હોમપેજએક્સપ્લેઇનરસામાન્ય ન હતી વડા પ્રધાન મોદીની નેધરલેન્ડ્સના ડેમની મુલાકાત, ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટ...

સામાન્ય ન હતી વડા પ્રધાન મોદીની નેધરલેન્ડ્સના ડેમની મુલાકાત, ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટ સાથે છે સીધું કનેક્શન

પીએમ મોદીની વિદેશ યાત્રાઓ માત્ર યાત્રાઓ નથી હોતી. આવી એક-એક યાત્રાથી દેશને લાભ પહોંચાડતા અનેક નિર્ણયો થાય છે. નેધરલેન્ડ્સના આ અટપટા નામ ધરાવતા ડેમની વડા પ્રધાને લીધેલી મુલાકાત પણ આવી જ એક મુલાકાત પૈકીની એક છે.

- Advertisement -

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુરોપના ચાર દેશોની યાત્રાએ છે. રવિવારે (17 મે) તેઓ નેધરલેન્ડ્સ પહોંચ્યા હતા, જ્યાં વડા પ્રધાન રોબ જેટ્ટન સાથે મુલાકાત કરી. આ યાત્રા દરમ્યાન તેમણે નેધરલેન્ડ્સના વિશ્વવિખ્યાત Afsluitdijk ડેમની મુલાકાત લીધી.

ફ્લડ કન્ટ્રોલ અને ફ્રેશ વૉટર મૅનેજમેન્ટ સિસ્ટમ બાબતે દુનિયાનું ધ્યાન ખેંચતા આ ડેમની મુલાકાત બાદ વડા પ્રધાને X પર લખ્યું, ‘વૉટર રિસોર્સ એવું ક્ષેત્ર છે જેમાં નેધરલેન્ડ્સે બહુ કામ કર્યું છે.  સમગ્ર વૈશ્વિક સમુદાય નેધરલેન્ડ્સ પાસેથી આ બાબતમાં ઘણું શીખી શકે એમ છે. આજે મને Afsluitdijk ડેમની મુલાકાત લેવાની અને તેની વિશેષતાઓ વિશે જાણવાની તક મળી.’

વડા પ્રધાને લખ્યું, ‘આ મોડર્ન ટેક્નોલોજી ભારતમાં પણ લાવવામાં આવે અને સિંચાઈથી માંડીને ફ્લડ કન્ટ્રોલ વગેરેમાં પણ મદદરૂપ થઈ રહે તે માટે અમે કામ કરી રહ્યા છીએ.’ વડા પ્રધાને આની સાથે કેટલીક તસવીરો પણ શૅર કરી, જેમાં તેઓ નેધરલેન્ડ્સના વડા પ્રધાન અને અન્ય અધિકારીઓ સાથે ડેમની મુલાકાત લેતા, તેના વિશે સમજતા જોઈ શકાય છે.

- Advertisement -

પીએમ મોદીની વિદેશ યાત્રાઓ માત્ર યાત્રાઓ નથી હોતી. આવી એક-એક યાત્રાથી દેશને લાભ પહોંચાડતા અનેક નિર્ણયો થાય છે, અનેક નવી પહેલ થાય, વિદેશમાં જે ટેકનોલોજી, જે નીતિઓ સફળ થઈ હોય તેને ભારત લાવવા માટેના માર્ગ ખુલે છે. નેધરલેન્ડ્સના આ અટપટા નામ ધરાવતા ડેમની વડા પ્રધાને લીધેલી મુલાકાત પણ આવી જ એક મુલાકાત પૈકીની એક છે અને તેનું સીધું કનેક્શન ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટ સાથે છે, જે સાકાર થયો તો ભારતનો સૌથી મોટો વૉટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હશે.

શું છે નેધરલેન્ડ્સનો આ Afsluitdijk ડેમ?

નેધરલેન્ડ્સની ઓળખ સમાન આ 32 કિલોમીટર લાંબો ડેમ નોર્થ સી અને Ijsselmeer ફ્રેશ વૉટરલેક (તળાવ)ને છૂટાં પાડે છે. એન્જિનિયરિંગ માર્વેલ સમો આ ડેમ નેધરલેન્ડ્સના નીચાણવાળા ભૂમિ વિસ્તારોને પૂરથી બચાવે છે. 1932માં તેનું નિર્માણ થયું હતું. તે પહેલાં નેધરલેન્ડ્સ મેઇનલેન્ડ અને નોર્થ સી વચ્ચેનો વિસ્તાર ખુલ્લો હતો અને પૂરનાં પાણી શહેરોમાં ઘૂસી જતાં હતાં. 8 દાયકા પહેલાં બનેલા આ ડેમથી આ સમસ્યાનું કાયમી સમાધાન આવ્યું.

જોકે તેનું કામ માત્ર એટલું જ નથી. તેના નિર્માણથી સ્વાભાવિક એક તળાવનું પણ નિર્માણ થયું, જેના પાણીનો ઉપયોગ કરી શકાય છે. ટ્રાન્સપોર્ટ માટે પણ એક માર્ગ ખુલ્યો. સાથે રિન્યુએબલ એનર્જી બનાવી શકાય એ નફામાં. આ પ્રોજેક્ટ બાદ નવી જમીન તૈયાર થઈ અને ત્યાં ખેતી થવાની શરૂ થઈ એ પણ એક ફાયદો.

ટૂંકમાં આ પ્રોજેક્ટ દુનિયાના સૌથી સફળ વૉટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ પૈકીનો એક છે. હાલ આ ડેમના આધુનિકીકરણનું કામ ગતિમાં છે, જેનાથી એડવાન્સ્ડ વૉટર ડિસ્ચાર્જ સિસ્ટમ, ફિશ માઈગ્રેશન કોરિડોર, સ્ટ્રોમ પ્રોટેક્શન સિસ્ટમ વગેરે પણ ઉમેરવામાં આવશે. આ બધાં કામમાં 800 મિલિયન પાઉન્ડનો ખર્ચ થશે એવું ત્યાંની સરકારનું કહેવું છે.  

પીએમ મોદીએ આ ડેમની મુલાકાત લેવા પાછળનું કારણ એ છે કે ભારતમાં આ ડચ વૉટર મૅનેજમેન્ટ મોડેલ કારગત નીવડે કે કેમ અને નીવડે તો તેનો કેટલો ઉપયોગ કરી શકાય એ ભારત સરકાર જાણવા માગે છે. નેધરલેન્ડ્સ પાસે ફ્લડ કન્ટ્રોલ, સી વૉટર મૅનેજમેન્ટ, ફ્રેશવૉટર સ્ટોરેજ સિસ્ટમ વગેરેનો દાયકાઓનો અનુભવ છે.

ભારતમાં પણ હાલ અમુક વિસ્તારોમાં પૂર, પાણીની અછત, સમુદ્ર સપાટીમાં વધારો, ક્લાઈમેટ ચેન્જ વગેરે સમસ્યાઓ છે. સરકાર એ જાણવા માગે છે કે આ સમસ્યાઓના સમાધાન માટે સરકાર ભવિષ્યમાં જે વૉટર ઇન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટ મૂકે તેમાં આ ડચ મોડેલનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તેમ છે.

કલ્પસર પ્રોજેક્ટમાં કામ આવી શકે ડચ મોડેલ

ગુજરાતમાં આવો એક પ્રોજેક્ટ પહેલેથી પાઇપલાઇનમાં છે– કલ્પસર પ્રોજેક્ટ. દાયકાઓ પહેલાં કલ્પસર પ્રોજેક્ટનાં વિચારબીજ વવાયાં હતાં. મૂળ વિચાર એવો છે કે ગુજરાતના ખંભાતના અખાતમાં ભાવનગર અને ભરૂચ વચ્ચે એક ડેમ બનાવીને નવું મીઠા પાણીનું જળાશય તૈયાર કરવામાં આવે અને સમુદ્રના પાણીને અખાતમાં આવતું રોકવામાં આવે. આ એક પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતને જોડશે.

પ્રોજેક્ટના ઘણા હેતુઓ છે. ડેમના નિર્માણથી એક મીઠા પાણીનું જળાશય તૈયાર થશે અને અખાતમાં આવતી નદીનાં પાણી સમુદ્રમાં વહી જાય છે તેનો સંગ્રહ થઈ શકશે. જળાશય માત્રાથી સૌરાષ્ટ્રના ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં પાણીની ઘણીખરી સમસ્યાઓ ઓછી થશે. આ પાણી કચ્છ સુધી પહોંચાડી શકાશે, જે હાલ નર્મદા કેનાલ દ્વારા થાય છે. ઉપરાંત પાણીનો ઉપયોગ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં ખેતી-સિંચાઈ માટે થઈ શકશે.

ફ્લડ કન્ટ્રોલમાં પણ આ પ્રોજેક્ટ અતિઅગત્યનો સાબિત થશે. પાણીના પ્રવાહનું નિયંત્રણ થઈ શકશે.

પ્રોજેક્ટમાં એક પ્રસ્તાવ એ પણ છે કે ડેમ પર એક 10 લેનનો ટ્રાન્સપોર્ટ કોરિડોર તૈયાર કરવામાં આવે, જેથી ભાવનગર અને ભરૂચ વચ્ચેનું હાલનું અંતર જે ત્રણસો કિલોમીટરથી વધુ છે, એ સદંતર ઘટી જશે અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સીધાં જોડાઈ જશે.

કલ્પસર પ્રોજેક્ટની ચર્ચા લગભગ 70ના દાયકાથી ચાલે છે. શરૂઆતમાં ટાઇડલ એનર્જી જનરેશન માટેની એક સાઇટ તરીકે તેને મૂકવામાં આવ્યો હતો પરંતુ પછીથી સમય જતાં ફ્લડ કન્ટ્રોલ, ફ્રેશવૉટર સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટ વગેરે બાબતોને કેન્દ્રમાં લાવવામાં આવી. વર્ષો વીતતાં જાય છે એમ પ્રોજેક્ટના અંદાજિત ખર્ચમાં પણ વધારો થતો જાય છે. આજે લગભગ 85થી 90 હજાર કરોડ ખર્ચ આવી શકે.

કલ્પસર યોજના (ફોટો- DeshGujarat)

હાલ પ્રોજેક્ટને લઈને જમીન પર કામ શરૂ થયાં નથી. સરકારે તાજેતરના વિધાનસભા સત્રમાં જણાવ્યું હતું કે કલ્પસર યોજના હાલ ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ આખરી કરવાના તબક્કે છે. DPR બાદ રાજ્ય અને કેન્દ્રની મંજૂરી માટે મોકલવામાં આવશે. આ યોજના માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો દ્વારા વિવિધ 43 જેટલા તકનીકી અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી 25થી વધુ અભ્યાસો પૂર્ણ થઈ ચૂક્યા છે.

સરકારનું કહેવું છે કે કામ શરૂ થયા બાદ આઠેક વર્ષમાં પૂર્ણ થઈ જશે, પરંતુ પ્રોજેક્ટની વિશાળતા અને પડકારો જોઈએ તો 12-15 વર્ષ તો માત્ર બાંધકામમાં લાગશે. આખો પ્રોજેક્ટ સાકાર થતાં શરૂ થયાના સમયથી બે દાયકા નીકળી જશે એવું અનુમાન છે.

કલ્પસર અને નેધરલેન્ડ્સના આ ડેમ વચ્ચે ઘણી સામ્યતાઓ છે. ભૌગોલિક પરિસ્થિતિઓ પણ સરખી છે. કલ્પસર યોજનામાં જે પડકારો આવી શકે તેનું સમાધાન નેધરલેન્ડ્સે પહેલાં જ આ ડેમ થકી શોધી નાખ્યું છે. આ સંજોગોમાં ડચ સરકારનો, ત્યાંના એક્સપર્ટોનો ટેકનિકલ સપોર્ટ ભારતને, ગુજરાતને ઘણો કામ આવી શકે.

એ જ કારણ છે કે વડા પ્રધાન મોદીની યાત્રા દરમ્યાન ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે એક કરાર થયો છે, જે હેઠળ કલ્પસર અને આવા અન્ય પ્રોજેક્ટ માટે નેધરલેન્ડ્સ તરફથી ભારતને ડેમ બાંધકામ, કોસ્ટલ એન્જિનિયરિંગ, ફ્લડ કન્ટ્રોલ સિસ્ટમ, વૉટર મેનેજમેન્ટ, ટેકનિકલ અભ્યાસ વગેરેમાં મદદ પૂરી પાડવામાં આવશે.

નેધરલેન્ડ્સે દાયકાઓ પહેલાં વૉટર મેનેજમેન્ટ ક્ષેત્રે સફળ કામ કરી દીધું હતું. ભારત પણ હવે આ દિશામાં ડગ માંડી રહ્યું છે અને તેનું કેન્દ્ર ગુજરાત બનવા જઈ રહ્યું છે ત્યારે પીએમ મોદીની આ નેધરલેન્ડ્સ યાત્રા અને તેમાં આ ડેમની મુલાકાત બાદ બંને દેશો વચ્ચે થયેલા કરારથી સ્વદેશી પ્રોજેક્ટને ગતિ મળશે એ નક્કી છે. ફરી વખત, આ એ દર્શાવે છે કે પીએમની એક-એક મુલાકાતનું મહત્ત્વ ક્યાં સુધીનું અને કેટલું હોય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં