Monday, January 13, 2025
More
    હોમપેજદેશશાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા 700થી વધુ ખેડૂતોનો બ્રિટિશ સરકારે કર્યો હતો નરસંહાર:...

    શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા 700થી વધુ ખેડૂતોનો બ્રિટિશ સરકારે કર્યો હતો નરસંહાર: વાત છે જલિયાંવાલા બાગ કરતા પણ ઘાતક 1921ના મુન્શીગંજ હત્યાકાંડની , જેણે બદલી હતી કોંગ્રેસની માનસિકતા

    104 વર્ષ પહેલાં ઇમ્પિરિયલ પોલીસે 2000થી વધુ નિઃશસ્ત્ર ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો. તેમની યાદમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે, જે આપણને અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા ભયંકર અત્યાચાર અને અમાનવીયત બર્બરતાની યાદ અપાવે છે.

    - Advertisement -

    જલિયાંવાલા બાગ હત્યાકાંડ વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ તે સિવાય પણ આપણાં દેશની ધરતીએ અનેક રક્તરંજિત ઇતિહાસ પોતાની ભીતર સમાવ્યો છે. આજે વાત કરવા જઈ રહ્યા છીએ 1921ના મુન્શીગંજ હત્યાકાંડની. સ્વતંત્રતાના (Independence) 78 વર્ષ પછી આજે ભારત એવા વિજયોની ઉજવણી કરી રહ્યું છે જેણે ભારતની સ્વતંત્રતા સુધીની યાત્રાને વ્યાખ્યાયિત કરી હતી. ઇતિહાસના પાનાંઓમાં બ્રિટિશ શાસનથી (British Rule) સ્વતંત્રતા મેળવવામાં ફાળો આપતાં ઘણા આંદોલનોનું નામ અંકાયેલું છે. જેનું એક મુખ્ય ઉદાહરણ એટલે ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના મુન્શીગંજના ખેડૂતો દ્વારા કરાયેલ સંઘર્ષ. મુન્શીગંજ ખેડૂત આંદોલન બ્રિટીશ સત્તા દ્વારા કરવામાં આવેલ હત્યાકાંડ (Munshiganj Massacre) માટે જાણીતું છે.

    1919ના જલિયાંવાલા બાગની ઘટનાને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન એક ભયાનક ઘટના તરીકે યાદ કરવામાં આવે છે, પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે, આવી જ એક ઘટના મુન્શીગંજમાં પણ બની હતી. 104 વર્ષ પહેલાં, ઇમ્પિરિયલ પોલીસે આ પ્રદેશમાં 2000થી વધુ નિઃશસ્ત્ર ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો. તેમની યાદમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે, જે આપણને અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા ભયંકર અત્યાચાર અને અમાનવીયત બર્બરતાની યાદ અપાવે છે. ઘણા તજજ્ઞો તો એવું પણ માને છે કે, આ ઘટના જલિયાંવાલા બાગ દુર્ઘટના કરતાં પણ મોટી હતી.

    (ફોટો: દૈનિક ભાસ્કર)

    દુર્ભાગ્યપૂર્ણ ઘટના 7 જાન્યુઆરી, 1921ના રોજ બની હતી. આ ઘટના એવા બલિદાનની ગાથા છે, જેમાં ખેડૂતોએ બ્રિટિશ શાસનના દમનકારી અને ક્રૂર કાર્યોનો બહાદુરીપૂર્વક પ્રતિકાર કર્યો હતો. આ ઘટના દીનશાહ ગૌરા વિકાસ ખંડના ભગવંતપુર ચંદનીહા ગામથી શરૂ થઈ હતી. દમનકારી સરકારના આદેશ પર, પોલીસે સેંકડો નિઃશસ્ત્ર અને નિર્દોષ ખેડૂતોના શરીરમાં ગોળીઓ ધરબી દીધી હતી. જેના લીધે સઈ નદીનું પાણી ખેડૂતોના લોહીથી લાલ થઈ ગયું હતું, જેમાંથી ઘણા લોકોએ દેશ માટે પોતાનો જીવ આપીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.

    - Advertisement -

    અંગ્રેજ અમલદારના દમનકારી પગલાંથી ખેડૂતો થયા હતા ત્રાહિમામ

    બ્રિટિશ શાસન દરમિયાન, જમીનદારો અને રાશન ડીલરોનો રાયબરેલી પર નોંધપાત્ર પ્રભાવ હતો. તેઓ ખેડૂતોને જમીન આપતા ઉપરાંત બ્રિટિશરો માટે કર વસૂલવાની જવાબદારી પણ સંભાળતા હતા. 5 જાન્યુઆરી 1921ના રોજ, તત્કાલીન તાલુકદાર (મામલતદાર) ત્રિભુવન બહાદુર સિંઘના દમનકારી પગલાંથી પીડિત ખેડૂતોએ પંડિત અમોલ શર્મા અને બાબા જાનકીદાસના નેતૃત્વમાં એક જાહેરસભા બોલાવી હતી. ગામના ગુસ્સે ભરાયેલા ખેડૂતો જાહેરસભામાં હાજર રહ્યા અને તાલુકદારના નિવાસસ્થાનનો ઘેરાવ કર્યો. પોતાના ઘરની આસપાસ હજારો ખેડૂતોને ઘેરાયેલા જોઈને, તેમણે તાત્કાલિક જિલ્લા મેજિસ્ટ્રેટ એજી શરીફને પરિસ્થિતિ વિશે જાણ કરી.

    શરીફ પોલીસ ટુકડી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને પંડિત અમોલ શર્મા, બાબા જાનકીદાસ અને બદ્રી નારાયણ સિંઘ સહિતના કિસાન સભાના નેતાઓને ઉકેલ માટે વાટાઘાટો કરવા માટે મહેલમાં બોલાવ્યા હતા. જોકે, તે એક કાવતરું હતું અને બાદમાં તેમને અટકાયતમાં લેવામાં આવ્યા અને રાયબરેલી જેલમાં લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને તાત્કાલિક લખનૌ ખસેડવામાં આવ્યા, જેથી સભાને નિષ્ફળ બનાવી શકાય. તે સમયે બાબા રામ ચંદ્રની (1920 અને 1930ના દાયકામાં જમીનદારોના અત્યાચાર સામે લડવા માટે અવધના ખેડૂતોને સંગઠિત કરનાર ટ્રેડ યુનિયનિસ્ટ) ગેરહાજરી હોવા છતાં, ખેડૂતોએ તેમના પ્રિય નેતાને મુક્ત કરવા માટે રાયબરેલી તરફ કૂચ કરી હતી, જે બાદ તેઓ 6 જાન્યુઆરીના રોજ મુન્શીગંજ પહોંચ્યા હતા.

    મુન્શીગંજમાં બનેલ સ્મારક (ફોટો: દૈનિક ભાસ્કર)

    પ્રભાવશાળી નેતાઓની ધરપકડના સમાચાર ઝડપથી અવધ પ્રાંતમાં ફેલાઈ ગયા હતા અને લોકો રાયબરેલીમાં ભેગા થવા લાગ્યા હતા. ચારે બાજુથી શ્રમિકો અને ખેડૂતો શહેરમાં ઉમટી પડ્યા હ. જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટે શહેરને ઘેરાતું જોયું ત્યારે તેમણે વધુ લોકોને આવતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે મુન્શીગંજ પુલ તરફ જતો રસ્તો બળદગાડાઓથી બંધ કરી દીધો, જેથી તેઓ આગળ ન વધી શકે. ખેડૂતોના અડગ વલણને કારણે બ્રિટીશ અધિકારીઓએ તેમને સઈ નદી પાસે જ રોકવાની ફરજ પડી. ખેડૂતોએ માર્તંડ વૈદ્યને એક તાર મોકલીને આ બાબતની જાણ કરી અને પંડિત મોતીલાલ નેહરુને હાજર રહેવા વિનંતી કરી. તેમના પુત્ર જવાહરલાલ નહેરુને તેમની ગેરહાજરીમાં સંદેશ મળ્યો અને તેઓ તરત જ રાયબરેલી જવા રવાના થઈ ગયા.

    બીજા દિવસે, આખા ગામમાં એવી અફવા ફેલાઈ ગઈ કે લખનૌના જેલ પ્રશાસને બંને નેતાઓની હત્યા કરી દીધી છે. 7 જાન્યુઆરીના રોજ, મોટી સંખ્યામાં ખેડૂતો તેમના નેતાઓ માટે સઈ નદીના કિનારે એકઠા થવા લાગ્યા. વધતી ભીડને ધ્યાનમાં રાખીને, નદી કિનારે મોટી સંખ્યામાં પોલીસદળ તહેનાત કરવામાં આવ્યું. પરિસ્થિતિ બગડતી જોઈને, પંડિત જવાહરલાલ નેહરુ મુન્શીગંજ તરફ આગળ વધ્યા, પરંતુ તેમને મેજિસ્ટ્રેટે ઓફિસના પરિસર પાસે જ રોકી લઈને આગળ વધતા અટકાવવામાં આવ્યા.

    ખેડૂતોના રક્તથી લાલ થઈ ગઈ હતી નદી

    બ્રિટિશ સત્તાવાળાઓએ પહેલાંથી જ હથિયારોનો ઉપયોગ કરવાની યોજના બનાવી હતી. અંગ્રેજોને એવો ડર હતો કે, નદી કિનારે નેહરુની હાજરીથી તેમની હત્યાનો પ્રયાસ થઈ શકે છે અને અગાઉથી જ તણાવપૂર્ણ વાતાવરણ હતું તેથી ભયના કારણે તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. બીજી તરફ વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા અને પોલીસે ખેડૂતો પર નિર્મમ ગોળીબાર કરીને પ્રદર્શનનો જવાબ આપવાનું શરૂ કર્યું. સરદાર બીરપાલ સિંઘે ચલાવેલી ગોળીથી એક ખેડૂત ઘાયલ થયો હતો. જે ક્ષણે બદલુ ગૌડ જમીન પર પડ્યો, બ્રિટિશ સૈનિકોએ તેને હુમલો કરવાના સંકેત માની લીધો. એવું કહેવાય છે કે, ગોળી વાગ્યા બાદ, ઘણા ખેડૂતો સઈ નદીમાં પડી ગયા હતા, જેના કારણે નદીનું પાણી તેમના લોહીથી લાલ થઈ ગયું હતું.

    સ્મારકનું પરિસર (ફોટો: દૈનિક ભાસ્કર)

    મુન્શીગંજ હત્યાકાંડ દરમિયાન ખેડૂતો પર વરસાવી હતી ગોળીઓ

    ખેડૂતો બ્રિટિશ સરકાર વિરુદ્ધ તેમની અસંમતિ વ્યક્ત કરી રહ્યા હતા. તેમણે ગેરકાયદેસર કર વસૂલાત બંધ કરવા અને ખેડૂતો પર થતા અત્યાચાર અટકાવવાની માંગણી કરતા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ દ્રશ્યથી બ્રિટિશ સરકારી અધિકારીઓમાં ભયનો માહોલ સર્જાયો અને તેઓ ગભરાઈ ગયા અને ગોળીબારનો આદેશ આપી દીધો. આ ઘટનામાં દસ હજારથી વધુ રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેના કારણે ઓછામાં ઓછા 750 ખેડૂતો મૃત્યુ પામ્યા હતા અને 1,500થી વધુ ઘાયલ થયા હતા, છતાં ગોળીબાર ચાલુ રહ્યો હતો. પકડાયેલા લોકોને 100 રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.

    સ્વાતંત્ર્ય સેનાનીઓના વારસાને સમર્પિત સંગઠનનું સંચાલન કરતા અનિલ મિશ્રા અનુસાર, મુન્શીગંજ ગોળીબાર ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના છે, જેમાં અસંખ્ય ખેડૂતોના બલિદાનનું યોગદાન રહ્યું છે. પરિણામે, આ ઘટના તે સમયગાળાના સ્વાતંત્ર્ય સંગ્રામની વિશિષ્ઠ ગાથા બની ગઈ. સ્થાનિક રાજકીય અધિકારી વિજય વિદ્રોહીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મુન્શીગંજ ગોળીબાર ઘણી રીતે નોંધપાત્ર હતો. અન્ય આંદોલનો સાથે તેની સરખામણી કરવી યોગ્ય નથી. જોકે, એ વાત સાચી છે કે, આ ઘટનાને સ્વતંત્રતા સંગ્રામમાં જે ઐતિહાસિક મહત્વ મળવું જોઈએ તે પ્રાપ્ત થયું નહીં. તેમ છતાં આ આંદોલન દિશા બદલવામાં સહાયક બન્યું હતું.

    મુન્શીગંજ ગોળીબારની ઘટના પછી કોંગ્રેસ પાર્ટીમાં પરિવર્તન આવ્યું હતું. જેના પરિણામે મુખ્યત્વે તાલુકદાર અને જમીનદારોનું પ્રતિનિધિત્વ કરતી કોંગ્રેસ પાર્ટી ખેડૂતો અને શ્રમિકોના હિતોને સ્વીકારતી પાર્ટી તરીકે વિકસિત થઈ હતી. આ ચળવળે સ્વાતંત્ર્ય સંગ્રામમાં સામાન્ય નાગરિકોની વધુ ભાગીદારીને પણ પ્રેરણા આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં