Thursday, April 2, 2026
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિશું હોય છે કમુરતાં, કેમ તેમાં નથી થઈ શકતાં કોઈ શુભ કાર્ય?–...

    શું હોય છે કમુરતાં, કેમ તેમાં નથી થઈ શકતાં કોઈ શુભ કાર્ય?– વાંચો ખગોળીય ઘટના અને તેનું વૈજ્ઞાનિક-ધાર્મિક મહત્વ

    ખરમાસ કોઈ નિષેધાત્મક કે નકારાત્મક અવધારણા નથી, પરંતુ તે જીવનની ગતિને કેટલાક સમય માટે ધીમી કરીને આત્મમંથન અને સંતુલનની તક આપનારી પરંપરા છે. સૂર્યની સ્થિતિ પર આધારિત આ કાળખંડ ભારતીય જ્યોતિષની વૈજ્ઞાનિક સમજ, ઋતુ-ચક્રની ઓળખ અને માનવ આરોગ્યની ચિંતા – ત્રણેયનો સંગમ રજૂ કરે છે.

    - Advertisement -

    હિંદુ ધર્મની પરંપરાઓને ઘણી વખત માત્ર આસ્થા કે રૂઢિના ચશ્માથી જોવામાં આવે છે. કડવા ચોથથી લઈને હિંદુઓના દરેક તહેવારો પર ‘બુદ્ધિજીવીઓ’ ‘રૂઢિચુસ્તતા’ની પીપૂડી વગાડવા લાગે છે. પરંતુ જો તે પરંપરાઓને ઊંડાણપૂર્વક સમજવામાં આવે તો જાણવા મળે છે કે તેની પાછળ ગહન ખગોળીય, જ્યોતિષ અને વૈજ્ઞાનિક આધારો હોય છે. આવી જ એક પરંપરા છે ‘કમુરતાં’ (કુમુહૂર્તા) કે ‘ખરમાસ’. ભારતીય સમાજમાં ઘણા લાંબા સમયથી આ પ્રાચીન પરંપરાનું પાલન થતું આવ્યું છે. કમુરતાંને લઈને સામાન્ય સમજ માત્ર એટલી છે કે આ દિવસોમાં કોઈ શુભ કાર્ય નથી થઈ શકતું. 

    પણ સવાલ એ છે કે આ કમુરતાં-ખરમાસ છે શું? આ કેમ અને ક્યારે આવે છે અને તેની પાછળ જ્યોતિષશાસ્ત્ર અને વિજ્ઞાનની શું દલીલ છે? જોકે, હિંદુ ધર્મમાં કેટલીક તિથિઓ અને સમયગાળા એવાં હોય છે, જે શુભ કાર્યો માટે વર્જિત માનવામાં આવે છે, પણ આધ્યાત્મિક સાધના માટે ઉત્તમ માનવામાં આવે છે. આવો જ એક સમયગાળો કમુરતાં પણ છે. 

    શું હોય છે કમુરતાં? 

    કમુરતાંનો શાબ્દિક અર્થ જોઈએ તો ‘કુમુહૂર્ત’ થાય છે. એવું મુહૂર્ત કે જેમાં સારાં કામ ન થઈ શકે. ગુજરાતી લોકબોલીમાં તેને ‘કમુરતાં’ કહેવામાં આવે છે. ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં તેને ‘ધનુર્માસ’ કે ‘ખરમાસ’ કહેવામાં આવે છે. ‘ખરમાસ’ શબ્દ બે શબ્દોથી મળીને બનેલો છે- ખર અને માસ. પૌરાણિક ગ્રંથોમાં ‘ખર’નો સંબંધ અશ્વ કે ગધેડા સાથે જોડવામાં આવે છે, જે પ્રતીકાત્મક રીતે સૂર્યની ગતિમાં શિથિલતા કે અસંતુલનનો સંકેત આપે છે. વાસ્તવમાં ખરમાસ તે સમયગાળાને કહેવામાં આવે છે, જ્યારે સૂર્ય ધનુ રાશિ કે મીન રાશિમાં પ્રવેશ કરે છે.

    - Advertisement -

    હિંદુ જ્યોતિષ મુજબ સૂર્યની બાર રાશિઓમાંની યાત્રાને એક વર્ષ ગણવામાં આવે છે. જ્યારે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પૌષ માસનો ખરમાસ શરૂ થાય છે અને જ્યારે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ફાલ્ગુન-ચૈત્ર સંધિકાળનો ખરમાસ માનવામાં આવે છે. આ બંને અવધિઓને માંગલિક દૃષ્ટિએ અનુકૂળ નથી માનવામાં આવતી. 

    સરળતાથી સમજીએ તો જ્યારે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારથી કમુરતાં અથવા ખરમાસ શરૂ થાય છે અને તે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે પૂરો થાય છે. ધન રાશિમાં પ્રવેશ થતો હોવાથી તેને ધનુર્માસ પણ કહેવામાં આવે છે. વર્ષમાં બે વખત આવો સમયગાળો આવે છે – એક ડિસેમ્બર-જાન્યુઆરીમાં (ધનુ) અને બીજો માર્ચ-એપ્રિલમાં (મીન રાશિમાં).

    2025માં ડિસેમ્બરના કમુરતાં 16 ડિસેમ્બરથી શરૂ થયાં છે અને 14 જાન્યુઆરી 2026ના મકરસંક્રાંતિના દિવસે પૂરાં થશે. આ સમયે સૂર્ય ગુરુની (બૃહસ્પતિ) રાશિમાં હોય છે, જેના કારણે સૂર્યની શક્તિ કંઈક અંશે નબળી પડે છે. પુરાણોમાં વર્ણન છે કે આ સમયે સૂર્ય પોતાના ગુરુની સેવામાં રત રહે છે, તેથી નવાં કાર્યોની શરૂઆત માટે તેની પૂર્ણ શક્તિ ઉપલબ્ધ નથી હોતી. પૌરાણિક કથન મુજબ, જ્યારે સૂર્ય દેવગુરુ ગુરુનાં ઘરમાં પ્રવેશે છે ત્યારે વાતાવરણમાં ભૌતિક સુખ કરતાં આધ્યાત્મિક શક્તિ વધુ હોય છે. આ સમય ઈશ્વર આરાધના-સાધના માટે શ્રેષ્ઠ છે.

    જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનો એક સ્વભાવ નક્કી કરવામાં આવેલો છે, જેથી માનવ સભ્યતાને સરળતાથી સમજાવી શકાય. સૂર્યને ગ્રહોનો રાજા ગણવામાં આવે છે. તે સત્તા, અહંકાર, શાસન અને ભૌતિક તેજનો કારક છે. જ્યારે ગુરુ દેવતાઓના ગુરુ તરીકે વર્ણવાયા છે. તે જ્ઞાન, બુદ્ધિ, ધર્મ અને આધ્યાત્મિકતાના કારક છે.

    વૈદિક જ્યોતિષ અને કમુરતાં 

    વૈદિક જ્યોતિષમાં સૂર્યને આત્માનો કારક અને જીવનશક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. જ્યારે તે ગુરુની રાશિમાં પ્રવેશે છે ત્યારે તેની ઉર્જા આંતરિક ચિંતન અને આધ્યાત્મિક વિકાસ તરફ વળે છે, બાહ્ય વિશ્વનાં મોટાં કાર્યો તરફ નહીં. તેથી આ સમયને શૂન્ય માસ પણ કહેવાય છે, જેને નવા આરંભ માટે અનુકૂળ નથી માનવામાં આવતો.

    પૌરાણિક કથા અનુસાર, સૂર્યના રથના ઘોડા આ સમયે થાકી જાય છે અને રથની ગતિ ધીમી પડે છે, જેનું પ્રતીકાત્મક અર્થઘટન છે કે પ્રકૃતિની ઉર્જા આંતરિક પુનર્જનનમાં વપરાય છે. આ સમયે ભગવાન વિષ્ણુ અને સૂર્યની પૂજા વિશેષ ફળ આપે છે. 

    ખરમાસનું નિર્ધારણ સંપૂર્ણપણે સૂર્યની રાશિ-પરિવર્તન પ્રક્રિયા પર આધારિત છે. સામાન્ય રીતે પૌષ માસનો ખરમાસ દર વર્ષે 16 કે 17 ડિસેમ્બરની આસપાસ સૂર્યના ધનુ રાશિમાં પ્રવેશથી શરૂ થાય છે અને મકરસંક્રાંતિ, એટલે સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સુધી ચાલે છે, જે સામાન્યપણે 14 કે 15 જાન્યુઆરીએ થાય છે. આ જ પ્રમાણે, બીજો ખરમાસ સૂર્યના મીન રાશિમાં પ્રવેશથી શરૂ થઈને મેષ સંક્રાંતિ સુધી રહે છે. જોકે ભારતીય સમાજમાં મુખ્યત્વે પૌષ માસવાળો ખરમાસ જ વધુ પ્રચલિત અને ચર્ચિત છે. 

    કેમ અશુભ માનવામાં આવે છે આ સમયગાળો?

    જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય આત્મા, ઊર્જા, તેજ અને સૃજનાત્મક શક્તિનો કારક છે. સૂર્ય ધનુ કે મીન રાશિમાં હોય છે ત્યારે તેની નબળી અવસ્થા માનવામાં આવે છે. આ કાળમાં સૂર્યની ગતિ અપેક્ષાકૃત ધીમી દેખાય છે અને એ જ કારણ છે કે તે સમયગાળાને શુભ કાર્યો માટે અવગણવામાં આવે છે. વિવાહ, ગૃહપ્રવેશ, મુંડન, યજ્ઞોપવીત જેવા સંસ્કારો માટે સૂર્યની સશક્ત સ્થિતિ જરૂરી માનવામાં આવે છે. ખરમાસમાં સૂર્ય બળહીન માનવામાં આવે છે, તેથી આ સંસ્કારોને સ્થગિત કરવાની પરંપરા વિકસિત થઈ છે. આ માત્ર ધાર્મિક આદેશ નથી, પરંતુ ખગોળીય ગણનાઓ પર આધારિત નિષ્કર્ષ છે, જેનો ઉલ્લેખ ધર્મસિંધુ, નિર્ણયસિંધુ અને અન્ય જ્યોતિષીય ગ્રંથોમાં મળે છે. 

    કમુરતાંમાં શું કરી શકાય અને શું ન કરી શકાય?

    ખરમાસને પૂર્ણપણે નિષ્ક્રિય કાળ નથી માનવામાં આવતો. આ કાળ સંયમ, આત્મચિંતન અને સાધના માટે વિશેષ રૂપે ઉપયોગી માનવામાં આવે છે. પૂજા-પાઠ, જપ-તપ, દાન-પુણ્ય, તીર્થ-સ્મરણ, કથા-શ્રવણ અને વ્રત જેવાં કાર્યો આ સમયગાળામાં શ્રેષ્ઠ માનવામાં આવ્યાં છે. ગીતા, રામાયણ કે વિષ્ણુ-પુરાણના પાઠનું વિશેષ મહત્વ પણ આ જ કાળમાં જણાવવામાં આવ્યું છે. તેનાથી વિપરીત, વિવાહ, સગાઈ, ગૃહપ્રવેશ, નવો વેપાર શરૂ કરવો કે મોટા ભૌતિક નિર્ણયો લેવા પરંપરાગત રીતે ટાળવાની સલાહ આપવામાં આવે છે. તેનો હેતુ જીવનના મહત્વના નિર્ણયોને એ સમયે લેવાનો છે જ્યારે પ્રકૃતિ અને ખગોળીય સ્થિતિઓ સહાયક હોય. 

    ખરમાસ અને તેનું વૈજ્ઞાનિક મહત્વ

    જો ખરમાસને વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોવામાં આવે તો તેની પાછળ હવામાન અને પ્રકૃતિનો ગહન સંબંધ દેખાય છે. પૌષ માસનો ખરમાસ વર્ષની સૌથી ઠંડી અવધિ દરમિયાન આવે છે. આ સમયે સૂર્યનાં કિરણો પૃથ્વી પર ત્રાંસાં પડે છે, જેનાથી તાપમાન ન્યૂનતમ સ્તરે પહોંચે છે. આ એ જ સમય હોય છે જ્યારે માનવ શરીરની રોગપ્રતિકારક ક્ષમતા નબળી થાય છે અને પાચનતંત્ર પર તાણ વધે છે.

    આવા સમયે વિવાહ કે મોટા સામાજિક આયોજનો માત્ર શારીરિક રીતે થકાવનારાં જ નહીં, પરંતુ આરોગ્ય માટે જોખમ ઊભું કરનારાં પણ સાબિત થઈ શકે છે. આધુનિક વિજ્ઞાન પણ માને છે કે શિયાળાના ચરમ સમયે શરીરને વધુ આરામ, પોષણ અને સંતુલનની જરૂર હોય છે. આ દૃષ્ટિએ જોવામાં આવે તો ખરમાસ દરમિયાન સંયમ અને સાધના પર ભાર મૂકવો સંપૂર્ણપણે વ્યાવહારિક લાગે છે. 

    પ્રાચીન ઋષિઓએ આ વૈજ્ઞાનિક હકીકતને ધ્યાનમાં રાખીને મોટા ઉત્સવો અને શારીરિક-માનસિક તાણ વધારે તેવાં કાર્યો આ સમયે ન કરવાની સલાહ આપી છે. ઋષિઓએ આ સમયને આરામ, ચિંતન અને આંતરિક શુદ્ધિ માટેનો ગણાવ્યો છે.

    ખરમાસ એ વાતનું ઉદાહરણ છે કે હિંદુ ધર્મમાં પરંપરા અને વિજ્ઞાન એકબીજાના વિરોધી નથી, પરંતુ પૂરક છે. ઋષિઓએ ખગોળીય ઘટનાઓ, ઋતુચક્ર અને માનવજીવન વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સૂર્યની ગતિ, પૃથ્વીની ધરીનો ઝુકાવ અને હવામાન પરિવર્તન, આ બધાં તથ્યો આજે આધુનિક વિજ્ઞાન દ્વારા પણ સ્વીકારાયાં છે.

    એટલે ખરમાસને અંધશ્રદ્ધા કહીને નકારી કાઢવો ભારતીય જ્ઞાન-પરંપરાની ગહનતાને અવગણવા જેવું છે. વાસ્તવમાં આ કાળ આપણને એ શીખવે છે કે જીવન માત્ર ઉત્સવો અને ભૌતિક સિદ્ધિઓ સુધી મર્યાદિત નથી, પરંતુ આત્માનુશાસન અને પ્રકૃતિ સાથેનો તાલમેલ પણ એટલો જ જરૂરી છે. 

    ખરમાસ કોઈ નિષેધાત્મક કે નકારાત્મક અવધારણા નથી, પરંતુ તે જીવનની ગતિને કેટલાક સમય માટે ધીમી કરીને આત્મમંથન અને સંતુલનની તક આપનારી પરંપરા છે. સૂર્યની સ્થિતિ પર આધારિત આ કાળખંડ ભારતીય જ્યોતિષની વૈજ્ઞાનિક સમજ, ઋતુ-ચક્રની ઓળખ અને માનવ આરોગ્યની ચિંતા – ત્રણેયનો સંગમ રજૂ કરે છે. મકરસંક્રાંતિ સાથે જ્યારે સૂર્ય ઉત્તરાયણ થાય છે, ત્યારે ફરી શુભ કાર્યોનો આરંભ આ જ સંતુલિત દૃષ્ટિકોણનું પ્રમાણ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં