Monday, March 24, 2025
More
    હોમપેજદુનિયાપુત્ર હન્ટર જ નહીં પરિવારના સભ્યોને પણ 'માફી' આપતા ગયા ડેમોક્રેટ બાયડન:...

    પુત્ર હન્ટર જ નહીં પરિવારના સભ્યોને પણ ‘માફી’ આપતા ગયા ડેમોક્રેટ બાયડન: વાંચો શું છે આ ‘પ્રેસિડેન્શિયલ પાર્ડન’ સિસ્ટમ, જેનાથી કથિત જગત જમાદાર સામે ઉઠતા રહ્યા છે સવાલો

    રાહુલ ગાંધીને હવે સમજાયું હશે કે અમેરિકામાં લોકતંત્રની શું હાલત છે. અમેરિકાનું લોકતંત્ર આજે ભારત કરતા પણ ઘણી બાબતોમાં ખરાબ સ્થિતિમાં આવીને ઊભું છે. તેવામાં હવે અમેરિકા પોતાના લોકતંત્રને બચાવે કે રાહુલ ગાંધીને ગંભીરતાથી લે.

    - Advertisement -

    અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડને (Joe Biden) સત્તા છોડતા પહેલાં પોતાના પુત્ર (Son) હન્ટર બાયડને (Hunter Biden) 2014થી 2024ના સમયગાળા દરમિયાન કરેલા તમામ ગુનાઓ માટે માફી (પ્રેસિડેન્શિયલ પાર્ડન) આપી દીધી હતી. જેના કારણે હન્ટરને હવે 10 વર્ષ સુધીમાં કરેલા કોઈપણ ગુના માટે સજા નહીં મળી શકે. બાયડન એટલે ના અટક્યા. પદ છોડ્યાના માત્ર કલાક પહેલાં જ તેમણે પોતાના તમામ સગાસંબંધીઓને માફી (Presidential Pardon) આપવાની જાહેરાત કરી દીધી. તેમણે એવું કહ્યું હતું કે, તેમના તમામ સંબંધીઓ પર રાજકારણ પ્રેરિત આરોપો લગાવવામાં આવ્યા હતા, તેથી તે તમામ લોકોને રાષ્ટ્રપતિ તરફથી ‘ક્ષમાદાન’ મળે છે. જોકે, પોતાના પરિવારના સભ્યોને માફી આપી દઈને બંધારણની જાહેરમાં ફજેતી કરતા બાયડન કોઈ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ નથી. તેમના પહેલાં આવેલા ઘણા રાષ્ટ્રપતિઓએ આ વારસો જાળવી રાખ્યો હતો.

    દુનિયાભરના ઇતિહાસમાં કોઈપણ લોકતાંત્રિક દેશમાં જનતા દ્વારા ચૂંટાઈને આવેલા કોઈપણ નેતાએ પોતાના જ દેશના બંધારણની આ રીતે ફજેતી નથી કરી, જે રીતે અમેરિકામાં જાહેરમાં થઈ રહી છે. જ્યારે બાયડનના પુત્ર પર ગંભીર આરોપો લાગ્યા ત્યારે તેમણે પોતે એવું કહ્યું હતું કે, જો તેમના પુત્ર હન્ટરને કોર્ટ દ્વારા સજા આપવામાં આવશે તો તેઓ કોઈ કાળે તેને માફી નહીં આપે. પરંતુ થયું શું? પોતાના કાર્યકાળના અંતિમ સમયમાં જ્યારે નક્કી થઈ ગયું હતું કે, તેઓ રાષ્ટ્રપતિ પદ પર નથી રહેવાના. તે જ સમયે તેમણે પોતાના પુત્રને દોષમુક્ત જાહેર કરી દીધો.

    ત્યારબાદ અમેરિકાના નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણના અડધો કલાક પહેલાં બાયડને તમામ સંબંધીઓને છેલ્લા 11 વર્ષમાં કરેલા તમામ ગુનાઓ માટે દોષમુક્ત જાહેર કરી દીધા અને ક્ષમાદાનની જાહેરાત કરી દીધી. રાષ્ટ્રપતિ દ્વારા ક્ષમા પ્રાપ્ત કરનારા 5 સભ્યો બાયડન પરિવારનો જ ભાગ હતા. હવે તેમને ન તો કોઈ સજા મળશે અને ન તો તેમની કોઈ તપાસ કરવામાં આવશે. એટલું જ નહીં, બાયડને પોતાના કેટલાક મિત્રો અને ખાસ લોકોને પણ માફી આપી દીધી છે. અમેરિકાની સાથે દુનિયાભરમાં આ ‘ક્ષમાદાન સત્તા’ના દુરુપયોગની ટીકા થઈ રહી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિને આપવામાં આવેલી આ સત્તાને ‘પ્રેસિડેન્શિયલ પાર્ડન’ કહેવામાં આવે છે.

    - Advertisement -

    શું હોય છે ‘પ્રેસિડેન્શિયલ પાર્ડન’?

    પ્રેસિડેન્શિયલ પાર્ડનને સરળ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે તો તેનો સામાન્ય અર્થ ‘રાષ્ટ્રપતિ તરફથી મળતી માફી’ થાય છે. અમેરિકી રાષ્ટ્રપતિને બંધારણ દ્વારા તે સત્તા આપવામાં આવી છે કે, તે કોઈપણ અમેરિકી નાગરિકને ગુના માટે દોષિત ઠેરવ્યા બાદ પણ તેને માફ કરી શકે છે. આ સત્તા હેઠળ જો કોઈ વ્યક્તિને સજા સંભળાવવામાં આવી હોય તો અમેરિકી રાષ્ટ્રપતિ તેની સત્તાનો ઉપયોગ કરીને તેની સજાનો કેટલોક ભાગ અથવા સંપૂર્ણ સજાને જ રદ કરી શકવાની શક્તિ ધરાવે છે.

    અમેરિકી બંધારણમાં પ્રેસિડેન્શિયલ પાર્ડનનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આર્ટિકલ IIની કલમ 2 સ્પષ્ટપણે કહે છે કે, “રાષ્ટ્રપતિ સંયુક્ત રાજ્ય અમેરિકાના કમાન્ડર-ઇન-ચીફ ગણાશે. તેઓ કોઈપણ વિભાગ પાસેથી, સંબંધિત કાર્યાલયોની ફરજોને લગતા વિષય પર લેખિત રેકોર્ડ અને જવાબ માંગી શકે છે. ઉપરાંત તેમની પાસે મહાભિયોગના કિસ્સાઓને છોડીને સંયુક્ત રાજ્ય અમેરિકા સામે રાહત અને ક્ષમા આપવાની વિશેષ સત્તા છે.” સાથે એવું પણ કહેવાયું છે કે, રાષ્ટ્રપતિની આ સત્તા માત્ર ફેડરલ ગુનાઓ માટે લાગુ પડી શકે છે. રાજ્ય ગુનાઓ પર તે લાગુ પડી શકશે નહીં. આ ઉપરાંત મહાભિયોગ જેવા કેસમાં તે સત્તાનો ઉપયોગ થઈ શકશે નહીં.

    ક્યાંથી ઉદ્ભવી આ સત્તા, શું છે ઐતિહાસિક આધાર?

    અમેરિકી બંધારણ સભાએ પ્રેસિડેન્શિયલ પાર્ડનની સત્તા ઈંગ્લેન્ડ પાસેથી લીધી છે. ઈંગ્લેન્ડમાં કિંગ દ્વારા દયાપૂર્ણ માફી આપવાની એક લાંબી પરંપરા રહેલી છે. તે અનુસાર, ઈંગ્લેન્ડના કેટલાક ગુનાહિત નાગરિકોને ત્યાંનાં રાજા દ્વારા ઘણી વખત પાર્ડન આપવામાં આવે છે. અમેરિકી બંધારણ નિર્માતાઓ સાતમી સદીથી ચાલી આવતી આ અંગ્રેજી પરંપરાથી ખૂબ પ્રભાવિત હતા. તેથી જ બંધારણીય સંમેલનમાં એલેક્ઝાન્ડર હૈમિલ્ટને પ્રેસિડેન્શિયલ પાર્ડનની અવધારણા રજૂ કરી હતી. જેને બાદમાં બંધારણ સભાએ મંજૂરી આપી દીધી હતી.

    પ્રેસિડેન્શિયલ પાર્ડનને લઈને અમેરિકાના રાજકારણમાં પણ ઘણી ચર્ચા ચાલી રહી છે. રાષ્ટ્રપતિ કઈ સજાને માફ કરી શકે અને કઈ સજામાં તેમની સત્તાને નાબૂદ કરવી તે બાબતે પણ અમેરિકામાં ઘણો વિવાદ ઊભો થતો જોવા મળે છે. પરંતુ એકંદરે અમેરિકી રાષ્ટ્રપતિઓ આ સત્તાનો દુરુપયોગ જ વધારે કરતાં હોય છે અને પોતાના અંગત સ્વાર્થ અને પરિવાર માટે તેનો ઉપયોગ કરતા રહે છે. જોકે, રાષ્ટ્ર સામેના ગુનાઓ જેવી સંગીન ઘટનાઓમાં તેઓ માફી આપી શકતા નથી અને આપતા પણ નથી. પરંતુ નાના-મોટા ગુનાઓ માટે તેઓ અવારનવાર પોતાના ખાસ માણસો અને પરિવારજનોને માફી આપતા રહ્યા છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ સ્વાર્થ માટે કરતા આવ્યા છે ઉપયોગ

    અમેરિકાના ઇતિહાસમાં રાષ્ટ્રપતિની આ સત્તાનો ખૂબ ઉપયોગ થયો છે. તાજેતરમાં જ પોતાને ‘ડેમોક્રેટ’ ગણાવતા જો બાયડન પણ આ સત્તાનો ઉપયોગ કરી ચૂક્યા છે. જોકે, તે ઘટના બાદ અમેરિકા સહિત વિશ્વભરમાં તેમની ઘણી ટીકાઓ પણ થઈ હતી. અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટી ડાબેરી વિચારધારાને અમુક અંશે વરેલી છે અને મોટાભાગના વામપંથીઓ પ્રેસિડેન્શિયલ પાર્ડનનો ખૂબ વિરોધ પણ કરે છે. પરંતુ જો બાયડને તેનો ઉપયોગ પોતાના પરિવારજનો માટે કર્યા બાદ રિપબ્લિકન પાર્ટીએ ડેમોક્રેટિક પાર્ટી પર આકરા પ્રહાર પણ કર્યા હતા.

    સાથે એ પણ નોંધવા જેવું છે કે, દુનિયાભરના લેફ્ટ-લિબરલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ‘તાનાશાહ’ અને ‘અડિયલ’ ગણાવે છે. ટ્રમ્પને તેમના પાછલા કાર્યકાળના અંતમાં 6 જાન્યુઆરી 2021માં થયેલી કેપિટલ હિંસા મામલે દોષી પણ કહેવામાં આવે છે. પરંતુ એક તથ્ય તે પણ યાદ રાખવું જોઈએ કે, બાયડનના શપથગ્રહણ પહેલાં ટ્રમ્પ પાસે 14 દિવસનો સમય હતો. જો તેઓ ધારત તો તે સમયે પોતાને માફી આપી શક્યા હોત. પરંતુ તેમણે બાયડન જેવો નિર્ણય ન લીધો. છેલ્લા 4 વર્ષ સુધી તેઓ તમામ આરોપો સહન કરતા રહ્યા અને કોર્ટ-કચેરીના ધક્કા ખાતા રહ્યા અંતે તેઓ સફળતાપૂર્વક બહાર નીકળી શક્યા.

    જગતજમાદાર બનતા અમેરિકાની વિશ્વમાં થઈ રહી છે ફજેતી

    જગતજમદાર બનીને આખા વિશ્વને ‘લોકતંત્ર’નું જ્ઞાન આપતું અમેરિકા પોતે જ પોતાનું લોકતંત્ર ખાડે મૂકીને આવ્યું છે. જાહેરમાં અમેરિકી લોકતંત્રનું મજાક બની રહે છે. કોઈપણ રાષ્ટ્રપતિ ચૂંટણી હાર્યા બાદ પોતાના સંબંધીઓ અને પરિવારજનોને કાયમ માટે મુક્તિ આપતા જાય છે. અમેરિકી બંધારણે આ સત્તા માત્ર કેટલાક કિસ્સાઓ માટે જ ઉપયોગમાં લેવાની સલાહ આપી છે. પરંતુ દરેક અમેરિકી રાષ્ટ્રપતિ પોતાના અંગત સ્વાર્થ અને પરિવાર માટે આખા દેશના કાયદા અને લોકતંત્ર સાથે રમત રમી રહ્યા છે. ખુલ્લેઆમ રાષ્ટ્રપતિ તેમની આ સત્તાનો દુરુપયોગ કરે છે, તેમ છતાં વિશ્વભરમાં ‘મજબૂત લોકશાહી’નું જ્ઞાન પીરસતા રહે છે.

    ભારતમાં પણ એવા ઘણા વિરોધીઓ છે જે લોકતંત્રની હત્યાની વાતો કરતાં રહે છે. તેમના લીડર રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધીએ 2022માં પોતાની લંડનની યાત્રા પર ભારતના લોકતંત્ર વિશે ઘણી પાયાવિહોણી વાતો કરી હતી. ‘ભારતના લોકતંત્રને બચાવવા’ માટે રાહુલ ગાંધીએ અમેરિકા અને યુરોપિયન દેશોના હસ્તક્ષેપની માંગણી પણ કરી હતી. આશા છે કે, રાહુલ ગાંધીને હવે સમજાયું હશે કે અમેરિકામાં લોકતંત્રની શું હાલત છે. અમેરિકાનું લોકતંત્ર આજે ભારત કરતા પણ ઘણી બાબતોમાં ખરાબ સ્થિતિમાં આવીને ઊભું છે. તેવામાં હવે અમેરિકા પોતાના લોકતંત્રને બચાવે કે રાહુલ ગાંધીને ગંભીરતાથી લે.

    ભારતના રાષ્ટ્રપતિ પાસે પણ છે સત્તા, પરંતુ આજ સુધી નથી કર્યું બંધારણ અને લોકતંત્રનું હનન

    એવું નથી કે, માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે જ માફી આપવાની વિશાળ સત્તા છે. દુનિયાના ઘણા લોકતાંત્રિક દેશોમાં વિશેષ સ્થિતિને ધ્યાને રાખીને રાષ્ટ્રપતિને આ સત્તા આપવામાં આવી છે. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતીય બંધારણના આર્ટિકલ 72 હેઠળ રાષ્ટ્રપતિને માફી આપવાની સત્તા મળેલી છે. બંધારણ કહે છે કે રાષ્ટ્રપતિ પાસે ગુનામાં દોષી ઠેરવાયેલા વ્યક્તિને માફી આપવાની, રાહત આપવાની, સજા ઓછી કરવાની અથવા તેની સજાને સ્થગિત કરવાની સત્તા છે. પરંતુ આજ સુધીનો ઇતિહાસ છે કે ભારતીય રાષ્ટ્રપતિએ ક્યારેય પણ પોતાના પરિવાર અને સંબંધીઓ માટે આ સત્તાનો ઉપયોગ નથી કર્યો. મોટાભાગે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ચુકાદાને માન આપે છે અને તેને જ અંતિમ નિર્ણય ગણાવે છે.

    હજુ તો હમણાં જ સ્વતંત્ર થયેલા ભારત જેવા દેશમાં લોકતંત્રની સ્થિતિ સદ્ધર અને ઉમદા છે તો બીજી તરફ જુની લોકશાહી હોવાનો દાવો ઠોકતા અમેરિકામાં લોકતંત્રની સ્થિતિ આજે બેનકાબ છે. અમેરિકામાં સ્થિતિ એવી છે કે, રાષ્ટ્રપતિ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કોર્ટના આદેશને જ બદલી કાઢે છે અને તે જ લોકો પાછા ભારતને ‘થર્ડ વર્લ્ડ કન્ટ્રી’ કહે છે. ભારતના રાષ્ટ્રપતિએ ક્યારેય પોતાની નીતિમત્તાને નેવે નથી મૂકી. તેમની પાસે અસીમિત સત્તા હોવા છતાં તેના દુરુપયોગના કિસ્સાઓ જોવા નથી મળતા. તેનું એકમાત્ર કારણ છે, લોકતંત્રની નીતિમત્તા અને બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો. આખા દેશના બંધારણનું જાહેરમાં હનન કરતા અમેરિકા પાસે રાહુલ ગાંધી ભારતના લોકતંત્રની રક્ષા કરવાની માંગણી કરતા રહ્યા છે! જોકે, ભારતનું લોકતંત્ર કઈ દિશામાં છે અને કેટલું કારગર છે તે આજે આખી દુનિયા જાણી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં