Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએકનાથ શિંદે જૂથને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત: ડેપ્યુટી સ્પીકરની નોટીસ પર...

    એકનાથ શિંદે જૂથને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત: ડેપ્યુટી સ્પીકરની નોટીસ પર રોક લગાવાઈ, પરિવારોને સુરક્ષા પૂરી પાડવા આદેશ

    સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યોના જૂથને મોટી રાહત આપતા ડેપ્યુટી સ્પીકરે તેમને પાઠવેલ નોટીસ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકરની નોટીસનો જવાબ આપવા માટે 12 જુલાઈ સુધીનો સમય આપ્યો છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય સંકટ વચ્ચે આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે જૂથને મોટી રાહત આપી છે તો સાથે મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર, વિધાનસભાના સચિવ, કેન્દ્ર સરકાર તેમજ શિવસેનાના નેતા અજય ચૌધરી અને સુનીલ પ્રભુને નોટીસ પાઠવીને 5 દિવસમાં જવાબ માંગ્યો છે તેમજ આગામી સુનાવણીની તારીખ 11 જુલાઈ મુકરર કરી છે. 

    આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યોના જૂથને મોટી રાહત આપતા ડેપ્યુટી સ્પીકરે તેમને પાઠવેલ નોટીસ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકરની નોટીસનો જવાબ આપવા માટે 12 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. આ પહેલાં વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે બળવાખોર ધારાસભ્યોને નોટીસ પાઠવીને આજે (27 જૂન 2022) સાંજે પાંચ વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે કહ્યું હતું. 

    સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને તમામ 39 ધારાસભ્યોના પરિવારને સુરક્ષા પૂરી પાડવા માટે આદેશ આપ્યો છે. કોર્ટે સરકારને ધારાસભ્યોના જીવન, સ્વતંત્રતા અને તેમની સંપત્તિને કોઈ નુકસાન ન પહોંચે તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.

    - Advertisement -

    શિંદે જૂથ તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ પહેલેથી જ લંબિત છે ત્યારે તેઓ ધારાસભ્યોને બરખાસ્ત કરવાની કાર્યવાહી કરી શકે તેમ નથી. શિંદે જૂથે માંગ કરતા કહ્યું હતું કે, પહેલાં એ અરજીઓ પર સુનાવણી કરવામાં આવે જેમાં ડેપ્યુટી સ્પીકરને હટાવવાની માંગ કરવામાં આવી છે.

    સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે જે સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો હોય તેઓ કોઈ સભ્યની અયોગ્યતાની કાર્યવાહી કઈ રીતે શરૂ કરી શકે? કોર્ટે એમ પણ પૂછ્યું કે પોતાની વિરુદ્ધ રજૂ કરવામાં આવેલ પ્રસ્તાવ ઉપર ડેપ્યુટી સ્પીકર પોતે જ કઈ રીતે નિર્ણય લઇ શકે? આ ઉપરાંત, કોર્ટે ડેપ્યુટી સ્પીકરના વકીલને પૂછ્યું હતું કે શું બળવાખોર ધારાસભ્યોના જૂથે તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટીસ આપી હતી? 

    જેના જવાબમાં ડેપ્યુટી સ્પીકર તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઈ-મેઈલ આવ્યો હતો પરંતુ તે વેરિફાઇડ ન હોવાના કારણે રજૂઆત ફગાવી દેવામાં આવી હતી. જે મામલે કોર્ટે ડેપ્યુટી સ્પીકર અને વિધાનસભા કાર્યાલયને એક સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

    બીજી તરફ, એકનાથ શિંદે જૂથે મહાવિકાસ આઘાડી સરકારમાંથી પોતાનું સમર્થન પરત ખેંચી લીધું છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ અરજીમાં બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, “શિવસેનાના 38 ધારાસભ્યોએ સમર્થન પરત ખેંચી લેતાં હવે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી ગઠબંધન સરકાર લઘુમતીમાં આવી ગઈ છે અને તેમની પાસે બહુમત રહ્યો નથી.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં