Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએકનાથ શિંદે અને સાથીદારો ગુજરાતને આવજો કરીને ગુવાહાટી પહોંચ્યા; ગુવાહાટી પહોંચીને શિંદેએ...

    એકનાથ શિંદે અને સાથીદારો ગુજરાતને આવજો કરીને ગુવાહાટી પહોંચ્યા; ગુવાહાટી પહોંચીને શિંદેએ સૂચક નિવેદન કર્યું

    શિવસેનાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એકનાથ શિંદે હવે પોતાના સમર્થક ધારાસભ્યોને લઈને ગુવાહાટી પહોંચી ગયા છે જ્યાં તેમણે એક સૂચક નિવેદન કર્યું હતું.

    - Advertisement -

    ગઈકાલે મહારાષ્ટ્રના રાજકારણમાં ધરતીકંપ લાવનાર એકનાથ શિંદે અને તેમની સાથે રહેલા કુલ 40 ધારાસભ્યોએ સુરત છોડી દીધું છે. અગાઉ ચાલેલી ચર્ચા અનુસાર આ તમામ આજે વહેલી સવારે આસામના સહુથી મોટા શહેર ગુવાહાટી પહોંચ્યા છે.

    એકનાથ શિંદે પરમદિવસે મોડી રાત્રે પોતાના સમર્થક શિવસેના ધારાસભ્યો સાથે ગુજરાતના સુરત પહોંચ્યા હતા જ્યાં તેમને ડુમસ રોડ પર આવેલી લી મેરેડિયન હોટલમાં ઉતારો આપવામાં આવ્યો હતો. ગઈકાલે સમગ્ર દિવસ દરમ્યાન સુરત, ગાંધીનગર અને મુંબઈમાં રાજકીય હલચલ ચાલુ રહી હતી. જો કે મોડી રાત્રે સુરતમાં તો આ હલચલ ચાલુ જ રહી હતી કારણકે અહીંથી એક ખાસ પ્લેનમાં એકનાથ શિંદે અને તેમનો દાવો છે એ મુજબ કુલ 40 શિવસેના ધારાસભ્યો ગુવાહાટી લઇ જવામાં આવ્યા હતા.

    આજે વહેલી સવારે આ તમામ ગુવાહાટી એરપોર્ટ પર ઉતર્યા હતા જ્યાં ભાજપના ધારાસભ્ય સુશંતા બોર્ગોઈને આ તમામનું સ્વાગત કર્યું હતું. જો કે સુશંતા બોર્ગોઈને દાવો કર્યો હતો કે તેઓ એકનાથ શિંદે સાથેની વ્યક્તિગત ઓળખાણને લીધે અહીં આવ્યા છે, અને તેમનો અહીં ગુવાહાટીમાં શું કાર્યક્રમ છે તેની તેમને કોઈજ જાણ નથી.

    - Advertisement -

    મહારાષ્ટ્ર શિવસેનાના આ તમામ ધારાસભ્યોને એરપોર્ટની બહાર નીકળ્યા બાદ એક લક્ઝરી બસમાં બેસાડવામાં આવ્યા હતા અને અહીંથી આ તમામને ગુવાહાટીની રેડીસન બ્લુ હોટલમાં લઇ જવામાં આવ્યા હતા.

    એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ પત્રકારો દ્વારા ઘેરી વળવામાં આવેલા એકનાથ શિંદેએ સૂચક નિવેદન કરીને કહ્યું હતું કે અત્યારે શિવસેનાના કુલ 40 ધારાસભ્યો હાજર છે અને અમે બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વને આગળ લઇ જઈશું. શિંદેએ આગળ કહ્યું હતું કે તેમણે ‘બાળાસાહેબ ઠાકરેની શિવસેના’ નથી છોડી.

    હાલમાં મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીના ત્રણ ઘટક દળો શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સત્તામાં છે. બે દિવસ અગાઉ અહીં લેજીસ્લેટીવ એસેમ્બલીની દસ બેઠકોની ચૂંટણી થઇ હતી જેમાં સહુના આશ્ચર્ય વચ્ચે ભાજપનો એક વધારાનો ઉમેદવાર જીતી ગયો હતો જેનાથી ક્રોસ વોટીંગ થયું હોવાનું સાબિત થયું હતું. આ ચૂંટણીમાં સહુથી મોટું નુકશાન કોંગ્રેસને થયું હતું કારણકે તેનો દલિત ઉમેદવાર હારી ગયો હતો.

    હજી આ ઘટનાની આઘાડીને કળ વળે તે પહેલાં જ એકનાથ શિંદે પોતાની સાથે 21 ધારાસભ્યો લઇને સુરત પહોંચ્યા હોવાના સમાચાર આવ્યા હતા. ગઈકાલે સમગ્ર દિવસ દરમ્યાન આ આંકડા અંગે વિવિધ સમાચારો આવ્યા હતા પરંતુ આજે વહેલી સવારે ગુવાહાટી પહોંચેલા એકનાથ શિંદેએ પોતાની સાથે 40 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે.

    જો શિંદેના દાવાને માનવામાં આવે તો મહા વિકાસ આઘાડી સરકાર અત્યારે અલ્પમતમાં છે. ગઈકાલે સાંજે એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  ઉદ્ધવ ઠાકરે અને તેમના પત્ની રશ્મી ઠાકરે વચ્ચે ટેલિફોનીક ચર્ચા થઇ હતી જેમાં એવું કહેવામાં આવે છે કે શિંદેએ ઉદ્ધવને એનસીપી અને કોંગ્રેસનો સાથ છોડીને ભાજપ સાથે સરકાર બનાવવાનું કહ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં