Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટPFI પર પ્રતિબંધ બાદ તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો: વડોદરામાં મસ્જિદ, મદ્રેસામાં...

    PFI પર પ્રતિબંધ બાદ તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો: વડોદરામાં મસ્જિદ, મદ્રેસામાં ATSના દરોડા, મદ્રેસા UAPA હેઠળ સીલ

    પીએફઆઈ અને ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલ જેવાં સંગઠનો પર પ્રતિબંધ મૂકાયા બાદ સરકારે તેમના સહયોગીઓ પર પણ કાર્યવાહી શરૂ કરી.

    - Advertisement -

    કટ્ટરપંથી સંગઠન PFI અને તેની સાથે જોડાયેલાં અન્ય પણ નાનાં-મોટાં સંગઠનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા બાદ હવે તેમના સહયોગીઓ પર તવાઈ શરૂ થઇ છે. આ જ ક્રમમાં વડોદરામાં પાણીગેટમાં એક મદ્રેસા અને મસ્જિદમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ઑલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલની ઓફિસ ‘મસ્જિદે આયેશા’ પણ સીલ કરી દેવામાં આવી હતી. 

    ગુજરાત એટીએસ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં આવેલી ગુલશન-એ-તૌહીદ ટ્રસ્ટના તાબા હેઠળની મસ્જિદે આયેશા અને મદ્રેસા-એ-હફિઝુલ ઇમામ ખાતે દરોડા પાડી તપાસ શરૂ કરી હતી. જ્યાં પોલીસે ચાર શખ્સની અટકાયત કરીને પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી. મોડી સાંજ સુધી ચાલેલી તપાસ બાદ મદ્રેસા સીલ કરી દેવામાં આવી હતી. 

    રિપોર્ટ અનુસાર, આ ઓફિસ પીએફઆઈ સાથે પ્રતિબંધિત થયેલા ઑલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલ સાથે સબંધિત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. કાઉન્સિલની બે બેઠકો વડોદરામાં આ જ આયેશા મસ્જિદમાં યોજાઈ હતી, જેમાં મસ્જિદના જ ટ્રસ્ટી અને મૌલવી હાજર રહ્યા હતા. 

    - Advertisement -

    તાજેતરમાં જ પીએફઆઈ સામે ચાલેલી દેશવ્યાપી કાર્યવાહીના ભાગરૂપે ગુજરાતમાં પણ સુરત, નવસારી, અમદાવાદ જેવાં શહેરોમાં તપાસ હાથ ધરી 15 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી તેમની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરાના બાવામાનપુરા મસ્જિદના મૌલવી સાથે પણ તેમાં સંપર્કો હોવાનું સામે આવતાં આ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત, તેમના પીએફઆઈ સાથે કોઈ સબંધો હતા કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. 

    એક રિપોર્ટ અનુસાર, પાણીગેટ બાવામાનપુરાની મદ્રેસામાં ભણાવતો મોહમ્મદ હુફેઝા ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલની વડોદરાની કમિટીમાં સેક્રેટરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ સંસ્થાના બીજા કેટલા લોકો આ રીતે જોડાયેલા છે તે મામલે તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

    પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ભારત સરકારે અનલૉફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ પીએફઆઈ સહિતનાં સંગઠનો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારબાદ વડોદરામાં પણ ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલ નામની સંસ્થા કાર્યરત હોવાના ઇનપુટના આધારે કાર્યવાહી કરી પાણીગેટ ખાતેની મસ્જીદે-આયેશાના ઓફિસ પરિસરને UAPA હેઠળ પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે. 

    આ મામલે વધુ જાણકારી મેળવવા માટે વડોદરા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ થઇ શક્યો ન હતો. સંપર્ક થયે વધુ જાણકારી ઉમેરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં