2024ના અંતિમ સૂર્યાસ્ત અને 2025ના પ્રથમ સૂર્યોદય વચ્ચેનો આ સમયગાળો થોડો પોરો ખાવાનો, થોડું વિહંગાવલોકન કરી લેવાનો છે. જે માર્ગેથી મજલ કાપી એને પાછળ ફરીને જોઈ લેવાનો છે. પાછળ ફરીને જોઈએ છીએ ત્યારે આનંદ-સંતોષ મિશ્રિત એક ભાવ ઉપજે છે. જે સંકલ્પ અને મિશન સાથે યાત્રા શરૂ થઈ હતી એ સંકલ્પ પૂર્ણ થતો જણાય છે. સાથોસાથ ‘આટલું પૂરતું નથી અને હજુ ઘણું કરવાની જરૂર છે’- એ વિચાર પણ મગજના એક ખૂણામાં ઘૂમરાયા કરે છે.
ઑપઇન્ડિયાની ગુજરાતી આવૃત્તિ શરૂ થઈ મે, 2022માં. ડિસેમ્બર, 2024માં અઢી વર્ષ પૂર્ણ થયાં. છ મહિનામાં ત્રણ વર્ષ પૂરાં થશે. 2023ના વર્ષાંતે લખેલા સંપાદકીય પત્રમાં લખ્યું હતું કે, યાત્રા શરૂ થઈ હતી ત્યારે પરિવાર સાત-આઠ-દસ વ્યક્તિઓનો હતો, હવે એ લાખો લોકોનો પરિવાર બની ગયો છે. આ લાખોમાં કોણ? વાચકો.
મુખ્યધારાના મીડિયાથી દૂર રહીને, ચેનલો-પોર્ટલોની ગળાકાપ સ્પર્ધાથી દૂર રહીને, કોઈની શેહશરમ કે ડર રાખ્યા વગર, એક દ્રઢ સ્ટેન્ડ લઈને, મિશન અને સંકલ્પ સાથે કામ કરવું હોય તો વાચકોનું પીઠબળ અત્યાવશ્યક છે. અમે એ રીતે ભાગ્યશાળી છીએ કે એવા વાચકો મળ્યા છે, જેઓ સતત પડખે ઊભા રહ્યા છે અને અમારા કામને સમયાંતરે પોંખ્યું છે. વાચકોના વિશ્વાસ અને ટેકા વગર આ કામ શક્ય ન હતું.
વાચકોનો વિશ્વાસ જ ચાલકબળ છે. આ વિશ્વાસ કઈ રીતે અકબંધ રહે તે જોવાનું કામ અમારું છે. વરસ દરમિયાન લખાયેલો એકેએક લેખ અને એકેએક અહેવાલ પ્રકાશિત થયા પહેલાં આ માપદંડના આધારે જ મૂલવાયો છે. આનંદની વાત એ છે કે તેને પછીથી વાચકોનાં પ્રેમ અને પ્રશંસા પણ મળતાં રહે છે.
ઑપઇન્ડિયાનું કામ નકરો ઘોંઘાટ કરવા પૂરતું સીમિત રહ્યું નથી, પણ નક્કર, જમીની સ્તરે કામ થાય અને તેની લાંબાગાળાની અસરો જોવા મળે તેવા અમારા પ્રયાસો રહે છે. 2024માં પણ આ દિશામાં કામ કરવાના અમે પૂરેપૂરા પ્રયાસ કર્યા. કેટલા સફળ થયા એ નક્કી કરવાનું કામ વાચકોનું છે.
અનેક એવા અહેવાલો હતા, જે માત્ર ઑપઇન્ડિયાએ જ કવર કર્યા અને તેની પછીથી સરકાર સ્તરે નોંધ લેવામાં આવી. તેની અસરો પણ જોવા મળી. કેટલીક સકારાત્મક અસરો દેખાઈ, અમુક જે નકારાત્મકતા દૂર કરવા માટે જરૂરી હતી એવી કાર્યવાહી પણ થઈ.
રાષ્ટ્રીય સ્તરે જેમ મુખ્યધારાનું મીડિયા અમુક બાબતોનું રિપોર્ટિંગ કરતી વખતે ફિલ્ટરો લગાવી દે છે તેમ ગુજરાતમાં પણ આ બદમાશી જોવા મળે છે. ઑપઇન્ડિયાએ આ ફિલ્ટરો લગાવ્યા વગર જે છે એને તે જ રીતે રજૂ કરવાનું કામ શરૂ કર્યું. જેઓ બદમાશી કરે છે તેને સમયે-સમય અમે ટપારતા પણ રહીએ છીએ. એ કામ ગત વર્ષોમાં પણ થતું રહ્યું, આવનારાં વર્ષોમાં પણ થતું રહેશે. ફરી એકવાર, મજબૂત મૂળિયાં ધરાવતી ગ્લોબલ ઈકોસિસ્ટમ સામે પડીને કામ કરવું એ અઘરું કામ છે, અમે કરી શકીએ તેમાં અમારી કોઈ બહાદુરી નથી, વાચકોનો વિશ્વાસ કારણભૂત છે.
આ વર્ષ દરમિયાન અનેક ગ્રાઉન્ડ રિપોર્ટ થયા, એવી માહિતી અમે વાચકો સમક્ષ લાવીને મૂકી, જે અમે રસ ન લીધો હોત તો ક્યાંક કોઈ ખૂણામાં દબાઈ ગઈ હોત. સાથેસાથે ફેક્ટચેકિંગ અહેવાલો તો ખરા જ, જેના માટે સૌથી વધુ પ્રેમ મળ્યો છે. વિશ્લેષણ અને મંતવ્યો પણ ઠીક પ્રમાણમાં પીરસાતાં રહ્યાં છે. આવનારા વર્ષમાં તેમાં વધારો થાય એવા પ્રયાસો રહેશે.
2024માં એક વિષય પર થોડું વધારે ધ્યાન અપાયું એ હતો ઇન્ડોલોજી કે ભારતીય ઇતિહાસ. ભારતની ઓળખ ઉજાગર કરતો, સંસ્કૃતિ અને ધર્મનાં ગુણગાન કરતો ઇતિહાસ દબાવી દેવામાં આવ્યો છે. એને બહાર લાવવાનું કામ કોઇકે તો કરવું પડશે. અમે અમારા સ્તરે એ કામ આ વર્ષમાં શરૂ કર્યું અને તેને પણ અખૂટ પ્રેમ મળ્યો છે. આ તમામ વિષયોમાં વાચકવર્ગ તરફથી જે સૂચનો મળ્યાં તેમાંથી પણ મોટાભાગનાં લાગુ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
હવે ગ્રેગોરિયન કેલેન્ડરના નવા વર્ષમાં જઈએ છીએ ત્યારે આ સંકલ્પો વધુ બળવાન બની રહ્યા છે. જે દિશામાં યાત્રા જઈ રહી છે તેને વધુ વેગવાન બનાવવાના અમારા પ્રયાસો ચાલુ રહેશે. જે વિષયો ક્યારેય સ્પર્શાયા જ નથી, તે દિશામાં વધુ ઊંડા ઉતરીને તેને મુખ્યધારામાં લાવવાનું કામ જે શરૂ કરવામાં આવ્યું છે, એ પણ અવિરત ચાલતું રહેશે. વાચકોનો વિશ્વાસ પણ દરેક ઉમેરાતા દિવસે વધુને વધુ મજબૂત બનતો જશે, તેવો પણ અમને વિશ્વાસ છે.
અંતે, 2024નું વર્ષ ઇતિહાસમાં પણ સુવર્ણ અક્ષરે અંકિત થઈ જશે એનું એક કારણ એ પણ છે કે 22 જાન્યુઆરી, 2024ના પવિત્ર દિવસે પ્રભુ રામ 496 વર્ષના સંઘર્ષ બાદ તેમના મંદિરમાં પરત ફર્યા. હિંદુ આસ્થાના નવા યુગના ભવ્ય પ્રારંભની આધારશિલા મૂકતી આ ઘટના માત્ર આ વર્ષની જ નહીં પણ આ યુગની ઐતિહાસિક ઘટના હતી. ઇતિહાસ રચાતો નરી આંખે જોઈ શક્યા એ આપણું સૌભાગ્ય છે. અનાદિ કાળથી ચાલતી આવેલી આ પરંપરા શા માટે ‘સનાતન’ કહેવાય છે એ વાતની સાબિતી આ ભવ્ય મંદિર આવનારા યુગો-યુગો સુધી આપતું રહેશે.
આ યુગાંતકારી ઘટનાના સ્મરણ સાથે આ વર્ષને વિદાય આપીએ, નવા વર્ષને આવકારીએ. પ્રભુ રામના આશીર્વાદ આપણી સૌની ઉપર બન્યા રહે, એ શુભ વિચાર સાથે……
આભાર
જય શ્રીરામ!