
તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અને ટીએમસી મહાસચિવ અભિષેક બેનર્જી હાલ INDI ગઠબંધનની બેઠક માટે દિલ્હીની મુલાકાતે છે ત્યારે તેમની સામે વધુ એક મુસીબત આવીને ઊભી રહી છે. પાર્ટીના લગભગ 14 સાંસદો કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને પહોંચ્યા હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. અહીં બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પણ પહોંચ્યા હોવાનું કહેવાય છે. અધિકારી પણ હાલ દિલ્હીમાં છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીએમસીના લગભગ 15થી 16 સાંસદો સોમવારે (8 જૂન) દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમની એક તસવીર પણ સામે આવી છે.
The High Profile Meeting at Bhupendra Yadav's residence. Numbers suggest atleast 20 will switch. The Actors Dev & Koel is likely to resign & exit. https://t.co/EVzOkTdtMs pic.twitter.com/cemOUIkieF
— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) June 8, 2026
અહેવાલો અનુસાર, સાંસદો બે વિકલ્પો પર ચર્ચા કરી રહ્યા છે. કાં તેઓ તમામ એકસાથે રાજીનામાં ધરી દેશે અથવા લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખીને તેમને તૃણમૂલ કોંગ્રેસ નહીં પણ એક અલગ જૂથ ગણવા માટે વિનંતી કરશે. હાલ લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જી છે.
જોકે તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જીનાં નજીકનાં સૂત્રો એવું કારણ આપી રહ્યા છે કે બળવાખોર ધારાસભ્યોની સંખ્યા પૂરતી નથી અને 20થી ઓછા હોય તો તેમણે પક્ષપલટા કાયદા હેઠળ સભ્યપદ ગુમાવવું પડી શકે છે. પરંતુ એ પણ હકીકત છે કે બળવાખોર સાંસદોનો આંકડો 20થી બહુ દૂર પણ નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એક અલગ જૂથ તૈયાર થઈ ચૂક્યું છે. લગભગ 60 ધારાસભ્યોએ સ્પીકરને એક પત્ર લખીને રિતબ્રતા બેનર્જીને વિપક્ષ નેતા નીમવા માટે વિનંતી કરી હતી, જે પછીથી સ્પીકરે માન્ય રાખી હતી. રિતબ્રતા બેનર્જીને ટીએમસી પાર્ટીવિરોધી ગતિવિધિઓ માટે સસ્પેન્ડ કરી ચૂકી છે.
હવે આવું જ દિલ્હીમાં થાય એવી શક્યતાઓ છે. અમુક સાંસદો છૂટા પડીને અલગ જૂથની માંગણી કરશે તેવી ચર્ચા હાલ ચાલી રહી છે. બીજી તરફ મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી INDI ગઠબંધનની બેઠકમાં વ્યસ્ત છે.

