Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે ‘શિંદે’ જ મહારાષ્ટ્રના ‘નાથ’: છેલ્લી ઘડીના અનોખા ટ્વિસ્ટ બાદ દેવેન્દ્ર ફડણવીસ...

    હવે ‘શિંદે’ જ મહારાષ્ટ્રના ‘નાથ’: છેલ્લી ઘડીના અનોખા ટ્વિસ્ટ બાદ દેવેન્દ્ર ફડણવીસ ઉપમુખ્યમંત્રી બન્યા

    રાજભવન ખાતે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળીને સરકાર રચવાનો દાવો કર્યા બાદ ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની ઘોષણા કરીને સૌને ચોંકાવી દીધા હતા.

    - Advertisement -

    આખરે મહારાષ્ટ્રને નવા મુખ્યમંત્રી મળ્યા છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કરવામાં આવેલી વિનંતીનું સન્માન કરીને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આજે રાજભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં એકનાથ શિંદેએ સીએમ પદના શપથ લીધા હતા અને બાદમાં દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે શપથ લીધા હતા.

    અગાઉ ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને ફડણવીસ દ્વારા જેપી નડ્ડાની વિનંતીનો સ્વીકાર કરવા બદલ તેમનો આભાર માન્યો હતો.

     

    - Advertisement -

    આજે સાંજે રાજભવન ખાતે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળીને સરકાર રચવાનો દાવો કર્યા બાદ ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની ઘોષણા કરીને સૌને ચોંકાવી દીધા હતા. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ભાજપ હિંદુત્વના મુદ્દે શિંદે જૂથને સમર્થન આપશે અને મહારાષ્ટ્રના વિકાસ માટે કામો કરશે. જોકે, તેમણે તે સમયે એમ પણ કહ્યું હતું કે તેઓ સરકારનો ભાગ રહેશે નહીં. પરંતુ છેલ્લી ઘડીના ટ્વિસ્ટ બાદ બાદ એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને દેવેન્દ્ર ફડણવીસે તેમના ડેપ્યુટી તરીકે શપથ લીધા હતા.

    સીએમ તરીકે પોતાના નામની જાહેરાત બાદ એકનાથ શિંદેએ કહ્યું હતું કે, તેમની સાથે 50 ધારાસભ્યોનું સમર્થન છે અને તેઓ બાળાસાહેબ ઠાકરેની હિંદુત્વની ભૂમિકાને આગળ ધપાવવાના પ્રયત્નો કરશે. તેમણે દેવેન્દ્ર ફડણવીસ અને ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપ પાસે 120 ધારાસભ્યો છે પરંતુ તેમ છતાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદ ન લીધું. તેમણે કહ્યું કે, બાળાસાહેબના સૈનિક પર વિશ્વાસ દાખવીને રાજ્યનો મુખ્યમંત્રી બનાવ્યો તે માટે હું ભાજપ અને પીએમ મોદી, અમિત શાહનો આભારી છું. 

    છેલ્લા દસ દિવસથી ચાલતી રાજકીય ઉથલપાથલ બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યા બાદ ઉદ્ધવ જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતું અને ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાની માંગ કરી હતી. જોકે, સુપ્રીમે ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાનો ઇનકાર કર્યાની થોડી જ મિનિટોમાં ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવના માધ્યમથી રાજીનામું આપવાની ઘોષણા કરી હતી અને ત્યારબાદ મોડી સાંજે તેમણે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 માં ભાજપ અને શિવસેના સાથે મળીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને ગઠબંધનને બહુમતી પણ મળી હતી. ચૂંટણીમાં ભાજપને 106 અને શિવસેનાને 56 બેઠકો મળી હતી. પરંતુ ત્યારબાદ શિવસેના અલગ થઇ ગઈ હતી અને એનસીપી અને કોંગ્રેસ સાથે સરકાર બનાવી હતી. જોકે, ત્યારે પણ સીએમ તરીકે એકનાથ શિંદેનું નામ આગળ ચાલી રહ્યું હતું પરંતુ આખરે ઉદ્ધવ ઠાકરે સીએમ બન્યા હતા. 

    જોકે, અઢી વર્ષ દરમિયાન સરકારમાં એનસીપી અને કોંગ્રેસનો હસ્તક્ષેપ અને પાર્ટી હિંદુત્વથી દૂર જતી જોઈને એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના ધારાસભ્યોએ બળવો કર્યો હતો અને સુરત અને ત્યાંથી ગુવાહાટીની હોટેલમાં તંબૂ તાણ્યા હતા. ધીમે-ધીમે શિંદે જૂથની સંખ્યા વધતી ગઈ અને આખરે હવે શિંદે જ મહારાષ્ટ્રના સીએમ બન્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં