રમિકો પાસે ભરપૂર કામ કરાવવામાં આવતું અને મહેનતાણું સાવ નજીવું અપાતું. આમ રવિવારે રજા રહેતી, પણ ભારતીયો પાસે એટલું જ કામ કરાવવામાં આવતું અને વધારાના કામનું કોઈ વધારે વેતન અપાતું ન હતું. રહેવા-જમવાની વ્યવસ્થામાં પણ વેઠ ઉતારવામાં આવતી કે ન સરખી સારવાર અને સુવિધાઓ અપાતી હતી.
અંગ્રેજો અહીં પણ આ ભારતીયોને હીન ભાવનાથી જોતા હતા. હિંદુઓની સ્થિતિ કપરી હતી. તેમનાં ધર્મ-સંસ્કૃતિ, પરંપરાનો અનાદર કરતા. તેમને ઉતારી પાડતા કે પોતાનાથી અલગ ગણતા. આવું જોકે ભારતમાં પણ થતું હતું. એ જ સ્થિતિ ત્રિનિદાદ કે અન્ય દેશો જ્યાં અંગ્રેજોની કોલોનીઓ હતી ત્યાં હતી. હિંદુઓ ધર્માંતરણ કરી લે તે માટે અમુક કડક કાયદાઓ બનાવવામાં આવ્યા હતા તો અમુક અધિકારોથી તેમને વંચિત રાખવામાં આવતા. તેઓ ધર્મપાલન છૂટથી ન કરી શકે એ પણ સુનિશ્ચિત કરવામાં આવતું.
આ કઠણાઈઓ અને પડકારો વચ્ચે પણ હિંદુઓ ટકી રહ્યા એટલું જ નહીં, પોતાનો ધર્મ પણ ટકાવી રાખ્યો. તેનું મોટું કારણ એકતા છે અને હિંદુઓને એક રાખવામાં કારણભૂત બન્યો તેમનો ધર્મ. આ ધર્મ અને પરંપરાઓએ જ તેમને હજારો કિલોમીટર દૂર આ અજાણ્યા પ્રદેશમાં ટકી રહેવા માટે બળ પૂરું પાડ્યું. ધર્મએ આ હિંદુઓને ટકાવી રાખ્યા અને હિંદુઓ પોતાના ધર્મને વળગેલા રહ્યા.
આજે ત્રિનિદાદની સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. આજે ત્યાં હિંદુઓ એક આદરપાત્ર સમુદાય છે. લગભગ દરેક ક્ષેત્રના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. અહીં સુધી કે રાજકારણમાં પણ સારું એવું વર્ચસ્વ ધરાવે છે અને વડાપ્રધાન કક્ષા સુધી પહોંચ્યા છે. પરંતુ તેમના પૂર્વજોના શરૂઆતના દિવસો અત્યંત કઠિન હતા. તેમણે કઈ સ્થિતિમાં ધર્મ ટકાવી રાખ્યો એ પણ જાણવા જેવું છે.
ભજન-કીર્તન અને રામાયણની કથાઓ
આજે તો ત્રિનિદાદમાં મંદિરો મોટી સંખ્યામાં થઈ ગયાં છે, પણ ભારતીયો જ્યારે સેંકડો વર્ષો પહેલાં અહીં પહોંચ્યા ત્યારે અહીં એક પણ મંદિર ન હતું. ન કોઈ પૂજાસ્થળ આપવામાં આવ્યું હતું કે ન પૂરતી સંખ્યામાં પંડિતો હતા. ઉપરાંત તેમની પાસે કામ એટલું કરાવવામાં આવતું કે માણસને અન્ય પ્રવૃત્તિઓ માટે ભાગ્યે જ સમય મળી રહેતો. તેમ છતાં દિવસભરની મજૂરી બાદ જ્યારે તમામ ઘરે પરત ફરતા તો સૂર્યાસ્ત બાદ એકઠા થઈને ભજન-કીર્તન આયોજિત કરતા.
ભજન-કીર્તનમાં એ શક્તિ છે કે માણસ થોડી ક્ષણો માટે બીજું બધું ભૂલીને પ્રભુભક્તિમાં લીન થઈ જાય છે. આધ્યાત્મિક ભજનો, ભારતનાં સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરતાં લોકગીતો આ બધું ભારતીય હિંદુ સમુદાયની દિનચર્યાનો ભાગ બનતું ગયું.

તે સમયે આમ પણ સાક્ષરતાનું પ્રમાણ ઓછું રહેતું અને ત્રિનિદાદ પહોંચેલા તમામ શ્રમિકો હતા, જેથી નિરક્ષર હતા. એટલે તેઓ ધર્મગ્રંથો વાંચી શકતા ન હતા પણ આ ગ્રંથો, શસ્ત્રો અને પુરાણોની જે કથાઓ તેમણે ભારતમાં સાંભળી હતી એ કથાઓ તેઓ ત્રિનિદાદ તેમની સાથે લઈને ગયા હતા. કથાઓ ત્યાં પણ જીવંત રહી. ખાસ કરીને રામાયણ અને મહાભારતની કથાઓ ચર્ચાતી. બાળકો પણ તેમાં ભાગ લેતાં. પ્રભુ શ્રીરામના જીવનના પ્રસંગો, ભગવાન શ્રીકૃષ્ણની કથાઓ આ હિંદુઓને પરિસ્થિતિ સામે ઝઝૂમવા માટે બળ પૂરું પાડતી.
ત્યારે મંદિરો ન હતાં તો હિંદુઓ કોઈ વૃક્ષની નીચે કે નદી કિનારે સ્થાનકો બનાવતા અને ત્યાં પ્રભુભક્તિ અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા. આ મંદિરો ન માત્ર પૂજાસ્થળ બની રહ્યાં પણ સમય જતાં હિંદુઓ માટે મીટિંગ પોઈન્ટની ભૂમિકા ભજવવા માંડ્યાં. આજે આ જ મોટાભાગનાં સ્થળો ભવ્ય મંદિરોમાં ફેરવાઈ ચૂક્યાં છે, પરંતુ તેની શરૂઆત એક નાનકડા સ્થાનક તરીકે થઈ હતી.
મંદિરો ઉપરાંત તહેવારોએ પણ મોટી ભૂમિકા ભજવી. હોળી, દિવાળી, રક્ષાબંધન વગેરે જેવા તહેવારો આ હિંદુઓમાં ઉત્સાહ, ઉમંગનો સંચાર કરી દેતા. તહેવારોની વિશેષતા જ એ છે કે સતત દોડતા રહેતા જીવનમાં તહેવાર નિરાંત લઈને આવે છે. લોકો એકબીજા સાથે મળીને ઉજવણી કરે છે. આ તહેવારો પણ હિંદુ સમુદાયને એક રાખવામાં નિમિત્ત બન્યા.
ધર્મ-સંસ્કૃતિના જતનમાં સ્ત્રીઓની ભૂમિકા પણ અવગણી શકાય તેમ નથી. પુરુષોએ મોટેભાગે કામ માટે આખો દિવસ બહાર જવાનું રહેતું, ત્યારે ઘરની સ્ત્રીઓ ભારતીય હિંદુ પરંપરાઓ જળવાય રહે તેનું પૂરતું ધ્યાન રાખતી. બાળકો રામાયણ અને મહાભારતની વાર્તાઓથી પરિચિત રહે, ધર્મ વિશે, ધર્મગ્રંથો વિશે તેમને પૂરતું જ્ઞાન મળી રહે એ કામ સ્ત્રીઓએ ઉપાડી લીધું હતું. પૂજા-આરાધના, ભજન-કીર્તન સતત ચાલુ રહેતાં. ઉપવાસ, અન્ય ધાર્મિક વિધિ-પરંપરાઓ ચાલુ રહી તેનું એક મોટું કારણ સ્ત્રીઓનું આ સમર્પણ પણ ખરું.
મિશનરી અને અંગ્રેજ સરકારના ધર્માંતરણના પ્રયાસો
પડકારો માત્ર વ્યવસ્થાનો અભાવ કે હિંદુઓની નબળી આર્થિક સ્થિતિ પૂરતા ન હતા, પણ તત્કાલીન બ્રિટિશ સરકાર અને ખ્રિસ્તી મિશનરીઓથી પણ મોટું જોખમ હતું. બ્રિટિશ અધિકારીઓ જેવો વ્યવહાર ભારતમાં કરતા, તેવો જ વ્યવહાર ત્યાં પણ કરતા હતા અને ભારતીયોને ‘અનસિવિલાઇઝ્ડ’માં ખપાવી દેવામાં આવતા. તેમની પરંપરાઓને, તેમના ધર્મને હીન ભાવનાથી જોવામાં આવતાં હતાં. તેમને ધર્મના પાલન માટે, પરંપરાઓ જાળવવા માટે સુવિધાઓ આપવાની વાત દૂર, પણ હિંદુઓ ધર્મથી વિમુખ થઈ જાય અને ધર્મપરિવર્તન કરી લે તે માટે પણ પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
સૌથી મોટો પડકાર એ હતો કે છેક 1945 સુધી ત્યાંની સરકાર હિંદુઓનાં લગ્નને માન્યતા આપતી ન હતી. જેથી બે હિંદુઓ વચ્ચે પારંપરિક રીતે, વૈદિક વિધિ સાથે લગ્ન થાય તોપણ કાગળ પર તે માન્ય ગણવામાં આવતાં ન હતાં. વૉર્ડનની ઑફિસે અને ખ્રિસ્તી પરંપરા હેઠળ થતાં લગ્નને જ કાયદેસર માન્યતા આપવામાં આવતી હતી.
લગ્નને માન્યતા આપવામાં ન આવે એટલે તેમનાં બાળકોને પણ સત્તાવાર ઓળખ ન મળે. તેના કારણે સંપત્તિ અને ઉત્તરાધિકારમાં પણ સમસ્યા આવે કારણ કે બાળકો વારસદાર ન બની શકે. આ પરિસ્થિતિમાં એક જ માર્ગ રહે, ખ્રિસ્તી રિવાજ અનુસાર લગ્ન કરવાં. આ કથિત મેરેજ સિસ્ટમના જોરે બ્રિટીશ સરકારે હજારો હિંદુઓનું ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બનાવ્યા હતા. કારણ કે તેમ ન કરે ત્યાં સુધી હકો મળતા ન હતા. જો ધર્માંતરણ ન કરે તો તેઓ પોતાની સંપત્તિ ગુમાવે એવી સ્થિતિ સર્જાઈ હતી, રાધર સર્જવામાં આવી હતી.
મેરેજ સિસ્ટમ ઉપરાંત, શિક્ષણ પદ્ધતિ પણ એવી હતી, જેનાથી ધર્માંતરણને પ્રોત્સાહન આપવામાં આવતું. છેક 1940 સુધી હિંદુ શાળાઓને કોઈ ભંડોળ આપવામાં આવતું ન હતું. શાળાઓ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચલાવવામાં આવતી. એ સમય હતો જ્યારે શિક્ષણ મેળવવું કોઈ પણ સમુદાય માટે તાતી જરૂરિયાત બની ગયું હતું, જેથી એ અનિવાર્ય પણ હતું. પરંતુ હિંદુ શાળાઓની સ્થિતિ કપરી હતી, જેથી ખ્રિસ્તી મિશનરીઓ સંચાલિત શાળાઓમાં જવું પડતું. અહીંથી પણ ધર્માંતરણ માટે ભરપૂર દબાણ કરવામાં આવતું.
ભારતની સ્વતંત્રતા પછી ત્રિનિદાદમાં પણ ફેરફાર આવ્યો
1947 આવતાં સુધીમાં ભારતમાં પણ સ્થિતિ બદલાઈ અને તેની સકારાત્મક અસર ત્રિનિદાદના હિંદુ ભારતીય સમુદાય ઉપર પણ થઈ. તેઓ પોતાના હકો અને અધિકાર માટે અવાજ ઉઠાવતા થયા. 1952માં તેમને મળીને એક હિંદુ સંગઠન પણ સ્થાપ્યું, જે આજે પણ ત્યાં સક્રિય છે. સનાતન ધર્મ મહાસભા.
ત્રિનિદાદના હિંદુઓને એક કરવામાં આ સંગઠનની ભૂમિકા નોંધપાત્ર રહી છે. સંગઠને નવાં મંદિરોનું નિર્માણ શરૂ કરાવ્યું, શાળાઓ શરૂ કરી. માત્ર ચાર વર્ષના સમયગાળામાં જુદા-જુદા ભાગોમાં 31 શાળાઓ ખોલવામાં આવી હતી, જ્યાં ધર્મ અંગેના શિક્ષણ પર પણ ભાર અપાતો. મંદિરમાં થતી પ્રવૃત્તિઓ, ધાર્મિક રિવાજો અને પરંપરાઓને એક માળખામાં ગોઠવ્યાં.
ત્યારબાદ હિંદુઓની સતત સુધરતી જતી આર્થિક સ્થિતિ અને સંગઠનના પ્રયાસોથી કામ વધુ સરળ બનતું ગયું અને સમુદાય સતત વિકસતો રહ્યો. આજે સ્થિતિ તદ્દન ભિન્ન છે. ત્રિનિદાદમાં હિંદુ સમુદાય મોટી સંખ્યામાં છે, જેમને આદર મળે છે. હિંદુ પરંપરાઓ, તહેવારોની ભવ્ય ઉજવણી થાય છે. દેશભરમાં મંદિરો જોવા મળે છે. હિંદુઓ માટે શાળાઓ પણ પૂરતા પ્રમાણમાં છે.
કહેવાય છે કે દુનિયાની અનેક સભ્યતાઓ સમય સાથે નષ્ટ થઈ ગઈ કે સંપૂર્ણ નવું સ્વરૂપ ધારણ કરી લીધું, પણ આપણી સભ્યતામાં એ શક્તિ છે કે એ સતત વિકસતી રહી છે. આક્રાંતાઓ આવ્યા, અંગ્રેજોએ સેંકડો વર્ષો સુધી શાસન કર્યું તેમ છતાં સનાતન સંસ્કૃતિ અડીખમ રહી. પડકારો વેઠ્યા, સંઘર્ષોનો સામનો કર્યો, મંદિરો તૂટતાં જોયાં, નરસંહાર પણ જોયા, પરંતુ આ ધર્મ ટકી રહ્યો અને ફરી-ફરી બેઠો થતો રહ્યો. તેનું ઉદાહરણ ભારતમાં જોવા મળ્યું, તેનું ઉદાહરણ ત્રિનિદાદમાં પણ જોવા મળ્યું. આ તાકાત સનાતન ધર્મની છે, એટલે તેને સનાતન કહેવાય છે.