અમદાવાદના ધંધુકા (Dhandhuka) ખાતે 18 એપ્રિલના (શનિવાર) રોજ એક હિંદુ યુવાન ધર્મેશ ભરવાડની (Dharmesh Bharwad) બે મુસ્લિમ શખ્સોએ હત્યા કરી નાખી હતી. બાઇક પાર્ક કરવા જેવી નજીવી બાબતમાં ઝઘડો થયો અને ત્યારબાદ બે આરોપીઓએ ભેગા મળીને ધર્મેશને છરીના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ ધર્મેશને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ બચાવી શકાયા ન હતા. ઘટનાને પગલે સ્થાનિક હિંદુ સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને અમુક દુકાનોમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ પણ બની હતી. ગંભીરતાને જોતાં પોલીસ કાફલો ધંધુકામાં ખડકી દેવાયો હતો તેમજ અમદાવાદ ગ્રામ્ય SP સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.
આ સમગ્ર ઘટનાને લઈને ધંધુકા પોલીસ સ્ટેશનમાં મૃતક ધર્મેશના પિતરાઈ ભાઈ રાહુલ ભરવાડે ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે પોલીસે FIR નોંધી છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. આરોપીની ઓળખ રિઝવાન નિઝામ મણિયાર અને સમીર મહંમદ અમદાણી તરીકે થઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં બંનેની ધરપકડ કરી લીધી હતી. હાલ તેમના રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની વિગતો એવી છે કે 18 એપ્રિલના રોજ મૃતક ધર્મેશ ગમારાએ (ભરવાડ) તેના પિતરાઈ ભાઈ રાહુલને કહ્યું હતું કે તેઓ તેમના કોઈ સંબંધીના ખબરઅંતર પૂછવા માટે જવાના છે તો સાથે આવવું પડશે અને બાઇક પણ લેવા માટે પણ જણાવાયું હતું.
ત્યારબાદ ફરિયાદી રાહુલ ગમારા રાણપુર ચાર રસ્તા પર ગયા હતા અને ત્યાં જ ધર્મેશ ભરવાડ સાથે મુલાકાત થઈ હતી. આ દરમિયાન ધર્મેશે બેન્કમાં જવાનું કહીને રાહુલનું વાહન લીધું હતું અને બેન્કની પાસે વાહન પાર્ક કર્યું હતું. અહીં વાહન પાર્ક કરવા બાબતે આરોપી રિઝવાન અને સમીરે ધર્મેશ સાથે ઝઘડો કર્યો હતો અને ધમકીઓ પણ આપી હતી. પરંતુ ધર્મેશે બંનેને અવગણીને પોતાના સંબંધીના ઘરે જવાનું હોવાથી રાહુલને બોલાવી લીધો હતો.
વાહન આંતરીને ઊભા રહ્યા આરોપીઓ અને કર્યો હુમલો
ધર્મેશ અને રાહુલ બેન્કનું કામ પતાવીને તેમના સંબંધીને ત્યાં જવા માટે અલગ-અલગ બાઇક લઈને નીકળ્યા હતા. દરમ્યાન નસીબ સોસાયટી પાસે પહોંચતાં જ બંને આરોપીઓ રસ્તો આંતરીને ઊભા રહ્યા હતા અને ધર્મેશને ગાળો આપવા લાગ્યા હતા. ધર્મેશ અને રાહુલ આરોપીઓને સમજાવવા જતાં આરોપીઓએ હુમલો કરી દીધો હતો અને ‘બેન્કમાં તું શું બોલતો હતો, આજે તો તને પતાવી જ દેવાનો છે’ કહીને ધર્મેશને પકડી લીધો હતો. ફરિયાદમાં રાહુલે જણાવ્યું છે કે, સમીર મહમંદે ધર્મેશને પકડી રાખ્યો હતો અને રિઝવાને છરો કાઢીને ઘા ઝીંકી દીધા હતા. રાહુલે વચ્ચે પડીને બચાવવાના પ્રયાસો કર્યા પણ ત્યાં સુધીમાં ધર્મેશ પર હુમલો થઈ ચૂક્યો હતો.
આરોપીઓ ઘટનાને અંજામ આપ્યા બાદ ભાગી છૂટ્યા હતા. બીજી તરફ લોહીલુહાણ હાલતમાં ધર્મેશ ભરવાડને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ બચી શક્યા ન હતા અને ટૂંકી સારવાર બાદ મૃત જાહેર કરવામાં આવ્યા. ફરિયાદ અનુસાર, હોસ્પિટલ લઈ જતી વખતે ધર્મેશે બંને આરોપીઓ રિઝવાન અને સમીરનાં નામ પણ લીધાં હતાં.
ફરિયાદના આધારે પોલીસે આરોપી રિઝવાન નિઝામ મણિયાર અને સમીર મહંમદ અમદાણી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 351(3), 352, 54 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ FIR દાખલ કરી છે. પોલીસે આ ઘટનાને સુનિયોજિત ગુનાહિત કાવતરું ગણાવ્યું છે અને તે દિશા તપાસ શરૂ કરી છે.
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં મૃતક ધર્મેશના ભાઈ અને ફરિયાદી રાહુલે જણાવ્યું છે કે બંને આરોપીઓએ નજીવી બાબતમાં ધારદાર હથિયારથી ધર્મેશ પર હુમલો કરી દીધો હતો અને ‘આને આજે જીવતો નથી છોડવાનો, મારી નાખો’ કહીને તૂટી પડ્યા હતા. ફરિયાદીએ એવું પણ કહ્યું હતું કે તેઓ વચ્ચે પડીને તેમને બચાવવા માટે ગયા હતા પણ આરોપીઓએ પકડી લેતાં તેઓ ભાઈને બચાવી શક્યા ન હતા.
પોલીસ SITની રચના કરશે
આ સમગ્ર બનાવને લઈને અમદાવાદ ગ્રામીણ SP ઓમપ્રકાશ જાટે જણાવ્યું છે કે તેમણે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને પરિવારના લોકોએ પોલીસની કાર્યવાહી પર સંતુષ્ટિ પણ વ્યક્ત કરી હતી. આગળ તેમણે કહ્યું હતું કે, “મૃતકના પરિવારે પ્રોસિક્યુટર અને વિગતવાર તપાસની માંગણી કરી હતી. તેથી અમે અમારા વરિષ્ઠ અધિકારીઓ અને સરકાર સાથે વાત કરીને SITની રચના કરીશું.” SITની રચના ઉપરાંત સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂકની ભલામણ માટેની ખાતરી પણ તેમણે આપી હતી.
#WATCH | Ahmedabad, Gujarat: On violence in Dhandhuka, Ahmedabad Rural SP Om Prakash Jat says, "I met the victim family, and they are satisfied with the Police action. They had demanded a Special Public Prosecutor and a detailed investigation be done. So, after consulting our… pic.twitter.com/IbvYrGI1wc
— ANI (@ANI) April 19, 2026
આગળ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે વિસ્તારમાં હવે તમામ દુકાનો ખુલ્લી છે અને શાંતિ છે. રાત્રે જ પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું હતું અને શંકાસ્પદ લોકોની તપાસ પણ શરૂ કરી દીધી હતી. પોલીસ અધિકારીએ ઘટનાની ટૂંકી વિગત આપતાં જણાવ્યું હતું કે બાઇકને લઈને થયેલી માથાકૂટ બાદ રિઝવાન અને સમીર નામના શખ્સોએ ભરવાડ યુવક પર હુમલો કરી દીધો હતો અને સારવાદ દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું છે કે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને હાલ આરોપીઓની ધરપકડ બાદ આગળની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
#WATCH | Dhandhuka, Gujarat | Superintendent of Police (SP) for Ahmedabad Rural, Om Prakash Jat says, "In Dandhuka town, two people were involved in a bike accident. One of them was a youth from the Muslim community, and the other was from the Bharwad community. They had a fight,… pic.twitter.com/ecG6mX9aQe
— ANI (@ANI) April 18, 2026
નોંધનીય છે કે આ જ ધંધુકામાં વર્ષ 2022માં કિશન ભરવાડ નામના એક હિંદુ યુવકની મુસ્લિમ કટ્ટરપંથીઓએ ભગવાન શ્રીકૃષ્ણનું સ્ટેટ્સ મૂકવા જેવી વાતમાં હત્યા કરી નાખી હતી. તેના પર સરાજાહેર, ધોળા દિવસે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ મામલે પછીથી ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મૌલવી પણ સામેલ છે. કિશન ભરવાડની ઘાતકી હત્યા હિંદુઓ ભૂલી શક્યા નથી ત્યાં આવો બીજો બનાવ બનતા આક્રોશ ફાટી નીકળ્યો હતો. જોકે હાલ વિસ્તારમાં શાંતિ છે.


