
ગુજરાત સરકારે ખંભાતના અખાતમાં ₹1.33 લાખ કરોડના ખર્ચે બનનારા ‘કલ્પસર પ્રોજેક્ટ’ માટે પર્યાવરણ મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 21 મે, 2026ના રોજ સરકારે કેન્દ્ર સરકારને એક અરજી મોકલી જેથી આ પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં પર્યાવરણ પર શું અસર થશે તેનો વિગતવાર અભ્યાસ કરી શકાય.
આ પ્રોજેક્ટ ખાસ કરીને પાણીની તંગી ભોગવતા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત માટે આશીર્વાદ સમાન બનશે. યોજના એવી છે કે ભાવનગર અને ભરૂચ વચ્ચે દરિયામાં 60.13 કિલોમીટર લાંબો એક વિશાળ બંધ બનાવવામાં આવે. આ બંધના કારણે ત્યાં મીઠા પાણીનું એક મોટું સરોવર બનશે, જે દુનિયાના સૌથી મોટા માનવસર્જિત સરોવરોમાંનું એક હશે.
પ્રોજેક્ટથી વાહનવ્યવહાર પણ સુગમ બનશે. દરિયાઈ બંધની ઉપર જ 10 લેનનો રોડ અને 4 લેનની રેલ્વેલાઇન બનાવવામાં આવશે. આના લીધે ભાવનગરથી સુરત કે મુંબઈ વચ્ચેનું અંતર 240 કિલોમીટરથી ઘટીને માત્ર 60 કિલોમીટર થઈ જશે, એટલે કે કલાકોની મુસાફરી મિનિટોમાં પૂરી થશે. સાથે જ, અહીં પવન અને સૂર્ય ઊર્જાથી દર વર્ષે 2,500 મિલિયન યુનિટ ક્લીન વીજળી પણ પેદા કરવામાં આવશે.
પ્રોજેક્ટથી સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 42 તાલુકાની લગભગ 10 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે. આ ઉપરાંત કરોડો લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળશે, જમીનમાં પાણીનાં તળ ઊંચાં આવશે અને દરિયાના લીધે ખરાબ થયેલી 1 લાખ હેક્ટર જમીન ફરી ખેતીલાયક બનશે.
આ આખા પ્રોજેક્ટ પાછળ કુલ ₹1,33,246 કરોડનો ખર્ચ થશે. જોકે હાલ પ્રોજેક્ટ કાગળ પર છે, કારણ કે આટલા મોટાપાયે કામગીરી કરવા માટે અગાઉ અનેક અભ્યાસ કરવાની, પૂર્વતૈયારીઓની જરૂર છે. થોડા સમય પહેલાં સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે હાલ પ્રોજેક્ટ DPRના (ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) તબક્કે છે. સરકારનું કહેવું છે કે તમામ મંજૂરીઓ સમયસર મળી જાય અને પ્રોજેક્ટ શરૂ થાય તો આઠ વર્ષમાં પૂર્ણ કરવાની ગણતરી છે. જોકે વાસ્તવિક સ્થિતિ જોતાં સંપૂર્ણ પ્રોજેક્ટ તૈયાર થતાં એક દાયકા કરતાં વધુ સમય લાગી શકે એમ છે.

