
ગુજરાતની પાકિસ્તાન સાથેની સરહદ પરની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આગામી 11 અને 12 જૂનના રોજ ગુજરાત પોલીસના 8 જેટલા ઉચ્ચ અને સિનિયર IPS અધિકારીઓ પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા 16 સરહદી ગામોની મુલાકાત લેવાના છે.
આ સરહદી પ્રવાસ માત્ર એક ઔપચારિક કે સરકારી મુલાકાત નથી, પરંતુ સુરક્ષા વ્યવસ્થાને પાયાથી સમજવા માટેની એક સઘન કવાયત છે. આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે મુલાકાત દરમિયાન તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કોઈ હોટેલ કે સરકારી ગેસ્ટ હાઉસમાં રોકાવાને બદલે જે-તે સરહદી ગામના સ્થાનિક નાગરિકોના ઘરે જ રાત્રિ રોકાણ કરશે. આ બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠાના વાવ-થરાદ, પાટણ અને કચ્છ જિલ્લાના છેવાડાના ગામોને આવરી લેવામાં આવ્યા છે.
આ વિશેષ મિશન હેઠળ અલગ-અલગ વિસ્તારોની જવાબદારી વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવી છે. જેમાં ADGP વાબંગ જમીર વાવ-થરાદના આસરગામ અને રાછેણા ગામની, જ્યારે ADGP અજયકુમાર ચૌધરી કચ્છના (ઈસ્ટ) શિરાનીવાંઢ અને જટાવાડા ગામની મુલાકાત લેશે. પાટણ જિલ્લાના ધોકવાડા અને ચારણકા ગામમાં IGP બિપિન શંકરરાવ આહિરે જશે. આ ઉપરાંત DIGP એ. એમ. મુનિયા, DIGP કે. એન. ડામોર, DIGP ડૉ. લીના પાટીલ, ACP આર. ટી. સુસરા અને DIGP સુધા એસ. પાંડે પણ કચ્છ અને વાવ-થરાદના જુદા-જુદા નિયત કરાયેલા ગામોમાં રોકાણ કરશે.
ગામડાઓમાં રોકાણ દરમિયાન અધિકારીઓ વિવિધ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ કરાવશે. તેઓ રાત્રિના સમયે બોર્ડર પેટ્રોલિંગનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે અને સુરક્ષા એજન્સીઓની સજ્જતા તપાસશે. આ ઉપરાંત દુર્ગમ અને મુશ્કેલ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ જવાનોનો ઉત્સાહ વધારવા તેમની સાથે સીધો સંવાદ કરશે. ગ્રામજનો સાથે રાત્રીસભા અને લોકસંવાદ યોજીને સરહદી વિસ્તારોની સ્થાનિક સમસ્યાઓ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે.

