Friday, April 19, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઑપઇન્ડિયા ઈમ્પૅક્ટ: તાપીના સોનગઢમાં હિંદુઓને પૂજાપાઠનો અધિકાર મળ્યો, મંદિર હટાવી ચર્ચ ઉભું...

  ઑપઇન્ડિયા ઈમ્પૅક્ટ: તાપીના સોનગઢમાં હિંદુઓને પૂજાપાઠનો અધિકાર મળ્યો, મંદિર હટાવી ચર્ચ ઉભું કરી દેવાયા બાદ શરૂ થયો હતો વિવાદ

  મંદિરને સ્થાને 'મરિયમ માતાના મંદિર'ના નામે ચર્ચ ઉભું કરી દેવામાં આવતાં સ્થાનિક હિંદુઓએ અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ ખ્રિસ્તીઓના ટોળાએ તેમને પૂજાપાઠ કરતા રોક્યા હતા.

  - Advertisement -

  તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામમાં ગીધમાડી આયા ડુંગર માતાનું મંદિર હટાવી દઈને ત્યાં ચર્ચ ઉભું કરી હિંદુઓને મંદિરે જતા રોકવાના મામલે આખરે હિંદુ સમાજને પૂજાપાઠનો અધિકાર આપવામાં આવ્યો છે. સ્થાનિક તંત્રે બંને પક્ષોની બેઠક બોલાવીને સમાધાન કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

  ગત અઠવાડિયે થયેલા વિવાદ બાદ પોલીસની હાજરીમાં સ્થાનિક હિંદુ અને ખ્રિસ્તી આગેવાનોની બેઠક મળી હતી અને જેમાં સ્થાનિક હિંદુઓને કોઈ પણ પ્રકારની રોકટોક વગર માતાજીના પૂજાપાઠનો અધિકાર આપવા પર સહમતી બની હતી.

  આ મામલે સોનગઢ પોલીસ મથકના પીઆઈ એન. એસ ચૌહાણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “વિવાદ બાદ બંને પક્ષોની બેઠક કરવામાં આવી હતી અને જેમાં સમાધાન થઇ ગયું હતું. જે મુજબ, આગામી 19 ઓક્ટોબરના રોજથી સ્થાનિક હિંદુઓને તેમના સ્થાનકની પૂજા કરવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે. જે મામલે ખ્રિસ્તી સમાજે પણ સહમતી દર્શાવી છે.”

  - Advertisement -

  સ્થાનિક આદિવાસીઓને પૂજાપાઠ કરવા જતા રોકવામાં આવ્યા બાદ સ્થાનિક હિંદુ સંગઠનોએ કલેક્ટરને અરજી કરી પરવાનગી માંગી હતી. બીજી તરફ, ખ્રિસ્તીઓએ પણ આવેદનપત્ર પાઠવીને આ અરજી રદ કરી હિંદુઓ મંદિરમાં પ્રવેશ કરવાની પરવાનગીની માંગ કરી, બહારના લોકો વાતાવરણ ડહોળવાના પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. 

  જોકે, શનિવારે બંને પક્ષોની બેઠક મળી હતી અને જેમાં સમાધાન કરવામાં આવ્યું હતું. જોકે, હાલ માત્ર સ્થાનિક હિંદુઓને જ પરવાનગી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

  વિવાદ અંગે વાત કરતાં હિંદુ સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિએ ઑપઇન્ડિયા સાથે વાત કરતાં કહ્યું કે, “અમારી પહેલા દિવસથી માંગ એ જ રહી હતી કે હિંદુઓ જે મંદિરમાં સનાતનકાળથી પૂજા કરતા આવ્યા છે તેમને પૂજાની પરવાનગી આપવામાં આવે. આ નિર્ણય આવકાર્ય છે. જોકે, હાલ માત્ર સ્થાનિકોને જ પૂજા કરવાની પરવાનગી અપાઈ છે, જે આવનાર સમયમાં સૌને અપાય એવા પ્રયત્નો હાથ ધરીશું અને યોગ્ય રજૂઆતો કરીશું.”

  આ ઘટના સોનગઢના નાના બંધારપાડા ગામની છે. જ્યાં હિંદુઓના પ્રાચીન મંદિરને હટાવીને ચર્ચ ઉભું કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ હિંદુઓ નવરાત્રિના તહેવારમાં માતાજીની પૂજા કરવા પહોંચતા ખ્રિસ્તીઓનું ટોળું પહોંચી ગયું હતું અને ઘર્ષણ કર્યું હતું તેમજ પૂજારીને તમાચો પણ મારી દીધો હતો. ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો. 

  સ્થાનિક હિંદુઓના આક્ષેપ અનુસાર, સેંકડો વર્ષોથી આ સ્થાનક પર હિંદુઓ પૂજા-અર્ચના કરતા હતા. પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં જે રીતે ધર્માંતરણ વધી રહ્યું છે તેના કારણે આ સ્થાનકની આસપાસના મોટાભાગના વિસ્તારમાં હિંદુઓ ખ્રિસ્તી બની ગયા હતા, જેના કારણે આ ટેકરી પર અવરજવર ઓછી થતી ગઈ હતી.

  ત્યારબાદ ગ્રામ પંચાયતે ગીધમાડી માતાજીના મંદિરના નામે ઠરાવ પસાર કરી, ગ્રાન્ટ મેળવી તેનો ઉપયોગ ખ્રિસ્તી સ્થાનક બનાવવા માટે કર્યો હોવાનો પણ સ્થાનિક હિંદુઓએ આક્ષેપ કર્યો હતો.

  અહીં ઉલ્લેખનીય છે કે ઑપઇન્ડિયાએ સૌપ્રથમ અહેવાલ પ્રસારિત કરી આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ અન્ય મીડિયા માધ્યમો પણ પહોંચ્યાં હતાં. જે બાદ પોલીસતંત્રે પણ કાર્યવાહી કરતાં મામલાનો ઉકેલ લાવવામાં આવ્યો છે. અમે હિંદુઓનો અવાજ બની શક્યા અને તેમને પૂજાનો અધિકાર મળે તે માટે નિમિત્ત બની શક્યા તેનો વિશેષ આનંદ છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં