હોમપેજગુજરાતકલ્પસર: ગુજરાતની મહત્ત્વાકાંક્ષી યોજના સાકાર થવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે?

કલ્પસર: ગુજરાતની મહત્ત્વાકાંક્ષી યોજના સાકાર થવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે?

'કલ્પસર પ્રોજેક્ટ' વિશે આમ વિચારીએ તો સમયગાળો મોટો લાગી શકે, પણ દુનિયાના આ સમાન પ્રોજેક્ટ સાથે સરખાવીને જોઈએ ત્યારે સમજાય છે કે આ 'વિલંબ' અસામાન્ય નથી.

- Advertisement -

સ્થાપના પછી પણ લાંબા સમય સુધી જળસંકટનો સામનો કરતા ગુજરાત અને ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને નર્મદા પરિયોજના અને પછી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લૉન્ચ કરેલી ‘સૌની’ યોજનાથી ઘણે અંશે રાહત મળી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે આનાથી અનેકગણા મોટા સ્કેલ ઉપર, અનેક ગણા વધુ ખર્ચે તૈયાર થનારા એન્જિનિયરિંગ માર્વેલ કહી શકાય એવા એક મેગા પ્રૉજેક્ટ પર દાયકાઓથી કામ ચાલી રહ્યું છે– કલ્પસર.

ભરૂચ-ભાવનગર વચ્ચે ખંભાતના અખાતમાં બંધ બાંધીને મીઠા પાણીનું જળાશય તૈયાર કરવાની આ મહત્ત્વાકાંક્ષી યોજનાથી જળસંકટ તો ઓછું થશે જ, સાથે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને સીધાં જોડતો એક પરિવહન માર્ગ પણ તૈયાર થશે. સિંચાઈનું પાણી મળી રહેશે, ગ્રાઉન્ડ વૉટરમાં વધારો થશે અને એટલે સૌરાષ્ટ્રના લાખો ખેડૂતોને ફાયદો થશે. સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને હરણફાળ વેગ મળશે એ નફામાં.

પ્રોજેક્ટ આમ તો 80-90ના દાયકામાં મૂકાયો હતો અને ત્યારથી અવારનવાર ચર્ચામાં રહ્યો છે. ચર્ચામાં રહેવાનું એક કારણ એ પણ છે કે જમીન પર કામ હજુ શરૂ થયું નથી. હમણાં વડા પ્રધાન મોદીએ તેમની નેધરલેન્ડ્સ યાત્રા વખતે આવા જ દરિયા પર બાંધેલા અફસ્લાઉડેક બંધની મુલાકાત લીધી ત્યારે ફરીથી કલ્પસર પ્રોજેક્ટ ચર્ચામાં આવ્યો.

- Advertisement -

નેધરલેન્ડ્સના આ ડેમ અને કલ્પસર યોજનામાં જે પ્રસ્તાવિત પ્રોજેક્ટ છે, બંને વચ્ચે ઘણી સમાનતાઓ છે. નેધરલેન્ડ્સે આ 32 કિલોમીટર લાંબો ડેમ છેક 1932માં બનાવી નાખ્યો હતો. પહેલાં નેધરલેન્ડ્સ મેઈનલેન્ડ અને નોર્થ સી વચ્ચેનો વિસ્તાર ખુલ્લો હતો અને દરિયાનાં પાણી શહેરોમાં ઘૂસી જવાનો ડર કાયમ રહેતો. નેધરલેન્ડ્સના એન્જિનિયરોએ અફસ્લાઉડેકથી આ સમસ્યાનું કાયમી સમાધાન શોધી કાઢ્યું.

ડેમના નિર્માણથી એક મીઠા પાણીનું જળાશય તૈયાર થયું. ઉપરાંત ટ્રાન્સપોર્ટ માટેનો એક માર્ગ ખુલ્યો. રિન્યુએબલ એનર્જી માટેના પ્રોજેક્ટ શરૂ કરી શકાયા. પ્રોજેક્ટ નિર્માણ બાદ જમીન તૈયાર થઈ તેનો ખેતી અને અન્ય પ્રવૃત્તિઓ માટે ઉપયોગ શરૂ કરી શકાયો. હાલ નેધરલેન્ડ્સ તેના આધુનિકીકરણમાં લાગ્યું છે, જેનો 800 મિલિયન પાઉન્ડ ખર્ચ થશે એમ કહેવાય છે.

કલ્પસર યોજના દરમ્યાન જે પડકારો આવી શકે તેનું સમાધાન નેધરલેન્ડ્સે દાયકાઓ પહેલાં શોધી નાખ્યું હતું. ભૌગિલિક સ્થિતિ પણ ઘણીખરી સમાન છે. આ સંજોગોમાં ડચ સરકારનો, ત્યાંના નિષ્ણાતોનો તકનીકી સપોર્ટ ભારતને, ગુજરાતને ઘણો કામ આવી શકે એમ છે.

નેધરલેન્ડ્સનો અફસ્લાઉડેક ડેમ

આવા જ એક પ્રોજેક્ટ પર દક્ષિણ કોરિયાએ કામ કર્યું હતું. 1970ના ગ્લોબલ ફૂડ ક્રાઇસિસ પછી દક્ષિણ કોરિયાની સરકારે આ પ્રોજેક્ટ પર વિચારણા શરૂ કરી અને આખરે 1991માં કામ શરૂ કરવામાં આવ્યું. કોરિયન પાટનગર સિઓલથી 200 કિલોમીટર પશ્ચિમે દરિયા અને કિનારા વચ્ચે દીવાલ બાંધવામાં આવી અને વચ્ચે એક મીઠા પાણીનું જળાશય તૈયાર કરાયું. 283 ચોરસ મીટર જમીન પરત મેળવાઈ, જે ખેતી, ઉદ્યોગો માટે કામ આવી. 118 ચોરસ મીટરમાં એક જળાશયનું નિર્માણ થયું. બે મોટી નદીઓનું પાણી આ જળાશયમાં જાય છે.

કોરિયન સી વૉલ પ્રોજેક્ટ

કલ્પસર યોજના પર અભ્યાસ કરતી વખતે કોરિયાના આ પ્રોજેક્ટનો પણ વિગતવાર અભ્યાસ થયો હતો.

કલ્પસર યોજનાની જ્યારે-જ્યારે ચર્ચા ચાલે છે ત્યારે એક પ્રશ્ન કાયમ ચર્ચાય છે કે ચારેક દાયકાથી વાતો ચાલતી હોવા છતાં કામ હજુ સુધી શરૂ કેમ નથી થયું. વિપક્ષો પણ આરોપ લગાવતા રહે છે કે સરકાર માત્ર વાતો જ કરે છે અને દર વર્ષે યોજના માટે બનાવેલા વિભાગ માટે બજેટ ફાળવવામાં આવે છે, ખર્ચ પણ થાય છે પરંતુ કામ શરૂ થતું નથી.

કારણ એ છે કે આ પ્રોજેક્ટ માત્ર એક ડેમ પ્રોજેક્ટ નથી. વાત જળાશય તૈયાર કરવા પર પૂરી નહીં થઈ જાય. આ મેગા મરીન એન્જિનિયરિંગ પ્રોજેક્ટનાં અનેક પાસાં છે. દરેકનો અભ્યાસ કરવો જરૂરી છે. તેનાં પરિણામો-દુષ્પરિણામો જાણવાં જરૂરી છે. પ્રોજેક્ટ બન્યા પહેલાં, બન્યા પછીની સ્થિતિ વિશે પૂરેપૂરી જાણકારી જરૂરી છે. સંભવિત અસરો જાણવી જરૂરી છે. પ્રોજેક્ટ શરૂ કર્યા પછી જેટલું કામ છે એટલું અને સંભવતઃ તેનાથી વધુ કામ તેને શરૂ કરવા પહેલાં કરવું પડે એમ છે. અહીં વિગતવાર સમજીએ.

કલ્પસર યોજના છે શું?

કલ્પસર યોજના હેઠળ ભરૂચથી ભાવનગર વચ્ચે ખંભાતના અખાતમાં એક બંધ તૈયાર કરવામાં આવશે. બંધની ઉત્તરે એક મીઠા પાણીનું જળાશય હશે. પાણી આવશે મુખ્ય ચાર નદીઓમાંથી– સાબરમતી, માહી, ઢાઢર અને નર્મદા. સાથે સૌરાષ્ટ્રની નાની-નાની સાત નદીઓનું પાણી પણ લેવાશે.

બંધની કુલ લંબાઈ 60.13 કિલોમીટર હશે, જેમાંથી 26.7 કિલોમીટર ભાગ દરિયામાં હશે. બાકીનો 33.43 કિલોમીટર ભાગ જમીન પર. જેમાંથી ભાવનગર તરફ 19.83 કિલોમીટર અને ભરૂચ તરફ 13.60 કિલોમીટર. બંધ પર 16 લેનનો એક હાઇવે તૈયાર કરવામાં આવશે ઉપરાંત 4 લેન રેલ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા હશે. જળાશયમાં 7800 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થઈ શકશે.

પાણીથી સૌરાષ્ટ્રના નવ જિલ્લાના 37 તાલુકાની 10.54 લાખ હેક્ટર જમીનને સીધો ફાયદો પહોંચશે. આ સિવાય હાલ જે નદીઓ અને જળાશયો છે તેનાં પાણીના સ્તરમાં વધારો થશે. હાલના નાના-મોટા 60 જેટલા ડેમ કાયમી રીતે મીઠા પાણીથી ભરી શકાશે.

યોજનાના ફાયદા શું છે?

સૌરાષ્ટ્રના ખેડૂતો હાલ પણ ઓછું પાણી જરૂરી હોય અને આર્થિક રીતે પણ પરવડી શકે એવા પાક પર વધુ નિર્ભર છે. પણ કલ્પસર પ્રોજેક્ટ સાકાર થાય અને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તો ઘઉં, સરસવ, ડુંગળી-લસણ વગેરે જેવા પાક પણ લઈ શકે. વધુમાં સિંચાઈ વ્યવસ્થાના કારણે ખેતીમાં ખાસ્સો ફેર પડી શકે એમ છે. હાલ શક્ય નથી કારણ કે સિંચાઈ માટે પાણી વધુ પ્રમાણમાં જોઈએ.

બીજો એક લાભ એ છે કે જેટલું વધુ પાણી હશે એટલું જમીનમાંથી ખારાશનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જશે. હાલ ખારાશ પણ એક મોટી સમસ્યા છે. પાણીની આવક વધુ હશે તો જમીન પણ વધુ ફળદ્રુપ બનશે. ઉપરાંત ગ્રાઉન્ડવૉટરમાં પણ ક્રમશઃ વધારો થતો રહેશે એ પણ એક લાંબાગાળાનો પણ બહુ મોટો લાભ છે.

બીજું, આ પ્રોજેક્ટમાં રિન્યુએબલ એનર્જી પણ એક મોટું પાસું છે. વિન્ડ અને સોલાર પાવરની મદદથી 1500 મેગાવૉટની ક્ષમતાથી 2500 મિલિયન યુનિટ જનરેટ થઈ શકે એમ છે. જ્યારે સોલાર પાવરની ક્ષમતા 1000 મેગાવૉટ આંકવામાં આવી છે. આ ઊર્જાનો ઉપયોગ જળાશયમાંથી પાણી કેનાલમાં મોકલવા માટે પણ થઈ શકે.

બંધના કારણે જળાશયની પરિધિમાં લગભગ 2 લાખ હૅક્ટર જમીન ખાલી થશે, જેનો ઉપયોગ થઈ શકશે. હાલ આ જમીન કોઈ ઉપયોગમાં આવતી નથી. જમીન રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ, બંદરો, અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટૂરિઝમ રિસોર્ટ જેવાં અનેક કામો માટે ઉપયોગમાં લઈ શકાય.

પ્રોજેક્ટ શરૂ થાય ત્યારબાદ બાંધકામ તબક્કામાં લગભગ 20,000થી વધારે રોજગારીની તકો સર્જાશે. ઑપરેશન તબક્કા માટે 300 નોકરીઓ હશે અને ત્યારબાદ કૃષિ, પ્રવાસન, મત્સ્ય ઉદ્યોગથી માંડીને અન્ય ક્ષેત્રોમાં રોજગારીની તકો સર્જાશે એ અલગ.

1960માં મૂળ વિચાર, 1986માં સરકારે રસ દાખવ્યો, 1999 સુધી અભ્યાસ થયા

આ પ્રોજેક્ટનો મૂળ વિચાર છેક 1960ના દાયકામાં મૂકાયો હતો. સૌરાષ્ટ્રના ભાલ વિસ્તારમાં વૉટર મૅનેજમેન્ટ પ્રોજેક્ટ પર કામ કરતા ડચ કંપની ‘નેધરલેન્ડ્સ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ’ના એન્જિનિયરોએ વિચાર રજૂ કર્યો હતો કે ખંભાતના અખાતમાં બેરિયર તૈયાર કરીને સમુદ્રનું પાણી રોકીને મીઠા પાણીનું જળાશય તૈયાર કરી શકાય તેમ છે. ત્યારબાદ ભારતના પણ અમુક નીતિનિર્ધારકો અને એન્જિનિયરોને આ વિચારમાં રસ પડ્યો અને વિચારણા શરૂ થઈ.

1975માં સંયુક્ત રાષ્ટ્રના ટાઇડલ પાવર એક્સપર્ટ પ્રોફેસર ઈ. એમ વિલ્સને ભાવનગરના ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચે એક બેરેજ બનાવીને મીઠા પાણીનું જળાશય તૈયાર કરવાનો વિચાર મૂક્યો. આખરે 1986માં ગુજરાત સરકાર સત્તાવાર રીતે પ્રવેશી અને જળાશય અને બંધ (પરિવહન વ્યવસ્થા સાથે) બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારબાદ ફરીથી નેધરલેન્ડ્સનો સંપર્ક કરવામાં આવ્યો.

1988માં નેધરલેન્ડ્સની એક કંપનીએ પ્રાથમિક અભ્યાસ શરૂ કર્યો. એ તબક્કે માત્ર એટલું સંશોધન કરવામાં આવી રહ્યું હતું કે પ્રોજેક્ટ ખરેખર શક્ય છે કે કેમ અને વિગતવાર અભ્યાસ માટે આગળ વધવું જોઈએ કે કેમ. તપાસ પહેલાં પ્રિલિમિનરી ઇન્કવાયરી થાય એવું થયું આ.

નેધરલેન્ડ્સના નિષ્ણાતોએ ખંભાતના અખાતના ભૂગોળ, પાણીની ઉપલબ્ધતા, બંધ બાંધવા માટેનાં સંભવિત સ્થળો, ટાઇડલ કન્ડિશન અને અન્ય ટેકનિકલ પાસાંનો અભ્યાસ કરીને ઠરાવ્યું કે પ્રોજેક્ટ બિલકુલ અશક્ય નથી અને સરકાર આગળ વધીને ‘પ્રી-ફિસિબ્લિટી સ્ટડી કરી શકે છે. ટૂંકમાં નિષ્ણાતોનું કહેવું હતું કે કામ શરૂ કરવા પહેલાં અભ્યાસ કરી શકાય અને તે પાછળ ખર્ચ કરી શકાય એમ છે.

નેધરલેન્ડ્સની જ કંપનીએ પછીથી 1996થી 1998 વચ્ચે પ્રિ-ફિસિબ્લિટી સ્ટડી કરી અને પ્રોજેક્ટ વિશે વિગતવાર અભ્યાસ કર્યો. તારણ એ હતું કે પ્રોજેક્ટ ટેકનિકલી શક્ય છે પરંતુ અમુક ચોક્કસ બાબતો જેમકે ટાઈડલ પાવર પ્રોડક્શન, પોલ્યુશન કન્ટ્રોલ, ડ્રેનેજ કન્ડિશન, જળાશયમાં મીઠાનું પ્રમાણ અને સિંચાઈના લાભ વગેરે પર અલગથી સ્વતંત્રપણે અભ્યાસ/સંશોધન કરવાની જરૂર છે.

ત્યારબાદ છ મુદ્દાઓ પર ફરી એક વખત સંશોધન હાથ ધરવામાં આવ્યું અને 1999માં એ તારણ આપવામાં આવ્યું કે કલ્પસર યોજના ટેકનિકલી શક્ય છે, આર્થિક રીતે પણ ફાયદો કરાવી શકે એમ છે.

2001માં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી કલ્પસર યોજનાને જાણે વેગ મળ્યો. 2003થી યોજના સંબંધિત વિવિધ અભ્યાસો શરૂ થયા, જેમાં દેશભરમાંથી એજન્સીઓને જોડવામાં આવી. બીજી તરફ ડિસેમ્બર 2003માં એક એક્સપર્ટ એડવાઈઝરી ગ્રુપ બનાવવામાં આવ્યું. પ્રોજેક્ટને એક અલગ ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક આપવા માટે મોદી સરકારે વિભાગ અલગ બનાવ્યો, જે હાલ ‘નર્મદા, જળસંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર’ વિભાગ તરીકે કામ કરે છે.

કલ્પસર પ્રોજેક્ટ માટે અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા 49 અભ્યાસ/સંશોધનની યાદી, 2022ની સ્થિતિએ.

આ વિભાગ અને એક્સપર્ટ એડવાઈઝરી ગ્રુપની દેખરેખ હેઠળ 2003થી આજ સુધી કુલ 49 જુદા-જુદા અભ્યાસ/સંશોધન થઈ ચૂક્યાં છે. જેમાં દરેક પાસાં આવરી લેવામાં આવ્યાં. ટોપોગ્રાફિકલ સરવે, કલ્પસર પ્રોજેક્ટની સૌરાષ્ટ્ર વિસ્તારમાં શું સકારાત્મક અસરો થઈ શકે, પાણીની ઉપલબ્ધતા, ગુજરાતના દરિયાકાંઠે સી લેવલ અને પ્રાદેશિક ક્લાઇમેન્ટ ચેન્જ, સિંચાઈની વ્યવસ્થા, પ્રોજેક્ટની સમજ પર અસર, ફાયનાન્શિયલ મોડેલ વગેરે જેવી અનેક બાબતો પર અભ્યાસ કરવામાં આવ્યા. જેમાં ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સેન્ટ્રલ ડિઝાઇન ઓર્ગેનાઈઝેશન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ, દેશભરની IIT, IIM જેવી લગભગ વીસ કરતાં વધારે સંસ્થાઓએ મદદ કરી.

આ અભ્યાસ લગભગ 2022 સુધી ચાલ્યા. તેમાં હજુ પર્યાવરણીય બાબતોનાં સંશોધનો બાકી છે, જેના માટે હમણાં જ ગુજરાત સરકારે કેન્દ્રીય મંત્રાલય પાસે ક્લિયરન્સ માગ્યું. બીજી તરફ ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે અને ફેબ્રુઆરીમાં સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે DPR હવે અંતિમ તબક્કામાં છે.

આટલો સમય કેમ લાગ્યો?

આ મૂળ પ્રશ્ન છે.

સમય લાગવાનું કારણ આ સંશોધનો તો ખરાં જ, પણ બીજું એક એ છે કે આ અભ્યાસો દરમ્યાન અનેક બાબતો જાણવા મળી અને તેના કારણે મૂળ પ્લાનમાં ફેરફારો કરવા પડ્યા. નવેસરથી આયોજનો કરવાં પડ્યાં. અભ્યાસ બાદ ઘણી બાબતો સ્પષ્ટ થઈ, જેના કારણે પ્રોજેક્ટમાં નાના-મોટા ઘણા ફેરફારો કરવા પડ્યા.

સૌથી મોટો ફેરફાર ટાઇડલ બેસિન મામલે થયો. શરૂઆતના પ્લાનમાં મીઠા પાણીના જળાશયથી અલગ એક ટાઇડલ બેસિન બનાવવાનું આયોજન હતું, જેનાથી ભરતી ઊર્જાથી વીજળી ઉત્પન્ન કરી શકાય. તેના માટે 500 ચોરસ મીટરમાં સૌરાષ્ટ્ર તરફ એક અલગ બેસિન બનાવવાનો પ્રસ્તાવ મુકાયો હતો અને આયોજન પાંચ હજાર મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરવાનું હતું.

પરંતુ પછી જેમ અભ્યાસ કરવામાં આવ્યો એમ ખબર પડી કે તેના લાભ કરતાં સમસ્યાઓ ઝાઝી છે અને આખર આ વિચાર પડતો મૂકવામાં આવ્યો. એટલે ટાઇડલ બેસિન હવે પ્રોજેક્ટનો ભાગ નથી અને સંપૂર્ણ ધ્યાન મીઠા પાણીના જળાશય પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

(પહેલાં ટાઇડલ બેસિન બનાવવાનો વિચાર હતો, એ યોજના પછીથી પ્લાનમાંથી પડતી મૂકાઈ.)

ટાઇડલ બેસિનમાં સમસ્યા એ હતી કે બેસિનમાં પાણી સમુદ્રનું આવશે એટલે તેમાં ખારાશનું પ્રમાણ વધુ હશે. જ્યારે તેની બાજુમાં મીઠા પાણીનું જળાશય તૈયાર થનાર છે. જો પાણી લીક થયું તો મીઠા પાણીના જળાશયને પણ નુકસાન કરી શકે.

બીજું, ટાઇડલ પાવર સ્ટ્રક્ચર તૈયાર કરવું અત્યંત જટિલ કામ છે અને ખર્ચાળ પણ ખરું. પ્રોજેક્ટનો લગભગ 64 ટકા ખર્ચ એમાં જતો રહે એમ છે. કુલ ખર્ચ આજની તારીખે એક લાખ કરોડ છે.

ખંભાતના અખાતની જમીન કાંપવાળી વધુ છે અને અહીં ભૂકંપનો એન્ગલ પણ જોવો પડે. આ સ્થિતિમાં ભરતીઊર્જાથી વીજળી ઉત્પન્ન કરવી પડકારજનક અને અત્યંત જોખમી કામ છે.

આ પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશ્યો પૈકીનો એક એ પણ છે કે સૌરાષ્ટ્ર તરફ જમીન અને ગ્રાઉન્ડવૉટરમાં ખારાશનું પ્રમાણ ક્રમશઃ ઘટાડવું. જો ટાઇડલ બેસિન બનાવવામાં આવે, જે સૌરાષ્ટ્ર તરફ હશે, તો આ ખારાશ જળવાયેલી રહેશે.

અભ્યાસ બાદ બીજો એક ફેરફાર એ કરવામાં આવ્યો કે બંધ લગભગ 15 કિલોમીટર ઉત્તરમાં રાખવામાં આવ્યો. જેનાથી પહેલાં જે નર્મદાનું નદીમુખ બંધ થઈ જતું હતું એ ખુલ્લું જ રહ્યું. પણ નર્મદાનું પાણી કોઈ પણ રીતે જળાશયમાં જાય એ પણ જરૂરી છે, કારણ કે એ મુખ્ય નદીઓ પૈકીની અને સૌથી મોટી નદી છે. એટલે નર્મદાનું પાણી જળાશયમાં નાખવા માટે ભાડભૂત બેરેજ કમ કેનાલ બનાવવામાં આવી. જેથી બેરેજથી નર્મદાનું પાણી જળાશયમાં નાખી શકાય.

બંધના અગાઉના પ્લાનમાં દહેજ અને ભાવનગરનાં બંદરોને પણ જોખમ હતું અને બંને જળાશયના કિનારે આવતાં હતાં. પણ હવે બંધ ઉપર તરફ ખસેડી લેવામાં આવ્યો હોવાના કારણે આ બંદરોનાં કામમાં પણ કોઈ વિક્ષેપ સર્જાય નહીં અને અગાઉની જેમ ચાલતાં રહેશે.

જમીન સંપાદન મોટો પ્રશ્ન નહીં

સામાન્ય રીતે આવા મોટા સરકારી પ્રોજેક્ટ સરકાર હાથ પર લે ત્યારે સૌથી મોટો પડકાર જમીન સંપાદન હોય છે. તેના કારણે જ વિપક્ષોને પણ એક તક મળી જાય છે. અનેક પ્રોજેક્ટમાં આવા વિરોધના કારણે વિલંબ થયો છે. જોકે આ પ્રોજેક્ટમાં આ સમસ્યા ઓછી આવશે કારણ કે મોટાભાગની જમીન સરકાર હસ્તક જ છે.

બંધનો 26.7 કિમી હિસ્સો દરિયામાં હશે. ભરૂચ તરફ જે 13.6 કિલોમીટર જમીન આવેલી છે એ 152 હેક્ટર છે, જેમાંથી 67% હાલ સરકાર પાસે છે. જ્યારે ભાવનગર બાજુની 19.83 કિલોમીટર જમીનમાંથી 90% સરકાર પાસે છે. ફ્લડ રેગ્યુલેટર માટે લગભગ 1345 હેક્ટર જમીન જોઈશે, જે 100% જમીન સરકાર હસ્તક છે.

આ જ કારણ છે કે પ્રોજેક્ટને લઈને અત્યાર સુધી કોઈ મોટાં પ્રદર્શનો પણ થયાં નથી. 2017માં એક વખત માછીમારોનું એક પ્રદર્શન હેડલાઇન બન્યું હતું પરંતુ એક હકીકત એ પણ છે કે મત્સ્યઉદ્યોગ માટે પણ પ્રોજેક્ટના ઘણા લાભ છે. નુકસાન કોઈ નથી. જળાશયમાંથી પ્રાથમિક તબક્કે 2000 ટન અને ત્યારબાદ 20,000 ટન મત્સ્ય ઉત્પાદન થઈ શકશે. જેના કારણે મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો પણ ખાસ્સો વધશે.

હાલ સ્થિતિ એ છે કે પ્રોજેક્ટનો ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. મોટાભાગના અભ્યાસ/સંશોધન પૂર્ણ થઈ ચૂક્યા છે. પર્યાવરણ સંબંધિત અભ્યાસ કરવા માટે સરકાર હમણાં જ પર્યાવરણ મંત્રાલય પાસે ક્લિયરન્સ માંગી ચૂકી છે. તે મળ્યા બાદ તેમાં પણ ગતિ આવશે.

પ્રોજેક્ટનો ખર્ચ કેટલો આવશે?

પ્રોજેક્ટનો શરૂઆતમાં ખર્ચ 19 હજાર કરોડ આંકવામાં આવ્યો હતો. હવે એ એક લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. જેમાં 65000 કરોડ બંધના બાંધકામ અને તેની ઉપર ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વિકસાવવામાં વપરાશે. 20,000 કરોડ ફ્લડ રેગ્યુલેટર માટે. 15000 કરોડ રિન્યુએબલ એનર્જી અને 2 હજાર કરોડ બાકીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે વપરાશે.

સરકારનું કહેવું છે કે આ પ્રોજેક્ટ પૂરેપૂરી રીતે શક્ય છે. શરૂ થયાના દિવસથી આઠ વર્ષમાં તૈયાર થશે એવી ગણતરી છે. જોકે વાસ્તવિક પરિસ્થિતિ જોઈએ તો આનાથી વધુ સમય લાગશે. સંપૂર્ણ તૈયાર થવામાં બે દાયકા સુધી લાગી શકે. પરંતુ તૈયાર થયા બાદ આ દેશનો પહેલો આટલા મોટા સ્તરનો અને દુનિયાના જૂજ પ્રોજેક્ટ પૈકીનો એક હશે.

નર્મદા પરિયોજનાની સરખામણીએ અનેકગણો જટિલ પ્રોજેક્ટ છે કલ્પસર

નર્મદા નદી પર બંધ બાંધવાનો વિચાર સરદાર વલ્લભભાઈ પટેલે છેક સ્વતંત્રતા પહેલાં મૂક્યો હતો. 1946-48 દરમ્યાન અભ્યાસ થયા. આખરે 1961માં તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ ખાતમુહૂર્ત કર્યું. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં સુધીમાં 2017 આવી ગયું. વચ્ચે મેધા પાટકર અને આંદોલનજીવીઓની મંડળીએ વર્ષો સુધી પ્રોજેક્ટમાં રોડાં નાખ્યાં. આખરે સુપ્રીમ કોર્ટના આદેશથી કામ આગળ ચાલ્યું.

સરદાર સરોવર જેવા પ્રોજેક્ટ દુનિયામાં સેંકડો છે. તે મોટા સ્કેલ પર હતો એ વાત સાચી, પણ અમુક પડકારો જે કલ્પસર યોજનામાં મોટાં પરિબળ હતા એની અહીં સંપૂર્ણ ગેરહાજરી હતી. જેમકે આ બંધ નદી પર બનવાનો હતો, પાયામાં પથરાળ રિવરબેડ તૈયાર હતો, ભરતીની કોઈ સમસ્યા ન હતી, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કેન્દ્રમાં ન હતી. આની સરખામણીએ કલ્પસર યોજના હેઠળ સમુદ્રની વચ્ચે એક બંધ બાંધીને દરિયાના પાણીને રોકીને આખું એક જળાશય તૈયાર કરવાનું છે. સાથે ઉપર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિકસાવવાથી લઈને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ કાર્યરત કરવાના છે. આ ટેકનિકલી કઠિન કામ છે.

સરદાર સરોવર પ્રોજેક્ટ તકનીકી રીતે પ્રમાણમાં થોડો સરળ હોવા છતાં તેમાં 56 વર્ષનો સમય લાગી ગયો. ઉપરાંત ઉપર જે નેધરલેન્ડ્સ અને કોરિયન ડેમની ચર્ચા કરી એ બંને ઉદાહરણો પણ દર્શાવે છે કે દરિયામાં બંધ બાંધીને જળાશય તૈયાર કરવું અસંભવ કામ નથી પણ એટલું સરળ પણ નથી અને સાકાર થવામાં દાયકાઓનો સમય લાગી શકે છે.

નેધરલેન્ડ્સના ડેમને 46 વર્ષ લાગ્યાં હતાં, કોરિયાને પણ વર્ષો લાગી ગયાં

નેધરલેન્ડ્સના અફસ્લાઉડેક ડેમનો વિચાર 1886માં મૂકાયો હતો. છેક 1916 સુધી ટેકનિકલ અભ્યાસ, સરવે વગેરે થયા. વર્ષોના અભ્યાસ પછી આખરે 1918માં નેધરલેન્ડ્સની સંસદે પ્રોજેક્ટને મંજૂરી આપી. ત્યારપછી પણ લગભગ નવ વર્ષ નીકળી ગયાં અને 1927માં કામ શરૂ કરવામાં આવ્યું. આખરે 1932માં બંધ પૂર્ણ થયો.

ટાઈમલાઈન જોઈએ તો ડેમનો વિચાર મુકાયો ત્યારથી સાકાર થયો ત્યાં સુધીમાં 46 વર્ષ લાગી ગયાં. એ પણ એ નેધરલેન્ડ્સમાં જે વૉટર એન્જિનિયરિંગમાં બહુ મોટું નામ રહ્યું છે. તેમ છતાં તેના વૈજ્ઞાનિકોને બાંધકામ શરૂ કરતાં પહેલાં અભ્યાસ કરવામાં, પરિસ્થિતિ સમજવામાં વર્ષો લાગી ગયાં હતાં.

આ જ રીતે દક્ષિણ કોરિયન ડેમનો વિચાર 1970માં શરૂ થઈ ગયો હતો. ત્યારથી છેક 1991માં કામ શરૂ થયું ત્યાં સુધી અભ્યાસ, પ્લાનિંગ થયું. ‘સરદાર સરોવર’ની જેમ 2000 સુધી આ પ્રોજેક્ટમાં પણ ઘણા પડકારો આવ્યા અને 2006 સુધીમાં સી વૉલ પૂર્ણ થઈ. જોકે અમુક કામ ત્યારપછી પણ ચાલુ રહ્યું અને આજે પણ એક્સપાન્શન માટે કામો ચાલે છે.

‘કલ્પસર પ્રોજેક્ટ’ વિશે આમ વિચારીએ તો સમયગાળો મોટો લાગી શકે, પણ દુનિયાના આ સમાન પ્રોજેક્ટ સાથે સરખાવીને જોઈએ ત્યારે સમજાય છે કે આ ‘વિલંબ’ અસામાન્ય નથી. આવા મેગા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ માટે કામ શરૂ કર્યા પહેલાં ઘણું કામ કરવું પડે છે. અત્યારે આ પ્રોજેક્ટ એ જ તબક્કામાં છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં