હોમપેજએક્સપ્લેઇનરLPGનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ હોવા છતાં સરકાર ઘરો માટે PNG પર ભાર...

LPGનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ હોવા છતાં સરકાર ઘરો માટે PNG પર ભાર કેમ મૂકી રહી છે– સરળ શબ્દોમાં સમજો

LPG એક સમયે સારો વિકલ્પ હતો, પરંતુ વધતી આયાત અવલંબન, સબસિડીનો બોજ અને લોજિસ્ટિક સમસ્યાઓને કારણે PNG વધુ વ્યવહારુ અને ટકાઉ વિકલ્પ છે. જ્યાં PNG ઉપલબ્ધ છે ત્યાં સ્વિચ કરવાથી ખર્ચ બચશે, સુરક્ષા વધશે અને રસોઈ વધુ સરળ બનશે.

- Advertisement -

કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે તાજેતરમાં એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે, જે ઘરગથ્થુ ગેસ વપરાશકારો માટે મોટા ફેરફારો લાવશે. 24 માર્ચ 2026ના રોજ જારી કરાયેલા આ પરિપત્ર મુજબ જે વિસ્તારોમાં પાઈપ્ડ નેચરલ ગેસ એટલે PNG સુવિધા ઉપલબ્ધ છે, ત્યાંના પરિવારોએ ફરજિયાતપણે PNG કનેક્શન લેવું પડશે. જો નિર્ધારિત સમયમાં સ્વિચ કરવામાં નહીં આવે તો તે ઘરોમાં LPG સિલિન્ડરનો પુરવઠો બંધ થઈ શકે છે.

‘નેચરલ ગેસ એન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન ઓર્ડર, 2026’નો હેતુ દેશમાં ગેસ પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરવાનો અને તેને વધુ નિયંત્રિત બનાવવાનો છે. સરકારનું લક્ષ્ય ઈંધણના સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવાનું છે. જે વિસ્તારોમાં પાઈપલાઈન પહોંચી ગઈ છે ત્યાં PNGનો વપરાશ વધારીને LPG સિલિન્ડરોનો જથ્થો એવા અંતરિયાળ વિસ્તારો માટે બચાવવાનો છે જ્યાં હજુ ગેસ ગ્રીડ પહોંચી નથી. આ આદેશ આવશ્યક વસ્તુ અધિનિયમ (Essential Commodities Act), 1955ની કલમ 3 હેઠળ જારી કરવામાં આવ્યો છે.

શું છે નવો પરિપત્ર?

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ તણાવને કારણે દેશમાં LPG અને અન્ય પેટ્રોલિયમ પેદાશોની અછત અનુભવાઈ રહી છે, જેને પહોંચી વળવા સરકારે આ પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્રમાં નવી જોગવાઈઓ કરીને સરકારે LPG અને PNG કનેક્શન માટે નવા નિયમો જારી કર્યા છે. આ પરિપત્રની સૌથી મહત્વની જોગવાઈ કલમ 7માં છે. જે મુજબ નીચેની શરતો પૂરી થતી હોય તો 3 મહિના પછી LPG પુરવઠો બંધ કરી શકાય છે.

- Advertisement -
  1. જો સંબંધિત પરિવાર એવા વિસ્તારમાં હોય જ્યાં અધિકૃત ગેસ એજન્સીએ પહેલેથી જ પાઈપલાઈન નાખી દીધી છે અને ગેસ સપ્લાય કરવા સક્ષમ છે.
  2. ગેસ એજન્સીએ તે પરિવારને રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા લેખિતમાં જાણ કરી હોય કે તેઓ PNG કનેક્શન માટે અરજી કરે.
  3. લેખિત સૂચના મળ્યા પછી પણ જો પરિવાર નિર્ધારિત સમય મર્યાદામાં PNG કનેક્શન માટે અરજી ન કરે.

સરકારે ગેસ પાઈપલાઈન નાખવાની પ્રક્રિયામાં આવતા અવરોધો દૂર કરવા માટે પણ કડક નિયમો બનાવ્યા છે. કલમ 4 અનુસાર જે-તે અધિકારીએ ગેસ પાઈપલાઈન નાખવાની પરવાનગી નિર્ધારિત સમયમાં આપવી પડશે. જો વિલંબ થશે તો તેને ‘ડીમ્ડ એપ્રુવલ’ (આપમેળે મળેલી મંજૂરી) ગણવામાં આવશે. કલમ 5 અને 6 અનુસાર રહેણાંક વિસ્તારોમાં છેલ્લી વ્યક્તિ સુધી કનેક્ટિવિટી આપવા માટેની પરવાનગી પણ સમયસર આપવાની રહેશે. જો ખાનગી જમીન માલિક સાથે સહમતી ન સધાય તો નિયુક્ત અધિકારી હસ્તક્ષેપ કરી શકશે અને જમીન માલિકને વળતર આપીને પાઈપલાઈન નાખવાનો માર્ગ મોકળો કરશે.

નોંધનીય છે કે માત્ર ગ્રાહકો માટે જ નહીં, પણ કલમ 8 અંતર્ગત ગેસ એજન્સીઓ માટે પણ નિયમો કડક કરાયા છે. જો કોઈ અધિકૃત એજન્સી મંજૂરી મળ્યા પછી પણ નિર્ધારિત સમયમાં પાઈપલાઈન નાખવામાં નિષ્ફળ જશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમાં પેનલ્ટીથી લઈને તે વિસ્તારમાં ગેસ વિતરણનો તેમનો અધિકાર (Exclusivity) પાછો ખેંચવા સુધીનાં પગલાં લેવાઈ શકે છે.

આ ઉપરાંત કલમ-9માં જોગવાઈ કરવામાં આવી છે કે જે જમીનમાંથી ગેસ પાઈપલાઈન પસાર થતી હોય (Right-of-way corridor) ત્યાં કોઈપણ પ્રકારનું બાંધકામ કે ખોદકામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જમીન માલિકોએ પાઈપલાઈનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એજન્સીઓ સાથે સહયોગ કરવાનો રહેશે, જેથી કોઈ અકસ્માત કે નુકસાન ન થાય.

આ સમગ્ર વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે ‘પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ’ને (PNGRB) નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. PNGRB આ આદેશનું પાલન થાય છે કે નહીં અને ગેસ એજન્સીઓ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની સતત દેખરેખ રાખશે. સરકાર આ પરિપત્રના માધ્યમથી શહેરી વિસ્તારોમાં PNGનો વ્યાપ વધારીને LPG પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.

સરકાર કેમ આ પગલું ભરી રહી છે અને PNG પર ભાર કેમ આપી રહી છે?

ભારત તેની જરૂરિયાતનો 60%થી વધુ LPG વિદેશથી આયાત કરે છે, જે મુખ્યત્વે મધ્ય પૂર્વના દેશોમાંથી આવે છે. તાજેતરમાં પશ્ચિમ એશિયામાં સર્જાયેલા ભૌગોલિક તણાવ અને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ જેવા દરિયાઈ માર્ગોમાં અવરોધોને કારણે LPGના સપ્લાયમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. આયાતી LPG પરની આ નિર્ભરતા ઘટાડવા અને દેશની ‘ઊર્જા સુરક્ષા’ મજબૂત કરવા સરકાર PNGને પ્રોત્સાહન આપી રહી છે, કારણ કે કુદરતી ગેસમાં ભારતનું સ્થાનિક ઉત્પાદન ઘણું સારું છે.

વધુમાં, સરકાર પર LPG સબસિડીનો લાખો કરોડ રૂપિયાનો આર્થિક બોજ છે. PNG પર સ્વિચ કરવાથી આ સબસિડીનો ખર્ચ ઘટશે અને દેશના નાણાંની બચત થશે, જેનો ઉપયોગ અન્ય વિકાસલક્ષી કાર્યોમાં થઈ શકશે. નોંધનીય છે કે સરકાર ‘વન નેશન, વન ગ્રિડ’ યોજના હેઠળ સમગ્ર દેશમાં ગેસ પાઈપલાઈનનું નિર્માણ કરાવી રહી છે. હાલમાં દેશમાં 25,400 કિમી લાંબી પાઈપલાઈન કાર્યરત છે અને બીજી 10,400 કિમીનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

વધુમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ તણાવને કારણે સર્જાયેલી LPGની અછતની અફવાઓ વચ્ચે 25 દિવસમાં જ 2.5 લાખથી વધુ નવાં PNG કનેક્શન અપાયાં છે. જોકે, પાઈપલાઈન નાખવી ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ એક પડકાર છે, તેથી હાલમાં આ પરિપત્ર માત્ર શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારો પૂરતો મર્યાદિત છે જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. પાઈપલાઈનના કામને ઝડપી બનાવવા સરકાર રોડ રિસ્ટોરેશન ચાર્જ માફ કરી રહી છે અને કંપનીઓને 24×7 કામ કરવાની મંજૂરી આપી રહી છે.

સરકારે જોકે એ પણ સ્પષ્ટ કર્યું છે કે PNG પર ભાર મૂકવાનું કારણ એ નથી કે LPGની દેશમાં અછત છે. LPGનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે જ, પણ PNG પ્રમાણમાં ગ્રાહકો માટે સરળ, સસ્તો અને સુરક્ષિત વિકલ્પ છે. એવું પણ નથી કે સરકારે આ હમણાં શરૂ કર્યું છે. ઘણા સમયથી PNGને પુશ આપવાનું ચાલતું હતું, હવે પરિસ્થિતિને જોતાં થોડું વધુ જોર લગાવવામાં આવી રહ્યું છે. પણ આ નિર્ણયનો અર્થ એ બિલકુલ નથી કે LPG જથ્થો ખૂટી પડ્યો છે. સરકાર માત્ર નિયમન કરી રહી છે.

LPG અને PNG શું છે અને તે કેવી રીતે મળે છે?

આજના સમયમાં રસોઈ માટે મુખ્યત્વે બે પ્રકારના ગેસનો ઉપયોગ થાય છે, LPG જે સિલિન્ડરમાં આવે છે અને PNG જે પાઈપલાઈન દ્વારા આવે છે. આ બંને ઇંધણના ગુણધર્મો અને તેની સપ્લાય ચેઇન અલગ-અલગ છે.

LPG (Liquefied Petroleum Gas– લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ)

LPG એ મુખ્યત્વે પ્રોપેન અને બ્યુટેન નામના હાઇડ્રોકાર્બન ગેસનું મિશ્રણ છે. આ ગેસ કુદરતી રીતે વાયુ સ્વરૂપમાં હોય છે, પરંતુ જ્યારે તેને ઊંચા દબાણ (High Pressure) હેઠળ રાખવામાં આવે ત્યારે તે પ્રવાહી (Liquid) બની જાય છે. આ કારણે જ તેને ‘લિક્વિફાઇડ’ પેટ્રોલિયમ ગેસ કહેવામાં આવે છે. પ્રવાહી સ્વરૂપમાં હોવાને કારણે તેને નાના સિલિન્ડરમાં મોટી માત્રામાં ભરી શકાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં સરળતા રહે છે.

LPG મુખ્યત્વે બે રીતે મેળવાય છે, એક રિફાઇન કરીને અને બીજું કુદરતી ગેસ પર પ્રોસેસ કરીને. જ્યારે જમીનમાંથી કાઢવામાં આવેલા ક્રૂડ ઓઇલને રિફાઇનરીમાં શુદ્ધ કરીને પેટ્રોલ કે ડીઝલ બનાવવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયા દરમિયાન આડપેદાશ તરીકે LPG ઉત્પન્ન થાય છે. બીજું, કુદરતી ગેસના કુવાઓમાંથી જ્યારે ગેસ કાઢવામાં આવે છે ત્યારે તેમાંથી પ્રોપેન અને બ્યુટેનને અલગ કરીને પણ LPG બનાવવામાં આવે છે.

ભારતમાં LPGનો વપરાશ ખૂબ વધુ છે. દેશમાં ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી કંપનીઓ આ ક્ષેત્રે કાર્યરત છે. ભારત તેની જરૂરિયાતનો લગભગ 40-50% ગેસ સ્થાનિક રિફાઇનરીઓમાં બનાવે છે, જ્યારે બાકીનો 50-60% ગેસ સાઉદી અરેબિયા, કતાર અને UAE જેવા પશ્ચિમ એશિયાના દેશોમાંથી આયાત કરવો પડે છે. આ આયાતી ગેસ મોટાં જહાજો દ્વારા ભારતનાં બંદરો પર આવે છે.

રિફાઇનરી કે પોર્ટ પરથી આ ગેસ મોટાં ટેન્કરો દ્વારા ‘બોટલિંગ પ્લાન્ટ’માં જાય છે, જ્યાં તેને લોખંડનાં સિલિન્ડરોમાં ભરવામાં આવે છે. ત્યાંથી ટ્રકો દ્વારા આ સિલિન્ડરો લોકલ ગેસ એજન્સીઓ સુધી પહોંચે છે અને અંતે હોમ ડિલિવરીથી આપણા રસોડા સુધી પહોંચે છે. હાલમાં ભારતમાં 33 કરોડથી વધુ સક્રિય LPG કનેક્શન છે, જેમાં 10 કરોડથી વધુ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળનાં છે. નોંધનીય છે કે ભારત વાર્ષિક લગભગ 31-33 મિલિયન મેટ્રિક ટન LPG વાપરે છે.

PNG (Piped Natural Gas – પાઈપલાઈન દ્વારા કુદરતી ગેસ)

PNG એ મુખ્યત્વે મિથેન (Methane) ગેસ છે. આ એક શુદ્ધ કુદરતી ગેસ છે જે હવામાં ભળતાં જ ઉપર તરફ જાય છે કારણ કે તે હવા કરતાં હલકો હોય છે. PNGને પ્રવાહી બનાવવાની જરૂર પડતી નથી, તે હંમેશા વાયુ (Gaseous) સ્વરૂપમાં જ રહે છે અને પાઈપલાઈનથી સીધો રસોડા સુધી પહોંચાડવામાં આવે છે.

PNG પણ સ્થાનિક ઉત્પાદન અને LNG આયાત કરીને મેળવવામાં આવે છે. ભારતના મુંબઈ, અસમ અને ગુજરાત જેવા વિસ્તારોમાં આવેલા ગેસના કુવાઓમાંથી ઓનજીસી (ONGC) અને રિલાયન્સ જેવી કંપનીઓ કુદરતી ગેસ કાઢે છે. ભારતની જરૂરિયાતનો અડધો ભાગ અહીંથી પૂરો થાય છે. બાકીનો ગેસ વિદેશથી LNG (Liquefied Natural Gas) તરીકે લિક્વિડ ફોર્મમાં આયાત થાય છે. ભારતમાં આવ્યા પછી તેને ફરીથી ગેસમાં ફેરવવામાં આવે છે જેને રિગેસિફિકેશન કહેવાય છે. આ પ્રક્રિયા પછી PNG પાઈપલાઈનમાં છોડવામાં આવે છે.

નોંધનીય છે એક ગેઈલ (GAIL) જેવી મોટી કંપનીઓ દેશભરમાં મુખ્ય ગેસ પાઈપલાઈન બનાવે છે. જે રીતે નર્મદાનું પાણી મુખ્ય કેનાલ દ્વારા શહેરો સુધી આવે છે, તેમ ગેસ પણ આ મુખ્ય લાઇનના માધ્યમથી શહેરો સુધી પહોંચે છે. શહેરોમાં સ્થાનિક કંપનીઓ આ ગેસને નાની પાઇપલાઇનોના માધ્યમથી સોસાયટીઓ અને ફ્લેટ્સ સુધી પહોંચાડે છે.

આ સિસ્ટમમાં ગ્રાહકને ગેસ બુક કરાવવાની કે સિલિન્ડરની રાહ જોવાની જરૂર પડતી નથી. PNGમાં દરેક ઘરમાં એક ગેસ મીટર લગાવવામાં આવે છે. ચોવીસ કલાક સતત ગેસ સપ્લાય મળે છે અને જેટલો વપરાશ થાય એટલું જ બિલ આવે છે. હાલમાં ભારતમાં 1.36 કરોડ PNG કનેક્શન છે, જેને આગામી 2032 સુધીમાં 12 કરોડ સુધી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે.

PNG કેમ વધુ સરળ અને સારું

PNG (Piped Natural Gas) એ રાંધણ ગેસનો આધુનિક અને અત્યંત અનુકૂળ વિકલ્પ છે. સરખામણી પરંપરાગત LPG સિલિન્ડર સાથે કરીએ ત્યારે PNG સુરક્ષા, બચત અને સુવિધાની દૃષ્ટિએ ઘણું ચઢિયાતું સાબિત થાય છે.

સુરક્ષા: PNGની સૌથી મોટી વિશેષતા તેની સુરક્ષા છે. PNG મુખ્યત્વે મિથેન ગેસ છે, જે હવાથી હલકો હોય છે. જો ક્યારેય ગેસ લીક થાય, તો તે જમીન પર જમા થવાને બદલે તરત જ હવામાં ઉપર ઉડી જાય છે અને વાતાવરણમાં ભળી જાય છે, જેનાથી આગ લાગવાનું કે વિસ્ફોટનું જોખમ ઘણું ઓછુ થઈ જાય છે.

તેની સરખામણીમાં LPG હવાથી ભારે હોવાથી લીક થવા પર તે જમીન પર અથવા રસોડાના ખૂણાઓમાં જમા થાય છે, જે ખૂબ જ જોખમી બની શકે છે. વધુમાં, પાઈપલાઈનમાં ગેસનું દબાણ (Pressure) ખૂબ જ ઓછું હોય છે અને તેમાં ઓટોમેટિક કટ-ઓફ વાલ્વ હોય છે, જે કોઈપણ ખામી સમયે સપ્લાય આપમેળે બંધ કરી દે છે.

સુવિધા અને સતત સપ્લાય: PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) એ રસોઈ માટેની અત્યંત આધુનિક અને તણાવમુક્ત સુવિધા છે, જેમાં ગ્રાહકને વારંવાર સિલિન્ડર બુક કરાવવાની કે તેની ડિલિવરી માટે રાહ જોવાની કોઈ જરૂર પડતી નથી. તે નળથી મળતા પાણી કે વીજળીની જેમ પાઈપલાઈનથી રસોડામાં 24 કલાક સતત સપ્લાય થાય છે, જેના કારણે ટ્રાફિક, લોજિસ્ટિક્સ કે ભૌગોલિક તણાવને લીધે થતા ડિલિવરીના વિલંબની કોઈ ચિંતા રહેતી નથી. આ સિસ્ટમ ખાસ કરીને વ્યસ્ત શહેરી જીવનમાં વરદાન સમાન છે કારણ કે ગેસ ક્યારે ખતમ થઈ જશે તેનો ડર રહેતો નથી અને રસોઈ વચ્ચે અટકતી નથી.

કિંમત અને ખર્ચમાં બચત: માર્ચ 2026ના તાજેતરના આંકડા મુજબ, દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં નોન-સબસિડાઇઝ્ડ LPG સિલિન્ડરની કિંમત આશરે ₹910 થી ₹913ની વચ્ચે છે, જ્યારે તેટલી જ ઊર્જા આપતા PNGનો (આશરે 15.5 થી 16 SCM) ખર્ચ માત્ર ₹770 થી ₹800 જેટલો જ આવે છે. આમ PNG સસ્તો છે. આ ઉપરાંત, PNGમાં સિલિન્ડરના ટ્રાન્સપોર્ટેશન, બોટલિંગ કે ડિલિવરી બોયને આપવાની વધારાની ટિપ્સ જેવો કોઈ છુપો ખર્ચ હોતો નથી, જે તેને મધ્યમ વર્ગના પરિવારો માટે વધુ કરકસરયુક્ત બનાવે છે.

બીજી મોટી રાહત એ છે કે PNG ‘પે-એઝ-યુ-યુઝ’ એટલે કે વપરાશ મુજબ ચૂકવણીના મોડલ પર કામ કરે છે, જેમાં તમારે LPGની જેમ અગાઉથી પૈસા ચૂકવવા પડતા નથી કે સિલિન્ડરના તળિયે બાકી રહી જતા ગેસનું નુકસાન વેઠવું પડતું નથી. સરકાર અત્યારે આ સ્વિચિંગને પ્રોત્સાહન આપવા માટે ₹5,000થી ₹7,000ની સિક્યોરિટી ડિપોઝિટ પણ માફ કરી રહી છે અને ₹500 સુધીનો નિ:શુલ્ક ગેસ પણ આપી રહી છે. આ આકર્ષક ઓફર્સ અને માસિક બિલમાં થતી બચતને કારણે PNG લાંબે ગાળે માત્ર સસ્તું જ નહીં, પણ રસોડાના બજેટને સંતુલિત રાખવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે.

PNG એ એક ‘ક્લીન ફ્યુઅલ’ એટલે કે સ્વચ્છ બળતણ છે. તે બળતી વખતે હાનિકારક ધુમાડો કે રાખ ઉત્પન્ન કરતું નથી. જેના કારણે ઘરની અંદરનું વાતાવરણ પ્રદૂષણમુક્ત રહે છે. કાર્બન ઉત્સર્જન ઓછું હોવાને કારણે તે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. LPGનો સપ્લાય ઘણીવાર આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ અથવા ટ્રાન્સપોર્ટ હડતાલને કારણે પ્રભાવિત થાય છે. પરંતુ PNGમાં પાઈપલાઈન નેટવર્ક જમીનની નીચે હોવાથી હવામાન કે અન્ય બાહ્ય પરિબળોની અસર થતી નથી. ભારત સરકાર અત્યારે સ્થાનિક ગેસ ઉત્પાદન વધારી રહી હોવાથી PNGનો સપ્લાય વધુ ભરોસાપાત્ર અને સ્થિર રહે છે.

નોંધનીય છે કે આ પરિપત્ર ભારતની ઊર્જા નીતિમાં એક મોટું પરિવર્તન છે. LPG એક સમયે સારો વિકલ્પ હતો, પરંતુ વધતી આયાત અવલંબન, સબસિડીનો બોજ અને લોજિસ્ટિક સમસ્યાઓને કારણે PNG વધુ વ્યવહારુ અને ટકાઉ વિકલ્પ છે. જ્યાં PNG ઉપલબ્ધ છે ત્યાં સ્વિચ કરવાથી ખર્ચ બચશે, સુરક્ષા વધશે અને રસોઈ વધુ સરળ બનશે. ગ્રાહકોએ ત્રણ મહિનાની અવધિમાં સ્થાનિક ગેસ કંપની સાથે સંપર્ક કરીને PNG કનેક્શન મેળવવું પડશે. આ ફેરફાર લાંબા ગાળે દેશની ઊર્જા સ્વાવલંબન અને સ્વચ્છ રસોઈ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં