હોમપેજદુનિયા'આધાર-PAN કે બેન્ક પાસબુક નાગરિકતાના અંતિમ પુરાવા નથી': કલકત્તા હાઇકોર્ટે યથાવત રાખ્યો...

‘આધાર-PAN કે બેન્ક પાસબુક નાગરિકતાના અંતિમ પુરાવા નથી’: કલકત્તા હાઇકોર્ટે યથાવત રાખ્યો બાંગ્લાદેશી નાગરિકની અટકાયતનો આદેશ– શું છે સમગ્ર કેસ

કોર્ટે તમામ રેકર્ડ અને પુરાવા ચકાસીને કહ્યું કે સુમન કે નાસિર બંને ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટની જોગવાઈઓ મુજબ નાગરિકતા સાબિત કરી શક્યા નથી અને આ એક્ટ હેઠળ નાગરિકતા સાબિત કરવા 'બર્ડન ઑફ પ્રૂફ' તેમની ઉપર રહે છે.

- Advertisement -

કલકત્તા હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર, બેન્ક પાસબુક કે વંશપરંપરાગત જમીનના રેકોર્ડ જેવા સરકારી દસ્તાવેજો ભારતીય નાગરિકતાનો અંતિમ પુરાવો ગણી શકાય નહીં અને જન્મના આધારે નાગરિકતા સાબિત કરવી પડે છે. હાઇકોર્ટે એક શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકની અટકાયત કરવાના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતાં આ અવલોકન કર્યું હતું.

હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ સુમન મોલ્લા નામની એક વ્યક્તિએ હેબિયસ કોર્પસ (કસ્ટડીમાં રહેલી વ્યક્તિને કોર્ટ સમક્ષ રજૂ કરવાની અને તેની અટકાયતની કાયદેસરતા સાબિત કરવાની માંગ કરતી અરજી) પિટિશન દાખલ કરી હતી. અરજદારે દાવો કર્યો હતો કે તે તેના ભત્રીજા નાસિરને 18 જૂન, 2026થી કાયદાકીય પ્રક્રિયા વગર ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યો છે. અરજદારે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે 2026ના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન તેના ભત્રીજાનું નામ મતદારયાદીમાં ‘અન્ડર એડજ્યુડિકેશન’ હેઠળ મૂકવામાં આવ્યું હતું અને બાદમાં હટાવી દેવામાં આવ્યું.

અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે આ બાબતની અપીલ પેન્ડિંગ હોવા છતાં અટકાયત કરી લેવામાં આવી હતી. દાવાની તરફેણમાં અરજીમાં જમીનના જૂના રેકોર્ડ, મતદાર કાર્ડ અને બેન્ક અકાઉન્ટ સંબંધિત વિગતો રજૂ કરી હતી.

- Advertisement -

કોર્ટે તમામ રેકર્ડ અને પુરાવા ચકાસીને કહ્યું કે સુમન કે નાસિર બંને ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટની જોગવાઈઓ મુજબ નાગરિકતા સાબિત કરી શક્યા નથી અને આ એક્ટ હેઠળ નાગરિકતા સાબિત કરવા ‘બર્ડન ઑફ પ્રૂફ’ તેમની ઉપર રહે છે.

જન્મતારીખ અંગેના પુરાવા ન મળ્યા, મોટા-પિતાનાં નામમાં પણ વિરોધાભાસ

અદાલતે સ્પષ્ટ કર્યું કે વિદેશી નાગરિકતા અંગેના વિવાદમાં પોતાની નાગરિકતા સ્થાપિત કરવાની જવાબદારી જે-તે વ્યક્તિની હોય છે. વધુમાં કોર્ટે નોંધ્યું કે વ્યક્તિના જન્મસ્થળ કે જન્મતારીખ અંગેના કોઈ યોગ્ય કે પ્રમાણભૂત પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા નહોતા. આ સિવાય અલગ-અલગ દસ્તાવેજોમાં તેના પિતાના નામમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો હતો અને માસી કે અન્ય સગાંઓ સાથેના સંબંધો પણ દસ્તાવેજી પુરાવાથી સ્થાપિત થતા નહોતા.

અદાલતે નોંધ્યું કે જે સગાંઓ કે વંશાવલીના આધારે અટકાયતી પોતે ભારતીય હોવાનો દાવો કરી રહ્યો હતો તે સગાંઓની જ ભારતીય નાગરિકતા સાબિત નથી થઈ શકી. આથી ‘વંશપરંપરાથી નાગરિકતા’નો દાવો પણ અયોગ્ય છે. કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સૂચવ્યું હતું કે જો નાસિર કે તેના કાકા નાસિરના મૃત માતા-પિતાનાં અસ્થિ કે દફનવિધિના સ્થળની ઓળખ આપે તો ત્યાંથી મળેલા અવશેષોના DNA ટેસ્ટિંગથી જૈવિક સંબંધ અને માતા-પિતાની ઓળખ નક્કી કરીને નાગરિકતા અંગેનો નિર્ણય લઈ શકાય.

સુનાવણી દરમ્યાન નાસિર અને સુમન બંનેએ માતા-પિતાની દફનવિધિ કે અંતિમ સંસ્કારનાં સ્થળો બતાવવાનો ઇનકાર કરી દીધો હતો. આ બાબતને ગંભીરતાથી લેતાં હાઇકોર્ટે માન્યું કે તેના માતા-પિતા પણ ભારતીય નાગરિક નહોતાં. અંતે, કલકત્તા હાઇકોર્ટે અરજદારની હેબિયસ કોર્પસ અરજીને ફગાવી દીધી હતી અને શંકાસ્પદ વિદેશી નાગરિકની અટકાયતને યોગ્ય ઠરાવી હતી.

બીજી તરફ સરકાર વતી હાજર રહેલા વકીલે પણ કોર્ટને જણાવ્યું હતું કે 18 જૂન, 2026ના રોજ નાસિરની અટકાયત કરવા માટેનો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો અને તેમાં તમામ તપાસ, ખરાઈ અને સુનાવણી બાદ તેને બાંગ્લાદેશી નાગરિક જાહેર કરવામાં આવ્યો હતો.

ઓળખપત્રો અને નાગરિકતા વચ્ચેનો કાયદાકીય તફાવત

હાઇકોર્ટના આ નિર્ણયથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે આધાર, પાન કે બેન્ક અકાઉન્ટ જેવા દસ્તાવેજો માત્ર ઓળખ, કરવેરા કે સરકારી સુવિધાઓ મેળવવા માટેના માધ્યમ છે. આ દસ્તાવેજો મેળવવા માત્રથી કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક બની જતી નથી. કલકત્તા હાઇકોર્ટના આ ચુકાદા પહેલાં ગયા મહિને કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય પાસપોર્ટ એ પ્રાથમિક રીતે એક ‘ટ્રાવેલ ડોક્યુમેન્ટ’ છે, જે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ઉપયોગી છે. તે નાગરિકતાનું અંતિમ કે નિર્ણાયક પ્રમાણપત્ર ગણી શકાય નહીં.

‘ધ પાસપોર્ટ એક્ટ, 1967’ની કલમ 6(2)(a) જે ભારતીય નાગરિક ન હોય તેને પાસપોર્ટ ન આપી શકાય. પરંતુ આ જ કાયદાની કલમ 20 હેઠળ કેન્દ્ર સરકારને જાહેર હિતમાં કોઈ બિન-નાગરિકને પણ પાસપોર્ટ કે ટ્રાવેલ ડોક્યુમેન્ટ આપવાની વિશેષ સત્તા છે. આ જોગવાઈ જ સ્પષ્ટ કરે છે કે માત્ર પાસપોર્ટ હોવો એ કાયદાકીય રીતે નાગરિકતાનો અકાટ્ય કે અંતિમ પુરાવો બની શકતો નથી.

આ ઉપરાંત આધાર કાર્ડ પણ માત્ર ઓળખ અને રહેઠાણનો પુરાવો છે, જે 182 દિવસથી વધુ ભારતમાં રહેતા વિદેશીઓને પણ મળી શકે છે. પાન કાર્ડ માત્ર ટેક્સ ચૂકવવા માટેનો દસ્તાવેજ છે. આ સિવાય ઇલેક્શન કાર્ડ કે વોટર આઈડી પણ માત્ર ભારતના નાગરિકને જ મળે છે, પરંતુ કાયદાકીય તપાસ કે વિવાદ સમયે માત્ર ઇલેક્શન કાર્ડ હાથમાં હોવાથી નાગરિકતા સાબિત થઈ જતી નથી.

ભારતમાં નાગરિકતા નક્કી કરવાનાં કાયદાકીય ધોરણો

ભારતની નાગરિકતા ‘નાગરિકતા અધિનિયમ, 1955’ અને બંધારણથી નક્કી થાય છે. મુખ્યત્વે 26 જાન્યુઆરી 1950થી 1 જુલાઈ 1987 વચ્ચે ભારતમાં જન્મેલા લોકો સામાન્ય રીતે જન્મથી નાગરિક ગણાય છે. પરંતુ 1 જુલાઈ 1987થી 3 ડિસેમ્બર 2004 સુધી જન્મેલા લોકો માટે માતા-પિતામાંથી કોઈ એક ભારતીય નાગરિક હોવું જરૂરી છે. જ્યારે 3 ડિસેમ્બર 2004 પછી જન્મેલા લોકો માટે માતા-પિતા બંનેનું ભારતીય નાગરિક હોવું અનિવાર્ય છે. કેટલાક અપવાદોમાં મોટા-પિતામાંથી કોઈ એક વિદેશી નાગરિક હોય તો ચલાવી લેવાય છે.

ગંભીર વિવાદના કિસ્સામાં કલમ 13 હેઠળ કેન્દ્ર સરકાર તપાસ બાદ વિશેષ ‘સિટિઝનશિપ સર્ટિફિકેટ’ આપી શકે છે, જે નાગરિકતાનો અંતિમ પુરાવો બને છે. ભારત પાસે કોઈ એક સિંગલ ‘નેશનલ સિટિઝનશિપ કાર્ડ’ નથી. સામાન્ય સંજોગોમાં પાસપોર્ટ, આધાર કે વોટર ID જેવાં ઓળખપત્રો માત્ર દૈનિક વ્યવહારો માટે પૂરતાં છે.

તાજેતરમાં આવેલો કલકત્તા હાઇકોર્ટનો ચુકાદો પણ એ જ દર્શાવે છે કે નાગરિકતા એ માત્ર એકાદ કાર્ડ બતાવવાથી સાબિત થતી વસ્તુ નથી, પરંતુ કાયદાકીય રીતે વ્યક્તિએ જન્મ દાખલો, શાળાનું LC અને માતા-પિતાના રેકોર્ડ જેવા પુરાવાઓ રજૂ કરીને જ પોતાની નાગરિકતા સાબિત કરવી પડે છે. હાઇકોર્ટે બહુ સ્પષ્ટ સંદેશ આપ્યો કે કાયદાકીય તપાસ કે અદાલતી કાર્યવાહી દરમિયાન માત્ર સત્તાવાર ઓળખપત્રો રજૂ કરવાથી નાગરિકતાનો કાયદાકીય દાવો આપોઆપ સ્વીકારી શકાય નહીં.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં