Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવલસાડના કપરાડામાં ચર્ચના નિર્માણને લઈને વિવાદ, પંચાયતથી ઉપરવટ જઈને ગેરકાયદેસર રીતે બાંધકામ...

    વલસાડના કપરાડામાં ચર્ચના નિર્માણને લઈને વિવાદ, પંચાયતથી ઉપરવટ જઈને ગેરકાયદેસર રીતે બાંધકામ થઇ રહ્યું હોવાનો આરોપ: અગાઉ મોટાપાયે થયું હતું ધર્માંતરણ

    ગામલોકોએ જણાવ્યું કે પંચાયતની પરવાનગી ન હોવા છતાં અને લોકો પણ વિરુદ્ધમાં હોવા છતાં તેમની ઉપરવટ જઈને આ ચર્ચનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

    - Advertisement -

    વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક ગામમાં પંચાયતથી ઉપરવટ જઈને ગેરકાયદેસર મંડળી રચીને ચર્ચનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે સ્થાનિક લોકોએ સરપંચ સાથે મળીને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે. 

    આ મામલો કપરાડા તાલુકાના શાહુડા ગામનો છે. અહીંના સ્થાનિકોએ ફરિયાદ કરી છે કે તેમના ગામના દફ્તરે એકેય વ્યક્તિ ખ્રિસ્તી તરીકે નોંધાયેલ ન હોવા છતાં ગ્રામ પંચાયતથી ઉપરવટ જઈને ગેરકાયદેસર રીતે ચર્ચનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું, જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    આવેદનપત્રમાં સ્થાનિકોએ જણાવ્યા અનુસાર, ચેંદરભાઈ ચૌધરી નામના ગામના એક સ્થાનિક જંગલ ખાતામાં નોકરી કરે છે અને તેઓ પોતે ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે પરંતુ સરકારી દફ્તરે તેમણે ખ્રિસ્તી તરીકેની નોંધણી કરાવી નથી. આ ચર્ચના બાંધકામ પાછળ ગામલોકો તેમને જ જવાબદાર ગણાવી રહ્યા છે. 

    - Advertisement -

    ગામલોકોએ જણાવ્યું કે પંચાયતની પરવાનગી ન હોવા છતાં અને લોકો પણ વિરુદ્ધમાં હોવા છતાં તેમની ઉપરવટ જઈને આ ચર્ચનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે તંત્ર કડક પગલાં ન ભરે અને કોઈ અપ્રિય ઘટના બને તો જવાબદારી તંત્રની રહેશે. 

    ‘ભોળા અને નિરક્ષર લોકોને લાલચ આપીને ધર્માંતરણ કરાવાય છે’: સ્થાનિકોની ફરિયાદ 

    આ ઉપરાંત સ્થાનિકોએ વિસ્તારના ભોળા અને નિરક્ષર લોકોને લોભ-લાલચ આપી, તેમને ભરમાવીને સનાતન ધર્મ અને દેવી-દેવતાઓ વિશે અપપ્રચાર કરી ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાની તેમજ ગામેગામ ચર્ચ ઊભાં કરી દેવામાં આવ્યાં હોવાની પણ ફરિયાદ કરી છે. એમ પણ આરોપ લગાવવામાં આવ્યો કે મોટાભાગનાં ચર્ચ સરકારી, પડતર અને જંગલ ખાતાની જમીન પર બનાવવામાં આવ્યાં છે. 

    સ્થાનિકોએ આ ચર્ચ માટે આવતા ફંડિંગ ઉપર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે અને તે કયા હેતુ માટે અને ક્યાંથી અને કઈ રીતે આવે છે તે બાબતની પણ ઊંડી તપાસની માંગ કરી છે. 

    પંચાયતે કોઈ ઠરાવ કર્યો ન હતો 

    ચર્ચને લઈને વધુ તપાસ કરતાં સ્થાનિક તેમજ પંચાયત સાથે જોડાયેલાં સૂત્રો તરફથી જાણવા મળ્યું કે ચર્ચને લઈને પંચાયતે કોઈ પણ પ્રકારનો ઠરાવ કર્યો નથી કે પરવાનગી પણ લેવામાં આવી નથી. 

    બીજી તરફ, એમ પણ જાણવા મળ્યું કે સરકરી દફ્તરે ગામમાં એકેય ખ્રિસ્તી વ્યક્તિ નોંધાયેલ નથી પરંતુ વિસ્તારમાં મોટાપાયે ગેરકાયદેસર ધર્માંતરણ ચાલી રહ્યું છે અને છેલ્લાં થોડાં વર્ષોમાં ચર્ચની સંખ્યા પણ વધી છે. 

    જુલાઈ મહિનામાં 20 પરિવારોના 90 લોકોનું ધર્માંતરણ થયું હતું 

    સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર, શાહુડા ગામમાં ગત જુલાઈ મહિનામાં મોટાપાયે ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું અને 20 હિંદુ પરિવારોના લગભગ 90 લોકો ધર્માંતરિત થઇ ગયા હતા. આ માટે કલેક્ટરની પરવાનગી પણ લેવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ગ્રામ પંચાયત તરફથી કપરાડાના PSIને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હતી. જોકે, ગામલોકોનું કહેવું છે કે આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 

    અગાઉ તાપીમાં હિંદુ મંદિરને હટાવીને ચર્ચ બનાવાયું હતું

    ગત ઓક્ટોબર મહિનામાં તાપીના સોનગઢના એક ગામમાં આવો જ મામલો સામે આવ્યો હતો, જ્યાં હિંદુઓના પ્રાચીન સ્થાનકને હટાવીને ત્યાં ચર્ચ ઉભું કરી દેવામાં આવ્યું હતું અને નવરાત્રિ પર હિંદુઓ પૂજા કરવા જતાં ખ્રિસ્તીઓના ટોળાએ તેમને રોક્યા હતા અને ઝપાઝપી કરી હતી. ઑપઇન્ડિયાએ વિસ્તૃત ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. ત્યારબાદ પોલીસે વચ્ચે પડીને સમાધાન કરીને હિંદુઓને પૂજાનો અધિકાર અપાવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં