Sunday, April 14, 2024
More
  હોમપેજમંતવ્યઉદ્ધવ ઠાકરેની ખુરશી હલાવી દેનાર અને એકલે હાથે મહારાષ્ટ્રના રાજકારણમાં ધરતીકંપ લાવનાર...

  ઉદ્ધવ ઠાકરેની ખુરશી હલાવી દેનાર અને એકલે હાથે મહારાષ્ટ્રના રાજકારણમાં ધરતીકંપ લાવનાર એકનાથ શિંદે આખરે છે કોણ?

  મહારાષ્ટ્રના રાજકારણમાં હાહાકાર મચાવનાર એકનાથ શિંદે કોણ છે અને શા માટે તેમણે પોતાની જ પાર્ટી વિરુદ્ધ બળવો પોકારી દીધો છે?

  - Advertisement -

  આજે (21 જૂન 2022) સવારથી ટીવી ન્યૂઝ ચેનલો, સોશિયલ મીડિયાથી માંડીને તમામ જગ્યાએ એક જ નામની ચર્ચા ચાલે છે. અને તે છે; એકનાથ શિંદે. એકનાથ શિંદે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીમાં કેબિનેટ મંત્રી છે. ઉપરાંત તેમની વધુ સારી ઓળખ એ છે કે તેઓ શિવસેનાના આગળ પડતા નેતા છે. 

  એકનાથ શિંદે ગઈકાલે મોડી સાંજે પોતાની સાથે કેટલાક ધારાસભ્યોને લઈને ચાર્ટડ પ્લેનમાં ઉપડી ગયા હતા. તેમનું વિમાન છેક સુરત આવ્યું. બીજી તરફ સુરતમાં પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરીને શહેરની જાણીતી મેરિડિયન હોટેલની આસપાસ સુરક્ષા કડક કરવા માટે કહી દેવામાં આવ્યું હતું. રાત્રે 2 વાગ્યે એકનાથ શિંદે સાથે ધારાસભ્યો હોટેલ પહોંચ્યા અને સવાર સુધીમાં તો મહારાષ્ટ્રના રાજકારણમાં ધમાસાણ મચી ગયું. 

  મીડિયા અહેવાલોમાં શિવસેના એકનાથ શિંદે સાથે વાતચીત કરી રહી હોવાનું કહેવાય છે. પણ બીજી તરફ એકનાથ એક ટ્વિટ કરીને સંકેત આપી ચૂક્યા છે કે તેઓ હવે પરત ફરવાના મૂડમાં નથી. 

  - Advertisement -

  એક ટ્વિટ કરીને તેમણે કહ્યું, “અમે બાળાસાહેબના કટ્ટર શિવસૈનિકો છીએ. બાળાસાહેબે અમને હિંદુત્વ શીખવ્યું છે અને સત્તા માટે અમે ક્યારેય દગો નહીં કરીએ.” ઉપરાંત તેમણે ટ્વિટર પ્રોફાઈલમાંથી ‘શિવસેના’નો ઉલ્લેખ પણ હટાવી દીધો છે. બીજી તરફ, શિવસેનાએ તેમને વિધાનસભાના નેતા પદેથી બરતરફ કર્યા છે. 

  એકનાથ શિંદેના બળવાનું પરિણામ શું આવશે તે તો સમય જ કહેશે પરંતુ હાલની ક્ષણે એકનાથ શિંદેએ એકલે હાથે આખી શિવસેના પાર્ટીને ચિંતામાં મૂકી દીધી છે અને તેમના જ કારણે ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર સંકટ તોળાઈ રહ્યું છે. એ જ કારણ છે કે ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક બેઠક બોલાવવી પડી હતી તો તમામ મંત્રીઓ પણ મુંબઈ પહોંચી રહ્યા છે. 

  શિવસેનાના કદાવર નેતા, ઠાકરે પરિવારના નજીકના ગણાય છે 

  એકનાથ શિંદે શિવસેનાના કદાવર નેતાઓમાંના એક ગણાય છે તેમજ ઠાકરે પરિવારના પણ તેઓ નજીક રહ્યા છે. હાલ તેઓ મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી છે. તેમની પાસે શહેરી વિકાસ મંત્રાલયનો કારભાર છે. તેઓ ચાર ટર્મથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે. 2004 બાદ 2009, 2014 અને 2019 માં પણ તેઓ ચૂંટાયા હતા. 2014 ની ચૂંટણીમાં ચૂંટાયા બાદ તેઓ સરકારમાં મંત્રી બન્યા હતા. જે બાદ મહાવિકાસ આઘાડી સરકારમાં પણ તેમને મંત્રીપદ આપવામાં આવ્યું હતું.

  એકનાથ શિંદેની રાજકીય સફરની શરૂઆત કાઉન્સિલર બનવાથી થઇ હતી પરંતુ તે પહેલાં તેમણે ઓટોરિક્ષા પણ ચલાવી હતી. વર્ષ 1980 માં તેઓ શિવસેનામાં શાખા પ્રમુખ તરીકે જોડાયા હતા. જે બાદ તેમની પક્ષના રાજકારણમાં પકડ વધતી ગઈ અને ધારાસભ્ય અને મંત્રી સુધી પહોંચ્યા હતા. થાણેમાં તેમનો એટલો પ્રભાવ છે કે કોઈ પણ ચૂંટણી હોય ઉમેદવાર તેમનો જ જીતે છે. તેમનો પુત્ર શ્રીકાંત શિંદે શિવસેનામાંથી સાંસદ છે જ્યારે ભાઈ કાઉન્સિલર છે.

  એકનાથ શિંદેની છાપ કટ્ટર અને વફાદાર શિવસૈનિકની રહી છે. પાર્ટીના મોટા નેતા હોવાના કારણે પાર્ટીના મોટા કાર્યક્રમો આયોજિત કરવાની જવાબદારી પણ તેમને મળતી રહી છે. ઉપરાંત, શિવસેનાના મોટા ચહેરાઓમાં તેમનો સમાવેશ થતો રહ્યો છે. 

  સીએમ બનતા-બનતા રહી ગયા હતા 

  વર્ષ 2019માં ચૂંટણી પરિણામો બાદ શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન તોડીને એનસીપી અને શિવસેના સાથે હાથ મિલાવ્યા બાદ એ તો નક્કી હતું કે તેઓ ત્રણેય મળીને સરકાર બનાવશે, પરંતુ મુખ્યમંત્રી કોણ હશે તે નક્કી ન હતું. ત્યારે એકનાથ શિંદેનું નામ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને વિધાનસભામાં વિધાયક દળના નેતા પણ બનાવી દીધા હતા. પરંતુ ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદ માટે એનસીપી અને કોંગ્રેસ તરફથી દબાણ કરવામાં આવ્યું હતું અને જે બાદ ઉદ્ધવ સીએમ બન્યા હતા. કહેવાય છે કે જો ઉદ્ધવ ઠાકરેએ સીએમ બનવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હોત તો આજે એકનાથ શિંદે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હોત.

  એકનાથ શિંદે કઈ બાબતને લઈને નારાજ?

  એકનાથ શિંદે કઈ બાબતને લઈને નારાજ છે તેનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવી શક્યું નથી. ક્યાંક કહેવાય છે કે તેઓ એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનથી નારાજ છે. તો ક્યાંક આદિત્ય ઠાકરેના વધતા કદના કારણે પણ તેઓ નારાજ હોવાનું કહેવાય છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેના વધતા પ્રભાવના કારણે તેમણે બળવો કર્યો હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. જોકે, સાચું કારણ તો તેઓ કહે ત્યારે જ જાણવા મળશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં