હોમપેજદેશUGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની રોક બાદ દેશભરમાં 2012ના રેગ્યુલેશન્સ અમલી:...

UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની રોક બાદ દેશભરમાં 2012ના રેગ્યુલેશન્સ અમલી: જાણો બંને વચ્ચેનો તફાવત

સૌથી મોટો વિવાદ ભેદભાવની વ્યાખ્યા અંગે થયો. નવા નિયમોમાં ‘જાતિ આધારિત ભેદભાવ’ને મુખ્યત્વે SC/ST/OBC વિરુદ્ધના ભેદભાવ સુધી મર્યાદિત કરી દેવામાં આવ્યો હતો, જેથી આરોપ લાગ્યો કે સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ આ સુરક્ષા દાયરાથી બહાર થઈ જાય છે.

- Advertisement -

ગુરુવારે (29 જાન્યુઆરી 2026) સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (પ્રમોશન ઑફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ) રેગ્યુલેશન્સ, 2026ના અમલ પર રોક લગાવી દીધી છે. આ ચુકાદો મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આપ્યો હતો. અદાલતે કેન્દ્ર સરકાર અને UGCને નોટિસ જારી કરીને આગામી સુનાવણી માટે 19 માર્ચની તારીખ નક્કી કરી છે. ત્યાં સુધી દેશભરની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 2012ના જૂના UGC નિયમો જ લાગુ રહેશે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નવા નિયમોની ભાષાને અસ્પષ્ટ ગણાવી અને કહ્યું કે તેમાં દુરુપયોગની સંભાવના છે. કોર્ટે એ પણ ચિંતા વ્યક્ત કરી કે જો વ્યાખ્યાઓ અને જોગવાઈઓ સ્પષ્ટ ન હોય તો શિક્ષણ સંસ્થાઓમાં વિભાજનની સ્થિતિ ઊભી થઈ શકે છે. બેન્ચે ટિપ્પણી કરી કે ભારતની એકતા અને સમાવેશીતાનું પ્રતિબિંબ શિક્ષણ વ્યવસ્થામાં પણ દેખાવું જોઈએ અને દેશ એવી સ્થિતિમાં નથી પહોંચવા માંગતો જ્યાં અલગ-અલગ સામાજિક વર્ગો માટે અલગ શૈક્ષણિક માળખું બની જાય.

UGCએ 13 જાન્યુઆરી 2026ના રોજ નવા ઇક્વિટી રેગ્યુલેશન્સની જાહેરાત કરી હતી. આ નિયમોનો હેતુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કથિત ‘જાતિ આધારિત ભેદભાવ’ને રોકવાનો બતાવવામાં આવ્યો હતો. પરંતુ જાહેરાત થતાં જ આ નિયમોને લઈને દેશભરમાં વિવાદ શરૂ થઈ ગયો. સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોટા વર્ગે આરોપ લગાવ્યો કે નવા નિયમોમાં વ્યાખ્યાઓ એકતરફી છે, ખોટી ફરિયાદોથી બચાવવાના પર્યાપ્ત પ્રાવધાનો નથી અને તેનાથી શૈક્ષણિક સ્વતંત્રતા પર અસર પડી શકે છે.

- Advertisement -

આ જ આપત્તિઓ વચ્ચે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, જ્યાં અદાલતે અંતરિમ રીતે 2026ના નિયમો પર રોક લગાવી દીધી અને 2012ના જૂના નિયમો જ લાગુ રાખવાનો આદેશ આપ્યો. 

2012ના UGC ઇક્વિટી નિયમો: હાલની જોગવાઈઓ શું કહે છે?

UGC (Promotion of Equity in Higher Educational Institutions) Regulations, 2012ની જાહેરાત 14 માર્ચ 2012ના રોજ કરવામાં આવી હતી. આ નિયમો UGC Act, 1956ની કલમ 26 હેઠળ બનાવવામાં આવ્યા હતા અને ભારતની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને ડીમ્ડ યુનિવર્સિટીઓ પર લાગુ પડે છે.

2012ના નિયમોની કોપી

આ નિયમોની મુખ્ય ભાવના એ હતી કે તમામ વિદ્યાર્થીઓ માટે સમાન તકોની ખાતરી કરવામાં આવે અને શિક્ષણ વ્યવસ્થામાં કોઈપણ પ્રકારના ભેદભાવને રોકવામાં આવે.

2012ના નિયમોમાં ભેદભાવની વ્યાખ્યા વ્યાપક અને સમાવેશી છે. તેમાં કોઈ વિદ્યાર્થી અથવા વિદ્યાર્થી-જૂથને જાતિ, ધર્મ, પંથ, ભાષા, વંશીયતા, લિંગ અથવા દિવ્યાંગતાના આધારે શિક્ષણથી વંચિત કરવાં, માનવીય ગૌરવ વિરુદ્ધ શરતો થોપવી, અથવા અલગ શૈક્ષણિક વ્યવસ્થા બનાવવી- આ બધું ભેદભાવના દાયરામાં આવે છે. 

SC/ST વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન, પરંતુ બધા માટે સુરક્ષા

જોકે આ નિયમોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના (SC/ST) વિદ્યાર્થીઓ સાથેના વર્તન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ નિયમોનો વ્યાપ માત્ર આ વર્ગો સુધી મર્યાદિત નથી.

નિયમો સ્પષ્ટ કરે છે કે:

  • પ્રવેશ પ્રક્રિયા, ફી વસૂલી અથવા દસ્તાવેજો રોકીને કોઈપણ વિદ્યાર્થી સાથે ભેદભાવ કરી શકાય નહીં.
  • વર્ગમાં કોઈ વિદ્યાર્થીની જાતિ કે ધર્મની જાહેરાત કરવી, ‘અનામત વર્ગ’ કહીને સંબોધન કરવું પ્રતિબંધિત છે.
  • ઉત્તરપુસ્તિકાઓનું મૂલ્યાંકન, પરિણામ જાહેર કરવું, લાઇબ્રેરી, લેબ, હોસ્ટેલ, મેસ, રમતનાં મેદાન અથવા અન્ય સુવિધાઓમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ ગેરકાનૂની છે.

સંસ્થાગત તંત્ર અને ફરિયાદ નિવારણ

2012ના નિયમો હેઠળ દરેક સંસ્થામાં:

  • ઇક્વલ ઑપર્ચ્યુનિટી સેલની સ્થાપના  
  • એન્ટી-ડિસ્ક્રિમિનેશન ઑફિસરની નિમણૂક (યુનિવર્સિટીઓમાં પ્રોફેસર સ્તરથી નીચે નહીં) અનિવાર્ય છે.

કોઈપણ ફરિયાદ પર મહત્તમ 60 દિવસમાં નિર્ણય લેવાનો અને તેની વિરુદ્ધ 90 દિવસમાં અપીલની જોગવાઈ છે. દોષ સાબિત થવા પર સજા ગુનાની પ્રકૃતિ અનુસાર આપવામાં આવે છે — વિદ્યાર્થીઓ માટે સંસ્થાગત નિયમો હેઠળ અને શિક્ષકો/સ્ટાફ માટે સેવા નિયમો હેઠળ. આ નિયમોની અધિકૃત પ્રતિ UGCની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. 

2026ના UGC ઇક્વિટી નિયમો: શું બદલાયું અને વિવાદ કેમ થયો?

UGCના 2026ના પ્રસ્તાવિત નિયમો 2012ની તુલનામાં ઘણા વિસ્તૃત હતા. તેમાં:

  • SC/ST સાથે OBC, EWS, દિવ્યાંગ, મહિલાઓ અને કેટલાક કિસ્સાઓમાં ફેકલ્ટી તથા નોન-ટીચિંગ સ્ટાફને પણ સુરક્ષાના દાયરામાં લાવવામાં આવ્યા હતા.
  • ઇક્વિટી કમિટી, ઇક્વિટી સ્ક્વોડ, ઇક્વિટી એમ્બેસેડર અને 24×7 હેલ્પલાઇન જેવી નવી સંસ્થાગત રચનાઓ અનિવાર્ય કરવામાં આવી હતી.
  • ફરિયાદ નિકાલની સમયમર્યાદા અત્યંત કડક રાખવામાં આવી હતી — 24 કલાકમાં પ્રારંભિક બેઠક, 15 દિવસમાં અહેવાલ અને 7 દિવસમાં કાર્યવાહી.

પરંતુ સૌથી મોટો વિવાદ ભેદભાવની વ્યાખ્યા અંગે થયો. નવા નિયમોમાં ‘જાતિ આધારિત ભેદભાવ’ને મુખ્યત્વે SC/ST/OBC વિરુદ્ધના ભેદભાવ સુધી મર્યાદિત કરી દેવામાં આવ્યો હતો, જેથી આરોપ લાગ્યો કે સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ આ સુરક્ષા દાયરાથી બહાર થઈ જાય છે.

આ ઉપરાંત, ડ્રાફ્ટમાં રહેલ ખોટી કે દુર્ભાવનાપૂર્ણ ફરિયાદો પર કાર્યવાહીની જોગવાઈઓ અંતિમ જાહેરાતમાંથી હટાવી દેવામાં આવી હતી, જેથી દુરુપયોગની આશંકા વધુ ગાઢ બની ગઈ.

સંક્ષેપમાં કહીએ તો 2012ના નિયમો તમામ વિદ્યાર્થીઓ માટે સમાન તકો અને સુરક્ષાની વાત કરે છે. 2026ના નિયમો કેટલાક સુરક્ષિત વર્ગો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ વ્યાખ્યાઓની અસ્પષ્ટતા અને દંડાત્મક સ્વભાવને કારણે સંતુલન બગડતું દેખાય છે.

આ જ કારણ છે કે સુપ્રીમ કોર્ટે તેમને અમલમાં મૂકતા પહેલાં સમીક્ષા અને વ્યાપક ચર્ચા-વિચારણાની જરૂર જણાવી છે. 

પૃષ્ઠભૂમિ: રોહિત વેમુલાથી 2026ના નિયમો સુધી

UGCના નવા નિયમોની પૃષ્ઠભૂમિ 2016ના રોહિત વેમુલા અને 2019ના પાયલ તડવીના કેસો સાથે જોડાયેલી ગણવામાં આવે છે, જ્યાં જાતિગત ભેદભાવના આરોપો સામે આવ્યા હતા. 2019માં દાખલ કરાયેલી એક PILમાં 2012ના નિયમોના નબળા અમલ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 2025માં સુપ્રીમ કોર્ટે UGCને નવા નિયમો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો, જે હેઠળ 13 જાન્યુઆરી 2026ના રોજ નવા રેગ્યુલેશન્સ જાહેર કરવામાં આવ્યા હતા.

જોકે, આ જ નિયમો વિરુદ્ધ દેશભરમાં વિરોધ પણ જોવા મળ્યો હતો. સામાન્ય વર્ગના લોકો આ નિયમોને સવર્ણવિરોધી ગણવા લાગ્યા હતા અને વિરોધ વ્યાપક બન્યા બાદ આખરે મામલો ફરી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં