રાયધણપરમાં હિંદુઓ પર હુમલા બાદ કચ્છના નાના વરનોરા પહોંચ્યું બુલડોઝર: 21 ગેરકાયદે દુકાનો જમીનદોસ્ત

તાજેતરમાં જ કચ્છના નાના વરનોરા ગામના કેટલાક મુસ્લિમ શખ્સોએ નજીકના ગામ રાયધણપરમાં હિંદુઓ પર વીજળી બંધ કરીને હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને 23 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. હવે જાણવા મળી રહ્યું છે કે નાના વરનોરા ગામમાં પ્રશાસને બુલડોઝર કાર્યવાહી હાથ ધરી છે. 

કચ્છ કલેકટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ભુજ તાલુકાના નાના વરનોરા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અનેક ગેરકાયદે દુકાનોને તોડી પાડવામાં આવી છે અને સરકારી જમીન મુક્ત કરવામાં આવી છે.

અગાઉ આ વિસ્તારમાં મોટાપાયે ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે સરકારે કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી દરમિયાન ભુજ ગ્રામ્યના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને માર્ગ-મકાન વિભાગની સંયુક્ત ટીમ પોલીસ સાથે ગામમાં પ્રવેશી હટી. બુલડોઝર કાર્યવાહી દરમિયાન 21 જેટલી ગેરકાયદે બનેલી પાકા ચણતરની દુકાનો હટાવી દેવામાં આવી છે અને આશરે 1500 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. 

મુક્ત કરવામાં આવેલી આ જમીનની બજાર કિંમત અંદાજિત 37.50 લાખ હોવાનું કહેવામાં આવ્યું છે. 

રાયધણપરમાં હિંદુઓ પર કરાયો હતો હુમલો

નોંધનીય છે કે તાજેતરમાં જ કચ્છના ભુજ તાલુકાના રાયધણપર ગામે એક નજીવી બાબતમાં બાજુના મુસ્લિમ બાહુલ્ય ગામ વરનોરામાંથી મુસ્લિમ ટોળાએ આવીને ઉત્પાત મચાવ્યો હતો અને હિંદુઓ પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન આરોપીઓએ ગામની વીજળી કાપી નાખીને હિંદુઓના મકાનો પર હુમલો કરી દીધો હતો.

100થી 150ના ટોળાએ હાજર પોલીસકર્મીઓ અને વાહનો પર પણ હુમલો કર્યો હતો અને પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં બે હિંદુ યુવાન અને પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. આ સમગ્ર ઘટના બાદ હવે સરકારે વરનોરા ગામમાં બુલડોઝર કાર્યવાહી હાથ ધરી છે.