Saturday, June 21, 2025
More
    હોમપેજદેશદેશની સુરક્ષા માટે બ્રિટિશ આર્મી ઓફિસર પતિની કરી દીધી હત્યા, પકડાયા બાદ...

    દેશની સુરક્ષા માટે બ્રિટિશ આર્મી ઓફિસર પતિની કરી દીધી હત્યા, પકડાયા બાદ પણ ન ખોલ્યું મોં…: શૌર્યગાથા દેશના પ્રથમ મહિલા જાસૂસ નીરા આર્યાની, જેમને પ્રતાડિત કરવા દુશ્મનોએ કાપી દીધા હતા તેમના સ્તન

    નીરાનું જીવન એક એવા મહિલાનું ઉદાહરણ છે, જેમણે સમાજની રૂઢિઓને તોડીને પોતાની કેડી કંડારી હતી. તે સમયે જ્યારે મહિલાઓની ભૂમિકા માત્ર ઘર સુધી મર્યાદિત હતી, ત્યારે આર્યાએ યુદ્ધના મેદાનમાં અને જાસૂસીના જોખમી કાર્યોમાં ભાગ લઈને મહિલા શક્તિનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

    - Advertisement -

    ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં અનેક નામો એવા છે જેમણે પોતાના અદમ્ય સાહસ અને દેશભક્તિ દ્વારા દેશની સ્વતંત્રતાની લડાઈમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમાંથી એક નામ છે નીરા આર્યા (Neera Arya). આર્યા ભારતના પ્રથમ મહિલા જાસૂસ (India’s first woman spy) તરીકે ઓળખાય છે. નીરા આર્યા એ નામ છે જે બહાદુરી, બલિદાન અને દેશપ્રેમનું પ્રતીક બની ગયું. તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજની (Azad Hind Fauj) રાણી ઝાંસી રેજિમેન્ટમાં રહીને એવા કાર્યો કર્યાં જે ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે લખાયેલા છે. તેમનું જીવન એક એવી પ્રેરણાદાયી ગાથા છે જે દરેક ભારતીયને ગર્વ અનુભવાવે છે.

    સ્વતંત્રતાના સંઘર્ષમાં સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજના યોગદાન વિશે વિશ્વ આખું જાણે છે. અંગ્રેજો માત્ર ‘અહિંસાની લડાઈ’થી હારીને નહોતા ગયા. પરંતુ તેના સામે સૌથી મોટો પડકાર હતો નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ. રાષ્ટ્રીય સેનાએ અંગ્રેજ સેનામાં એવો હડકંપ મચાવી દીધો હતો કે, ભારતીય સૈનિકો દેશભરમાં બળવો કરવા લાગ્યા હતા. આ જ આઝાદ હિન્દ ફૌજના મહિલા સિપાહી અને જાસૂસ હતા નીરા આર્યા. આ વિશેષ લેખમાં આપણે તેમના બલિદાન અને ત્યાગ વિશે વાત કરીશું.

    કોણ હતા નીરા આર્યા?

    નીરા આર્યાનો જન્મ 5 માર્ચ, 1902ના રોજ ઉત્તર પ્રદેશના બાગપતના ખેકડા નગરમાં થયો હતો. પિતાનું નામ શેઠ છજજુમલ હતું. સ્વતંત્રતા પહેલાંનો સમય હતો. દેશ અંગ્રેજોની આંગળીઓને ટેરવે ચાલી રહ્યો હતો અને ક્રાંતિવીરો સતત સ્વાધીનતાની મશાલ સળગાવી રહ્યા હતા. નીરા પણ બાળપણથી નિર્ભીક અને સાહસી સ્વભાવના હતા. પરિપક્વતા પહેલાં જ તેઓ ભારતની સ્વાધીનતા વિશે જાણવા લાગ્યા હતા અને ધીમે-ધીમે દેશની સ્વાધીનતાનો સંઘર્ષ તેમના મન અને મસ્તિષ્કમાં ઘર કરી ગયો હતો. તેમણે નક્કી કર્યું હતું કે, તેઓ રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ થશે.

    - Advertisement -

    નીરાના પિતા એક વ્યવસાયી હતા અને પોતાના બાળકોને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપવા માંગતા હતા. તેથી તેમણે નીરા આર્યા અને તેમના ભાઈ બસંતને કોલકાતા અભ્યાસ માટે મોકલ્યા હતા. પરંતુ, નીરાના મનમાં બાળપણથી જ દેશભક્તિની જ્વાળા પ્રગટી ગઈ હતી. અભ્યાસ દરમિયાન જ તેમણે સ્વાધીનતા સંગ્રામમાં સામેલ થવાનું નક્કી કરી લીધું હતું અને ક્રાંતિકારી ગતિવિધિઓમાં જોડાઈ ગયા હતા.

    દિવસો જતાં ગયા અને નીરા આર્યા યુવાવસ્થામાં પ્રવેશ્યા. તેમનું શિક્ષણ હિન્દી, અંગ્રેજી અને બંગાળી ભાષાઓમાં થયું હતું, જેનો ઉપયોગ તેમણે પાછળથી જાસૂસીના કાર્યોમાં અસરકારક રીતે કર્યો. તેમના જીવનનો એક મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમના લગ્ન શ્રીકાંત સાથે થયા. શ્રીકાંત બ્રિટિશ આર્મીમાં CID વિભાગમાં નોકરી કરતો હતો અને આ લગ્ન નીરાના જીવનની એક મોટી ટ્રેજેડીનો આરંભ બન્યા હતા. જોકે, નીરાએ આ પડકારજનક સંજોગોમાં પણ પોતાની દેશભક્તિ અને હિંમતને જાળવી રાખી.

    આઝાદ હિંદ ફોજ અને રાણી ઝાંસી રેજિમેન્ટ

    1942માં જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજની (Indian National Army – INA) સ્થાપના કરી ત્યારે તેમણે મહિલાઓને પણ આ લડાઈમાં સામેલ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ માટે તેમણે રાણી ઝાંસી રેજિમેન્ટની રચના કરી, જેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહગલે કર્યું. નીરા આર્યા આ રેજિમેન્ટનના એક મહત્વના સભ્ય બન્યા. આ રેજિમેન્ટમાં સામેલ થવા માટે નીરાએ નાની ઉંમરે જ પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી.

    રાણી ઝાંસી રેજિમેન્ટ એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહિલાઓની ભૂમિકાનું એક અજોડ ઉદાહરણ છે. આ રેજિમેન્ટની મહિલાઓએ ન માત્ર યુદ્ધના મેદાનમાં ભાગ લીધો, પરંતુ જાસૂસી, ગુપ્ત સંદેશાઓની આપ-લે અને અન્ય જોખમી કાર્યોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી. નીરા આર્યા આ રેજિમેન્ટના એક બહાદુર સૈનિક હતા, જેમણે જાસૂસ તરીકે અનેક જોખમી મિશન પૂર્ણ કર્યાં હતા.

    આઝાદ હિન્દ ફૌજ માટે કરી અંગ્રેજોની જાસૂસી

    નીરા આર્યાને ભારતના પ્રથમ મહિલા જાસૂસ તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાસૂસીની કામગીરી એટલી ગુપ્ત અને જોખમી હતી કે તેમને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે જો તેઓ દુશ્મનના હાથે પકડાઈ જાય તો પોતાને ગોળી મારીને વીરગતિ પામવું. આવા કડક નિર્દેશો હોવા છતાં, નીરાએ પોતાની હિંમત અને બુદ્ધિમત્તાને કારણે અનેક મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યાં હતા.

    તેમની જાસૂસીની કામગીરીમાં અંગ્રેજોની ગુપ્ત માહિતી એકઠી કરવી, આઝાદ હિંદ ફૌજના સૈનિકોને સંદેશાઓ પહોંચાડવા અને દુશ્મનની હિલચાલ પર નજર રાખવી જેવા કાર્યોનો સમાવેશ થતો હતો. નીરા અંગ્રેજી, હિન્દી અને બંગાળી ભાષાઓમાં નિપુણ હતા, જેના કારણે તેઓ અંગ્રેજોની નજરમાં આવ્યા વિના ગુપ્ત માહિતી એકઠી કરી શકતા હતા.

    દેશ માટે પોતાના પતિની કરી હત્યા

    નીરા આર્યાના જીવનની સૌથી હૃદયસ્પર્શી અને ચોંકાવનારી ઘટના તેમના પતિ શ્રીકાંત સાથે જોડાયેલી છે. શ્રીકાંત અંગ્રેજ સેનામાં CID ઇન્સ્પેકટર હતો. કહેવામાં આવે છે કે, જ્યારે શ્રીકાંતને નેતાજી સુભાષચંદ્ર બોઝની સેનામાં નીરા જોડાયેલા હોવાની માહિતી મળી કે તરત જ તેણે તેમની જાસૂસી શરૂ કરી દીધી હતી. એક વખત જ્યારે નીરા આર્યા બોઝને મળવા ગયા તો શ્રીકાંતે તેમનો પીછો કરવાનું શરૂ કરી દીધું. તે સમયે શ્રીકાંતે સુભાષચંદ્ર બોઝની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ભારતીય સેનાનું મનોબળ તૂટી જાય.

    જોકે, સુભાષચંદ્ર બોઝને તો કશું ન થયું, પરંતુ તે જ સમયે નીરા આર્યાએ પોતાના જ પતિની હત્યા કરી નાખી. અંગ્રેજોએ આ ગુનામાં નીરા આર્યાની ધરપકડ કરી તેમને કાળાપાણીની સજા સંભળાવીને અંદમાન ઍન્ડ નિકોબાર જેલમાં મોકલી દીધા. તેમ છતાં તેમણે સમર્પણનો સ્વીકાર ન કર્યો. અંગ્રેજોએ તેમને લાલચ આપી હતી કે, જો તેઓ આઝાદ હિન્દ ફૌજ અને ખાસ કરીને નેતાજી વિશે માહિતી આપશે તો તેમને મુક્ત કરવામાં આવશે. પરંતુ, તેમણે દેશભક્તિ સાથે કોઈ સમાધાન ન કર્યું.

    જેલમાં વારંવાર તેમની તપાસ કરવામાં આવી રહી હતી અને પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ સમગ્ર વાતો તેમણે લેખક ફરહાન તાજને પણ જણાવી હતી. આગળ જતાં ફરહાને ‘First Lady Spy Of INA: Neera Arya- Espionage and Heroism in the INA’ પુસ્તકમાં આ ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તે પુસ્તક અનુસાર, આર્યાને જેલમાં નેતાજી વિશે વારંવાર પૂછવામાં આવતું હતું, પરંતુ તેમનો માત્ર એક જ જવાબ હતો કે, પ્લેન ક્રેશમાં નેતાજીનું મૃત્યુ થઈ ગયું છે. પરંતુ નેતાજીના મૃત્યુને લઈને તે સમયે અનેક અટકળો વહેતી હતી.

    અંગ્રેજોનો અમાનુષી અત્યાચાર, મહિલા સૈનિકના કાપ્યા સ્તન

    પુસ્તક અનુસાર, મહિલા સૈનિકને વારંવાર પ્રતાડિત કરવામાં આવતા હતા અને નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે પૂછવામાં આવતું હતું. તેમને ટૉર્ચર કરીને આ સવાલનો જવાબ માંગવામાં આવી રહ્યો હતો. તેવામાં એક દિવસે નીરા આર્યા રોષે ભરાયા અને કહ્યું કે, “નેતાજી સુભાષચંદ્ર બોઝ મારા હ્રદયમાં છે.” આ વાત પર જેલરે કહ્યું કે, “જો નેતાજી તેના હ્રદયમાં છે તો ત્યાંથી કાઢો તેને.” ત્યારબાદ એક અન્ય જેલરે મહિલા સૈનિકના કપડાં ફાડી નાખ્યા અને બ્રેસ્ટ રીપરથી સ્તન કાપી નાખ્યા.

    નીરા આર્યા આટલી ભયાનક યાતના બાદ પણ ઝૂક્યા નહીં અને નેતાજી વિશે કઈ બોલ્યા નહીં. તેમણે અંતિમ શ્વાસ સુધી ભારતની સ્વાધીનતાના સ્વપ્ન જોયા અને નેતા તરીકે સુભાષચંદ્ર બોઝને સ્વીકાર કર્યા. જોકે, સ્વતંત્રતા બાદ જેલમાં બંધ નીરા આર્યાને મુક્ત કરવામાં આવ્યા હતા અને સ્થિતિ એવી હતી કે, તેમણે બાકીની જિંદગી ફૂલ વેચીને ગુજારવી પડી હતી. તેમણે 26 જુલાઈ 1998ના રોજ હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. જોકે, સ્વતંત્ર ભારતની સરકારે તેમને આર્થિક સહાય આપવાના પ્રયાસ કર્યાં પણ નીરાએ સહાય લેવાનો ઇનકાર કરી દીધો હતો.

    નીરાનું જીવન એક એવા મહિલાનું ઉદાહરણ છે, જેમણે સમાજની રૂઢિઓને તોડીને પોતાની કેડી કંડારી હતી. તે સમયે જ્યારે મહિલાઓની ભૂમિકા માત્ર ઘર સુધી મર્યાદિત હતી, ત્યારે આર્યાએ યુદ્ધના મેદાનમાં અને જાસૂસીના જોખમી કાર્યોમાં ભાગ લઈને મહિલા શક્તિનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

    અંગત જીવનમાં સંઘર્ષ અને ત્યાગ

    નીરા આર્યાનું અંગત જીવન દુ:ખ અને ત્યાગની ગાથાથી ભરેલું છે. તેમના લગ્ન શ્રીકાંત સાથે થયા હતા, જે બ્રિટિશ સરકારનો નોકર હતો. આ લગ્ન નીરાના જીવનનો એક પડકારજનક ભાગ બન્યા, કારણ કે શ્રીકાંતે નીરાની દેશભક્તિનો વિરોધ કર્યો. નીરાએ પોતાના પતિની હત્યા કરવાનો નિર્ણય લીધો, જે તેમના માટે એક ભાવનાત્મક અને નૈતિક રીતે મુશ્કેલ નિર્ણય હતો. તેમ છતાં રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી તેમણે તેમના પતિની પણ હત્યા કરી નાખી.

    આ ઉપરાંત, જ્યારે નીરા અંગ્રેજોના હાથે પકડાઈ ગયા હતા, ત્યારે તેમણે જે યાતનાઓનો સામનો કર્યો તે કોઈપણ સામાન્ય મનુષ્યને તોડી નાખે. પરંતુ મહિલા સૈનિકની અદમ્ય શક્તિ અને દેશભક્તિએ તેમને આ યાતનાઓનો સામનો કરવાની તાકાત આપી હતી. તેમનો આ ત્યાગ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની એક અજોડ ગાથા છે, જે આજે પણ મહિલા સશક્તિકરણ માટે એક મિસાલરૂપ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં