
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણ સામે તંત્રએ બુલડોઝર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વિભાગ દ્વારા અસમાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની મિલકતોની ચકાસણી માટે આપવામાં આવેલી યાદી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મળેલી સૂચનાઓના આધારે લેન્ડગ્રેબિંગ, ગેરકાયદે ખનનના આરોપી દાઉદ ભચુ કકલની મિલકતની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ હોવાનું સામે આવતાં તંત્રએ કાર્યવાહી શરૂ કરી હતી.
વિગતો અનુસાર અંજાર તાલુકાના સિનુગ્રા ગામે સરવે નંબર 155/પૈકી 15ની સરકારી જમીન પર દાઉદ ભચુ કકલ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ મામલતદાર દ્વારા ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ નોટિસ આપીને માલિકીના પુરાવા રજૂ કરવા તક આપવામાં આવી હતી. જોકે આરોપી તરફથી કોઈ માન્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા.
આ પછી તંત્રએ ₹3,34,934નો દંડ ફટકાર્યો હતો અને બે દિવસની અંદર દબાણ દૂર કરવા આદેશ આપ્યો હતો. તેમ છતાં દબાણ દૂર કરવામાં આવ્યું નહોતું. ત્યારબાદ લેન્ડ રેવન્યુ કોડની કલમ 202 હેઠળ વધુ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેનો પણ અમલ ન થતાં તંત્રએ સ્થળ પર સીધી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.
6 જૂન, 2026ના રોજ કચ્છ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને અંજારના નાયબ કલેક્ટર એસ. જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ મામલતદાર, સર્કલ ઓફિસર અને અન્ય મહેસૂલી અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન આશરે 125 ચોરસ મીટર રહેણાંક અને 5,059 ચોરસ મીટર વાણિજ્યિક પ્રકારનું ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
તંત્રના જણાવ્યા અનુસાર કુલ આશરે 5,184 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. જંત્રી મુજબ આ જમીનની અંદાજિત કિંમત ₹16,77,484 હોવાનું જણાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે સમગ્ર કાર્યવાહી પોલીસ વિભાગ તરફથી અસમાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની મિલકતોની ચકાસણી માટે આપવામાં આવેલી યાદી અને લેન્ડ ગ્રેબિંગ સંબંધિત સૂચનાઓના આધારે હાથ ધરવામાં આવી હોવાનું સરકારી નોંધમાં જણાવાયું છે.

