Tuesday, September 17, 2024
More
    હોમપેજગુજરાત‘પાંચ વર્ષમાં કોઈએ પૂછ્યું પણ નહીં, યાત્રા ટાણે જ અમે યાદ આવ્યા?’:...

    ‘પાંચ વર્ષમાં કોઈએ પૂછ્યું પણ નહીં, યાત્રા ટાણે જ અમે યાદ આવ્યા?’: ‘ન્યાય’ માંગવા નીકળેલા કોંગ્રેસીઓને સુરત તક્ષશિલા કાંડના પીડિત પરિવારોનો જવાબ- નહીં બનીએ રાજકીય હાથો

    પરિવારોએ સ્પષ્ટ કહ્યું હતું કે તેમને પાર્ટીનો વિરોધ નથી, પરંતુ દુર્ઘટનાને પાંચ-પાંચ વર્ષ વીતી જવા છતાં જેમણે તેમની ભાળ નથી લીધી અને આજે ન્યાય યાત્રાના નામે રાજકીય લાભ લેવા માટે તેમને બોલાવે છે તે કોઇ કાળે મંજૂર નથી.

    - Advertisement -

    છેલ્લા થોડા સમયથી કોંગ્રેસની યાત્રાઓની ‘સિઝન’ ચાલી રહી છે. લોકસભા ચૂંટણી પહેલાં દક્ષિણથી ઉત્તર ‘ભારત જોડો યાત્રા’ અને પૂર્વથી પશ્ચિમ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કરી ચૂકેલી પાર્ટી હવે ગુજરાત તરફ નજર માંડીને બેઠી છે. લોકસભા ચૂંટણીનાં પરિણામોની તરત પછી રાહુલ ગાંધીએ 2027માં ગુજરાત જીતવાની ઘોષણા કર્યા બાદ હવે પાર્ટીએ રાજ્યમાં ‘ન્યાય યાત્રા’ આયોજિત કરી છે. પાછલાં કેટલાંક વર્ષોમાં રાજ્યમાં થયેલી દુર્ઘટનાઓના પીડિતોને ‘ન્યાય’ અપાવવાના નામે મોરબીથી શરૂ થયેલી આ યાત્રા અંદાજે 300 કિલોમીટર ફરીને પાટનગર ગાંધીનગર ખાતે પૂર્ણ થશે. અહેવાલો જણાવે છે કે રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં જોડાઈ શકે.

    કોંગ્રેસનું માનીએ તો ગુજરાતમાં તાજેતરમાં ઘટેલી કેટલીક દુર્ઘટનાઓમાં પીડિતોના પરિવારોને ‘ન્યાય’ અપાવવાનો આ યાત્રાનો એજન્ડા છે. સુરતનો તક્ષશિલા કાંડ હોય, કે પછી રાજકોટનો TRP કાંડ, કોંગ્રેસના મતે ગુજરાત સરકાર આ ઘટનાઓમાં પીડિતોને ન્યાય અપાવવામાં નિષ્ફળ ગઈ છે અને એટલે જ હવે રાહુલ ગાંધીની આગેવાનીમાં પાર્ટી રસ્તા પર ઉતરીને તેમના માટે ‘ન્યાય’ માંગશે. પરંતુ યાત્રા શરૂ થતાંની સાથે જ તેની ઉપર જોખમ સર્જાયું છે અને બીજા કોઇ નહીં પરંતુ પીડિતોએ જ પાર્ટીને જાકારો આપીને ભાગ ન લેવાનું જાહેર કરી દીધું છે. 

    સીધા મુદ્દા પર આવીએ તો, જે પીડિત પરિવારોના નામે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સંવેદના ઉઘરાવવા નીકળ્યાં છે, તે પરિવારોએ જ આ ન્યાય યાત્રામાં જોડાવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. પીડિત પરિવારોએ આ યાત્રાનો આખો એજન્ડા જ જાણે પકડી પડ્યો હોય તેમ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, “અમે કોંગ્રેસ પાર્ટીના રાજકીય હાથા નથી બનવા માંગતા અને અમારા મૃત પ્રિયજનોના નામે રાજકીય રોટલા નહીં શેકાવા દઈએ.”

    - Advertisement -

    આ શબ્દો છે પાંચ વર્ષ પહેલાં 2019ના સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં પોતાના વ્હાલસોયાં બાળકો ગુમાવનાર વાલીઓના. તેમના આ વલણને જોઈને કોંગ્રેસના નેતાઓ મૂંઝવણમાં મૂકાયા છે. જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના પાર્ટીના નેતાઓ વાલીઓને મનાવવા મરણીયા પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ પીડિત પરિવારો ટસના મસ નથી થઇ રહ્યા. તાજેતરમાં જ સુરત તક્ષશિલા કાંડના પીડિત પરિવારોએ એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તેઓ કોઈ સંજોગોમાં કોંગ્રેસના રાજકીય એજન્ડામાં નહીં ફસાય અને તેઓ યાત્રામાં નહીં જોડાય. પરિવારોએ સ્પષ્ટ કહ્યું હતું કે તેમને પાર્ટીનો વિરોધ નથી, પરંતુ દુર્ઘટનાને પાંચ-પાંચ વર્ષ વીતી જવા છતાં જેમણે તેમની ભાળ નથી લીધી અને આજે ન્યાય યાત્રાના નામે રાજકીય લાભ લેવા માટે તેમને બોલાવે છે તે કોઇ કાળે મંજૂર નથી. તેમણે કોંગ્રેસને કહ્યું છે કે જો ન્યાય માંગવામાં જ પાર્ટીને રસ હોય તો રાજકારણના ઝંડા મૂકીને આવે અને ન્યાયપ્રક્રિયામાં મદદરૂપ થાય.

    તક્ષશિલા કાંડના 22 પીડિત પરિવારો પૈકીના અમુક પરિવારોએ ઑપઇન્ડિયા સાથે વાત કરી. અમે કોંગ્રેસની ન્યાય યાત્રામાં ન જોડાવા પાછળનાં તેમનાં કારણો, તેમની વ્યથા, જે કોર્ટ કેસ ચાલી રહ્યા છે તેની વર્તમાન સ્થિતિ, ન્યાયતંત્ર અને સરકાર તરફના તેમાના ગમા-અણગમા તેમજ તેમની માંગોને લઈને તેમને સાંભળવાનો પ્રયત્ન કર્યો.

    પાંચ વર્ષમાં એક પણ કોંગ્રેસી ન ફરક્યો, હવે અમે કેમ યાદ આવ્યા?’

    વાલીઓનું કહેવું છે કે ઘટના બની તેને પાંચ વર્ષ વીતી ગયાં હોવા છતાં આજદિન સુધી કોંગ્રેસ નેતાઓ તેમને મદદ માટે મળવા આવ્યા નથી અને હવે જ્યારે યાત્રા શરૂ થઈ ત્યારે તેમને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ચતુર વસોયા નામના એક વાલી આ અંગે ઑપઇન્ડિયાને જણાવે છે કે, “કોંગ્રેસની ન્યાય યાત્રાનું અમે સમર્થન નથી કર્યું અને તેમ કરવા પાછળનું કારણ એક જ છે કે છેલ્લાં પાંચ વર્ષથી અમે જે લડત આપી રહ્યા છીએ, તેમાં અમે કોઈ પણ પક્ષ સાથે નથી બેઠા. અમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જે પણ નેતાઓ અમને મદદ કરવા માંગે છે, તેઓ પોતાની પાર્ટીના ઝંડા મૂકીને એક સામાન્ય નાગરિક બનીને અમારી સાથે લડતમાં ભાગ આપે. પણ આજે પાંચ-પાંચ વર્ષ વીતવા છતાં એક પણ પાર્ટીના એક પણ નેતા આવી રીતે નથી આવ્યા. અમે નક્કી જ કર્યું હતું કે અમે કોઈ પણ રાજકીય પાર્ટીના હાથ નહીં બનીએ. કોંગ્રેસ પાર્ટી કે તેમના નેતામાંથી કોઈ પણ વ્યક્તિ આજ દિવસ સુધી સુરત ડોકાયા નથી. ઘટના ઘટી તે સમયે બાળકોની અંતિમયાત્રામાં કેટલાક નેતાઓ આવ્યા હતા. પણ ત્યારથી લઈને આજ દિવસ સુધી કોંગ્રેસના નાના કાર્યકર્તાથી માંડીને કોર્પોરેટર, ધારાસભ્ય કે અન્ય એક પણ નેતા આ બાજુ ફરક્યો નથી.”

    વસોયાની જેમ અન્ય એક વાલી જયસુખભાઈ ગજેરાએ પણ ઑપઇન્ડિયાને એ જ જણાવ્યું હતું કે દુર્ઘટના થઈ તેને અડધો દશકો વીતવા છતાં આજદિન સુધી કોંગ્રેસના કોઈ પ્રતિનિધિ તેમને મળવા નથી આવ્યા. તો હવે છેક આ યાત્રાનો કે તેમાં જોડાવાનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું કે, “માન્યું કે યાત્રા પાછળનો હેતુ સારો પણ હોય, બની શકે કે યાત્રામાં જોડાનાર કેટલાક લોકો ખરેખર ન્યાય અપાવવા માટે થઈને જ ચાલી રહ્યા હોય. પરંતુ એવા પણ ઘણા હશે જેઓ પોતાનો લાભ જોઇને અમારી પાસે આવતા હશે. કોઈ અમારાં મૃત બાળકોના નામે રાજકીય લાભ ખાટી જાય તે અમે નથી ઈચ્છતા.”

    મેવાણી-પાલ આંબલિયા વગેરે 10 દિવસથી સંપર્ક કરી રહ્યા છે: વાલીઓ

    યાત્રાના 10 દિવસ પહેલાં કોંગ્રેસ નેતાઓએ તેમનો સંપર્ક કર્યો હોવાનું કહીને દિનેશ કેવડિયા નામના એક વાલી ઉમેરે છે કે, “હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દસ-પંદર દિવસથી અમારો સંપર્ક કરી રહ્યા છે. જિજ્ઞેશ મેવાણી અને પાલ આંબલિયા જેવા નેતાઓના પ્રયાસો એવા છે કે અમે તેમની સાથે જોડાઈએ. પરંતુ મૂળ તેઓ અમારાં બાળકોના નામે સંવેદનાઓ એકઠી કરવા નીકળ્યા છે. અમને લાગ્યું કે તેઓ ખોટી દિશા તરફ જઈ રહ્યા છે, જેથી અમે ના પાડી દીધી છે. સ્પષ્ટ કહ્યું છે કે મદદ કરવી હોય તો ન્યાયપ્રક્રિયામાં કરવી જોઈએ.” 

    રાહુલ ગાંધી અનેક વખત સુરત આવ્યા, એક પણ વખત વાલીઓને ન મળ્યા 

    વાલીઓનું કહેવું છે કે પાર્ટીના કામ કે તેમની સામે ચાલેલા માનહાનિના કેસ મામલે રાહુલ ગાંધીને અનેક વખત સુરત આવવાનું થયું હતું, પરંતુ તેમણે ક્યારેય પીડિતોની ભાળ લીધી નહીં. ચતુર વસોયા આ વિશે કહે છે, “રાહુલ ગાંધી પર સુરતમાં એક કેસ થયો હતો. તેઓ ચાર વખત સુરત કોર્ટમાં આવી ચૂક્યા છે. તે સમયે અમે પણ કોર્ટમાં અમારા કેસને લઈને હાજર રહેતા હતા. પણ આ પાંચ વર્ષમાં તેમને એક પણ વાર તક્ષશિલા કાંડના વાલીઓ યાદ નથી આવ્યા. તો હવે અમને ફોન કરી કરીને આમંત્રણ આપવાનો અર્થ શું? અમને રાજકીય વિરોધ નથી, પરંતુ જે મુજબ તેઓ રાજકીય રોટલા શેકવા માંગે છે તે અમને મંજૂર નથી. અમને પાર્ટીથી નહીં, ન્યાયથી નિસ્બત છે. જો તમારામાં અમને ન્યાય અપાવવાની ત્રેવડ હોય તો પાર્ટીના ઝંડા ઉતારીને અમારી સાથે કોર્ટમાં કેસ લડવામાં મદદ કરો. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પાર્ટી હોય અમારા માટે બધા સરખા છે.”

    બાળકોનાં મોત પર કોંગ્રેસના રાજકીય પ્રચાર વિશે તેમણે કહ્યું કે, “દુર્ઘટના ઘટી ત્યારે મહાનગરપાલિકામાં કોંગ્રેસ મજબૂત હતી, જો મદદ કરવી હોત તો તેમણે તે સમયે અમારી ભાળ લેવી જોઈતી હતી. આ તો કેન્દ્રમાં થોડી તાકાત વધી એટલે અને રાજકોટની દુર્ઘટના બાદ રાજકોટમાં આંશિક સમર્થન મળ્યું એટલે હવે તેઓ પોતાનો વ્યાપ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમે રેલી કાઢો, પ્રચાર કરો અમને તેનાથી કોઈ જ નિસ્બત નથી, પણ અમારા બાળકોના નામે તો નહીં જ. મદદ કરવી હોય તો કેસ લડવામાં કરો, કોણ ના પાડે છે? એમાં પણ ભાજપ હોય કે કોંગ્રેસ, પોતાના ઝંડા મૂકીને આવે તો જ સ્વીકાર્ય છે.”

    ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ

    વાલીઓએ કહ્યું કે ,”સ્પષ્ટ છે કે કોંગ્રેસ અમને ન્યાય નથી અપાવી શકવાની. રાહુલ ગાંધીની જેમ રસ્તા પર ઉતરી જવાથી ન્યાય નથી મળવાનો. ન્યાય કરવાનું કામ કોર્ટનું છે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટમાં અમારો લગભગ 75% કેસ ચાલી ગયો છે અને બાકીનો 25% પણ ચાલી જશે. માંગ અમારી માત્ર એટલી જ છે કે અમારા કેસને ફાસ્ટટ્રેકમાં ચલાવવામાં આવે. આ માટે અમે મુખ્યમંત્રીનું પણ ધ્યાન દોર્યું છે.” જોકે, તેમણે કહ્યું કે આટલી બધી ઘટનાઓ બને છે તો સરકાર માટે પણ શરમજનક છે. તેમણે ધ્યાન આપવું જોઈએ.

    કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ મોટાભાગના વાલીઓની છે. જોકે, તેમનું કહેવું છે કે આ માટે તેઓ હાઇકોર્ટમાં અપીલ કરી ચૂક્યા છે અને ગુજરાત સરકાર પક્ષેથી પણ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા માટે હાઇકોર્ટને ભલામણ કરવામાં આવી છે. સરકાર સમક્ષ તેઓ માંગ કરી રહ્યા છે કે આ અંગે ફરી એક વખત અપીલ કરવામાં આવે, જેથી બાળકોને ઝડપી ન્યાય મળી શકે. 

    જયસુખ ગજેરાએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભ્રષ્ટાચારમુક્ત ભારતનું સપનું ત્યારે જ સાકાર થશે કે જ્યારે આ પ્રકારના કેસોમાં કસુરવારોને ઝડપી અને આકરી સજા પડે. ભ્રષ્ટાચારી અધિકારીઓ અને તેમના કારણે પોતાના લાભો સેવતા લોકોના કારણે જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે, ત્યારે આરોપીઓને ખબર જ હોય છે કે તેઓ ઝડપથી જામીન મેળવીને છૂટી જશે. પણ જો સરકાર તેમાં ધ્યાન આપે અને જરૂર મુજબ નિયમોમાં ફેરફાર લાવે તો આવા આરોપીઓને વહેલી સજા પડશે અને તેમને આકરી સજા મળતી જોઇને ભ્રષ્ટાચારમાં નિયંત્રણ આવશે.” 

    જોકે, વાલીઓએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ કેસમાં કોર્ટથી લઈને કચેરીઓ સુધી યથાશક્તિ મદદ કરી છે, પરંતુ ક્યારેય જશ લેવાનો કે મુદ્દાને રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કર્યો નથી. પરંતુ હવે તેમની સરકાર સમક્ષ એટલી જ માંગ છે કે તેમના સ્તરેથી વધુ પ્રયાસો કરીને કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે તે સુનિશ્ચિત કરે.

    આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ પાછળ ફરીને ન જોયું, માત્ર વાતો જ કરી’ 

    માત્ર કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા આયોજિત ન્યાય યાત્રા જ નહીં, આમ આદમી પાર્ટી અને તેના નેતૃત્વ દ્વારા પણ પીડિત પરિવારની સ્થિતિનો ગેરલાભ લેવામાં આવ્યો હોવાનો આરોપ વાલીઓએ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, “આમ આદમી પાર્ટી જ્યારે સુરતમાં જીતી તે સમયે કેજરીવાલ સહિતના નેતાઓએ સુરતમાં આવીને સભા અને રેલીઓ કરી. તમારા બાળકોને શ્રદ્ધાંજલિ આપવી છે તેમ કહીને અમને લઇ ગયા હતા. બાદમાં તેમણે વાયદો કર્યો કે અમે તમારી વાત દિલ્હી સુધી લઈ જઈશું અને રાજ્યસભા અને લોકસભામાં મુદ્દા ઉઠાવીશું. પણ અહીંથી ગયા બાદમાં તેમને બધું જ ભૂલાઈ ગયું. તેમની પાસેથી જ અમે પાઠ શીખ્યા કે આવી કોઇ પણ પાર્ટીના નેતાઓથી દૂર રહેવું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં