અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) 1 ઑગસ્ટથી ભારત (India) પર 25% ટેરિફ (Tariff) લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે જે રીતે જાહેરાત કરી તેને જોતાં સ્પષ્ટ આશય ભારતને વ્યાપારી નીતિ બદલવા અને રશિયા સાથેના આર્થિક-સંરક્ષણ સંબંધો ઘટાડવા માટે દબાણ લાવવાનો દેખાય છે. મોદી સરકારે પણ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તેઓ નિર્ણયની સંભવિત અસરો ચકાસી રહ્યા છે અને દેશનાં હિતમાં આવશ્યક હશે એ તમામ પગલાં લેવામાં આવશે. પણ એ વાત સાચી છે કે ટ્રમ્પની આદત અનુસાર જો તેઓ યુ-ટર્ન નહીં લઈ લે તો આ નિર્ણયની ભારત-અમેરિકાના વ્યાપારી સંબંધોમાં, આર્થિક બજારમાં અમુક અસરો થઈ શકે તેમ છે.
1 ઑગસ્ટથી અમેરિકા દ્વારા લગાવવામાં આવી રહેલા 25% ટેરિફની અસર ભારતની અર્થવ્યવસ્થા પર શું અસર પડશે? ડાયમંડ, ફાર્માસ્યુટિકલ, કાપડ અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોમાં તેની વધુ અસર જોવા મળી શકે છે. તે સિવાય પણ અમુક ક્ષેત્રો છે. બ્લૂમબર્ગ ન્યૂઝે ભારતના અર્થતંત્રની પરિચિત એક વ્યક્તિના હવાલેથી જણાવ્યું હતું કે, જો ટેરિફ 25%થી વધુ થઈ જશે તો જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન કુલ ભારતીય નિકાસના લગભગ 10% પર અસર થશે. આ મુદ્દાને વિગતવાર સમજવા પ્રયાસ કરીએ.
શું છે ટેરિફ?
ટેરિફ એક પ્રકારનો આયાત કર છે. કોઈ દેશમાં બહારથી ચીજવસ્તુઓ કે માલસામાન સ્થાનિક બજારમાં વેચાણ માટે મંગાવવામાં આવે ત્યારે તેની ઉપર ટેક્સ લાદવામાં આવે છે. જેને ટેરિફ કહેવાય છે. તેનાથી જે આયાત થતી વસ્તુ હોય તે વધુ મોંઘી બને અને તેના કારણે સ્થાનિક ઉદ્યોગોને સ્પર્ધા કરવાનો એક સ્કોપ મળી રહે છે. વિદેશી ચીજવસ્તુઓ બજારમાં ઓછા ભાવે ઉપલબ્ધ થાય તો સ્થાનિક ઉદ્યોગ કે ઉત્પાદનોને નુકસાન પહોંચવાની સંભાવના રહે છે.
ટેરિફ એક રીતે કોઈ દેશની આવકનું સાધન પણ છે. તેના ઘણા પ્રકારો છે. જેમકે, ઇમ્પોર્ટ ટેરિફ એટલે એવો ટેક્સ જે દેશમાં આયાત થતા સામાન પર લાગે છે. ઘણા કિસ્સાઓમાં એક્સપોર્ટ ટેરિફ પણ લગાવવામાં આવે છે, પણ બહુ જોવા મળતો નથી. ત્યારબાદ રેવન્યુ ટેરિફ (સરકારની આવક વધારવા માટે) અને પ્રોટેક્ટિવ ટેરિફ (વિદેશી કંપનીઓની સ્પર્ધામાં ટકી રહેવા માટે સ્થાનિક ઉદ્યોગોનું રક્ષણ કરવા માટે) વગેરે જેવા ટેરિફ પણ સામેલ છે. સ્પેસિફિક ટેરિફ એટલે એવો કર જે કોઈ ઉત્પાદનના પ્રતિ એકમ લગાવવામાં આવે છે. જેમકે, બહારથી આવતા પ્રતિ કિલોગ્રામ ચોખા પર ₹10 ટેક્સ. ઘણી વખત કોઈ દેશ બીજા દેશ પર ટેરિફ લાદે તો જે-તે દેશ પણ જવાબમાં એવી જ કાર્યવાહી કરે છે, જેને ‘રિટલિયટરી ટેરિફ’ કે ‘રેસિપ્રોકલ ટેરિફ’ કહેવાય છે.
ટેરિફનો મૂળ ઉદ્દેશ્ય એ જ છે કે તેનાથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે અને તેઓ સ્પર્ધામાં ટકી રહે છે. બીજું, સરકારને આવક થાય એ નફામાં. અમુક દેશો આયાતમાં ઘટાડો કરીને ઘરેલુ ઉત્પાદનોને જ મહત્ત્વ આપવા માટે વધુ ટેરિફ લાદે છે. ઘણી વખત અમુક ઉત્પાદનો પર્યાવરણ માટે કે જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય તો તેમની ઉપર પણ વધુ પ્રમાણમાં ટેરિફ લાગુ કરીને નિયંત્રણ મૂકવામાં આવે છે.
ટેરિફ વધારવા ટ્રમ્પે શું કારણ આપ્યાં?
ટ્રમ્પનું કહેવું છે કે ભારત પર 25% ટેરિફ લાદવાનો નિર્ણય આ મુખ્ય કારણોને આધારે લીધો છે:
ઉચ્ચ ટેરિફ અને બિન-નાણાકીય અવરોધો – અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે, ભારત અમેરિકન ઉત્પાદનો, જેમ કે હાર્લે-ડેવિડસન મોટરસાઇકલ્સ (100% ટેરિફ) અને કૃષિ ઉત્પાદનો (50-70% ટેરિફ), પર ઉચ્ચ ટેરિફ લાદે છે, જે અમેરિકન કંપનીઓ માટે ભારતીય બજારમાં પ્રવેશને મુશ્કેલ બનાવે છે. ટ્રમ્પના મતે ભારતનું સરેરાશ ટેરિફ દર 17% છે, જે વિશ્વના સૌથી ઊંચા દરોમાંનો એક છે.
રશિયા સાથેના સંબંધો – ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને લશ્કરી સાધનોની (જેમ કે S-400 મિસાઇલ સિસ્ટમ) ખરીદી ટ્રમ્પ પ્રશાસનને પસંદ આવી રહી નથી. ટ્રમ્પે જણાવ્યું કે ભારત રશિયાના સૌથી મોટા ઊર્જા ખરીદદારોમાંનું એક છે, જે યુક્રેન યુદ્ધના સંદર્ભમાં અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડે છે. ટૂંકમાં ભારત અને રશિયા વચ્ચેના સારા સંબંધો અમેરિકાને આંખમાં કણાંની જેમ ખટકી રહ્યા છે. તેથી ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે, રશિયા સાથે વેપાર કરવા બાદલ પેનલ્ટી પણ ચૂકવવી પડશે.
વેપાર ખાધ – ટ્રમ્પ વહીવટીતંત્ર અનુસાર, 2023માં ભારતે અમેરિકાને 83 બિલિયન ડોલરની નિકાસ કરી, જ્યારે આયાત 54 બિલિયન ડોલરની હતી, જેનાથી અમેરિકાને નોંધપાત્ર વેપાર ખાધનો સામનો કરવો પડ્યો. નોંધનીય છે કે, આ ટેરિફ 1ઑગસ્ટ, 2025થી અમલમાં આવશે અને રશિયા સાથેના વેપારને લીધે વધારાનો ‘દંડ’ પણ લાદવામાં આવશે. જોકે, તેની વિગતો હજુ સ્પષ્ટ નથી.
અમેરિકન ટેરિફની ભારત પર અસર
ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ જાહેરાત બાદથી દેશના અનેક અર્થશાસ્ત્રીઓ અને અર્થતંત્રના જાણકાર લોકો આ દિશામાં વિશ્લેષણ કરવા લાગ્યા છે. સંભવિત અસરો વિશે પણ ચર્ચા થઈ રહી છે તો સાથે-સાથે મોદી સરકારના સંભવિત પગલાંની પણ નોંધપાત્ર ચર્ચાઓ થઈ રહી છે.
અર્થવ્યવસ્થા પર અસર
અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે અને 25% ટેરિફથી નીચેની અસરો થઈ શકે છે:
નિકાસમાં ઘટાડો – ભારત અમેરિકાને ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ, આઇટી સેવાઓે, રત્નો, ઝવેરાત, સ્ટીલ અને એલ્યુમિનિયમ નિકાસ કરે છે. ટેરિફથી આ ઉત્પાદનોની કિંમતો વધશે, જેનાથી અમેરિકન બજારમાં માંગ ઘટી શકે છે. ઉદાહરણ તરીકે, 2023માં ભારતે અમેરિકાને 4.2 બિલિયન ડોલરનું સ્ટીલ અને 1.3 બિલિયન ડોલરનું એલ્યુમિનિયમ નિકાસ કર્યું હતું.
મોંઘવારીનું દબાણ – જો ભારત વળતા ટેરિફ લાદે તો અમેરિકન ઉત્પાદનો (જેમ કે સોયાબીન, બદામ, આલ્કોહોલિક પીણાં) મોંઘાં થશે.
GDP પર અસર – નિકાસ આધારિત ઉદ્યોગોમાં ઘટાડો થવાથી ભારતનો આર્થિક વિકાસ દર (GDP) ધીમો પડી શકે છે, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) પર અસર થશે.
ઉદ્યોગો પર અસર
ટેરિફની અસર ભારતના વિવિધ ઉદ્યોગો પર અલગ-અલગ રીતે પડશે:
સ્ટીલ અને એલ્યુમિનિયમ – ટ્રમ્પે 2018માં સ્ટીલ પર 25% અને એલ્યુમિનિયમ પર 10% ટેરિફ લાદ્યા હતા, જેનાથી ભારતીય નિકાસકારોને નુકસાન થયું હતું. નવા 25% ટેરિફથી આ ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા વધુ ઘટશે અને ચીન જેવા દેશોના સસ્તા વિકલ્પોને ફાયદો થઈ શકે છે.
ફાર્માસ્યુટિકલ્સ – ભારત અમેરિકાને જેનરિક દવાઓની મોટી નિકાસ કરે છે, જે અમેરિકન ગ્રાહકો માટે સસ્તી હોય છે. ટેરિફથી આ દવાઓની કિંમતો વધશે, જે ભારતીય ફાર્મા કંપનીઓના નફા અને બજારના હિસ્સા પર અસર કરશે.
આઇટી અને સેવાઓ – આઇટી સેવાઓ પર સીધા ટેરિફની શક્યતા ઓછી છે, પરંતુ વેપાર યુદ્ધ વધે તો H-1B વિઝા નીતિઓ અથવા અન્ય પ્રતિબંધોની અસર આ સેક્ટર પર પડી શકે છે.
ટેક્સટાઇલ અને કૃષિ – ટેરિફથી ટેક્સટાઇલ અને કૃષિ ઉત્પાદનોની (જેમ કે ચોખા, ફળો) નિકાસ ઘટશે, જે ખેડૂતો અને નાના નિકાસકારોને અસર કરશે.
રાજકીય અસરો
ટેરિફની રાજનૈતિક અસરો નીચે મુજબ હોઈ શકે છે:
વેપાર યુદ્ધનું જોખમ – ભારતે 2019માં અમેરિકન સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફના જવાબમાં 240 મિલિયન ડોલરના અમેરિકન ઉત્પાદનો (જેમ કે બદામ, સફરજન) પર વળતા ટેરિફ લાદ્યા હતા. આ નવા ટેરિફના જવાબમાં ભારત ફરીથી વળતા ટેરિફ લાદી શકે છે, જે વેપાર યુદ્ધને વેગ આપી શકે છે.
રશિયા પર દબાણ – ટ્રમ્પે ભારતના રશિયા સાથેના વેપારને યુક્રેન યુદ્ધને સમર્થન આપનાર તરીકે ગણાવ્યું છે. આ ભારતની વિદેશ નીતિને પડકારે છે, જે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે સંતુલન જાળવે છે.
ભારતની પ્રતિક્રિયા – ભારતીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે વેપાર સોદા માટે આશા વ્યક્ત કરી છે, પરંતુ ભારતે કૃષિ અને ડેરી ક્ષેત્રોમાં સુરક્ષાવાદી નીતિઓ જાળવી રાખી છે, જે વાટાઘાટોમાં અડચણ બની શકે છે.
ભારતના સંભવિત પગલાં
વિશ્વના મોટા આર્થિક બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે, મોદી સરકાર દેશના હિતમાં નિર્ણયો લેવામાં કોઈ સંકોચ રાખતી નથી. જેમ કે, અમેરિકાના પ્રતિબંધો હોવા છતાં નાગરિકોને સસ્તું તેલ મળી રહે તે માટે રશિયા સાથે વેપાર ચાલુ રાખ્યો હતો. હાલના આ ટેરિફ બાબતે પણ એવું કહેવાય રહ્યું છે કે, ભારત સરકાર નાગરિકોના હિતને ધ્યાને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. ભારત આ ટેરિફનો સામનો કરવા માટે નીચેના પગલાં લઈ શકે છે: (સંભવિત)
વળતા ટેરિફ – ભારત અમેરિકન ઉત્પાદનો (જેમ કે કૃષિ ઉત્પાદનો, આલ્કોહોલિક પીણાં) પર વળતા ટેરિફ લાદી શકે છે, જેમ 2019માં કરવામાં આવ્યું હતું.
બજાર વૈવિધ્યકરણ – ભારત અમેરિકા પર નિર્ભરતા ઘટાડવા માટે યુરોપ, આસિયાન અને મધ્યપૂર્વના બજારોમાં નિકાસ વધારી શકે છે.
વાટાઘાટો – ભારત અમેરિકા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા ટેરિફ ઘટાડવાનો પ્રયાસ કરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ભારત સાથે સોદાની શક્યતા હજુ ખુલ્લી છે.
આંતરરાષ્ટ્રીય મંચ – ભારત વિશ્વ વેપાર સંગઠનમાં (WTO) ટેરિફનો વિરોધ કરી શકે છે, જો તે આંતરરાષ્ટ્રીય વેપાર નિયમોનું ઉલ્લંઘન કરે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો 25% ટેરિફનો નિર્ણય ભારતની અર્થવ્યવસ્થા, ઉદ્યોગો અને રાજકીય સંબંધો માટે પડકારજનક છે. આ ટેરિફના કારણે નિકાસ ઘટી શકે છે, મોંઘવારી વધી શકે છે અને વેપાર યુદ્ધનું જોખમ પણ ઊભું થઈ શકે છે. જોકે, ભારત પાસે વળતાં ટેરિફ, બજાર વૈવિધ્યકરણ અને રાજદ્વારી વાટાઘાટો જેવા વિકલ્પો છે.
આમ જોવા જઈએ તો અમેરિકાના આ નિર્ણયની સીધી અસર ભારતીય નિકાસકારો પર પડવાની નથી. કારણ કે ટેરિફ વધારવાનો અર્થ એ થાય કે અમેરિકાથી જે કંપનીઓ ભારતીય માલસામાન આયાત કરે છે, તેમણે તેમની સરકારને વધુ કર ચૂકવવો પડશે. આ ભારણ તેઓ કાં ગ્રાહકો પર નાખશે, અથવા નફાનું માર્જિન ઘટાડશે. ભારતીય નિકાસકારોને એકમાત્ર નુકસાન એ છે કે અમેરિકાના બજારમાં સમય જતાં તેમનાં ઉત્પાદનોની માંગ ઘટતી જશે.
ભારત અને અમેરિકા વચ્ચે થતા વ્યાપારની ચર્ચા કરવમાં આવે તો, 2024માં અમેરિકાએ ભારતથી કુલ 87.4 બિલિયન યુએસ ડોલરના માલસામાનની આયાત કરી હતી. બીજી તરફ, ભારતે 41.8 બિલિયન ડોલરની આયાત કરી. જેથી ટ્રેડ ડેસિફીટ લગભગ 45.7 બિલિયન ડોલર થાય છે. બંને પક્ષે રકમ 129 બિલિયન ડોલર જેટલી થાય છે. જોકે એ વાત પણ સાચી છે કે ભારતનો અમેરિકા સાથેનો વેપાર GDPના 1થી 2 ટકા જેટલો છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ટેરિફના ટ્રમ્પના નવા તૂતના લીધે 0.2 ટકાથી 0.5 ટકા જેટલો ઘટાડો થઈ સહકે છે, જો વધુ કઠોર શરતો-નિયમો લાદવામાં આવે તો 0.7 ટકા સુધી જઈ શકે.


