Friday, November 15, 2024
More
    Home Blog Page 1086

    રાજદીપની ફરી ફજેતી થઇ: ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવવા અંગે ઉઠાવી રહ્યા હતા સવાલો, ભાજપ પ્રવક્તાએ તેમના જ જૂના દિવસો યાદ કરાવ્યા

    ભૂતકાળમાં પણ અનેક વખત પોતાના કામો અને એજન્ડા ચલાવવાના કારણે લાઈવ ટીવી પર ટ્રોલ થયેલા ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈએ ફરી એકવાર લાઈવ ડિબેટ દરમિયાન ફજેતીનો સામનો કરવો પડ્યો હતો. રાજદીપ સરદેસાઈ મહારાષ્ટ્રના રાજકારણ અંગે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસને ઉપમુખ્યમંત્રી બનાવવા અંગે ટિપ્પણી કરવા ગયા પરંતુ ભાજપ પ્રવક્તા શહજાદ પૂનાવાલા તેમને એવું ઉદાહરણ આપીને સમજાવવા માંડ્યા કે રાજદીપ જોતા જ રહી ગયા હતા. 

    ઇન્ડિયા ટૂડે પર ડિબેટ કરતા રાજદીપ સરદેસાઈએ કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસે સાંજે ચાર વાગ્યે મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેના નામની ઘોષણા કરી અને કહ્યું કે તેઓ પોતે સરકારમાંથી બહાર રહેશે. પરંતુ સાંજે સાત વાગ્યે ભાજપ પ્રદેશ અધ્યક્ષનું નિવેદન આવ્યું કે તેમણે ફડણવીસને ઉપ-મુખ્યમંત્રી બનવા અપીલ કરી છે. ભાજપે ફડણવીસને હાંસિયામાં ધકેલી દીધા છે? તેવો પ્રશ્ન પણ તેમણે કર્યો હતો. 

    જેના જવાબમાં ભાજપ તરફથી શેહઝાદ પૂનાવાલાએ કહ્યું કે, “દેવેન્દ્ર ફડણવીસે ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ભાજપ માટે સત્તા કરતા સિદ્ધાંત, પાર્ટી અને પ્રદેશ સર્વપ્રથમ રહે છે. તેમણે દરેક કાર્યકર્તાને ઉદાહરણ પૂરું પાડ્યું કે કેવી રીતે ભાજપના કાર્યકર્તા માટે પ્રદેશ અને પાર્ટી પહેલાં આવે છે, બાકી બધું પછી.”

    જોકે, શહેજાદના આ જવાબથી રાજદીપને સંતોષ ન થયો હોય તેમ તેમણે તેમને વચ્ચેથી અટકાવીને ફરીથી પૂછ્યું હતું કે, તેઓ એ જાણવા માંગે છે કે ચાર વાગ્યાથી સાત વાગ્યા વચ્ચે એવું તે શું થયું કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે દેવેન્દ્ર ફડણવીસને આવીને સમજાવવા પડ્યા. જે મામલ પણ શહેજાદ પૂનાવાલાએ થોડીવાર સુધી રાજદીપને રાજકીય મુદ્દાઓ સમજાવવાના પ્રયત્નો કર્યા પરંતુ રાજદીપ ન જ માન્યા તો પછી એવું કહ્યું, જેની ચર્ચા કાલથી થઇ રહી છે.

    શહેજાદ પૂનાવાલાએ તેમનું જ ઉદાહરણ આપીને રાજદીપ સરદેસાઈને સમજાવતા કહ્યું કે, “તમે પહેલાં CNN-IBNના એડિટર-ઈન-ચીફ હતા. આજે તમે કન્સલ્ટિંગ એડિટર (સલાહકાર સંપાદક) છો. તમારા પદ કે સન્માનમાં કોઈ ઘટાડો થયો?” જે બાદ રાજદીપ સરદેસાઈ મૂંછમાં હસવા માંડ્યા હતા. જે બાદ શહેજાદ પૂનાવાલા આગળ કહે છે કે, “મને લાગે છે કે એડિટર-ઈન-ચીફ ન હોવા છતાં પણ તમે કન્સલ્ટિંગ એડિટર તરીકે આ ચેનલ માટે અને નેટવર્ક માટે બહુ સારું કામ કરી રહ્યા છો. એ જ રીતે અમારા મનમાં પણ પદ નહીં પરંતુ પ્રદર્શનની લાલસા હોય છે.”

    જોકે, આ સાંભળીને રાજદીપ સરદેસાઈ એમ કહેવા લાગ્યા કે આ રીતે રાજનીતિ અને પત્રકારત્વને એકસાથે જોવું ઠીક રહેશે નહીં. પરંતુ શહેજાદે કહ્યું કે, બંને વ્યવસાય જનસેવા સાથે જોડાયેલા છે. જોકે, તોપણ રાજદીપ ન માનતા તેમણે બિહારનું ઉદાહરણ આપીને સમજાવ્યા હતા કે ત્યાં ભાજપ સૌથી મોટી પાર્ટી હોવા છતાં તેમણે મુખ્યમંત્રી પદ નીતીશ કુમારને આપ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે 29 જૂને ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ગઈકાલે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જે બાદ પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે ચોંકાવનારી જાહેરાત કરીને શિંદેને મુખ્યમંત્રી બનાવવાનું એલાન કર્યું હતું. જે બાદ સાંજે શપથગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં શિંદેએ સીએમ તરીકે અને દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.

    સુપ્રીમ કોર્ટ શરિયા કોર્ટ બનવાના રસ્તે? ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ફેલાવેલ હિંસા અને હત્યા માટે નૂપુર શર્માને જવાબદાર ઠેરવતી સુપ્રીમ કોર્ટ

    દેશની સુપ્રીમ કોર્ટે આજે ઉદયપુરમાં કન્હૈયાલાલની થયેલી હત્યા મામલે ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને જવાબદાર ઠેરવ્યાં છે અને કહ્યું છે કે તેમના નિવેદનના કારણે આખો દેશ ભડકે બળ્યો અને નૂપુરે આખા દેશની માફી માંગવી જોઈએ. 

    રિપોર્ટ અનુસાર, નૂપુર શર્માએ દેશનાં વિવિધ રાજ્યોમાં તેમની વિરુદ્ધ થયેલી તમામ એફઆઈઆર દિલ્હી ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં નૂપુર શર્માએ જણાવ્યું હતું કે, તેમને સતત જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. જે મામલે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. 

    પરંતુ આઘાતજનક રીતે, સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ઇસ્લામીઓએ ઇશનિંદામાં ખપાવી દીધેલી તેમની પયગંબર મોહમ્મદ પરની ટિપ્પણીને લઈને નૂપુર શર્મા પર જ સંપૂર્ણ દોષ ઢોળી દીધો અને ફટકાર લગાવતા કહ્યું કે, તેમના નિવેદનના કારણે આખો દેશ ભડકે બળ્યો અને જે માટે નૂપુર શર્માએ આખા દેશની માફી માંગવી જોઈએ. 

    ઇસ્લામવાદીઓએ ફેલાવેલી અરાજકતા અને ઇસ્લામિક પયગંબરની કોઈ પણ ટીકાને ‘ઇશનિંદા’માં ખપાવી દેતા પ્રતિકૂળ વિચારો માટે નૂપુર શર્માને દોષી ઠેરવી દેતા સુપ્રીમ કોર્ટે આશ્ચર્યજનક રીતે ઇસ્લામવાદીઓએ ફેલાવેલી હિંસા અને નફરતને અવગણી દઈને તે માટે એક મહિલાને જવાબદાર ઠેરવી દીધી, જેણે એ જ કહ્યું હતું જે ઇસ્લામી હદીસમાં લખવામાં આવ્યું છે અને દુનિયાભરના ઇસ્લામી વિદ્વાનો દ્વારા જેની પુષ્ટિ કરવામાં આવી છે.

    તથાકથિત સેક્યુલર અને લોકતાંત્રિક દેશનો અંતરઆત્મા ગણાતી સુપ્રીમ કોર્ટે આઘાતજનક રીતે મધ્યકાલીન ચર્ચની જેમ વર્તવાનું શરૂ કરી દીધું હતું.

    અહીં નોંધવું જોઈએ કે, ‘ઇશનિંદા’ના નામે ભારતમાં ઇસ્લામીઓ અનેક જઘન્ય હત્યાઓ કરી ચૂક્યા છે અને સુપ્રીમ કોર્ટ પણ આ સારી રીતે જાણે છે. ઉપરાંત, નૂપુર શર્માની ટિપ્પણીઓ અન્ય પેનલિસ્ટ દ્વારા હિંદુ આસ્થા વિરુદ્ધ કરવામાં આવેલ અપમાનજનક ટિપ્પણીઓના પ્રતિકાર તરીકે કહેવામાં આવી હતી. નૂપુર શર્માએ પયગંબરના જીવનના ઉદાહરણોને ટાંકીને કહ્યું હતું કે, (જો અન્ય પક્ષ અપમાનજનક ટિપ્પણી સાથે હિંદુ ધર્મનું અપમાન કરતો રહે તો) તેઓ પણ તેમ કહી જ શકે છે. 

    પયગંબરની ઉંમર અને તેમની ત્રીજી પત્નીની ઉંમરનો વિશેષ સંદર્ભ ઇસ્લામિક હદીસોમાં ઉપલબ્ધ છે અને ઇસ્લામી વિદ્વાનો તથ્ય સાથે તેની પુષ્ટિ કરી ચૂક્યા છે. 

    સુપ્રીમ કોર્ટે ન માત્ર ઇસ્લામના નામે મજહબી કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવેલ હિંસા અને હત્યા માટે એક મહિલાને દોષી ઠેરવવાનું કર્યું છે પરંતુ તેમણે નૂપુર શર્માને કોઈ રાહત આપવાનો પણ ઇનકાર કરી દીધો છે અને તેમની વિરુદ્ધની તમામ એફઆઈઆર દિલ્હી ટ્રાન્સફર કરવાની તેમની અરજી પણ ફગાવી દીધી છે.

    નૂપુર શર્મા વિશે સુપ્રીમ કોર્ટનું કથન (તસ્વીર: લાઈવ લૉનો સ્ક્રીનશોટ)

    સુનાવણી દરમિયાન નૂપુર શર્માના વકીલે દલીલ કરી હતી કે નૂપુર શર્માએ માફી માંગીને તેમનું નિવેદન પરત ખેંચી લીધું હતું, પરંતુ તેને અવગણીને કોર્ટે સવાલ કર્યો કે તેમણે આવું નિવેદન આપવાની શું જરૂર હતી? નૂપુરના વકીલે એ પણ યાદ અપાવ્યું કે તેમણે માફી માંગી હતી તો કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, તેમણે માફી માંગી ત્યાં સુધીમાં ‘બહુ મોડું’ થઇ ચૂક્યું હતું અને તેમણે ટીવી પર આવીને આખા દેશની માફી માંગવી જોઈએ.

    નૂપુર શર્મા વિશે સુપ્રીમ કોર્ટનું કથન (તસ્વીર: લાઈવ લૉનો સ્ક્રીનશોટ)

    ન્યાયાધીશ સૂર્ય કાંત કહે છે, “જે રીતે તેમણે આખા દેશની ભાવનાઓ ભડકાવી છે..દેશમાં જે કંઈ ચાલી રહ્યું છે તે માટે આ મહિલા જ એકલે હાથ જવાબદાર છે.

    અન્ય શબ્દોમાં, જસ્ટિસ સૂર્યકાંતે એ સ્પષ્ટ કર્યું કે, વાંક નૂપુર શર્માનો હતો કે તેમણે એવા શબ્દો કહ્યા જેનાથી ઇસ્લામીઓ ‘ઉશ્કેરાયા’ અને એ ઇસ્લામવાદીઓનો નહીં જેમણે કોઈની ટિપ્પણીને ‘ઇશનિંદા’માં ખપાવીને ખુલ્લેઆમ તેની હત્યાનું એલાન કરી દીધું હતું.  

    કોર્ટે એમ પણ નોંધ્યું કે, નૂપુર શર્મા દેશના અન્ય નાગરિકોને જેમ રાહત આપવાને પણ લાયક નથી. (એફઆઈઆર એક જ જગ્યાએ ટ્રાન્સફર કરવાના સંદર્ભમાં) સુપ્રીમે ન માત્ર એમ જાહેર કર્યું કે નૂપુર શર્માએ કહેલી વાતો અંગે બોલવાનો તેમનો કોઈ અધિકાર ન હતો પરંતુ પરોક્ષ રીતે તેમની હત્યા અને ફાંસી માટેના આહવાનને પણ યોગ્ય ઠેરવી દીધું હતું.

    નૂપુર શર્મા વિશે સુપ્રીમ કોર્ટનું કથન (તસ્વીર: લાઈવ લૉનો સ્ક્રીનશોટ)

    ટૂંકમાં, સુપ્રીમ કોર્ટે આજે નૂપુર શર્માને ‘ઇશનિંદા’ના ગુનેગાર ઘોષિત કરી દીધાં અને અનિવાર્ય રીતે તેમના શિરચ્છેદ અને હત્યાના ઇસ્લામિક આહવાનને યોગ્ય ઠેરવી દીધાં. તેમણે માત્ર ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સર તન સે જુદા’ જેવા શબ્દોનો ઉપયોગ નહતો કર્યો. 

    હવે જ્યારે સુપ્રીમ કોર્ટે જાહેર કરી જ દીધું છે કે ઉદયપુરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ શૅર કરવા બદલ થયેલી હિંદુ વ્યક્તિની હત્યા માટે નૂપુર શર્મા જ જવાબદાર છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે જો નૂપુર શર્મા પોતે જ ઇસ્લામવાદીઓની હિંસાનાં શિકાર બની જાય તો દેશની સર્વોચ્ચ અદાલત એવું પણ કહી શકે છે કે તેઓ તેને જ લાયક છે!

    મહારાષ્ટ્ર: 3 જુલાઈએ થશે સ્પીકરની ચૂંટણી, બે દિવસનું વિશેષ સત્ર બોલાવાયું; ઉદ્ધવ જૂથને વધુ એક ફટકો, 11 જુલાઈ સુધી સુનાવણી ટળી

    એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસે ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ હવે રાજ્યપાલે તેમને ગૃહમાં બહુમત સાબિત કરવાનો નિર્દેશ આપ્યો છે. જે માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આગામી 3 અને 4 જુલાઈના રોજ વિધાનસભાનું વિશેષ સત્ર આયોજિત કરવામાં આવ્યું છે. જેમાં સ્પીકરની ચૂંટણી પણ કરવામાં આવશે. 

    2 જુલાઈના રોજ સ્પીકર પદ માટે નામાંકન દાખલ કરવામાં આવશે. 3 જુલાઈના રોજ સ્પીકરની ચૂંટણી કરવામાં આવશે અને 4 જુલાઈના રોજ સરકાર વિધાનસભા ગૃહમાં બહુમત સાબિત કરશે.

    મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલ સ્પીકરનું પદ ખાલી છે. ફેબ્રુઆરી 2021 માં કોંગ્રેસના નાના પાટોલે પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ રાજીનામું આપી દીધું હતું, જે બાદ ડેપ્યુટી સ્પીકર ગૃહના અધ્યક્ષનું કામ સંભાળતા હતા. પરંતુ હવે નવી સરકાર બન્યા બાદ સ્પીકર પદની ચૂંટણી થશે, આ પદ ભાજપને મળી શકે છે. 

    મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર આયોજિત થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે, જેમાં વિધાનસભા સ્પીકરની ચૂંટણી મુદ્દે ચર્ચા થશે અને ઉમેદવારનું નામ પણ નક્કી કરવામાં આવશે. 

    બીજી તરફ, ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના ચીફ વ્હીપ સુનીલ પ્રભુએ આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોને તેમને બરતરફ કરવાની અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરવાની અરજી દાખલ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી 11 જુલાઈ સુધી ટાળી દીધી છે.

    ઉદ્ધવ જૂથ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે, “29 જૂનના આદેશ બાદ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદના શપથ લઇ લીધા, પરંતુ હજુ સુધી તેઓ કોઈ પાર્ટીમાં જોડાયા નથી. તેઓ કઈ રીતે ગૃહનું સંચાલન કરશે? કોના વ્હીપનું પાલન કરવામાં આવશે? તેઓ પાર્ટી નથી.” સિબ્બલે એમ પણ કહ્યું હતું કે, આ ડેમોક્રેસીનો ડાન્સ ચાલી રહ્યો નથી.

    જોકે, સુપ્રીમ કોર્ટે જવાબમાં કહ્યું હતું કે કોર્ટ આંખ બંધ કરીને બેઠી નથી અને આ મામલે સતત નજર રાખી રહી છે અને આ અરજી ઉપર પણ આગામી 11 જુલાઈના રોજ જ સુનાવણી હાથ ધરવામાં આવશે. 

    અહીં નોંધવું જોઈએ કે કોર્ટે એકનાથ શિંદે દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી પર પર 11 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરે એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોને અરજી કરીને વ્હીપ ન અનુસરવા બદલ નોટીસ પાઠવી હતી. જે મામલે એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જે બાદ કોર્ટે ડેપ્યુટી સ્પીકર અને સરકારને નોટીસ પાઠવી હતી અને શિંદે જૂથના ધારાસભ્યોને નોટીસનો જવાબ આપવા માટે 12 જુલાઈ સુધીનો સમય આપ્યો હતો. તેમજ મામલાની સુનાવણી 11 જુલાઈ સુધી ટાળી દીધી હતી. 

    એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે તે અકલ્પનીય: સત્તા પલટાયા બાદ પવારની પ્રથમ પ્રતિક્રિયા

    એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા અને મહારાષ્ટ્રની રાજકારણે આખા દેશને અચંબામાં મૂકી દીધો, જોકે સૌથી વધુ આશ્ચર્યમાં એનસીપી ચીફ અને અઘાડી સરકારના કર્તાહર્તા કહેવાતા શરદ પવાર જોવા મળ્યા છે. ગઈકાલે મોદી સાંજે એકનાથ શિંદેના શપથ ગ્રહણ બાદ આજે શરદ પવારની પ્રતિક્રિયા સામે આવી છે. સૌપ્રથમ તો એક ટ્વીટ કરીને તેમણે મહારાષ્ટ્રની સરકાર અને નવનિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદેને શુભકામનાઓ પાઠવી હતી.

    એક અહેવાલ મુજબ સરકારના પડી ભાંગવા પર દુઃખી એનસીપી ચીફે નિઃસાસો નાંખતા સંભાવના વ્યક્ત કરી હતી કે કદાચ બળવાખોર ધારાસભ્યોએ ઈચ્છા વ્યક્ત કરી હશે, જેને ધ્યાનમાં રાખીને શિંદેને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું છે. અઢી વર્ષ સુધી રાજ્યમાં શાસન કરનાર મહા વિકાસ અઘાડી ગઠબંધનના ઘડવૈયા ગણાતા શરદ પવારે કહ્યું કે શિંદે સહિત બળવાખોર છાવણીમાંથી ઉપમુખ્યમંત્રી પદની અપેક્ષા રાખવામાં આવી રહી હતી. એક રીપોર્ટ પ્રમાણે તેમણે કહ્યું કે “જે લોકો શિંદેની સાથે આસામ ગયા હતા તેઓને એવી આશા હતી કે તેમના નેતા ડેપ્યુટી સીએમ બનશે. મને લાગે છે કે શિંદેને પણ કદાચ મુખ્યમંત્રી પદની આશા ન હતી.”

    પવારે ટ્વીટ કરીને શિંદે સરકારને શુભકામના

    આ ઉપરાંત શરદ પવારે એક ટ્વીટ કરીને નવનિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદેને શુભકામનાઓ પાઠવી હતી, મરાઠી ભાષામાં કરાયેલા આ ટ્વીટમાં પવાર લખેછે કે “એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના રૂપમાં ચૂંટાવા બદલ અભિનંદન ! મને આશા છે કે તેમના દ્વારા મહારાષ્ટ્રના હિતોની રક્ષા કરવામાં આવશે.”

    ફડણવીસે મુખ્યમંત્રી પદ માટે શિંદેનું નામ જાહેર કર્યું હતું

    અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ દરમિયાન એકનાથ શિંદેનું નામ આગળ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હોવા જોઈએ. તેમણે કહ્યું હતું કે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવશે. તે સમયે ફડણવીસે પોતાને નવી સરકારથી દૂર રાખ્યા હતા. તેમના તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું તેઓ આ સરકારનો હિસ્સો નહી બને. જોકે ગણતરીના કલાકોમાંજ તમામ રાજકીય સમીકરણો બદલાયા અને અને દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના ઉપમુખ્યમંત્રી બન્યા હતા. સાથેજ એ પણ ચર્ચાઈ રહ્યું છે કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને તમને મનાવ્યાં અને ફડણવીસને સરકારમાં સક્રિય ભૂમિકા નિભાવવા માટે જણાવ્યું હતું.

    કોંગ્રેસનો હસ્તક્ષેપ અને હિંદુત્વથી દૂરી પાર્ટીના પતનનું કારણ

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 માં ભાજપ અને શિવસેના સાથે મળીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને ગઠબંધનને બહુમતી પણ મળી હતી. ચૂંટણીમાં ભાજપને 106 અને શિવસેનાને 56 બેઠકો મળી હતી. પરંતુ ત્યારબાદ શિવસેના અલગ થઇ ગઈ હતી અને એનસીપી અને કોંગ્રેસ સાથે સરકાર બનાવી હતી. જોકે, ત્યારે પણ સીએમ તરીકે એકનાથ શિંદેનું નામ આગળ ચાલી રહ્યું હતું પરંતુ આખરે ઉદ્ધવ ઠાકરે સીએમ બન્યા હતા.

    જોકે, અઢી વર્ષ દરમિયાન સરકારમાં એનસીપી અને કોંગ્રેસનો હસ્તક્ષેપ અને પાર્ટી હિંદુત્વથી દૂર જતી જોઈને એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના ધારાસભ્યોએ બળવો કર્યો હતો અને સુરત અને ત્યાંથી ગુવાહાટીની હોટેલમાં તંબૂ તાણ્યા હતા. ધીમે-ધીમે શિંદે જૂથની સંખ્યા વધતી ગઈ અને આખરે હવે શિંદે જ મહારાષ્ટ્રના સીએમ બન્યા છે.

    સરકાર બનતાંની સાથે શિંદે-ફડણવીસે ઉદ્ધવ સરકારનો નિર્ણય પલટાવ્યો: આરે કૉલોનીમાં જ બનશે મેટ્રો કાર શૅડ

    મહારાષ્ટ્રની નવી સરકાર બનતાંની સાથે જ એક્શનમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે શપથ લીધા બાદ કેબિનેટ બેઠક કરી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરે સરકારનો એક નિર્ણય નવી સરકારે પલટાવી દીધો છે. રાજ્ય સરકારે મેટ્રો કાર શૅડ આરે કોલોનીમાં જ બનાવવાનો નિર્ણય કર્યો છે અને જે મામલે બૉમ્બે હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારનો પક્ષ રાખવા માટે એડવોકેટ જનરલને નિર્દેશ આપવામાં આવ્યા છે. 

    મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અધિકારીઓને આરે કોલોનીમાં મેટ્રો કાર શૅડ નિર્માણનો પ્રસ્તાવ કેબિનેટ સમક્ષ લાવવા માટે નિર્દેશ આપ્યો છે. તેમણે એડવોકેટ જનરલને કહ્યું કે, તેઓ બૉમ્બે હાઇકોર્ટ સમક્ષ આરે કોલોનીમાં મેટ્રો કાર શૅડના નિર્માણને લઈને મહારાષ્ટ્ર સરકારનો પક્ષ મૂકે. ફડણવીસના આ નિર્ણયનું મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ સમર્થન કર્યું હતું. 

    ઉદ્ધવ ઠાકરે સરકારે આરે કોલોનીમાં મેટ્રો શૅડના નિર્માણ સામે ભારે વિરોધ બાદ શૅડને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે શિંદે-ફડણવીસ સરકારે આ નિર્ણય પલટાવી દીધો છે અને આરે ખાતે જ શૅડ બનાવવા માટેની કામગીરી શરૂ કરી છે. 

    આરે કોલોની સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન પાસે 1,287 હેક્ટરમાં ફેલાયેલો વિસ્તાર છે. જે હરિયાળી અને જંગલ વિસ્તાર માટે જાણીતો છે. આ વિસ્તારમાં 27 આદિવાસી ગામો આવેલાં છે અનેક વન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે. 

    વર્ષ 2019 માં તત્કાલીન દેવેન્દ્ર ફડણવીસ સરકારે આરે જંગલ વિસ્તારમાં મેટ્રો કાર શૅડના નિર્માણ માટે કેટલાંક વૃક્ષો કાપવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તેની સામે વિરોધ થયો હતો. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને મેટ્રો શૅડના નિર્માણ માટે આરે વિસ્તારના 2,700 વૃક્ષો કાપવાની જાહેરાત કરી હતી. 

    વિરોધ બાદ મામલો હાઇકોર્ટમાં પહોંચતા સપ્ટેમ્બર 2019 માં બોમ્બે હાઇકોર્ટે સરકારને આરે વિસ્તારમાંથી વૃક્ષો ન કાપવા માટે આદેશ આપ્યો હતો, જે બાદ સરકારે નિર્ણય માન્ય રાખ્યો હતો. પરંતુ ઓક્ટોબર 2019 માં હાઇકોર્ટે તમામ અરજીઓ ફગાવીને મેટ્રો કાર શૅડ નિર્માણ માટે રસ્તો મોકળો કરી આપ્યો હતો અને જે બાદ મુંબઈ મેટ્રો કોર્પોરેશને વૃક્ષો કાપવાની શરૂઆત કરી હતી. જે બાદ ભારે વિરોધ થયો હતો. 

    આરેમાં વૃક્ષો કાપવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવતા સુપ્રીમે આગામી આદેશ સુધી વૃક્ષો કાપવા પર રોક લગાવી દીધી હતી.  જોકે, નવેમ્બરમાં મુખ્યમંત્રી બન્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ એલાન કર્યું હતું કે આરે કોલોનીમાં એક પણ વૃક્ષ કાપવામાં આવશે નહીં અને મેટ્રો કાર શૅડને આરેથી કંજુર માર્ગ ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત, 2020 માં ઠાકરે સરકારે મેટ્રો કાર શૅડના નિર્માણનો વિરોધ કરતા લોકો સામે નોંધાયેલા કેસ પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો.

    ‘હું હિંદુ છું, મારી હત્યા ન કરશો, અમે સત્ય નહીં બોલીએ’: કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં કર્ણાટકના દુકાનદારોએ શરૂ કર્યું પોસ્ટર અભિયાન

    રાજસ્થાનના ઉદયપુરમાં હિન્દુ દરજી કન્હૈયાલાલ તેલીની હત્યાના વિરોધમાં કર્ણાટકના હિંદુ દુકાનદારો આગળ આવ્યા છે. આ જ ક્રમમાં ગુરુવારે (30 જૂન 2022) મૈસૂરમાં હિંદુ દુકાનદારોએ મૃતક કન્હૈયાલાલ પ્રત્યે એકતા દર્શાવવા અને તેમની હત્યાનો વિરોધ કરવા પોસ્ટર ઝુંબેશ શરૂ કરી હતી. હિંદુ ટેલરની નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ બે કટ્ટરપંથી ઇસ્લામીઓએ હત્યા કરી નાંખી હતી. 

    સોશિયલ મીડિયા પર ફરતી તસ્વીરોમાં કર્ણાટકના હિંદુ દુકાનદારો કન્હૈયાલાલ તેલીના સમર્થનમાં હાથમાં પોસ્ટરો લઈને ઉભેલા જોવા મળે છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘હું હિંદુ છું અને મને મારી ન નાંખશો. અમે સત્ય નહીં બોલીએ. અમારો પરિવાર અમારી ઉપર નિર્ભર છે. મને મારશો નહીં, હું ગરીબ છું.” આ ઉપરાંત, કર્ણાટકના મૈસુરમાં પણ નારાજ હિંદુ વેપારીઓએ દેશમાં હિંદુઓ વિરુદ્ધ વધતી અસહિષ્ણુતાના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો અને પોતાની દુકાનોની બહાર આ પ્રકારના પોસ્ટરો લગાવ્યા હતા.

    આ પહેલાં કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દિલ્હીમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંદુ વ્યક્તિની બર્બર હત્યાનો વિરોધ કરી નૂપુર શર્માનું પણ સમર્થન કર્યું હતું, તો આ લોકોએ ‘આસમાની કિતાબ’ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.

    રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં ‘બજરંગ દળ’ અને ‘વિશ્વ હિન્દુ પરિષદ’ (VHP) દ્વારા દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. પોલીસ તેમને DTC બસોમાં લઈ ગઈ હતી. અન્ય પણ ઘણી જગ્યાએ હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. પૃથ્વીરાજ રોડ પર સ્થિત રાજસ્થાન હાઉસની સામે પણ હિંદુ કાર્યકર્તાઓ એકઠા થયા હતા. 

    ઉલ્લેખનીય છે કે ગત 28 જૂનના રોજ મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ નામના બે ઇસ્લામી હત્યારાઓએ કન્હૈયાલાલની દુકાનમાં ઘૂસીને તેમની હત્યા કરી નાંખી હતી. કન્હૈયાલાલે સોશિયલ મીડિયા પર નૂપુર શર્માનું સમર્થન કરતી પોસ્ટ મૂકી હતી, જેના કારણે બે ઇસ્લામીઓએ ગળું કાપીને તેમની હત્યા કરી નાંખી હતી. 

    ગઈકાલે કન્હૈયાલાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના આપી હતી. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં પણ ડોગરા સમુદાયના લોકોએ કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. દેશના અન્ય ભાગોમાં પણ આ પ્રકારનો વિરોધ જોવા મળ્યો હતો. 

    કન્હૈયાલાલની હત્યાના વિડીયો નીચે આસિફ ખાને લખ્યું- ‘બહુ સારું કર્યું મારા ભાઈ’, નોઈડા પોલીસે પકડીને જેલમાં ધકેલી દીધો

    રાજસ્થાનના ઉદયપુરમાં હિંદુ વ્યક્તિ કન્હૈયાલાલની હત્યા બાદ રાજસ્થાન પોલીસની બેદરકારીની ભારે ટીકા થઈ રહી છે, ત્યારે બીજી તરફ ઉત્તરપ્રદેશ પોલીસ ઘણી સતર્ક અને સજ્જ જોવા મળી રહી છે. નોઈડા પોલીસે ગુરુવારે (30 જૂન 2022) સોશિયલ મીડિયા પર ઉદયપુરની ઘટનાનું સમર્થન કરવા બદલ આસિફ ખાન નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી.

    ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા કર્યા બાદ હત્યારાઓએ તેનો વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ ગયો હતો. આસિફ ખાને ઉદયપુરની ઘટનાનું સમર્થન કરતા આ વિડીયો લાઈક કરીને કૉમેન્ટ પણ કરી હતી અને લખ્યું કે, ‘ખૂબ સારું કામ કર્યું મારા ભાઈ.’ આ કોમેન્ટ ગામલોકોએ જોઈ તો પોલીસ સ્ટેશનમાં આસિફ વિરુદ્ધ ફરિયાદ કરી દીધી હતી.

    જે બાદ તત્પરતા બતાવતા નોઈડા પોલીસે તરત જ આસિફ ખાનની ધરપકડ કરી લીધી હતી અને તેનો મોબાઈલ પણ જપ્ત કરી લીધો હતો. તેની સામે કલમ 505(2) (વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા દુશ્મનાવટ પેદા કરવાના હેતુથી જૂઠા નિવેદન, જાહેર અભિપ્રાયનું પ્રસારણ, વગેરે) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ટ્વિટર પર પણ આ ઘટનાની માહિતી આપી છે.

    આસિફ ખાન મૂળ મુઝફ્ફરનગરનો રહેવાસી છે અને તેના પિતાનું નામ યુસુફ ખાન છે. બંને છેલ્લા 25 વર્ષથી છપરોલી ગામમાં રહે છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુધીર કુમારના જણાવ્યા અનુસાર, આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. 

    નોઈડા ઝોનના એડિશનલ સીપી રણવિજય સિંહે જણાવ્યું કે થાણા એક્સપ્રેસ વેમાં છપરોલી ગામના ગ્રામજનોએ આ મામલે લેખિત ફરિયાદ આપી હતી. ઉદયપુરની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર વાયરલ થઈ રહ્યો હતો, જેના પર આરોપીએ વાંધાજનક ટિપ્પણી કરી હતી.

    યુપી પોલીસ ઉદયપુરની ઘટના બાદ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાને લઈને યુપી પોલીસ સતર્ક થઇ ગઈ છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ડીએસ ચૌહાણે કહ્યું હતું કે રાજ્યમાં પોલીસની તકેદારી વધારવામાં આવી છે. આવી સ્થિતિમાં જો કોઈ સોશિયલ મીડિયા પર કોઈપણ ફેક ન્યૂઝ કે અફવા ફેલાવશે અથવા ભડકાઉ પોસ્ટ પર લાઈક, કૉમેન્ટ કે શેર કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ઉદયપુરમાં ગત 28 જૂનના રોજ કન્હૈયાલાલ નામના હિંદુ વ્યક્તિની હત્યા કરી નાંખવામાં આવી હતી. તેમણે કથિત રીતે સોશિયલ મીડિયા પર ભાજપનાં પ્રવક્તા નૂપુર શર્માનું સમર્થન કરતું સ્ટેટ્સ મૂક્યું હતું, જે બાદ બે ઇસ્લામી કટ્ટરપંથીઓએ તેમની દુકાનમાં ઘૂસીને ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. એટલું જ નહીં, આ બંનેએ હત્યાનો વિડીયો પણ બનાવ્યો હતો અને સાથે પીએમ નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી હતી. 

    હાલ આ બંને હત્યારાઓ જેલમાં છે. ગઈકાલે બંનેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ ઘટનાની તપાસ NIA કરી રહી છે.

    આજે અષાઢી બીજ: ચાલો જાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમદાવાદની જગન્નાથ રથયાત્રા વચ્ચેના આગવા સંબંધ વિષે

    આજે અમદાવાદનાં સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી 145મી વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનું પ્રસ્થાન થયું છે. આ રથયાત્રા છેલ્લા 145 વર્ષથી અષાઢી સુદ બીજના દિવસે યોજાય છે. અમદાવાદની જગન્નાથ રથયાત્રા અને નરેન્દ્ર મોદી વચ્ચે અત્યંત વિશેષ સંબંધ જોવા મળે છે.

    અમદાવાદની જગન્નાથ રથયાત્રા સાથે પોતાના સંબંધને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત રવિવારે પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ ટાંકયો હતો.

    પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, “અષાઢ સુદ બીજના રોજ ગુજરાતના અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા નીકળે છે. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મને પણ આ યાત્રામાં સેવા કરવાનો લહાવો મળતો હતો.”

    જગન્નાથ મંદિર ટ્રસ્ટે પીએમ મોદીને મોકલ્યું તેડું, પીએમએ મોકલ્યો પ્રસાદ

    નોંધનીય છે કે જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીને રથયાત્રાનું તેડું મોકલવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી તેમણે પણ એક પરંપરા સ્વરૂપે રથયાત્રાની આગલી સાંજે મંદિરમાં પ્રસાદ મોકલાવવાનું શરૂ કર્યું હતું. આવતીકાલે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોકલવામાં આવેલો પ્રસાદ જમાલપુર જગન્નાથ મંદિરમાં લાવવામાં આવ્યો છે. તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, ત્યારથી તેઓ દર વર્ષે પરંપરાગત રીતે મંદિરમાં પ્રસાદ મોકલાવે છે. આ પરંપરાત તેઓ દિલ્હી ગયા બાદ પણ જાળવી રાખી છે.

    આ પ્રસાદમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ મગ, કાકડી, દાડમ, જાંબુ, કેરી અને સુકા મેવાનો પ્રસાદ મોકલવામાં આવ્યો હતો. જે બાદ આજે તેને ભગવાનને ધરાવવામાં આવ્યો હતો.

    અમદાવાદની જગન્નાથ રથયાત્રા અને નરેન્દ્ર મોદી

    નોંધનીય છે કે એક અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન વર્ષોથી એક પરંપરા છે કે અષાઢી સુદ બીજના દિવસે વહેલી સવારે ગુજરાતનાં મુખ્યમંત્રી પોતે મંદિર પરિષરમાં પહિંધ વિધિ કરીને રથયાત્રા શરૂ કરાવે છે. આ વિધિમાં ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા સોનાના ઝાડુંથી મંદિરમાંથી નીકળતા રથયાત્રાના રસ્તા પર સફાઈ કરવામાં આવે છે.

    ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે સૌથી વધારે વાર પહિંધ વિધિ કરવાનો રેકોર્ડ આજે પણ નરેન્દ્ર મોદીના નામે જ છે જેમણે અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન 12 વાર પહિંધ વિધિ કરી છે.

    જેમ આપણે ઉપર નોંધ્યું એમ અમદાવાદની જગન્નાથ રથયાત્રાનો ઇતિહાસ ખૂબ જૂનો છે. છેલ્લા બે દાયકાથી આ રથયાત્રા ખૂબ શાંતિપૂર્ણ તેમ જ ભવ્ય રીતે નીકળતી હોય છે. પરંતુ હંમેશાથી આમ નહોતું. ગુજરાતમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતુ ત્યારે મોટા ભાગે રથયાત્રા લોહિયાળ બનતી, કેટલીય વાર રથયાત્રા પર પથ્થરમારા થતાં અને શહેરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવતો. ભક્તોએ પોતાના જીવને પડીકે બાંધીને રથયાત્રામાં જવું પડતું હતું.

    પરંતુ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ ચિત્ર બદલાયું હતું. 2001થી લઈને આજ સુધી આમદવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન એક પણ કાંકરીચાળો નથી થયો એ નરેન્દ્ર મોદીની જ જમાપૂંજી કહી શકાય છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન રથયાત્રાની સુરક્ષા પર વિશેષ ધ્યાન રાખ્યું હતું અને તેને વૈશ્વિક ફલક પર પણ સન્માનજનક સ્થાન અપાવ્યું હતું.

    નોંધનીય છે કે આજે એટ્લે કે અષાઢી સુદ બીજના દિવસે અમદાવાદમાં ફરી એકવાર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે જેના માટે અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાખ કરવામાં આવી છે. સવારે 7 વાગે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર આવીને પહિંધ વિધિ કરીને રથયાત્રા શરૂ કરાવી હતી.

    મંતવ્ય: ઉદ્ધવ ઠાકરે સરકારની ઉદ્દંડતાના એ ઉદાહરણો જેણે છેવટે અઢી વર્ષે આઘાડી સરકારને ભગાડી!

    આખરે નવ દિવસની રાજકીય ઉથલપાથલ, કોર્ટની સુનાવણીઓ, રાજકીય બયાનબાજી, આરોપ-પ્રત્યારોપના દોરનો અંત આવ્યો અને ગઈકાલે એક તરફ સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો અને બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દીધું. ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવાની સાથે અઢી વર્ષ પહેલાં બનેલી ‘મહાવિકાસ આઘાડી સરકાર’ પડી ભાંગી તો બીજી તરફ ગુંડાગીરી, અરાજકતા, નાગરિકોને થતી હેરાનગતિ અને સત્તાના દુરુપયોગનો પણ અંત આવ્યો છે. 

    મહાવિકાસ આઘાડી સરકારનો અઢી વર્ષનો કાર્યકાળ કાયમ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. આ અઢી વર્ષમાં સરકારના ખાતામાં સારાં કામો ઓછાં અને વિવાદો વધુ જમા થયા છે. કોરોના મહામારીનું નિયંત્રણ, પાલઘર સાધુ હત્યા કેસ, સુશાંત સિંહ રાજપૂત કેસ, અર્ણબ ગોસ્વામીની ધરપકડ, 100 કરોડ ખંડણીનો મામલો, એન્ટેલિયા કેસ કંગના રનૌતના ઘરનું ડિમોલિશન કે પછી સમિત, કેતકી, નિખિલ જેવા નાગરિકોને થયેલી હેરાનગતિ, છેલ્લાં અઢી વર્ષમાં આવા અનેક વિવાદોનું કેન્દ્ર મહારાષ્ટ્ર રહ્યું છે, અને આ વિવાદોમાં સીધી કે આડકતરી રીતે સરકાર સામેલ રહી છે. 

    આ અઢી વર્ષ દરમિયાન સામાન્ય નાગરિકોના મૌલિક અધિકારોનું ખુલ્લેઆમ હનન થયું અને મજાની વાત એ છે કે વાતેવાતે ‘ફ્રીડમ ઑફ એક્સપ્રેશન’ના ઝંડા લઈને ફરતી એક આખી ગેંગ આ તમામ ઘટનાઓ વખતે ક્યાં તો ચૂપ રહી ક્યાં તો તેમણે મજા લીધી. સામે કોઈ પગલાં ન લેતા નરેન્દ્ર મોદીને દરરોજ ‘તાનાશાહ’ના પ્રમાણપત્રો આપી દેનારી એક આખી ટોળકી આ તમામ ઘટનાઓ વખતે મોં પર આંગળી મૂકીને બેસી રહી હતી.

    ટીકાકારોને ચૂપ કરવા માટેના પ્રયાસો અને હેરાનગતિ 

    રાજકારણમાં ટીકા તદ્દન સામાન્ય છે. રાજકારણ તટસ્થતાનો વિષય નથી. દરેક રાજકીય પાર્ટીઓના, દરેક નેતાઓની ટીકાઓ થતી હોય છે. નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિશે પણ છાપાંઓ, મીડિયા, સોશિયલ મડિયામાં ઘણું લખાય છે. અન્ય નેતાઓ વિશે પણ લખાતું રહે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા ક્યારેક નેતાઓને લઈને ટીખળ પણ કરે છે. ક્યારેક નેતાઓ ટ્રોલ પણ થાય છે. પણ સામાન્ય રીતે સરકારો આવી પોસ્ટ કે ટ્વિટને ધ્યાને લેતી નથી. પરંતુ ઉદ્ધવ ઠાકરે સરકાર આમાં અપવાદ સાબિત થઇ. 

    મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારે છેલ્લા અઢી વર્ષમાં લોકોને માત્ર તેમની ટ્વિટ કે પોસ્ટ માટે જેલમાં ધકેલી દીધા હોય તેવા અનેક બનાવો બન્યા છે. ટ્વિટર પર જાણીતા યુઝર સમિત ઠક્કરે 23 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું અને તેમનો ‘ગુનો’ એ હતો કે તેમણે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે વિરુદ્ધ ટ્વિટર પર કથિત અપમાનજનક ટિપ્પણી કરી હતી. સમિત વિરુદ્ધ મહારાષ્ટ્રમાં અનેક ઠેકાણે એફઆઈઆર થઇ હતી. જોકે, 23 દિવસ બાદ તેમને જામીન મળી ગયા હતા. 

    આ એક કિસ્સો નથી. હાલમાં જ બે કિસ્સાઓ બન્યા છે. કેતકી ચિતળે અને નિખિલ ભામરેને એનસીપીના પ્રમુખ શરદ પવાર પર કથિત અપમાનજનક ટિપ્પણી માટે મહિના-મહિના સુધી જેલમાં રહેવું પડ્યું. કેતકી વિરુદ્ધ મહારાષ્ટ્રમાં 22 એફઆઈઆર થઇ હતી. પોલીસ કસ્ટડીમાં એનસીપી કાર્યકરોએ તેમની છેડતી કરી. નિખિલ ભામરેએ પણ જેલ જવું પડ્યું. જોકે, એ બંનેને પણ જામીન મળી ગયા છે. 

    સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ અર્ણબ ગોસ્વામી, કંગના રનૌત, નવનીત રવિ રાણા જેવી જાણીતી હસ્તીઓએ પણ સરકાર સામે પડવાની કિંમત ચૂકવવી પડી હતી. કોઈનું ઘર તોડી પડાયું, તો કોઈએ વર્ષો જૂના કેસમાં આઠ દિવસ જેલમાં જવું પડ્યું તો કોઈએ હનુમાન ચાલીસાના પાઠ કરવાની કિંમત ચૂકવવી પડી. આ તમામ કિસ્સાઓમાં એક છૂપો સંદેશ સ્પષ્ટ હતો, કાં ચૂપચાપ બેસી રહો, કાં બોલવાના પરિણામો ભોગવો. 

    કોઈ પણ એક સવારે ટ્વિટર ખોલીને જુઓ તો બૉલીવુડના એકાદ-બે કથિત સેલિબ્રિટીએ નરેન્દ્ર મોદી વિરુદ્ધ એકાદ ટ્વિટ ન કર્યું હોય તેવું નહીં બને. મોદી જો આ તમામને માત્ર ટ્વિટ અને ટીકા બદલ જેલમાં નાંખવા ગયા હોત તો હિંદુસ્તાનની જેલો ભરાઈ ગઈ હોત. પણ મહારાષ્ટ્ર સરકારે ખરેખર આવું કર્યું. કંગના રનૌત સુશાંતસિંહના મૃત્યુ પછી ખુલીને બોલ્યાં પછી તેમણે ઘણું ભોગવવું પડ્યું હતું. સંજય રાઉત જેવા નેતાઓએ તેમને ‘હરામખોર’ જેવા અપશબ્દો કહ્યા, ધમકીઓ આપવામાં આવી, કેસો થયા, ઓફિસનું ડિમોલિશન થયું અને તે જાણે બહુ ઊંચું કામ કર્યું હોય તેમ શિવસેનાના મુખપત્ર ‘સામના’માં લખવામાં આવ્યું, ‘ઉખાડ દિયા’. 

    પાલઘરના સાધુઓની હત્યા મામલે અર્ણબ ગોસ્વામીએ સવાલો ઉઠાવ્યા અને લાઈવ શૉ દરમિયાન સોનિયા ગાંધીને પ્રશ્નો કર્યા પછી કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમની ઉપર હુમલો કર્યો હતો. જે બાદ અનેક ઠેકાણે તેમની ઉપર એફઆઈઆર નોંધવામાં આવી. પછીથી સુશાંત સિંહ રાજપૂત કેસમાં પણ અર્ણબે સવાલો ઉઠાવ્યા પછી તેમની ઉપર ટીઆરપી મામલે ખોટા કેસો થયા તો વર્ષો જૂના બંધ કેસમાં ફરીથી તેમની ધરપકડ કરવામાં આવી અને આઠ દિવસ તેમણે જેલમાં રહેવું પડ્યું. 

    શિવસેનાના કાર્યકરોની ગુંડાગીરી 

    આ સમય દરમિયાન શિવસેનાના કાર્યકરોને પણ જાણે છૂટો દોર આપી દેવામાં આવ્યો. સપ્ટેમ્બર 2020માં શિવસેનાના કાર્યકરોએ એક સેવા નિવૃત્ત નેવી ઓફિસર સાથે કથિત રીતે ઉદ્ધવ ઠાકરેનું કાર્ટૂન શૅર કરવા બદલ મારપીટ કરી હતી. ફેબ્રુઆરી 2021 માં શિવસેનાના ગુંડાઓએ સીએમ ઠાકરેની ટીકા કરવા પર એક વૃદ્ધ નાગરિક સાથે મારપીટ કરીને તેમને સાડી પહેરાવી હતી અને ચહેરા પણ કાળી શાહી ફેંકી હતી. આ ઉપરાંત, પણ અનેક પ્રસંગોએ ગુંડાગીરી ખુલ્લેઆમ ચાલતી રહી અને લગામ લગાવવામાં ન આવી. 

    ભ્રષ્ટાચાર, એન્ટેલિયા કેસ અને 100 કરોડની વસૂલી

    આ અઢી વર્ષ દરમિયાન મહાવિકાસ આઘાડી સરકારમાં ભ્રષ્ટાચાર પણ બહુ મોટાપાયે જોવા મળ્યો. આ ઉપરાંત એન્ટેલિયા કેસ અને મનસુખ હિરેન હત્યા કેસ મામલે પણ એક કાળું પ્રકરણ મુંબઈ પોલીસના ઇતિહાસમાં ઉમેરાયું. સચિન વાઝેની અચાનક બહાલી અને પછી એન્ટેલિયા કેસમાં તેણે કઈ રીતે કાવતરું રચ્યું હતું અને મનસુખ હિરેનની હત્યા કરાવી નાંખી તે જગજાહેર છે. સચિન વાઝેની ધરપકડ બાદ સમગ્ર કાવતરું સામે આવતાં મહારાષ્ટ્ર સરકારની વધુ એક પોલ તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંઘે ખોલી હતી. 

    પરમવીર સિંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખે સચિન વાઝેને દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. દેશમુખ આખર સુધી આ વાત ટાળતા રહ્યા અને સરકાર પણ તેમને સાચવતી રહી પણ આખરે બૉમ્બે હાઇકોર્ટે કેસ સીબીઆઈને સોંપ્યા બાદ તેઓ પદ પરથી હટી ગયા હતા. જોકે, હાલ તેઓ એક મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા છ મહિનાથી જેલમાં છે. 

    અનિલ દેશમુખ સિવાય મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક વિરુદ્ધ પણ ભ્રષ્ટાચાર અને અંડરવર્લ્ડ સાથે કનેક્શન હોવાના આરોપ લાગ્યા બાદ ઇડીએ તેમની ધરપકડ કરી હતી. તેઓ પણ હાલ જેલમાં બંધ છે. 

    કોરોનામાં મહારાષ્ટ્ર સૌથી પ્રભાવિત રાજ્ય રહ્યું

    આ ઉપરાંત, કોરોના મહામારી દરમિયાન પણ મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો પૈકીનું એક રહ્યું. મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા પણ વધુ રહી તો કોરોનાના કારણે મૃત્યુ પણ પ્રમાણમાં વધુ થયાં. સરકાર અસરકારક રીતે કામ ન કરી શકી. એક કારણ એ પણ છે કે સરકાર આ બધા વિવાદોમાં જ સંડોવાયેલી રહી અને કોરોના સામે લડવાનું અને તેને નિયંત્રિત કરવાનું બાજુ પર રહી ગયું અને પોતાની નિષ્ફ્ળતાઓ માટે દોષનો ટોપલો કેન્દ્ર સરકાર પર ઢોળી મૂક્યો. એ વાત અલગ છે કે બૉલીવુડની એક ગેંગ ઠાકરેને ‘બેસ્ટ સીએમ’નો એવોર્ડ આપતી રહી પરંતુ સત્ય એ જ છે કે મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્ય પૈકીનું રહ્યું છે. 

    આ બધા વિવાદો જ એ કારણ રહ્યું કે શિવસેનાનો કોર વોટર બેઝ પાર્ટીથી અલગ થવા માંડ્યો અને આખરે ધારાસભ્યોને પણ સમજાયું કે આ જ રીતે સરકાર ચાલી તો પાંચ વર્ષ પછી તેઓ પોતાના વિસ્તારોમાં મત માંગવા પણ ન જઈ શકે. તેથી એકનાથ શિંદેની આગેવાનીમાં બળવો થયો અને પછી જે થયું તે જગજાહેર છે. દેવેન્દ્ર ફડણવીસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ સરકાર પોતાના ભારથી પડી ભાંગશે. સરકાર ખરેખર તેના જ ભારથી પડી ભાંગી છે!

    હવે ‘શિંદે’ જ મહારાષ્ટ્રના ‘નાથ’: છેલ્લી ઘડીના અનોખા ટ્વિસ્ટ બાદ દેવેન્દ્ર ફડણવીસ ઉપમુખ્યમંત્રી બન્યા

    આખરે મહારાષ્ટ્રને નવા મુખ્યમંત્રી મળ્યા છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કરવામાં આવેલી વિનંતીનું સન્માન કરીને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આજે રાજભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં એકનાથ શિંદેએ સીએમ પદના શપથ લીધા હતા અને બાદમાં દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે શપથ લીધા હતા.

    અગાઉ ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને ફડણવીસ દ્વારા જેપી નડ્ડાની વિનંતીનો સ્વીકાર કરવા બદલ તેમનો આભાર માન્યો હતો.

     

    આજે સાંજે રાજભવન ખાતે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળીને સરકાર રચવાનો દાવો કર્યા બાદ ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની ઘોષણા કરીને સૌને ચોંકાવી દીધા હતા. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ભાજપ હિંદુત્વના મુદ્દે શિંદે જૂથને સમર્થન આપશે અને મહારાષ્ટ્રના વિકાસ માટે કામો કરશે. જોકે, તેમણે તે સમયે એમ પણ કહ્યું હતું કે તેઓ સરકારનો ભાગ રહેશે નહીં. પરંતુ છેલ્લી ઘડીના ટ્વિસ્ટ બાદ બાદ એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને દેવેન્દ્ર ફડણવીસે તેમના ડેપ્યુટી તરીકે શપથ લીધા હતા.

    સીએમ તરીકે પોતાના નામની જાહેરાત બાદ એકનાથ શિંદેએ કહ્યું હતું કે, તેમની સાથે 50 ધારાસભ્યોનું સમર્થન છે અને તેઓ બાળાસાહેબ ઠાકરેની હિંદુત્વની ભૂમિકાને આગળ ધપાવવાના પ્રયત્નો કરશે. તેમણે દેવેન્દ્ર ફડણવીસ અને ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપ પાસે 120 ધારાસભ્યો છે પરંતુ તેમ છતાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદ ન લીધું. તેમણે કહ્યું કે, બાળાસાહેબના સૈનિક પર વિશ્વાસ દાખવીને રાજ્યનો મુખ્યમંત્રી બનાવ્યો તે માટે હું ભાજપ અને પીએમ મોદી, અમિત શાહનો આભારી છું. 

    છેલ્લા દસ દિવસથી ચાલતી રાજકીય ઉથલપાથલ બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યા બાદ ઉદ્ધવ જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતું અને ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાની માંગ કરી હતી. જોકે, સુપ્રીમે ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાનો ઇનકાર કર્યાની થોડી જ મિનિટોમાં ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવના માધ્યમથી રાજીનામું આપવાની ઘોષણા કરી હતી અને ત્યારબાદ મોડી સાંજે તેમણે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 માં ભાજપ અને શિવસેના સાથે મળીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને ગઠબંધનને બહુમતી પણ મળી હતી. ચૂંટણીમાં ભાજપને 106 અને શિવસેનાને 56 બેઠકો મળી હતી. પરંતુ ત્યારબાદ શિવસેના અલગ થઇ ગઈ હતી અને એનસીપી અને કોંગ્રેસ સાથે સરકાર બનાવી હતી. જોકે, ત્યારે પણ સીએમ તરીકે એકનાથ શિંદેનું નામ આગળ ચાલી રહ્યું હતું પરંતુ આખરે ઉદ્ધવ ઠાકરે સીએમ બન્યા હતા. 

    જોકે, અઢી વર્ષ દરમિયાન સરકારમાં એનસીપી અને કોંગ્રેસનો હસ્તક્ષેપ અને પાર્ટી હિંદુત્વથી દૂર જતી જોઈને એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના ધારાસભ્યોએ બળવો કર્યો હતો અને સુરત અને ત્યાંથી ગુવાહાટીની હોટેલમાં તંબૂ તાણ્યા હતા. ધીમે-ધીમે શિંદે જૂથની સંખ્યા વધતી ગઈ અને આખરે હવે શિંદે જ મહારાષ્ટ્રના સીએમ બન્યા છે.