ગેરકાયદેસર ધર્માંતરણ અને વટાળ પ્રવૃત્તિઓના ગઢ બનતા જતા વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાનાં અનેક ગામોમાંથી છેલ્લા થોડા દિવસોમાં મામલતદાર કચેરીએ આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યાં છે. આ ગામોના હિંદુ સ્થાનિકોની માંગ છે કે 25 ડિસેમ્બરે આવતા નાતાલના તહેવારની ઉજવણીની પરવાનગી માત્ર એવા જ લોકોને આપવામાં આવે જેઓ સરકારી ચોપડે ખ્રિસ્તી તરીકે નોંધાયેલા હોય. આવા કાર્યક્રમોથી ગેરકાયદેસર ધર્માંતરણને વેગ મળી શકે તેવી આશંકાએ હિંદુ સંગઠનોએ આ માંગ ઉઠાવી છે.
છેલ્લા થોડા દિવસોમાં દેવ બિરસા સેન, આદિવાસી સંસ્કૃતિ બચાવ સેના જેવાં વિવિધ સંગઠનોના માધ્યમથી ધરમપુર અને કપરાડા તાલુકાનાં લગભગ દસથી વધુ ગામોના હિંદુ અગ્રણીઓએ મામલતદાર કચેરીએ આવેદનપત્રો રજૂ કર્યાં હતાં.
આ આવેદનપત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, ‘છેલ્લાં કેટલાંક વર્ષોથી આદિવાસી વિસ્તારોના અલગ-અલગ ગામોમાં ખ્રિસ્તી ધર્મના લોકો ધર્માંતરણ કરવાના ઈરાદે મોટી-મોટી સભાઓ, શાંતિ મહોત્સવ, સેમિનાર વગેરે કરતા આવ્યા છે. મિશનરીઓ, પાસ્ટરો ડિસેમ્બર મહિનામાં આવીને વિવિધ ગામોમાં નાતાલના કાર્યક્રમો પણ કરે છે.’

આગળ જણાવવામાં આવ્યું છે કે, ‘આ નાતાલના કાર્યક્રમો દ્વારા આદિવાસીઓનાં મૂળ સંસ્કૃતિ, મૂળ પરંપરાથી અલગ કરીને આદિવાસીઓને નષ્ટ કરવાનું, સમાપ્ત કરવાનું ષડ્યંત્ર ચાલે છે જે ગંભીર બાબત છે.’ સંગઠને કહ્યું છે કે તેઓ કોઈ પણ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખતા નથી અને દરેક ધર્મ-પંથનું સન્માન કરે છે, પરંતુ તેમની માંગણી છે કે સરકારી ચોપડે કાયદેસર રીતે જેઓ ખ્રિસ્તી તરીકે નોંધાયેલા હોય તેવા જ વ્યક્તિઓને નાતાલ પર કાર્યક્રમ કરવાની પરવાનગી આપવામાં આવે.
સંગઠનોએ માંગ કરી છે કે નાતાલ માટે કાર્યક્રમો કરવાની મંજૂરી લેવા આવનાર પાસે પહેલાં તેઓ કાયદેસર રીતે ખ્રિસ્તી છે કે કેમ તેનાં પ્રમાણપત્રો માંગવામાં આવે અને ખરાઈ કર્યા બાદ જ પરવાનગી અપાય.
શું કહી રહ્યા છે હિંદુ સ્થાનિકો?
ઑપઇન્ડિયાએ જ્યારે ધરમપુરનાં અમુક ગામોની મુલાકાત લીધી ત્યારે વધુ વિગતો જાણવા મળી. ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે જેમ-જેમ ધરમપુર છોડીને અંતરિયાળ વિસ્તારોમાં જઈએ તેમ ચર્ચની સંખ્યા વધતી જોવા મળે છે. અનેક ગામોમાં ચર્ચ ઊભાં કરી દેવામાં આવ્યાં છે. એ પણ અહીં નોંધવું જોઈએ કે ભૂતકાળમાં આ જ વિસ્તારોમાં સરકારી જમીનો પર કોઈ પણ પ્રકારની પરવાનગી વગર ગેરકાયદેસર ચર્ચ બનાવવામાં આવ્યાં હોવાના અનેક મામલા સામે આવી ચૂક્યા છે.

મહારાષ્ટ્ર સરહદેથી માત્ર બે કિલોમીટર દૂર આવેલા ગામ ગડિના હિંદુ આગેવાનોએ પણ ધરમપુર મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ગામના અગ્રણીઓ જણાવે છે કે તેમના ગામની વસ્તી 1400 જેટલી છે, જેમાં સરકારી ચોપડે નોંધાયા હોય તેવા ખ્રિસ્તી એક પણ નથી. તેમ છતાં ગામમાં એક ચર્ચ બની ગયું છે. ત્યાં છાશવારે કાર્યક્રમો થતા રહે છે અને તેમાં ગામના હિંદુઓને પણ સામેલ કરવામાં આવે છે.
સ્થાનિક હિંદુઓનું કહેવું છે કે પહેલાં આ ભોળા આદિવાસી હિંદુઓને આવા કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવે છે. પછીથી મિશનરીઓ, પાસ્ટરો તેમને પ્રલોભનો આપીને, ચમત્કારથી બીમારી દૂર કરવાનું કહીને, પૈસા આપવાનું કહીને ખ્રિસ્તી પંથનો પ્રચાર-પ્રસાર કરવાનું કહે છે અને તેમના માધ્યમથી અન્યોને પણ જોડવાનું કહેવામાં આવે છે.
ગડિના સ્થાનિક અગ્રણી પીલુભાઈ ચૌધરી ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવે છે કે, “મોટાભાગનાં ચર્ચ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યાં છે, જેની પરવાનગી પણ લેવામાં આવતી નથી. આ ચર્ચ જ પછીથી ધર્માંતરણ માટેની પ્રવૃત્તિઓનાં કેન્દ્ર બની જાય છે. એક વખત સ્થાનિક હિંદુ આદિવાસીઓ ત્યાં જવાનું શરૂ કરે પછીથી તેમને હિંદુ દેવી-દેવતાઓની પૂજા-આરાધના ન કરવા માટે, મંદિરો અને સ્થાનકોએ ન જવા માટે સમજાવવામાં આવે છે અને આખરે વ્યક્તિ સંપૂર્ણપણે ધર્મ-સંસ્કૃતિથી અલગ પડી જાય છે.”

પીલુભાઈ કહે છે કે ગામમાં સરકારી ચોપડે કોઈ ખ્રિસ્તી તરીકે નોંધાયેલું જ ન હોય તો અહીં કાર્યક્રમો કરવાનો કોઈ અર્થ નથી અને તેમ છતાં પણ જો કાર્યક્રમોની પરવાનગી આપવામાં આવે તો સાથે એ પણ જણાવવામાં આવે કે ગામમાં ખ્રિસ્તીઓની વસ્તી કેટલી છે.
અગ્રણીઓ જણાવે છે કે અનેક ગામોમાં લોકોને લોભ-લાલચ આપીને તેમનું ધર્માંતરણ કરાવી દેવામાં આવે છે, પરંતુ સરકારી ચોપડે તેઓ હિંદુ જ રહે છે અને સરકારી લાભો પણ મેળવતા રહે છે. એ જ કારણ છે કે ગામેગામ મોટાં-મોટાં ચર્ચ ઊભાં થઈ ગયાં હોવા છતાં સરકારી ચોપડે હજુ પણ ખ્રિસ્તી વસ્તી ખાસ જોવા મળતી નથી.
ગામના હિંદુઓને ચિંતા છે કે નાતાલ પર થતા કાર્યક્રમોના કારણે ફરી એક વખત વટાળ પ્રવૃત્તિઓને વેગ મળી શકે છે. એટલે તેમની માંગણી છે કે માત્ર રજિસ્ટર્ડ ખ્રિસ્તી હોય તેમને જ કાર્યક્રમોની પરવાનગી આપવામાં આવે.
ધરમપુર-કપરાડા નહીં દક્ષિણ ગુજરાતનો સમગ્ર પૂર્વ પટ્ટો ગેરકાયદેસર ધર્માંતરણથી પીડિત
આ પ્રશ્ન ધરમપુર કે કપરાડાનાં અમુક ગામો પૂરતો સીમિત રહ્યો નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં ધરમપુર, કપરાડાથી માંડીને ડાંગ, તાપી અને છેક સુરતના ઉત્તર છેડાના ઉમરપાડા-ડેડિયાપાડા સુધી ડેમોગ્રાફીમાં ઝડપથી પરિવર્તન જોવા મળ્યું છે. વટલાયેલાઓ કાયદેસર ધર્માંતરણ કરતા ન હોવાના કારણે સરકારી ચોપડે તેઓ કાયમ હિંદુ જ રહે છે, પણ તેમના જીવનમાંથી હિંદુ ધર્મ-સંસ્કૃતિ નામશેષ થતાં જાય છે.
તાજેતરમાં જ ઑપઇન્ડિયાએ ઉમરપાડામાં એક ગેરકાયદેસર ચર્ચના બાંધકામ મામલે એક વિશેષ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જે દર્શાવે છે કે આ દૂષણ હવે ધીમેધીમે દક્ષિણથી મધ્ય ગુજરાત તરફ આગળ વધતું જાય છે.
ડેમોગ્રાફિક ચેન્જના કારણે પછીથી અન્ય અનેક સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. ડાંગ અને તાપીનાં અનેક ગામોની સ્થિતિ એવી છે કે ત્યાં હિંદુ ધર્મ પાળનારાઓ હવે લઘુમતીમાં આવી ગયા છે. ગામોમાંથી મંદિરો ઓછાં થઈ રહ્યાં છે, આદિવાસી સ્થાનકો કાં નષ્ટ થઈ રહ્યાં છે કાં તેમનાં સ્વરૂપ બદલવામાં આવી રહ્યાં છે. જેમકે વર્ષ 2022માં સોનગઢના એક ગામમાં પ્રાચીન સ્થાનક નષ્ટ કરીને ત્યાં મરિયમ માતાનું મંદિર બનાવવાનો એક મામલો સામે આવ્યો હતો.
આ બધાં કારણોસર આ વખતે નાતાલ પહેલાં હિંદુઓ જાગ્યા છે અને પ્રશાસન સમક્ષ માંગ કરી રહ્યા છે. પ્રશાસન અને સરકાર આ બાબતે શું નિરાકરણ લાવે એ જોવું રહ્યું.


