હોમપેજદુનિયાશું છે ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ બાદ બનેલું ગાઝા પીસ ઑફ બોર્ડ, જેના...

શું છે ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ બાદ બનેલું ગાઝા પીસ ઑફ બોર્ડ, જેના માટે પીએમ મોદીને અપાયું નિમંત્રણ

બોર્ડનો સૌથી મોટો દાવો એ છે કે તે ગાઝાને માત્ર સહાય પર આધારિત રાખવાને બદલે સ્વાવલંબી શાસન અને આર્થિક પુનરુત્થાનની દિશામાં લઈ જશે. પરંતુ આ જ દાવો છે જેના પર સૌથી વધુ રાજકીય ટીકા અને ચર્ચા થઈ રહી છે. 

- Advertisement -

મધ્યપૂર્વની કૂટનીતિમાં હમણાં સૌથી વધુ ચર્ચાતો શબ્દ ગાઝા પીસ બોર્ડ (Gaza Board Of Peace) છે, જેમાં સામેલ થવા માટે ટ્રમ્પે પીએમ મોદીને આમંત્રણ પણ મોકલ્યું છે. ટ્રમ્પ પ્રશાસન તેને ગાઝા યુદ્ધને ‘અસ્થાયી યુદ્ધવિરામ’માંથી કાઢીને સ્થાયી શાંતિ, સ્થિર શાસન અને પુનર્નિર્માણની દિશામાં લઈ જવાનું માળખું ગણાવી રહ્યું છે. વ્હાઇટ હાઉસ અનુસાર આ બોર્ડ ટ્રમ્પના ‘Comprehensive Plan to End the Gaza Conflict’ હેઠળ બનાવવામાં આવ્યું છે અને તેને UN Security Council Resolution 2803 (2025)ના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય માન્યતા આપવાના પ્રયાસો પણ દેખાઈ રહ્યા છે. 

આમાં સમજવું જરૂરી છે કે ગાઝા પીસ બોર્ડનો મુખ્ય હેતુ સુરક્ષા, શાસન, ભંડોળ અને જમીન-સ્તરે અમલીકરણ, આ ચારેયને એક જ વ્યવસ્થામાં બાંધીને ગાઝાને આગળના તબક્કામાં લઈ જવાનો છે. આ જ કારણે આ બોર્ડની સાથે NCAG (ગાઝાની ટેક્નોક્રેટિક સરકાર) અને ISF (International Stabilization Force) જેવી રચનાઓ પણ તે જ પ્લાનમાં સામેલ કરવામાં આવી છે. મૂળ તો ટ્રમ્પના પીસ પ્લાનનો આ બીજો તબક્કો છે.

ગાઝા પીસ બોર્ડ શું છે?

અમેરિકી પ્રશાસનના શબ્દોમાં આ એક આંતરરાષ્ટ્રીય બોર્ડ છે જે ગાઝા માટે બનાવવામાં આવનારા ટ્રાન્ઝિશનલ પ્રશાસન અને પુનર્નિર્માણ પ્રક્રિયા પર વ્યૂહાત્મક નિરીક્ષણ (strategic oversight) રાખશે, સંસાધનો એકત્ર કરશે અને ગાઝાને ‘અરાજકતા અને હિંસા’ના ચક્રમાંથી બહાર કાઢીને એક સ્થિર વ્યવસ્થા તરફ આગળ વધારશે.

- Advertisement -

વ્હાઇટ હાઉસની જાહેરાત અનુસાર આ બોર્ડની મુખ્ય ભૂમિકા દેખરેખ અને જવાબદારીની છે, એટલે કે કયા પૈસા ક્યાં ખર્ચાશે, કયા પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે, સુરક્ષા વ્યવસ્થા કેવી રહેશે અને કોણ જવાબદાર રહેશે, આ બધા પર તેનું નિયંત્રણ અને નિરીક્ષણ રહેશે.

બીજા શબ્દોમાં કહીએ તો ટ્રમ્પ પ્રશાસન ગાઝા પીસ બોર્ડને એક ગવર્નન્સ-ઇન્જિનિયરિંગ મોડલ તરીકે પ્રસ્તુત કરી રહ્યું છે, જ્યાં શાંતિ માત્ર વાતચીતનો વિષય નથી, પરંતુ એક પ્રશાસનિક પ્રોજેક્ટ છે, જેમાં સુરક્ષદળો, પ્રશાસનિક ઢાંચો અને આંતરરાષ્ટ્રીય ભંડોળ એકસાથે કાર્ય કરશે.

આ બોર્ડ કેમ બનાવવામાં આવ્યું?

ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન વિશ્વે વારંવાર જોયું છે કે યુદ્ધવિરામની જાહેરાત થઈ જાય તોપણ જમીન પર શાસનનું સંકટ, સુરક્ષાની ઉણપ, માનવતાવાદી સહાયના પુરવઠામાં અવરોધ અને પુનર્નિર્માણની ધીમી ગતિને કારણે શાંતિ ટકી શકતી નથી. ટ્રમ્પ વહીવટનો દાવો છે કે આ જ ‘post-conflict vacuum’ને (યુદ્ધ પછીનું ખાલીપણું) ભરવા માટે આ બોર્ડ બનાવવામાં આવ્યું છે, જેથી શાંતિ માત્ર એક નારો ન રહે, પરંતુ તેને અમલમાં મૂકવા માટે એક મશીનરી તૈયાર રહે.

આ પ્લાનનો સૌથી મોટો દાવો એ છે કે ગાઝામાં ભવિષ્યની વ્યવસ્થા ‘આતંક-મુક્ત/ડિમિલિટરાઇઝ્ડ’ હશે અને પ્રશાસનિક માળખું એક ટેક્નોક્રેટિક મોડલ દ્વારા ચાલશે. આ માળખું UN Security Council Resolution 2803 (2025)ના સંદર્ભમાં આગળ વધી રહ્યું છે, એટલે કે તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રક્રિયા અને પ્રસ્તાવો સાથે જોડીને આંતરરાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી રહી છે અને મંજૂરી પણ મળી ગઈ છે.

કેવું હશે બોર્ડનું માળખું?

વ્હાઇટ હાઉસ અનુસાર આ પહેલનું ઔપચારિક નામ ‘પીસ બોર્ડ (Board of Peace – BoP) છે અને તેની ટોચની જવાબદારી અધ્યક્ષ (ચેરમેન) તરીકે ડોનાલ્ડ જે. ટ્રમ્પને સોંપવામાં આવી છે.

આ બોર્ડની કાર્યપ્રણાલી બે સ્તરો પર રચાયેલી છે:  

– એક સ્ટ્રેટેજિક એક્ઝિક્યુટિવ બોર્ડ, જે નીતિ, ભંડોળ, મોટા નિર્ણયો અને આંતરરાષ્ટ્રીય સંકલનનું નિરીક્ષણ કરશે.  

– બીજું ગાઝા એક્ઝિક્યુટિવ બોર્ડ, જે ગાઝા-વિશેષ અમલીકરણ, જમીન-સ્તરના સંકલન અને પુનર્નિર્માણની ગતિ પર ધ્યાન કેન્દ્રિત કરશે. 

બોર્ડમાં કોનો સમાવેશ?

વ્હાઇટ હાઉસની જાહેરાત અનુસાર ફાઉન્ડિંગ એક્ઝિક્યુટિવ બોર્ડમાં ઘણા હાઇ-પ્રોફાઇલ નામો સામેલ કરવામાં આવ્યા છે, જેમાં માર્કો રુબિયો, સ્ટીવ વિટકોફ, જેરેડ કુશનર, સર ટોની બ્લેર, માર્ક રોવન, અજય બાંગા અને રોબર્ટ ગેબ્રિયલના નામોનો સમાવેશ થાય છે.

વ્હાઇટ હાઉસે એ પણ જણાવ્યું છે કે બોર્ડના દરેક સભ્યને એક નિયત કાર્યક્ષેત્ર સોંપવામાં આવશે, એટલે કે કોઈ ભંડોળ/રોકાણ પર કામ કરશે, કોઈ શાસન ક્ષમતા નિર્માણ પર, કોઈ પ્રાદેશિક કૂટનીતિ પર અને કોઈ મોટા પુનર્નિર્માણ પ્રોજેક્ટ્સ પર. આ રીતે બોર્ડને એક કોર્પોરેટ-શૈલીના પ્રોજેક્ટ મેનેજમેન્ટ જેવું ડિઝાઇન કરવામાં આવ્યું છે. 

આ બોર્ડને ચલાવવા માટે વ્હાઇટ હાઉસે આર્યેહ લાઇટસ્ટોન અને જોશ ગ્રુએનબાઉમને સિનિયર એડવાઇઝર તરીકે નિયુક્ત કર્યા છે. આ બંનેની જવાબદારીમાં રણનીતિ અને કાર્યવાહીને સતત આગળ વધારવી, દેશો સાથે સંવાદ, પ્રોજેક્ટ-ડિલિવરી અને બોર્ડની આંતરિક સંકલન વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની છે. આ ભાગ તેથી મહત્વનો છે કારણ કે આવા મોટા આંતરરાષ્ટ્રીય માળખા અવારનવાર જાહેરાત પછી થંભી જાય છે, જ્યારે સિનિયર એડવાઇઝરની ટીમનો હેતુ તેને સતત ચાલતી પ્રશાસનિક મશીનરી બનાવી રાખવાનો છે.

વ્હાઇટ હાઉસ અનુસાર ગાઝા માટે એક અલગ એક્ઝિક્યુટિવ બોર્ડ બનાવવામાં આવ્યું છે, જેમાં સ્ટીવ વિટકોફ, જેરેડ કુશનર, હાકાન ફિદાન, અલી અલ-થવાદી, જનરલ હસન રશાદ, ટોની બ્લેર, માર્ક રોવન, રીમ અલ-હાશિમી, નિકોલાય મ્લાદેનોવ, યાકિર ગબાય અને સિગ્રિડ કાગ જેવા નામો સામેલ છે.

વધુમાં નિકોલાય મ્લાદેનોવને ગાઝા માટે હાઇ રિપ્રેઝન્ટેટિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની મુખ્ય જવાબદારી બોર્ડ અને ગાઝાના ટ્રાન્ઝિશનલ પ્રશાસન (NCAG) વચ્ચે મધ્યસ્થીનું કામ કરવાની છે, એટલે કે નીતિ અને જમીન-સ્તરની વાસ્તવિકતા વચ્ચે સંતુલન સાધવું, પ્રોજેક્ટ્સની ગતિ જાળવી રાખવી અને આંતરરાષ્ટ્રીય સંકલનને જમીન પરની જરૂરિયાતો અનુસાર ઢાળવું.

NCAG શું છે?

ટ્રમ્પના પ્લાનમાં એક શબ્દ વારંવાર આવે છે NCAG (National Committee for the Administration of Gaza). આ એક પેલેસ્ટિનિયન ટેક્નોક્રેટિક એડમિનિસ્ટ્રેશન (Palestinian technocratic administration) હશે, જે ગાઝામાં નાગરિક વહીવટ, જાહેર સેવાઓ અને સંસ્થાકીય પુનઃસ્થાપનાનું કામ સંભાળશે.

સરળ ભાષામાં સમજીએ તો NCAGને ચૂંટણી રાજકારણથી અલગ એક ટેક્નોક્રેટિક પ્રશાસન ગણવામાં આવી રહ્યો છે, જે હોસ્પિટલ, વીજળી-પાણી, નગર વ્યવસ્થા, શાળાઓ, કચરા વ્યવસ્થાપન અને અન્ય સિવિલ સેવાઓ જેવી મૂળભૂત વસ્તુઓને ફરીથી ઊભી કરશે. 

ISF શું છે?

ટ્રમ્પ પ્લાનનો ત્રીજો મોટો સ્તંભ ISF છે, એટલે કે ઇન્ટરનેશન સ્ટેબિલાઈઝેશન ફોર્સ (International Stabilization Force). તેનો મુખ્ય હેતુ ગાઝામાં સુરક્ષા સ્થિરતા સુનિશ્ચિત કરવી, માનવતાવાદી સહાય-પુરવઠાની સુરક્ષા પૂરી પાડવી અને ‘યુદ્ધ પછીની સ્થિરતા’ સ્થાપિત કરવી છે. ISFના કમાન્ડર તરીકે મેજર જનરલ જેસ્પર જેફર્સનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સુરક્ષાદળની સફળતા તેના સ્પષ્ટ મેન્ડેટ, પર્યાપ્ત સૈનિકો અને જમીન પર અમલ કરી શકાય તેવા નિયમો પર આધારિત છે. જો આ બધું સ્પષ્ટ ન થાય તો ISF માત્ર એક ‘નામ’ બની રહી શકે છે અથવા સ્થાનિક વિરોધનું કારણ પણ બની શકે છે. 

‘1 બિલિયન ડૉલર’નો વિવાદ શું છે?

આ બોર્ડ સાથે જોડાયેલો સૌથી વધુ ચર્ચિત મુદ્દો એક ડ્રાફ્ટ ચાર્ટર છે, જે ઘણા દેશોને મોકલવામાં આવ્યું છે. રોયટર્સ અનુસાર સામાન્ય રીતે સભ્યતા 3 વર્ષ સુધી મર્યાદિત રહી શકે છે, પરંતુ જો કોઈ દેશ ચાર્ટર અમલમાં આવ્યા પછી પહેલા વર્ષમાં $1 બિલિયન રોકડ આપે તો તેને આ 3 વર્ષની મર્યાદા લાગુ પડશે નહીં.

આ વ્યવસ્થાનું એક પાસું એ છે કે ગાઝાના પુનર્નિર્માણ માટે મોટાપાયે ભંડોળની જરૂર છે અને બોર્ડ તેને ‘સંસ્થાકીય રીતે’ સુનિશ્ચિત કરવા માંગે છે. બીજું પાસું એ છે કે તેનાથી આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં ‘pay-to-influence’ (પૈસા આપીને પ્રભાવ વધારવો) જેવો સંકેત જાય છે, જ્યાં પૈસા દ્વારા ભૂમિકા અને પ્રભાવ વધારવાનો રસ્તો ખુલતો દેખાય છે. આ કારણે આ વ્યવસ્થા પર વિવાદ અને ટીકા વધી રહી છે.

બોર્ડની ‘વર્કિંગ થિયરી’

ટ્રમ્પ પ્રશાસનનું મોડલ એ વિચાર પર આધારિત છે કે શાંતિ માટે માત્ર રાજકીય સમજૂતી પૂરતી નથી, શાંતિ ત્યારે જ ટકે છે જ્યારે નાગરિક જીવન સામાન્ય બને, સુરક્ષા વ્યવસ્થા સ્થિર થાય અને આર્થિક પુનર્નિર્માણથી લોકોને ભવિષ્યની આશા મળે. પીસ બોર્ડ આ જ સિસ્ટમ અભિગમથી કામ કરવાનો દાવો કરે છે, જ્યાં NCAG નાગરિક પ્રશાસન ચલાવશે, ISF સુરક્ષાનું વાતાવરણ બનાવશે અને BoP ભંડોળ, નિરીક્ષણ અને આંતરરાષ્ટ્રીય સંકલનને નિયંત્રિત કરશે.

આમાં બોર્ડનો સૌથી મોટો દાવો એ છે કે તે ગાઝાને માત્ર સહાય પર આધારિત રાખવાને બદલે સ્વાવલંબી શાસન અને આર્થિક પુનરુત્થાનની દિશામાં લઈ જશે. પરંતુ આ જ દાવો છે જેના પર સૌથી વધુ રાજકીય ટીકા અને ચર્ચા થઈ રહી છે. 

સાથે એ પણ નોંધવા જેવું છે કે આ મોડલ ત્યારે જ સફળ થઈ શકે જ્યારે ત્રણ શરતો પૂર્ણ થાય, ગાઝામાં વહીવટી માળખાને સ્થાનિક લોકોની સ્વીકૃતિ મળે, સુરક્ષા વ્યવસ્થા ખરેખર સ્થિર બને અને ભંડોળ/પુનર્નિર્માણ માત્ર ‘જાહેરાત’ સુધી મર્યાદિત ન રહીને જમીન પર વાસ્તવિક રીતે દેખાય. જો આમાંથી કોઈ એક કડી પણ નબળી રહી તો ‘પીસ બોર્ડ’નું નામ તો મોટું રહેશે, પરંતુ શાંતિની વાસ્તવિકતા એટલી જ કઠિન રહેશે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં