બુલડોઝર કાર્યવાહી દરમિયાન સંભલની મસ્જિદમાંથી મળેલાં ‘આઈ લવ મુહમ્મદ’નાં પોસ્ટરો અને લીલા ઝંડા મામલે FIR, મુતવલ્લી સહિત 8 લોકો સામે ગુનો

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલી મુસ્તફા કાદરી મસ્જિદમાંથી થોડા દિવસ પહેલાં બુલડોઝર કાર્યવાહી દરમિયાન મળેલાં ‘આઈ લવ મુહમ્મદ’નાં પોસ્ટરો અને પાકિસ્તાની ધ્વજ જેવા દેખાતા ઝંડાના મામલે પોલીસે હવે FIR નોંધાવી છે. સંભલ પોલીસ દ્વારા મસ્જિદના મુતવલ્લી સહિત કુલ 8 લોકો સામે વૈમનસ્ય ફેલાવવા અને સામાજિક સૌહાર્દ બગાડવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે.

આ મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે નખાસા પોલીસ સ્ટેશન વિસ્તારના કસેરઆ ગામમાં આવેલી મુસ્તફા કાદરી મસ્જિદના ગેરકાયદે ભાગ સામે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન મસ્જિદના ઉપરના માળે આવેલા મુખ્ય નમાજ હૉલની તપાસમાં એક લાકડાના તખ્તાના ગાદલા નીચેથી ‘આઈ લવ મુહમ્મદ’ લખેલાં કુલ 49 પોસ્ટરો મળી આવ્યાં હતાં.

આ ઉપરાંત ત્યાંથી અર્ધચંદ્ર અને તારાનું ચિહ્ન ધરાવતો લીલા રંગનો એક ધ્વજ પણ મળ્યો હતો, જેને પોલીસે પ્રથમ દૃષ્ટિએ પાકિસ્તાની ધ્વજ જેવો દેખાતો હોવાનું જણાવ્યું હતું.

સંભલના ASP કુલદીપ સિંઘે જણાવ્યું કે ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. FIR સબ-ઇન્સ્પેક્ટર અરુણ કુમાર સિંઘની ફરિયાદના આધારે નોંધવામાં આવી છે. પોલીસે મુતવલ્લી ઉપરાંત ઝાકિર, ઝાકિર હુસૈન, તસ્લીમ, ભૂરે અલી, સરફુદ્દીન, દિલશરીફ અને મોહમ્મદ અલી સહિત કુલ 8 લોકો વિરુદ્ધ નામજોગ ગુનો નોંધ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર તમામ સામગ્રી જપ્ત કરીને સીલ કરી દેવામાં આવી છે અને તેના સ્ત્રોત અંગે તપાસ ચાલી રહી છે. FIRમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મળેલી સામગ્રીને લઈને સ્થાનિક હિંદુ સમાજમાં રોષ ફેલાયો હતો. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આ સામગ્રીનો ઉપયોગ સામાજિક વૈમનસ્ય અને સાંપ્રદાયિક તણાવ ઉભો કરવા માટે થઈ શકે તેમ હતો.

મામલાની તપાસ હાલમાં સંભલ પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત તેમજ PACની ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે.