અમદાવાદ: ધંધુકામાં નજીવી બાબતમાં હિંદુ યુવાનને મુસ્લિમ શખ્સે છરીના ઘા ઝીંક્યા, મોત બાદ વિસ્તારમાં તણાવ; પોલીસનાં ધાડેધાડાં ઉતર્યાં

અમદાવાદના ધંધુકામાં એક હિંદુ યુવાનની હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે ધર્મેશ ભરવાડ નામના એક યુવકની એક મુસ્લિમ શખ્સે હત્યા કરી નાખી છે. આ હત્યાના વિરોધમાં સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને તોડફોડ, આગચંપીની ઘટનાઓ સામે આવી છે. આ ઉપરાંત મુસ્લિમ ટોળા પણ રસ્તા પર ઉતરી આવ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. 

પ્રાથમિક વિગતો અનુસાર ધંધુકાની નસીબ સોસાયટીમાં વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતને લઈને એક મુસ્લિમ શખ્સ રિઝવાને ધર્મેશ ભરવાડ નામના એક હિંદુ યુવાનની છરાના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખી હતી. આ સમાચાર વહેતા થતાં જ ધંધુકામાં લોકો એકઠા થઈ ગયા હતા અને આગચંપી તથા તોડફોડની ઘટનાઓ સામે આવી હતી. હાલ પોલીસના ધાડેધાડાં શહેરમાં ઉતારી દેવામાં આવ્યાં છે.

ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તા પર પાર્ક કરેલ અનેક બાઈક અને આસપાસની દુકાનોમાં આગ લગાવી દીધી હતી. આ આગચંપી અને હોબાળા કારણે આખા ધંધુકા સર્કલ વિસ્તારમાં કર્ફયુ જેવો માહોલ થઈ ગયો હતો.

સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને ટોળાને વિખેરવા પ્રયાસો હાથ ધર્યા હતા, જ્યારે ફાયર વિભાગ દ્વારા સળગતાં વાહનો પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. હાલ મૃતક યુવાનના દેહને RMS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આગચંપી અને તોડફોડની ઘટનાઓ બાદ જિલ્લા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. અમદાવાદ જિલ્લાના DySP સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ધંધુકા રવાના કરવામાં આવ્યો હતો. આ મામલે અમદાવાદના એસપીએ સ્પષ્ટતા કરી છે કે હત્યા કરનાર આરોપીને પોલીસે પકડી લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, “ટોળાઓને વિખેરી નાખવામાં આવ્યા છે અને અત્યારે ધંધુકામાં શાંતિનો માહોલ છે. સ્થિતિ નિયંત્રણમાં છે.”

નોંધનીય છે કે અગાઉ પણ 2022માં ધંધુકામાં હિંદુ યુવાન કિશન ભરવાડની કટ્ટરપંથી મુસ્લિમોએ હત્યા કરી નાખી હતી. આ ઘટનાનો પડઘો આખા દેશમાં પડ્યો હતો, તેવામાં હવે બીજી વખત તેવી જ ઘટના બની હોવાથી લોકોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે.