Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશ2012ના પુણે સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપી મુનીબ મેમણને બૉમ્બે હાઈકોર્ટે આપ્યા જામીન,...

    2012ના પુણે સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપી મુનીબ મેમણને બૉમ્બે હાઈકોર્ટે આપ્યા જામીન, કહ્યું- આર્ટિકલ 21 હેઠળ સ્પીડી ટ્રાયલ મૌલિક અધિકાર

    આ મામલે કોર્ટે ચુકાદો આપતાં કહ્યું હતું કે, આરોપી વિરુદ્ધ વર્ષ 2013માં કેસ શરૂ થયો હતો અને વર્ષ 2023 સુધીમાં તેનો નિકાલ થઇ જવો જોઈતો હતો. પરંતુ નજીકના સમયમાં ટ્રાયલ પૂર્ણ થાય તેવી શક્યતાઓ નથી અને બંધારણ પણ ઝડપી ટ્રાયલનો અધિકાર આપે છે. જેથી આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે.

    - Advertisement -

    2012ના પુણે સિરિયલ બ્લાસ્ટ (Pune Serial Blast case) કેસના એક આરોપી મુનીબ મેમણને બૉમ્બે હાઈકોર્ટે (Bombay High Court) જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે, આરોપી 2012થી જેલમાં બંધ છે અને નજીકના સમયમાં ટ્રાયલ પૂર્ણ થાય તેવી શક્યતાઓ જણાતી નથી, જેથી તેને 1 લાખના બોન્ડ પર જામીન આપવામાં આવે. મેમણ પર ઇન્ડિયન મુજાહિદ્દીનના એક આતંકવાદીના મૃત્યુનો બદલો લેવા માટે પુણે શહેરમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાનો આરોપ છે.

    બૉમ્બે હાઈકોર્ટે પુણે સિરિયલ બ્લાસ્ટના આરોપી મેમણને જામીન આપવાનો ચુકાદો ગત શુક્રવારે (20 સપ્ટેમ્બર) આપ્યો હતો. જે-તે સમયે દરજી કામના વ્યવસાય સાથે સંકળાયેલા મુનીબ મેમણ પર વર્ષ 2012માં પુણેમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનું કાવતરું ઘડવામાં ભાગ ભજવ્યો હોવાનો આરોપ છે. 2012માં ધરપકડ બાદથી તે જેલમાં બંધ હતો. હાઈકોર્ટ સમક્ષ તેના વકીલે દલીલ આપી હતી કે, આરોપી 12 વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ છે અને હજુ ટ્રાયલ પણ પૂર્ણ થઈ નથી. દલીલ એવી આપવામાં આવી હતી કે બંધારણના અનુચ્છેદ 21 અંતર્ગત ‘રાઈટ ટૂ સ્પીડી ટ્રાયલ’ મળે છે, જેનું આ કેસમાં ઉલ્લંઘન થઈ રહ્યું છે. જેથી તેને જામીન પર મુક્ત કરી દેવામાં આવે.

    આ મામલે કોર્ટે ચુકાદો આપતાં કહ્યું હતું કે, આરોપી વિરુદ્ધ વર્ષ 2013માં કેસ શરૂ થયો હતો અને વર્ષ 2023 સુધીમાં તેનો નિકાલ થઇ જવો જોઈતો હતો. પરંતુ નજીકના સમયમાં ટ્રાયલ પૂર્ણ થાય તેવી શક્યતાઓ નથી અને બંધારણ પણ ઝડપી ટ્રાયલનો અધિકાર આપે છે. જેથી આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે.

    - Advertisement -

    જામીન અરજી પર સુનાવણી કરતાં કોર્ટે શું કહ્યું?

    આ મામલે સુનાવણી કરતા જસ્ટીસ રેવતી મોહિતે અને જજ શર્મિલા દેશમુખની ખંડપીઠે કહ્યું કે, આરોપી 2012થી એટલે કે લગભગ સાડા 11 વર્ષથી કેદમાં છે. તેમણે કહ્યું કે, “અરજદાર આટલા સમયથી કેદમાં છે અને નિયત સમયમાં કેસ પૂર્ણ થાય તેવી સંભાવનાઓ નથી. આ મામલે આરોપો પણ 2022માં ઘડવામાં આવ્યા હતા અને 2024માં પ્રથમ સાક્ષીએ જુબાની આપી હતી.

    કોર્ટે નોંધ્યું કે આરોપપત્રમાં (ચાર્જશીટ) 300 સાક્ષીઓ હોવાનું કહેવામાં આવ્યું છે, તેમ છતાં પ્રોસિક્યુશન માત્ર 107 સાક્ષીઓની પૂછપરછ કરવા માંગે છે. કોર્ટે તે પણ નોંધ્યું કે અત્યાર સુધી માત્ર 8 સાક્ષીઓની જ ઉલટતપાસ કરવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં ટ્રાયલ પૂર્ણ થવાની શક્યતાઓ જણાતી નથી. વધુમાં ભારતના બંધારણના અનુચ્છેદ 21 અંતર્ગત ઝડપી ટ્રાયલ પણ એક મૌલિક અધિકાર છે. જેથી આરોપીના જામીન મંજૂર કરવામાં આવે.

    અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં તેણે સપ્ટેમ્બર, 2022માં હાઈકોર્ટમાં અરજી કરીને જામીનની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે ત્યારે ગુનામાં પ્રથમ દ્રષ્ટિએ તેની સંડોવણી હોવાનું જણાવીને જામીન ફગાવી દીધા હતા અને નીચલી કોર્ટને ટ્રાયલ ડિસેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ કરી દેવા માટે જણાવ્યું હતું. પરંતુ નિયત સમયમર્યાદામાં ટ્રાયલ પૂર્ણ ન થતાં મેમણે પહેલાં સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ત્યાંથી એપ્રિલમાં જામીન ફગાવી દેવામાં આવતાં હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જ્યાંથી અંતે તેને જામીન મળી ગયા.

    શું છે આખો કેસ?

    કેસની વાત કરવામાં આવે તો, વર્ષ 2012ની 1 ઑગસ્ટના રોજ પુણે શહેર બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું હતું. એક પછી એક એમ 5 વિસ્ફોટોએ પુણે શહેર સહિત આખા મહારાષ્ટ્રને ફફડાવી નાખ્યું. આટલું જ નહીં, જ્યાં વિસ્ફોટ થયા ત્યાંથી અનેક જીવતા બૉમ્બ પણ મળી આવ્યા હતા. આતંકવાદીઓએ કેટલીક સાયકલોના બાસ્કેટમાં બૉમ્બ લગાવીને તેને અલગ-અલગ ભીડવાળા વિસ્તારોમાં મૂકી દીધી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકી સિદ્દીકીના મોતનો બદલો લેવા માટે આ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.

    આતંકવાદી સિદ્દીકીને પુણેના પ્રસિદ્ધ ‘દગડુ શેઠ ગણપતિ મંદિરમાં બૉમ્બ મૂકવાનું કાવતરું કરવાના આરોપસર ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં કસ્ટડીમાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ 2012માં પુણેમાં વિસ્ફોટ થયા હતા અને મેમણ સહિત 8ની ધરપકડ કરવામાં આવી હતી. મેમણ પર આરોપ છે કે તે આ બ્લાસ્ટનું કાવતરું ઘડવામાં સામેલ હતો અને મિટિંગોમાં પણ ભાગ લીધો હતો. ઉપરાંત, તેણે બનાવટી પુરાવાઓ ઊભા કરીને સિમ કાર્ડ ખરીદ્યા હતા, જેનો ઉપયોગ પછી બૉમ્બ બ્લાસ્ટ સમયે કરવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં