હોમપેજરાજકારણ'ચરબીવાળા કારતૂસ'થી ઉઠાવી ક્રાંતિની જ્વાળા, 1857ના સંગ્રામ માટે ફૂંક્યો પ્રથમ શંખનાદ: વાત...

‘ચરબીવાળા કારતૂસ’થી ઉઠાવી ક્રાંતિની જ્વાળા, 1857ના સંગ્રામ માટે ફૂંક્યો પ્રથમ શંખનાદ: વાત ક્રાંતિવીર મંગલ પાંડેના અમર બલિદાનની, જેમને ભયભીત અંગ્રેજોએ 10 દિવસ પહેલાં જ આપી દીધી હતી ફાંસી

મંગલ પાંડેના બલિદાને 1857માં અંગ્રેજો સામે પ્રથમ મોટા વિદ્રોહની ચિનગારી સળગાવી હતી, જેને આજે આપણે ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહીએ છીએ.

- Advertisement -

સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક મંગલ પાંડેની (Mangal Pandey) આજે જન્મજયંતી છે. 198 વર્ષ પહેલાં જન્મેલા આ ક્રાંતિવીરે 1857ના વિપ્લવમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવીને ક્રાંતિકારી ચળવળનાં બીજ વાવ્યાં હતાં, જે માર્ગ પર ચાલીને પછીથી એક જનઆંદોલન ઊભું થયું અને બ્રિટિશ શાસનના પાયા હચમચી ઉઠ્યા. પોતે બલિદાન આપ્યું પરંતુ અંગ્રેજો વિરુદ્ધ જનાક્રોશને નવજીવન આપ્યું, ક્રાંતિકારી સંઘર્ષને નવી શક્તિ આપી. આજે સમગ્ર દેશ તેમને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 19 જુલાઈએ સવારે મંગલ પાંડેને યાદ કરીને નમન કર્યા.

પીએમ મોદીએ એક્સ પર લખ્યું, “મહાન સ્વતંત્રતા સેનાની મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેઓ બ્રિટિશ શાસનને પડકારનાર દેશના અગ્રણી યોદ્ધાઓમાંના એક હતા. તેમની બહાદૂરી અને પરાક્રમની કથા દેશવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.”

આ પોસ્ટ દ્વારા પીએમ મોદીએ માત્ર મંગલ પાંડેની બહાદૂરીને યાદ નથી કરી, પરંતુ દેશવાસીઓને તેમના બલિદાનથી પ્રેરણા લેવાનું આહ્વાન પણ કર્યું. મંગલ પાંડેના બલિદાને 1857માં અંગ્રેજો સામે પ્રથમ મોટા વિદ્રોહની ચિનગારી સળગાવી હતી, જેને આજે આપણે ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહીએ છીએ. આ વિશેષ અહેવાલમાં મંગલ પાંડેના જીવન, તેમના વિદ્રોહની કથા, અંગ્રેજોએ તેમને કેવી રીતે પકડ્યા, શા માટે 10 દિવસ પહેલાં ફાંસી આપવામાં આવી અને અંગ્રેજોને કયો ડર સતાવતો હતો તે જાણીએ.

- Advertisement -

મંગલ પાંડે: એક સામાન્ય સિપાઈથી ક્રાંતિવીર સુધી

મંગલ પાંડેનો જન્મ 19 જુલાઈ, 1827ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નગવા ગામમાં એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. કેટલાક ઈતિહાસકારોના મતે તેમનો જન્મ અયોધ્યા નજીક સુરુરપુર ગામમાં થયો હતો, પરંતુ તેમનું કુટુંબ બલિયાનું જ હતું. તેમના પિતાનું નામ દિવાકર પાંડે હતું અને પરિવારની આર્થિક સ્થિતિ ખાસ સારી નહોતી. તેમ છતાં મંગલમાં બાળપણથી જ દેશભક્તિ અને અન્યાય સામે લડવાનો જુસ્સો હતો.

1849માં માત્ર 18 વર્ષની ઉંમરે તેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની 34મી બંગાળ નેટિવ ઈન્ફન્ટ્રીમાં સિપાઈ બન્યા. તે સમયે બ્રિટિશ સેનામાં ભારતીય સિપાઈઓની સંખ્યા વધુ હતી, પરંતુ તેમનું શોષણ વધુ કરવામાં આવતું. ઓછો પગાર, ભેદભાવ અને અંગ્રેજોની મનમાનીથી સિપાઈઓ નારાજ હતા. આ જ આક્રોશ મંગલ પાંડેની અંદર પણ હતો, જે પાછળથી તેમના વિદ્રોહનું કારણ પણ બન્યો.

1857નો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ અને મંગલ પાંડેની ભૂમિકા

1857નો વિદ્રોહ, જેને ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહેવાય છે, તે કોઈ એક દિવસની ઘટના નહોતી. આ વર્ષોથી એકઠા થયેલા ગુસ્સાનો વિસ્ફોટ હતો. અંગ્રેજોએ ભારતીય રાજાઓનાં રજવાડાં પડાવી લીધાં હતાં. ખેડૂતો પર ભારે કર લાદ્યા અને ભારતીય સિપાઈઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવતી હતી. જોકે વિદ્રોહ પાછળનું એક મોટું કારણ હતું– નવી એનફીલ્ડ રાઈફલના કારતૂસ.

1850ના દાયકામાં અંગ્રેજોએ આ રાઈફલ ભારતીય સિપાઈઓને આપી, પરંતુ તેના કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબી હોવાની અફવા ફેલાઈ. આ કારતૂસને મોંથી કાપીને રાઈફલમાં ભરવાનું હતું, જે હિંદુ અને મુસ્લિમ સિપાઈઓની ધાર્મિક લાગણીઓની વિરુદ્ધ હતું. આ વાત જંગલની આગની જેમ ફેલાઈ અને અસંતોષ વધતો ગયો.

મંગલ પાંડેએ આ અસંતોષને અવાજ આપ્યો. 29 માર્ચ, 1857ના રોજ જ્યારે તેઓ પશ્ચિમ બંગાળના બેરેકપુર છાવણીમાં તૈનાત હતા ત્યારે તેમણે વિદ્રોહનું બ્યુગલ વગાડ્યું. મંગલે કારતૂસનો ઉપયોગ કરવાનો ઈનકાર કર્યો અને પોતાના સાથી સિપાઈઓને અંગ્રેજો સામે ઊભા થવા કહ્યું. તેમણે જોરદાર નારો લગાવ્યો, ‘મારો ફિરંગી કો…’અને બે બ્રિટિશ અધિકારીઓ, લેફ્ટનન્ટ બૉગ અને સાર્જન્ટ-મેજર હ્યુસન પર હુમલો કરી દીધો.

મંગલે બૉગને ઘાયલ કર્યો અને હ્યુસનને મારી નાખ્યો. આ ઘટના સમગ્ર દેશમાં ક્રાંતિની શરૂઆત બની. મંગલ પાંડેની આ હિંમતે સિપાઈઓ અને સામાન્ય લોકોમાં અંગ્રેજો સામે ગુસ્સો ભડકાવ્યો. ઇતિહાસકારો માને છે કે મંગલ પાંડેનું આ પગલું 1857ના સંગ્રામનું પ્રથમ મોટું પગલું હતું, જેનાથી અંગ્રેજો રીતસર ડરી ગયા હતા.

અંગ્રેજોએ મંગલ પાંડેને કેવી રીતે પકડ્યા?

મંગલ પાંડેનો વિદ્રોહ જોઈને બેરેકપુર છાવણીમાં હડકંપ મચી ગયો. તેમના હુમલા બાદ કેટલાક સિપાઈઓએ તેમનો સાથ આપ્યો, પરંતુ સમગ્ર રેજિમેન્ટ એકજૂટ ન થઈ શકી. મંગલે પોતાને ગોળી મારવાનો પ્રયાસ કર્યો જેથી અંગ્રેજોના હાથે ન ઝડપાય. તેમણે પોતાની બંદૂકની નાળ છાતી પર મૂકી અને પગથી ટ્રિગર દબાવ્યું, પરંતુ ગોળીએ તેમને માત્ર ઘાયલ કર્યા. આ પછી બ્રિટિશ જનરલ જોન હર્સીએ પરિસ્થિતિને સંભાળી.

હર્સીએ સિપાઈઓને ધમકી આપી કે જે મંગલને નહીં રોકે તેને ગોળી મારી દેવામાં આવશે. આખરે એક સિપાઈએ મંગલ પાંડેને પકડી લીધા. મંગલને ઝડપી લેવાયા અને તેમની સામે કોર્ટ માર્શલમાં કેસ ચલાવવામાં આવ્યો. મંગલે સરાજાહેર કબૂલ્યું કે તેમણે અંગ્રેજો સામે વિદ્રોહ કર્યો. કોર્ટે તેમને ફાંસીની સજા સંભળાવી અને તારીખ નક્કી કરી– 18 એપ્રિલ 1857.

10 દિવસ પહેલાં ફાંસી શા માટે?

અંગ્રેજોએ નક્કી કરેલી તારીખથી 10 દિવસ પહેલાં એટલે કે 8 એપ્રિલ, 1857ના રોજ બેરેકપુરમાં ગુપ્ત રીતે મંગલ પાંડેને ફાંસી આપી દીધી. આનું કારણ હતું અંગ્રેજોનો ડર. મંગલ પાંડેની બહાદૂરીના વાવડ ઝડપથી ફેલાઈ રહ્યા હતા. બેરેકપુરના સિપાઈઓ ઉપરાંત આસપાસની છાવણીઓમાં પણ વિદ્રોહની ચર્ચાઓ શરૂ થઈ હતી. અંગ્રેજોને ડર હતો કે જો મંગલને જીવતા રાખવામાં આવશે અથવા ફાંસીમાં વિલંબ થશે, તો તેમની ચિનગારી સમગ્ર દેશમાં આગ લગાડી દેશે. તેથી તેમણે ઉતાવળમાં 8 એપ્રિલે ફાંસી આપી દીધી, જેથી વિદ્રોહને કચડી નાખવામાં આવે. પરંતુ આ તેમની ભૂલ હતી. કારણ કે મંગલ પાંડેના બલિદાને વિદ્રોહને વધુ ભડકાવ્યો.

અંગ્રેજોને કયો ડર હતો?

અંગ્રેજોનો સૌથી મોટો ડર હતો કે મંગલ પાંડેનો વિદ્રોહ એક મોટા સ્વતંત્રતા આંદોલનમાં ફેરવાઈ જશે. તે સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં લાખો ભારતીય સિપાઈઓ હતા અને જો તેઓ એકજૂટ થઈ જાય તો અંગ્રેજોનું શાસન ખતમ થઈ શકે છે. મંગલની કાર્યવાહી બાદ મેરઠ, દિલ્હી, કાનપુર, લખનૌ જેવાં શહેરોમાં વિદ્રોહની ચિનગારી ફેલાઈ. 20 એપ્રિલે હિમાચલ પ્રદેશના કસૌલીમાં સિપાઈઓએ એક પોલીસ ચોકી સળગાવી દીધી. 10 મે, 1857ના રોજ મેરઠમાં સિપાઈઓએ બ્રિટિશ અધિકારીઓને મારી નાખ્યા અને દિલ્હી તરફ કૂચ કરી.

ત્યાં તેમણે મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરને પોતાના નેતા તરીકે જાહેર કર્યા. લખનૌમાં 30 મેના રોજ ચિનહટ અને ઈસ્માઈલગંજમાં ખેડૂતો, મજૂરો અને સિપાઈઓએ અંગ્રેજો સામે હથિયાર ઉપાડ્યાં. કાનપુરમાં નાના સાહેબ, ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ અને લખનૌમાં બેગમ હઝરત મહેલે વિદ્રોહની આગેવાની સંભાળી. અંગ્રેજોને ડર હતો કે જો મંગલ પાંડેને જલ્દી ખતમ ન કરવામાં આવે તો આ વિદ્રોહ આખા ભારતને સ્વતંત્રતાના માર્ગે લઈ જશે.

મંગલ પાંડેનો વારસો

મંગલ પાંડેના બલિદાને 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામને નવી તાકાત આપી. ભલે અંગ્રેજોએ આ વિદ્રોહને દબાવી દીધો, પરંતુ તેનાથી તેમની નબળાઈ ઉજાગર થઈ. 1858માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન ખતમ થયું અને બ્રિટિશ ક્રાઉને ભારત પર સીધું શાસન શરૂ કર્યું. મંગલ પાંડેની વીરગતિએ ભારતીયોમાં સ્વતંત્રતાની ચાહના જગાડી, જે 1947માં પૂર્ણ થઈ. તેમની યાદમાં 1984માં ભારત સરકારે ડાક ટિકિટ જારી કરી. 2005માં તેમના જીવન પર ‘મંગલ પાંડે: ધ રાઈઝિંગ’ નામની ફિલ્મ પણ બની. મંગલ પાંડે માત્ર એક સિપાઈ નહોતા, પરંતુ ભારતની આઝાદીની પ્રથમ ચિનગારી હતા.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં