Monday, April 29, 2024
More
    હોમપેજમંતવ્યપ્રિય વાચકો, તમારો વિશ્વાસ જ ઑપઇન્ડિયાને અહીં સુધી લાવ્યો છે, તમારો વિશ્વાસ...

    પ્રિય વાચકો, તમારો વિશ્વાસ જ ઑપઇન્ડિયાને અહીં સુધી લાવ્યો છે, તમારો વિશ્વાસ જ તેને આગળ લઇ જશે- સંપાદકીય પત્ર

    દોઢ વર્ષ પહેલાં જ્યારે ઑપઇન્ડિયા ગુજરાતીની આ યાત્રા શરૂ કરી હતી ત્યારે અમારો 5-7 વ્યક્તિઓનો પરિવાર હતો. આજે આ પરિવાર લાખો વાચકોનો બની ગયો છે. ઑપઇન્ડિયા હવે માત્ર અમારું નથી રહ્યું, એ આપણું બની ગયું છે.

    - Advertisement -

    મુખ્યધારાથી થોડો અલગ રસ્તો પકડીને ચાલવું કાયમ કઠિન હોય છે. પછી તે કોઇ પણ ક્ષેત્ર હોય. મીડિયા પણ સ્વાભાવિક તેમાં આવી જાય. આ ક્ષેત્રના અમુક વણલખ્યા નિયમો છે, અમુક ધારણાઓ છે, અમુક અવધારણાઓ છે અને અમુક વ્યાખ્યાઓ, અમુક શિરસ્તા ઘડી કાઢવામાં આવ્યાં છે. તેનું કેટલું અને કેવું પાલન થાય છે એ અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ મુખ્યધારામાં જો ટકી રહેવું હોય તો આ ચોકઠાંમાં ફિટ થઈએ તેવી રીતે જ ચાલવું પડે. 

    પરંતુ ઑપઇન્ડિયાએ પોતાનો માર્ગ સ્વયં પસંદ કર્યો છે. સ્પષ્ટ સ્ટેન્ડ લેવું, ઘટનાઓ વિશે છેડેચોક અભિપ્રાય આપવા, મેઈનસ્ટ્રીમ મીડિયાના પ્રોપગેન્ડાને દલીલો અને તથ્યો સાથે કાઉન્ટર કરવો, માત્ર ટેબલ જર્નલિઝમ ન કરીને ગ્રાઉન્ડ પર જઈને સાચી માહિતી શોધી કાઢવી, હિંદુહિત અને રાષ્ટ્રહિતની વાત આવે ત્યાં ‘રાષ્ટ્રહિત સર્વપ્રથમ’ના મંત્ર સાથે, વિચારધારા સાથે બાંધછોડ કર્યા વગર બુલંદ અવાજ ઉઠાવવો- આ બધાં જ કામો કઠિન હતાં, પણ થઈ શક્યાં કારણ કે તમે વાચકો સતત અમારી પડખે રહ્યા. 

    જનતા માત્ર રાજકારણીઓ માટે જ સર્વસ્વ હોય તેમ નથી, અન્ય ક્ષેત્રો માટે પણ આ વાત એટલા જ પ્રમાણમાં લાગુ પડે છે. એટલે જ જેમજેમ દેશના સામાન્ય માણસનો મિજાજ બદલાતો જાય છે તેમતેમ રાજકારણ, સમાજ કે મીડિયા- બધે જ એક વૈચારિક પરિવર્તન આવતું જોવા મળી રહ્યું છે. એક અખબાર માટે, એક ન્યૂઝ ચેનલ માટે, એક વેબ પોર્ટલ માટે કે એક યુ-ટ્યુબ ચેનલ માટે, તેના વાચકો કે દર્શકો જ સૌથી મોટી પ્રાથમિકતા હોવાની. ઑપઇન્ડિયાનું સદભાગ્ય છે કે તમારા જેવા વાચકો અમને મળ્યા છે. 

    - Advertisement -

    વરસ વીતી રહ્યું છે ત્યારે પાછળ નજર કરીએ છીએ. જે ભાવ અને જે મિશન સાથે શરૂઆત કરી હતી તેને પાર પાડવા માટે શક્ય બને તેટલું બધું જ કર્યું. નિયમિતપણે સમાચારો તો ખરા જ, પરંતુ વાચકોને શું નવું આપી શકીએ, શું વૈવિધ્ય પીરસી શકીએ, કેવા પ્રકારની ગુણવત્તાયુક્ત સામગ્રી આપીએ- આ બધી જ ગડમથલ વર્ષ દરમિયાન સતત ચાલતી રહી અને અમે વાચકોના વિશ્વાસ પર ખરા ઉતરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા. 

    એ વાતનો આનંદ છે કે અનેક એવા અહેવાલો અમે આપ્યા, જે કદાચ બીજે ક્યાંય ન છપાયા હોત. કેટલીક એવી વાતો અમે રજૂ કરી શક્યા, જે કદાચ ક્યાંક કોઈ ખૂણે દબાઈ ગઈ હોત અને સમય સાથે ભૂલી જવાઈ હોત. અમુક એવા લોકોનો તમારી સાથે પરિચય કરાવ્યો, જેમની વાત દુનિયાએ જાણવી જરૂરી હતી. એવા કિસ્સાઓ કહ્યા, જે તમારે જાણવા એટલા માટે પણ જરૂરી હતા કારણ કે કદાચ કાલે ઉઠીને તેમાંથી હું કે તમે પણ હોય શકીએ છીએ. અમુક એવી બાબતોને લેખિત સ્વરૂપ આપ્યું, જે દસ્તાવેજી સ્વરૂપે ક્યાંક સચવાય રહે તે ખૂબ જરૂરી હતું. 

    ખાસ કરીને ઑપઇન્ડિયાનાં ફેક્ટચેક વાચકોએ ખૂબ વખાણ્યાં. જ્યારે-જ્યારે અમે મહેનત કરીને કોઇ માહિતી શોધી લાવીને તમારી સમક્ષ મૂકી ત્યારે તેને આવકાર અને સ્નેહ જ મળ્યો છે. જે-તે લખાણ અને તે પાછળ થયેલી મહેનત લોકોએ બિરદાવી છે. સોશિયલ મીડિયા માધ્યમો પર સતત પ્રોત્સાહન પણ મળતું રહ્યું. 

    અમે માત્ર અમે કરેલી મહેનત લખાણ સ્વરૂપે તૈયાર કરીને વાચકો સમક્ષ મૂકીએ છીએ, પણ આ વાચકો જ છે જે ખુલ્લા હૃદયે લેખોને પ્રસરાવે છે. સોશિયલ મીડિયા પર શૅર કરે છે અને થોડી જ મિનિટોમાં લખાયેલો કોઇ લેખ લાખો લોકો સુધી પહોંચી જાય છે. એ માટે વાચકોનો વિશેષ આભાર માનવો રહ્યો. સોશિયલ મીડિયા ફોલોઅર્સ, વોટ્સએપ ગ્રૂપ કે અમારા વ્યક્તિગત સંપર્કોની હંમેશા એક મર્યાદા હોવાની, પરંતુ કહેતાં આનંદ થાય છે કે અમારા બ્રાન્ડ એમ્બેસેડર અમારા વાચકો જ છે, જેઓ લેખો પોતે વાંચે જ છે અને ભરપૂર શૅર પણ કરે છે. 

    વર્ષ દરમિયાન પ્રકાશિત થતા લેખોને લઈને હંમેશા સૂચનો પણ મળતાં રહ્યાં છે અને તેને ધ્યાને લઈને વધુ સારું કઈ રીતે થઈ શકે તે માટે પ્રયાસરત રહ્યા છીએ. જે શુભેચ્છાઓ મળી છે તેનો હૃદયથી ધન્યવાદ કરીએ છીએ, જે ટીકાઓ મળી છે તેને પણ આવકારીએ છીએ. તેમને પણ તેટલો જ અધિકાર છે. એ દરેક વ્યક્તિઓનો આભાર, જેમણે અમને કામ કરવા માટે સીધી કે આડકતરી રીતે પ્રેરિત કર્યા.

    દોઢ વર્ષ પહેલાં જ્યારે ઑપઇન્ડિયા ગુજરાતીની આ યાત્રા શરૂ કરી હતી ત્યારે અમારો 5-7 વ્યક્તિઓનો પરિવાર હતો. આજે આ પરિવાર લાખો વાચકોનો બની ગયો છે. ઑપઇન્ડિયા હવે માત્ર અમારું નથી રહ્યું, એ આપણું બની ગયું છે. વાચકોએ હરહંમેશ એટલો જ પ્રેમ આપ્યો છે. વાચકોનો આ સ્નેહ અને વિશ્વાસ જ અમારું પીઠબળ છે. જે મિશન સાથે યાત્રા શરૂ કરી હતી, તેમાં અમે કેટલા સફળ થયા છીએ અને કેટલા નહીં તે વાચકો નક્કી કરશે, પરંતુ નવા કેલેન્ડર વર્ષમાં જઈ રહ્યા છીએ ત્યારે આ છેડેથી એટલી બાંહેધરી જરૂરથી આપીશું કે જે કર્યું છે તેનાથી હંમેશા સારું કરવાના પ્રયાસો કરતા રહીશું. 

    આ પ્રયાસો પાછળનું ચાલકબળ જો કંઈ હોય તો તે વાચકોનો અતૂટ વિશ્વાસ છે. આ વિશ્વાસે ઑપઇન્ડિયાને અહીં સુધી પહોંચાડ્યું છે, આ વિશ્વાસ જ તેને આગળ લઇ જશે. 

    આભાર. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં