હોમપેજગુજરાત‘નિકાસ 20% વધશે, વાર્ષિક ₹500-600 કરોડના લાભની સંભાવના’: ભારત-EU ટ્રેડ ડીલથી સુરતની...

‘નિકાસ 20% વધશે, વાર્ષિક ₹500-600 કરોડના લાભની સંભાવના’: ભારત-EU ટ્રેડ ડીલથી સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રીને કઈ રીતે મળશે બુસ્ટ?

ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લઈને સમયે-સમયે જે તબાહીની આગાહીઓ કરવામાં આવી, તે મોટેભાગે વૈચારિક પૂર્વગ્રહ અથવા અધૂરા અભ્યાસનું પરિણામ હતી. સત્ય એ છે કે સુરતે દરેક વૈશ્વિક બદલાવને પોતાના પક્ષમાં વાળી લીધો છે. ભારત-EU ડીલ તે જ નિરાંતરતાનો આગામી તબક્કો છે.

- Advertisement -

26 જાન્યુઆરી, 2026ના રોજ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર થયા છે. 27એ વડા પ્રધાન મોદી અને યુરોપિયન સંઘના નેતાઓએ જોઇન્ટ પ્રેસ કૉન્ફરન્સ કરીને આ વિશેની માહિતી પણ આપી હતી. હાલ આ કરાર અને તેનાથી થતાં લાભો વિશેની ચર્ચાએ પણ જોર પકડયું છે. ભારત અને EU વચ્ચેનો આ વેપાર કરાર માત્ર કૂટનીતિક જાહેરાત જ નથી રહ્યો, પરંતુ તેની આર્થિક અસરો જમીન પર દેખાવા લાગી છે. 

આ ડીલનો સીધો લાભ ગુજરાતના મોટાભાગના ઉદ્યોગોને મળવાનો છે, પરંતુ જો કોઈ એક સેક્ટરની વાત સૌથી પહેલાં કરવી હોય તો તે છે હીરા ઉદ્યોગ. કારણ સ્પષ્ટ છે- ડાયમંડ પ્રોસેસિંગ અને વેપારના મામલામાં ગુજરાત, ખાસ કરીને સુરત, માત્ર ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં આગવું સ્થાન ધરાવે છે. જે પાયાનું કટિંગ, પોલિશિંગ અને એક્સપોર્ટ સુરતમાં થાય છે, એવું નેટવર્ક દુનિયાના કોઈ અન્ય ભાગમાં જોવા મળતું નથી. સરળ શબ્દોમાં કહીએ તો સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો વિશ્વમાં કોઈ વિકલ્પ નથી.

યુરોપની વાત કરીએ તો બેલ્જિયમનું એન્ટવર્પ દાયકાઓથી ડાયમંડ ટ્રેડનું કેન્દ્ર રહ્યું છે. ત્યાં ભારતીય હીરાની માંગ કોઈ નવી વાત નથી. માત્ર એન્ટવર્પ જ નહીં, પરંતુ અન્ય યુરોપીયન દેશોમાં પણ જ્વેલરી સેક્ટરની માંગ સ્થિર રહી છે. જોકે વચ્ચે ટેરિફ અને વૈશ્વિક મંદીની વાતો સાથે ‘યુરોપમાં હીરાની માંગણી ઘટી રહી છે’ એવા દાવા પણ થયા હતા, પરંતુ હકીકત એ છે કે ઉચ્ચ ગુણવત્તાવાળા, વિશ્વાસપાત્ર સ્ત્રોતમાંથી આવતા હીરાની માંગ યુરોપમાં સતત રહી છે અને ભારત આ માંગને પૂર્ણ કરનાર સૌથી મોટું કેન્દ્ર છે. 

- Advertisement -

ભારત અને યુરોપ વચ્ચે થયેલો કરાર સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને વધુ ગતિ આપશે અને અમેરિકી ટેરિફના કારણે ઊભી થયેલી નાની-નાની સમસ્યાઓ અને પડકારોનો એક વિકલ્પ પણ બનશે. પહેલાં સમજીએ અમેરિકી ટેરિફનો શું વિવાદ હતો અને કેમ ભારત-યુરોપના ઐતિહાસિક કરાર બાદ સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી ફરી ગતિભેર દોડવા લાગશે. 

અમેરિકી ટેરિફ

જ્યારે યુએસમાં ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારાની જાહેરાતો થઈ, ત્યારે કહેવામાં આવ્યું હતું કે જ્વેલરી અને ડાયમંડ સેક્ટર પર તેની વિનાશક અસર પડશે. એવું માની લેવામાં આવ્યું હતું કે સુરતની આખી ઇન્ડસ્ટ્રી અમેરિકી બજાર પર આધારિત છે અને ટ્રમ્પના આ એક પગલાથી આખી સિસ્ટમ તૂટી પડશે.

વાસ્તવિકતા તેનાથી બિલકુલ અલગ નીકળી.

અમેરિકા એક મહત્વનું બજાર તો છે જ પરંતુ સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી ક્યારેય સિંગલ-માર્કેટ પર આધારિત રહી નથી. યુરોપ, મિડલ ઈસ્ટ, એશિયા અને આફ્રિકન બજારો મળીને ભારતની ડાયમંડ એક્સપોર્ટ ઇકોનોમીને સંતુલન આપે છે. આ જ કારણ છે કે અમેરિકી ટેરિફને લઈને અનિશ્ચિતતા છતાં સુરતમાં ઉત્પાદન થંભી ગયું નહોતું, ઓર્ડરની દિશા બદલાઈ હતી, અમેરિકી એક્સપોર્ટ પણ ઘટ્યું હતું, પરંતુ ઇન્ડસ્ટ્રી તૂટી નહોતી.

આ ઉપરાંત ડાયમંડ જેવું હાઈ-વેલ્યુ અને લો-વોલ્યુમ સેક્ટર ટેરિફના સીધા પ્રહાર માટે એટલું સંવેદનશીલ પણ નથી. હકીકતમાં અમેરિકી ટેરિફ એક પડકાર સાબિત થયો છે, નહીં કે ઇન્ડસ્ટ્રીની કમર તોડી નાખનારું હથિયાર. બદલાયેલાં વૈશ્વિક સમીકરણો વચ્ચે પણ હીરા ઉદ્યોગ પર માઠી અસર પડશે એવી વાતો સામે આવી હતી. પરંતુ તેમાં પણ ઝાઝી અસર દેખાઈ નહોતી. અલબત યુરોપિયન સંઘ સાથેની ડીલમાં તેની ભરપાઈ પણ થઈ જશે.

ભારત-EU ડીલથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે લાભ મળશે?

યુરોપિયન યુનિયન આજે એક મોટા વ્યૂહાત્મક પુનઃસંતુલનમાંથી પસાર થઈ રહ્યું છે. ચીન પરની નિર્ભરતાએ યુરોપને એ શીખવ્યું છે કે સસ્તી સપ્લાય હંમેશા સુરક્ષિત સપ્લાય હોતી નથી. આ જ પૃષ્ઠભૂમિમાં ભારત–EU મુક્ત વેપાર કરાર પણ થયો છે. આ માત્ર ટેરિફ ઘટાડવાની ડીલ નથી, પરંતુ વિશ્વાસપાત્ર સપ્લાય ભાગીદારી તરફનું પગલું પણ છે.

ડાયમંડ અને જ્વેલરી સેક્ટરમાં યુરોપ ભારતનો વિકલ્પ શોધી શકે તેમ નથી. આફ્રિકા પાસે કાચો માલ છે, પરંતુ પ્રોસેસિંગ ક્ષમતા નથી. યુરોપ પાસે બ્રાન્ડ્સ છે, પરંતુ મેન્યુફેક્ચરિંગ નથી. આ અંતર સુરત પૂર્ણ કરે છે અને ભવિષ્યમાં વધુ સચોટ કામ થવાની પૂર્ણ સંભાવના છે.

એક સમયે કહેવામાં આવ્યું હતું કે લેબગ્રોન ડાયમંડ પરંપરાગત ઇન્ડસ્ટ્રીને ખતમ કરી નાખશે. પરંતુ સુરતે આ ટ્રેન્ડને પહેલા સમજી લીધો અને પછી તેના પર કબજો કરી લીધો. યુરોપમાં સસ્ટેનેબિલિટી, પર્યાવરણ અને એથિકલ સોર્સિંગનો નેરેટિવ ખૂબ જ મજબૂત છે. લેબગ્રોન ડાયમંડ આ બાબતોમાં સંપૂર્ણપણે ફીટ બેસે છે. ભારત–EU ડીલ આ સેગમેન્ટને ઔપચારિક અને સંસ્થાગત માળખું આપે છે, જેથી સુરતને યુવા અને પર્યાવરણ-સંવેદનશીલ ગ્રાહક વર્ગ સુધી સીધી પહોંચ મળે છે. 

વધુમાં સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી માત્ર અબજો ડોલરના એક્સપોર્ટનો આંકડો જ નથી. તે લાખો કારીગરો, MSME યુનિટ્સ અને તેમના પરિવારોની આજીવિકા છે. જો અમેરિકી ટેરિફ સાચે જ ‘વિનાશક’ હોત તો સૌથી પહેલી અસર રોજગાર પર દેખાત. પરંતુ અસર એટલી થઈ નહીં. ભારત–EU ડીલ પછી આ સ્થિરતા વધુ મજબૂત થવાની સંભાવના છે.

શું કહ્યું નિષ્ણાતોએ? 

ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ હીરા ઉદ્યોગમાં સંભવિત લાભોનો આખો ચિતાર દર્શાવ્યો હતો. તેમણે અમેરિકી ટેરિફની અસરો વિશે વાત કરતા જણાવ્યું હતું કે અમેરિકી ટેરિફના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર થોડી અસરો તો થઈ હતી, પણ તેના વિકલ્પ મળી શકે એમ હતા. તેમના મતે અમેરિકા જતાં ડાયમંડનું એક્સપોર્ટ ઘટાડી દેવામાં આવ્યું હતું, પરંતુ છતાં ઇન્ડસ્ટ્રી ચાલી રહી હતી. 

અમેરિકામાં કટ અને પોલિશ્ડ હીરાની સીધી નિકાસ 35% જેટલી હતી, ટેરિફના કારણે તેમાં થોડો ઘટાડો આવ્યો હતો, પરંતુ હવે ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે થયેલા ઐતિહાસિક કરાર બાદ હીરા ઉદ્યોગને વધુ તક અને લાભો મળી શકે એમ છે. તેમણે આગળ જણાવ્યું છે કે અગાઉ યુરોપના દેશોમાં ભારતીય હીરાઓ પર 2.5થી 4% અને મોતી જેવી વસ્તુઓ પર 20% જેટલા ટેરિફ લગાવવામાં આવતા હતા, જે હવે નહિવત કરી દેવામાં આવશે. 

હીરા પર ટેરિફ નહિવત થતાં યુરોપના 27 દેશોનાં બજારોમાં ભારતને મોકળું મેદાન મળશે. યુરોપિયન નાગરિકોને તોતિંગ બચત થશે અને ભારતને પણ ઘણો લાભ થશે. હીરા સસ્તા થવાથી યુરોપના લોકોની ખરીદી વધશે, વધુમાં એક્સપોર્ટ પોલિસીમાં પરિવર્તન આવશે તો હીરા સરળતાથી યુરોપના તમામ દેશો સુધી પહોંચશે અને તેનો સીધો લાભ સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને થશે. 

આગળ તેમણે એવું પણ કહ્યું કે યુરોપના લોકો માટે હીરા સામાજિક જીવનનો ભાગ છે, તેથી વૈભવી જીવનશૈલી જીવવા માટે હીરાની ખરીદી ચોક્કસ વધશે. અમેરિકામાં નિકાસ થતાં હીરામાં જે ઘટાડો કરવામાં આવ્યો હતો, એ જ હીરા હવે યુરોપ સુધી પહોંચશે અને ઇન્ડસ્ટ્રીને થયેલી મામૂલી અસર પણ સરભર થઈ જશે. ટૂંકમાં અમેરિકામાં નિકાસમાં જે ઘટાડો થયો છે તેની રિકવરી ચોક્કસપણે યુરોપિયન યુનિયન દ્વારા મળી જશે. 

આગામી સમયમાં હીરા ઉદ્યોગમાં વધુ તેજી આવવાની સંભાવના વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે નેચરલ અને લેબગ્રોન ડાયમંડ (Lab Grown Diamond) બંનેની ડિમાન્ડ યુરોપમાં વધશે, જેના કારણે કારખાનાઓમાં કામ કરતા રત્નકલાકારો માટે રોજગારીની નવી તકો ઉભી થશે. યુરોપમાં સામાન્યપણે વૈભવી વર્ગના લોકો હીરાઓની ખરીદી કરતા હોય છે. પરંતુ ભારત સાથેના કરાર બાદ ટેરિફ નહિવત થવાથી સામાન્ય લોકો પણ મોટાપાયે હીરાની ખરીદી કરવા લાગશે અને એક્સપોર્ટ પોલિસીમાં બદલાવ આવવાથી નિકાસ પણ સરળ થઈ જશે. એટલે યુરોપના 27 દેશોની માંગને પહોંચી વળવા માટે ડાયમંડ ઇન્ડસ્ટ્રી વધુ પ્રોડક્શન શરૂ કરશે અને સ્વાભાવિક તેનો લાભ ઇન્ડસ્ટ્રીથી લઈને નીચલા કારીગરો અને રત્નકલાકારોને પણ થશે. 

‘નિકાસમાં 20% ઉછાળો, વાર્ષિક ₹500-600 કરોડનો લાભ થવાની સંભાવના’

વાતચીતમાં સુરત ડાયમંડ એસોસિયેશનના ચેરમેન જગદીશ ખૂંટે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે સુરત વિશ્વના 90% હીરાનું કટિંગ અને પોલિશિંગ કરે છે, જ્યારે દેશનું 40% મેનમેડ ફેબ્રિક પણ અહીં જ બને છે. હાલમાં ભારતમાંથી યુરોપિયન યુનિયનના દેશોમાં કુલ નિકાસ $7-8 Billion (અંદાજે ₹60,000 Crore) છે. જેમાં જેમ્સ એન્ડ જ્વેલરીનો હિસ્સો $2 Billion (અંદાજે ₹16,000 Crore) છે. ટેરિફ ઘટવાને કારણે હવે નિકાસમાં સીધો 20%નો વધારો થવાનો અંદાજ છે, જેનો સીધો લાભ સુરતના MSME સેક્ટર અને મોટા યુનિટોને મળશે. 

તેમણે દાવો કરતાં કહ્યું હતું કે ભારત અને યુરોપ વચ્ચેના આ ઐતિહાસિક કરારથી સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને વાર્ષિક ₹500-600 કરોડ સુધીનો લાભ થવાની સંભાવના છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે આ લાભના કારણે ડાયમંડ સેક્ટરનું આખું ચક્ર ઝડપથી ફરવા લાગશે અને રત્નકલાકારોથી લઈને ડાયમંડ કારખાનાના માલિકો અને મોટા હીરા ઉદ્યોગીઓને પણ તેનાથી લાભ થશે. પ્રોડક્શન વધવાની સાથે નવા રોજગાર પણ ઊભા થશે અને હીરા ઉદ્યોગ ફરી અડીખમ થશે. 

આગળ તેમણે જણાવ્યું કે FTA હેઠળ જે વાતો પર ચર્ચા થઈ રહી છે તેમાં કસ્ટમ્સ પ્રોસેસનું સરળીકરણ, ડુપ્લિકેટ સર્ટિફિકેશનને ઘટાડવાં અને જેમ્સ-જ્વેલરી સેક્ટરને ફેસિલિટેટેડ ટ્રેડ કેટેગરીમાં મૂકવું સામેલ છે. જો આ અમલમાં આવે તો સુરતના મધ્યમ અને નાના પ્રોસેસર્સ માટે યુરોપ સુધીની સીધી પહોંચ અગાઉ કરતાં ક્યાંય વધુ સસ્તી અને સ્થિર બની જશે. EU ડીલ પછી યુરોપીયન જ્વેલરી બ્રાન્ડ્સ માટે સુરત ‘ડિફોલ્ટ મેન્યુફેક્ચરિંગ હબ’ બની શકે છે. તેનાથી વચેટિયાની ભૂમિકા ઘટશે અને વેલ્યુનો મોટો હિસ્સો ભારતીય ઉદ્યોગ પાસે જ રહેશે. 

ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયાએ પણ ઑપઇન્ડિયા સાથેની ચર્ચામાં લેબગ્રોન હીરા અને તેના વેપાર પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે EU બજારમાં લેબગ્રોન ડાયમંડની સ્વીકાર્યતા ઝડપથી વધી રહી છે. સુરત આ સેગમેન્ટમાં પહેલેથી જ વૈશ્વિક લીડર બની ચૂક્યું છે. ભારત-EU ડીલ આ ઉભરતા સેગમેન્ટને સંસ્થાગત વૈધાનિકતા અને સ્કેલ બંને આપી શકે છે.

ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લઈને સમયે-સમયે જે તબાહીની આગાહીઓ કરવામાં આવી, તે મોટેભાગે વૈચારિક પૂર્વગ્રહ અથવા અધૂરા અભ્યાસનું પરિણામ હતી. સત્ય એ છે કે સુરતે દરેક વૈશ્વિક બદલાવને પોતાના પક્ષમાં વાળી લીધો છે. ભારત-EU ડીલ તે જ નિરાંતરતાનો આગામી તબક્કો છે.

ઉલ્લેખનીય છે કે અમે અમેરિકી ટેરિફના શરૂઆતી સમયમાં પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિશે એક વિસ્તૃત લેખ પ્રકાશિત કર્યો હતો અને તેમાં પણ જણાવ્યું હતું કે અમેરિકી ટેરિફની અસર ટૂંકાગાળા માટે થઈ શકે છે, પરંતુ લાંબાગાળા માટે તેની અસરો નહિવત છે. કારણ કે સરકાર તેના વિકલ્પો શોધવા લાગશે અને ડાયમંડ માટે નવાં બજારો મળી જશે. (એ લેખ અહીં ક્લિક કરી વાંચી શકાશે.)

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં