Saturday, March 15, 2025
More

    અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં હતા પંજાબના પોલીસકર્મીઓ પણ, દિલ્હી પોલીસે વાંધો ઉઠાવતાં પરત બોલાવાયા

    તાજેતરમાં જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં લાગેલા પંજાબ પોલીસના જવાનોને હટાવી લેવામાં આવ્યા. આ પગલું દિલ્હી પોલીસ દ્વારા આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. ત્યારે દિલ્હી પોલીસના આ નિર્ણય બાદ આમ આદમી પાર્ટીએ ભેંકણો તાણીને તેનો વિરોધ કર્યો છે.

    AAPનું કહેવું છે કે આ ભાજપની ચાલ છે, જ્યારે વાસ્તવમાં આ નિર્ણય દિલ્હી પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે પંજાબ પોલીસને પત્ર લખીને તેમના સુરક્ષાકર્મીઓને પરત બોલાવી લેવા જણાવ્યું હતું. આ પત્ર બાદ પંજાબ પોલીસે કેજરીવાલની સુરક્ષામાં લગાડેલા પોતાના કર્મચારીઓ પરત બોલાવી લીધા હતા. દિલ્હી પોલીસનું કહેવું છે કે કેજરીવાલ પાસે પહેલેથી જ પૂરતી સુરક્ષા છે અને Z+ સુરક્ષા મળી હોય તેમને આ રીતે અન્ય રાજ્યની પોલીસ સુરક્ષા આપી શકે નહીં.

    આ કાર્યવાહીનો વિરોધ કરતા AAP સાંસદ સંજય સિંઘે હોબાળો મચાવી દીધો. તેમણે X પર ચૂંટણી પંચને ટેગ કરીને વાતનું વતેસર કરતા લખ્યું કે, “આજે દિલ્હી પોલીસે પરાણે કેજરીવાલની સુરક્ષામાંથી પંજાબ પોલીસના કર્મચારીઓને હટાવી લીધા. અત્યારે કેજરીવાલની જે બ્લોક કાલી બાડી રોડ પર સભા છે, ત્યાં લાઠી ડંડા લઈને ગુંડાઓ પહેલાથી જ હાજર છે. હું ત્યાં પહોંચી રહ્યો છું. ચૂંટણી પંચ ક્યાં છે?”

    વાસ્તવમાં AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલને દિલ્હી પોલીસે પહેલા જ Z+ સુરક્ષા આપી રાખી છે. 63થી વધુ દિલ્હી પોલીસના જવાન તેમની સુરક્ષામાં ખડેપગે હોય છે. આ ટીમમાં એક પાયલટ, એક એસ્કોર્ટ ટીમ અને તેમના અંગત સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. આટલું જ નહીં, કેન્દ્ર સરકાર દ્વારા તેમને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના (CAPF) 15 યુનિફોર્મલેસ જવાનો પણ સુરક્ષામાં ફાળવવામાં આવ્યા છે અને તેઓ પણ પડછાયાની જેમ કેજરીવાલ સાથે જ રહે છે. તેમ છતાં તેમને પંજાબ પોલીસના કર્મચારીઓ પોતાની સુરક્ષામાં જોઈએ છે.