દિલ્હી વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી નવાં-નવાં ગતકડાં શોધી રહ્યાં છે અને કોઈને કોઈ રીતે વિવાદ ઊભા કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં કેજરીવાલે X પર એક પોસ્ટ કરીને એક નવા વિવાદને જન્મ આપવાનો પ્રયાસ કર્યો. પણ તેમનું આ તૂત લાંબો સમય ટકી શક્યું નહીં અને મિનિટોમાં તેનું ફેક્ટચેક થઈ ગયું. તાજેતરમાં જ પંજાબ પોલીસના જવાનોને તેમની સુરક્ષામાંથી હટાવવામાં આવ્યા હતા તે મુદ્દાને ગુજરાત પોલીસ સાથે જોડવાનો તેમણે પ્રયાસ કરી જોયો, પણ સફળ થઈ શક્યા નહીં.
બન્યું એવું કે, શનિવારે (25 જાન્યુઆરી) સાંજે અરવિંદ કેજરીવાલે પોતાના X હેન્ડલ પર એક પોસ્ટ કરી. જેમાં તેમણે દાવો કર્યો કે દિલ્હીમાં પંજાબ પોલીસ હટાવીને ચૂંટણી પંચે ગુજરાત પોલીસ તહેનાત કરી દીધી છે. સાથે તેઓ લખે છે કે, “આ બધું શું ચાલી રહ્યું છે.” આ પોસ્ટમાં તેમણે ગુજરાત પોલીસની ટુકડીઓને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બંદોબસ્ત માટે મોકલવાના આદેશની એક નકલ પણ મૂકી છે. આ નકલમાં ગુજરાત પોલીસની કઈ ટુકડી ક્યાં બંદોબસ્તમાં રહેશે તેના આદેશ આપવામાં આવ્યા છે. (આર્કાઈવ)
गुजरात पुलिस का ये आदेश पढ़िये। दिल्ली से चुनाव आयोग ने पंजाब पुलिस हटाकर गुजरात पुलिस तैनात कर दी है। ये चल क्या रहा है? pic.twitter.com/Q6c9WwuSaL
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 25, 2025
હવે આ પોસ્ટ કરીને કેજરીવાલ શું સાબિત કરવા માંગે છે, અને શા માટે કરવા માંગે છે તેના પર એક નજર કરીએ. વાસ્તવમાં થોડા સમયથી પંજાબ પોલીસના (જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે) કેટલાક જવાનોને અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં લગાવવામાં આવ્યા હતા. આ ટુકડીને 24 જાન્યુઆરી 2025ના રોજ દિલ્હી પોલીસે વાંધો ઉઠાવ્યા બાદ હટાવી લેવામાં આવી. હટાવવા પાછળનું કારણ તે હતું કે એક તો અન્ય રાજ્યની પોલીસ અન્ય રાજ્યના નેતાને સુરક્ષા પૂરી ન પાડી શકે, બીજું કે દિલ્હી પોલીસનું કહેવું છે કે કેજરીવાલ પાસે પહેલેથી જ પૂરતી સુરક્ષા છે અને Z+ સુરક્ષા મળી હોય તેમને આ રીતે અન્ય રાજ્યની પોલીસ સુરક્ષા આપી શકે નહીં.
અહીં યાદ રાખવા જેવી બાબત તે છે કે દિલ્હી પોલીસે કેજરીવાલને પહેલા જ Z+ સુરક્ષા આપી રાખી છે. 63થી વધુ દિલ્હી પોલીસના જવાન તેમની સુરક્ષામાં ખડેપગે હોય છે. આ ટીમમાં એક પાયલટ, એક એસ્કોર્ટ ટીમ અને તેમના અંગત સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. આટલું જ નહીં, કેન્દ્ર સરકાર દ્વારા તેમને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના (CAPF) 15 યુનિફોર્મલેસ જવાનો પણ સુરક્ષામાં ફાળવવામાં આવ્યા છે અને તેઓ પણ પડછાયાની જેમ કેજરીવાલ સાથે જ રહે છે. તેમ છતાં તેમને પંજાબ પોલીસના કર્મચારીઓ પોતાની સુરક્ષામાં જોઈતી હતી.
અહીં વાસ્તવમાં આ બાબત દિલ્હી પોલીસ અને પંજાબ પોલીસ વચ્ચેની હતી. પંજાબ પોલીસનું કહેવું હતું કે તેમને કેજરીવાલને ધમકીઓ મળતી હતી એટલે જવાનોને તેમની સુરક્ષામાં લગાવવામાં આવ્યા હતા. પરંતુ દિલ્હી પોલીસે વ્યાજબી વાતને લઈને વાંધો ઉઠાવ્યો એટલે પંજાબ પોલીસે પોતાના જવાનોને પરત બોલાવી લીધા. પરંતુ આ સમગ્ર મુદ્દાને કેજરીવાલે એક નવા મુદ્દા સાથે જોડીને એવું સાબિત કરવાના પ્રયાસ કર્યા કે દિલ્હીમાંથી ચૂંટણી પંચ પંજાબ પોલીસને હટાવીને ગુજરાત પોલીસને કામે લગાડી રહ્યું છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ગુજરાતમાં ભાજપની.
શું છે વાસ્તવિકતા?
હવે અહીં મૂળ મામલો શું છે તેની ચોખવટ ગુજરાત પોલીસ જેમના હાથ નીચે આવે છે એવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આપી ચૂક્યા છે. કેજરીવાલને ટાંકીને તેમણે લખ્યું, “મને હવે સમજાયું કે લોકો તમને ઝાંસેબાજ કેમ કહે છે. હું આશ્ચર્યચકિત છું કે કેજરીવાલને એક મુખ્યમંત્રી તરીકે ચૂંટણી પંચના સામાન્ય નિયમોની પણ ખબર નથી. તેમણે માત્ર ગુજરાત નહીં પણ અનેક રાજ્યોમાંથી પોલીસ બળ મંગાવ્યું છે. ચૂંટણી પંચે વિવિધ રાજ્યોમાંથી SRPની ટુકડીઓ બોલાવી છે અને તે એક રૂટિન પ્રક્રિયા છે. જેથી વિનંતી અનુસાર, ગુજરાતમાંથી SRPની 8 ટુકડીઓ મોકલવામાં આવી હતી. તો પછી કેજરીવાલ માત્ર ગુજરાતનો જ ઉલ્લેખ કેમ કરી રહ્યા છે?”
मुझे अब समझ आया कि लोग आपको झांसेबाज क्यो कहते है!!
— Harsh Sanghavi (@sanghaviharsh) January 25, 2025
Kejriwal ji as a former Chief Minister, I'm surprised you're not aware of the Election Commission's norms.
They've requested forces from various states, not just Gujarat. In fact, the Election Commission of India has ordered… https://t.co/2hLvhwYuF6 pic.twitter.com/cvdsVqvUHp
વાસ્તવમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચના અનુરોધ પર દેશનાં અનેક રાજ્યોની પોલીસ દિલ્હી મોકલવામાં આવી રહી છે. હર્ષ સંઘવીએ પોસ્ટ કરેલા ઓર્ડર અનુસાર ચૂંટણીમાં માત્ર પોલીસ નહીં, આર્મ્ડ ફોર્સ કંપનીઓનો સમાવેશ પણ થાય છે. અહીં BSF, CRPF, ITBP, અને SSB જેવાં અર્ધલશ્કરી દળોની કંપનીઓ સહિત બિહાર, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાન સ્ટેટ રિઝર્વ્ડ પોલીસ ફોર્સની કંપનીઓ બંદોબસ્ત માટે દિલ્હી મોકલવામાં આવી છે. ગુજરાતમાંથી SRPની 8 કંપનીઓ દિલ્હી ચૂંટણીમાં બંદોબસ્ત માટે જશે.
આ વાસ્તવમાં એક રૂટિન પ્રક્રિયા કહેવાય. ગુજરાતમાં પણ જ્યારે ચૂંટણી હોય ત્યારે વધારાના બંદોબસ્ત માટે જવાનોની જરૂર પડે છે અને CRPF કે SRPના જવાનો અન્ય રાજ્યોમાંથી આવતા જ હોય છે. આવું લોકસભા ચૂંટણી સમયે પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પોલીસ જવાનો મોકલવામાં આવતા હોય છે. દિલ્હી ચૂંટણીમાં પહેલી વખત બની રહ્યું નથી.
અહીં અરવિંદ કેજરીવાલે ઈરાદાપૂર્વક માત્ર ગુજરાતનો ઉલ્લેખ કરીને નકામો હોબાળો મચાવવાનો પ્રયાસ કર્યો અને એવું સાબિત કરવાના પ્રયાસ કર્યા કે દિલ્હીમાં સુરક્ષાના મુદ્દે કશુંક અસામાન્ય થઈ રહ્યું છે. પરંતુ તેઓ અને તેમની પાર્ટી આગળ વધે તે પહેલાં જ જૂઠાણાં પર ફેક્ટચેકનો બિલ્લો લાગી ગયો.