દક્ષિણ અમેરિકાના પાંચ દેશોની યાત્રાએ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લખાય રહ્યું છે ત્યારે ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાતે છે. ગુરુવારે (3 જુલાઈ) તેમનું ભવ્ય સ્વાગત થયું. વડાપ્રધાનથી માંડીને મંત્રીઓ સુધી આખી કેબિનેટ પીએમ મોદીના સ્વાગત માટે ત્રિનિદાદ અને ટોબેગોના પાટનગર પોર્ટ ઑફ સ્પેનના એરપોર્ટ પર હાજર હતી. પછીથી ભારતીય સમુદાયે પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. અહીં જે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન ભારતીય મૂળના સમુદાયને પણ મળ્યા.
કાર્યક્રમને સંબોધિત કરતાં વડાપ્રધાને ત્રિનિદાદ અને ટોબેગોના ભારતીય સમુદાયના સંઘર્ષને યાદ કર્યો અને કહ્યું કે જે પરિસ્થિતિ અને સંજોગોમાં તેમના વડવાઓ અહીં રહ્યા હતા, તેનાથી કોઈ પણ મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિઓ ભાંગી પડે, પણ તેમણે સતત સંઘર્ષ કર્યો, કઠણાઈઓ જોઈ અને પડકારોને પાર કર્યા. પીએમ મોદી કહે છે કે, “ત્રિનિદાદના ભારતીય સમુદાયના પૂર્વજોએ ગંગા અને યમુના છોડવી પડી, પણ તેઓ રામાયણ તેમના હૃદયમાં સાથે લઈને આવ્યા હતા. તેમણે ‘સોઇલ’ (જમીન) છોડી, પણ સોલ (આત્મા) ન છોડ્યો.”
પીએમ મોદી કહે છે, “તેઓ માત્ર એક માઇગ્રન્ટ ન હતા, એક કાલાતીત સંસ્કૃતિના મેસેન્જર હતા.” ત્રિનિદાદ અને ટોબેગોના વિકાસમાં ભારતીય સમુદાયના યોગદાનને યાદ કરતાં કહ્યું કે, તેમણે દેશને સાંસ્કૃતિક, આર્થિક અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવ્યો અને એ આજે નજરે દેખાય છે. આજે ભારતીયો સંઘર્ષ નહીં પણ સફળતાથી ઓળખાય છે. તેમની સેવાથી ઓળખાય છે.
The journey of the Indian community in Trinidad & Tobago is all about courage. They faced hardships with hope and problems with persistence. And, they have enriched Trinidad & Tobago’s journey towards progress. pic.twitter.com/6Nyvta0qca
— Narendra Modi (@narendramodi) July 4, 2025
ત્રિનિદાદ અને ટોબેગોની વસ્તીના 42% ભારતીયો
આમ ઓછો ચર્ચામાં રહેતો, શાંત દેશ ત્રિનિદાદ એન્ડ ટોબેગો દુનિયાના નકશા પર જોઈએ તો દક્ષિણ અમેરિકામાં ઉત્તરે આવેલો છે. માંડ 15 લાખની વસ્તી. જેમાંથી લગભગ 42% મૂળ ભારતીયો છે.

આટલી મોટી સંખ્યામાં રહેતો સમુદાય આજે તો દરેક સેક્ટરમાં ફેલાઈ ગયો છે અને વડાપ્રધાને કહ્યું એમ દેશના વિકાસમાં અદ્વિતીય યોગદાન આપી રહ્યો છે, પણ ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય મૂળના લોકોના શરૂઆતના દિવસો સંઘર્ષભર્યા હતા અને તેમાં પણ હિંદુઓ માટે સ્થિતિ વધુ કઠિન હતી. પરંતુ આ કઠિન સ્થિતિ, સંઘર્ષભર્યા દિવસો અને પડકારજનક સંજોગોમાં પણ હિંદુ સનાતનીઓએ પોતાનો ધર્મ ન છોડ્યો અને જન્મભૂમિથી લાખો કિલોમીટર દૂર પણ ટકાવી રાખ્યો. દરમ્યાન તેમને ધર્મ, પરંપરાથી વિમુખ કરવાના પણ પ્રયાસો થયા, પરંતુ તેમણે એકતા અને સંઘર્ષના જોરે આ પ્રયાસો પણ સફળ થવા ન દીધા.
ત્રિનિદાદ સુધી કઈ રીતે પહોંચ્યા ભારતીયો?
1833માં બ્રિટિશ સરકારે ગુલામી સમાપ્ત કરવા માટે એક કાયદો પસાર કર્યો અને તેના કારણે તેની કોલોનીઓમાં (જ્યાં બ્રિટનનું શાસન હતું એવા દેશો) શ્રમિકોની અછત સર્જાઈ. ત્રિનિદાદ અને ટોબેગો જેવા અમુક પ્રદેશો એવા હતા, જ્યાં શેરડીની ખેતી અર્થવ્યવસ્થાનો મૂળ આધાર હતી. નવાં સમીકરણો સર્જાયા બાદ આ ખેતી માટે માણસોની જરૂર હતી. આ એ સમય હતો જ્યારે ભારત પણ બ્રિટિશ શાસન હેઠળ હતું. બ્રિટિશ સરકારે ભારતથી શ્રમિકો મોકલવાના શરૂ કર્યા. આ માટે લાગુ કરવામાં આવી ગિરમીટ પ્રથા.
આ પ્રથા હેઠળ ત્રિનિદાદ, ફિજી, મોરેશિયસ, ગુયાના વગેરે કોલોનીઓમાં શ્રમિકોને મોકલવામાં આવતા અને તેમની પાસે કરાર પર હસ્તાક્ષર કરાવવામાં આવતા. અંગ્રેજોએ આને સારા શબ્દોમાં સજાવીને રજૂ કર્યું હતું પણ વાસ્તવમાં એ શોષણની એક પદ્ધતિ જ હતી.
આ કરાર હેઠળ ભારતીયોને વિદેશોમાં અમુક ચોક્કસ સમયગાળા સુધી કામ કરવા લઈ જવાતા, જ્યાં મહેનતાણું, નિઃશુલ્ક તબીબી સારવાર, કરાર પૂર્ણ થાય ત્યારબાદ ભારત આવવાની પરવાનગી વગેરેના વાયદો કરવામાં આવતા. પરંતુ વાસ્તવિકતા કાયમ જુદી રહેતી. આવા શ્રમિકોને કામના કલાકો કરતાં વધુ મજૂરી કરાવાતી, શારીરિક સજા આપવામાં આવતી, કારણ વગરના કઠોર નિયમો લાદવામાં આવતા, કરાર પૂર્ણ થાય પછી પણ કામ કરાવવામાં આવતું. મોટાભાગના લોકોની સ્થિતિ બહુ કપરી રહેતી.

આવી જ સ્થિતિ ત્રિનિદાદ અને ટોબેગો પહોંચેલા ભારતીયોની હતી. 30 મે, 1845ના રોજ ફાથ-અલ-રઝાક નામના એક જહાજમાં 200 ભારતીયોએ પહેલી વખત ત્રિનિદાદ અને ટોબેગોની ધરતી પર પગ મૂક્યો. લગભગ ત્રણ મહિના સુધી સમુદ્રની યાત્રા કરીને તેઓ પહોંચ્યા હતા. યાત્રા પણ જોકે બહુ સુખદ કહી શકાય એવી રહી ન હતી. અત્યંત કપરી પરિસ્થિતિમાં તેઓ અહીં સુધી પહોંચ્યા હતા, માર્ગમાં અનેક મુસાફરો બીમાર પડતા, જે પછીથી બીજાઓમાં ફેલાતી, તેના કારણે ગંદકી પણ એટલી જ થતી. મુસાફરી દરમિયાન પણ તેમની સાથે સારો વ્યવહાર થતો ન હતો અને ખરાબ રીતે વર્તાવ કરવામાં આવતો.
પ્રશ્ન એ પણ થાય કે આ સ્થિતિમાં પણ જવા માટે ભારતીયો રાજી કેમ થતા હતા? કારણ એ છે કે અંગ્રેજ શાસન હેઠળ ત્યારે ભારતમાં પણ સ્થિતિ એટલી બહેતર ન હતી. ભયંકર કર ચૂકવવો પડતો, દુકાળમાં સ્થિતિ વધુ બગડતી, અંગ્રેજોના કઠોર કાયદા સામે લડવું પડતું. એ સ્થિતિમાં ભારતની બહાર કોઈ નવું જીવન મળે તેની શોધમાં ઘણા કરાર પર હસ્તાક્ષર કરી દેતા. પણ આ ‘નવજીવન’ માત્ર અંગ્રેજોના કાગળ પર હતું, બહાર પણ સ્થિતિ બહુ સારી ન હતી. અમુક કિસ્સાઓમાં આનાથી ખરાબ હતી.
1917 સુધી આ ગિરમીટ પ્રથા ચાલી ત્યાં સુધી ત્રિનિદાદમાં જહાજો આવતાં રહ્યાં અને આમ કરીને ટાપુ દેશમાં કુલ 1 લાખ 40 હજાર ભારતીયો એકઠા થઈ ગયા. અંગ્રેજોએ તેમને જે નવજીવનનાં સપનાં બતાવ્યાં હતાં, એ ખરેખર નવજીવન જેવું ન હતું, આગળ કપરા દિવસો તેમની રાહ જોતા હતા.
ભારતીયોએ અહીં જે સંઘર્ષનો સામનો કર્યો અને આ પડકારજનક સ્થિતિમાં કઈ રીતે ભારતીય સમુદાય અને ખાસ કરીને હિંદુ ધર્મ ટકી રહ્યો, એ આવતીકાલે જોઈશું.