Friday, December 6, 2024
More
    હોમપેજક્રાઈમખાલિસ્તાની આતંકી પન્નુની ધમકીના પગલે બ્રેમ્પ્ટન મંદિરના ઘણા કાર્યક્રમો રદ્દ: ભારતે કહ્યું-...

    ખાલિસ્તાની આતંકી પન્નુની ધમકીના પગલે બ્રેમ્પ્ટન મંદિરના ઘણા કાર્યક્રમો રદ્દ: ભારતે કહ્યું- અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે થઇ રહ્યા છે ‘આતંકી કૃત્યો’

    અગાઉ SFJના ચીફ ગુરપતવંત સિંઘ પન્નુએ એક વિડીયો બહાર પાડીને એવી ધમકી આપી હતી કે 16, 17 નવેમ્બરે ખાલિસ્તાનીઓ અયોધ્યા રામ મંદિર સહિત ઘણા હિંદુ મંદિરોને નિશાનો બનાવશે.

    - Advertisement -

    કેનેડામાં બ્રેમ્પ્ટન ત્રિવેણી સામુદાયિક કેન્દ્રએ (Brampton Triveni Community Centre) રવિવારે ભારતીય કોન્સ્યુલેટ દ્વારા આયોજિત જીવન પ્રમાણપત્ર વિતરણ સમારોહ રદ્દ (Life Certificate Event Cancel) કર્યો હતો. ખાલિસ્તાની તરફી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) એ કેનેડામાં હિંદુ મંદિરોની બહાર ‘હિંસક વિરોધ’ પ્રદર્શન કરવાની ધમકી (Treat) આપી હતી જેના પગલે મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમો અંતર્ગત ભારતીય મૂળના હિંદુઓ અને શીખો માટે જરૂરી જીવન પ્રમાણપત્ર રિન્યુઅલ મેળવવા માટે 17 નવેમ્બરના રોજ કોન્સ્યુલર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ખાલિસ્તાની ધમકીના પગલે આ કાર્યક્રમો રદ્દ કર્યા મામલે બ્રેમ્પ્ટન ત્રિવેણી સામુદાયિક કેન્દ્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કૃપા કરીને નોંધ કરો કે ભારતીય કોન્સ્યુલેટ દ્વારા બ્રેમ્પટન ત્રિવેણી મંદિર ખાતે નવેમ્બર 17, 2024 ના રોજ નિર્ધારિત જીવન પ્રમાણપત્ર કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.” બ્રેમ્પટન ત્રિવેણી સામુદાયિક કેન્દ્રએ એમ પણ જણાવ્યું હતું કે સ્થાનિક પીલ પોલીસ સ્ટેશને એવી ગુપ્ત માહિતી આપી હતી કે કાર્યક્રમ દરમિયાન ‘હિંસક વિરોધ’ થવાનું જોખમ છે.

    પોલીસને સુરક્ષા સુનિશ્ચિત કરવા કરી હાકલ

    મંદિર પ્રશાસને કહ્યું, “અમે સમુદાયના તમામ સભ્યોની માફી માંગીએ છીએ જેઓ આ ઘટના પર નિર્ભર હતા. અમે ખૂબ જ દુઃખી છીએ કે કેનેડાના લોકો હવે કેનેડાના હિંદુ મંદિરોની મુલાકાત લેવા માટે અસુરક્ષા અનુભવે છે. અમે પીલ પોલીસને બ્રેમ્પટન ત્રિવેણી મંદિરને આપવામાં આવી રહેલી ધમકીઓનો જવાબ આપવા અને કેનેડિયન હિંદુ સમુદાય તથા સામાન્ય જનતાને સુરક્ષાની બાંયધરી આપવા માટે હાકલ કરીએ છીએ.”

    - Advertisement -

    વિડીયો બહાર પાડી આપી હતી ધમકી

    નોંધનીય છે કે કેનેડાના બ્રેમ્પ્ટનમાં 16 અને 17 નવેમ્બરે ભારતીય રાજદ્વારીઓ અને મોદી સરકારના સમર્થકો વિરુદ્ધ હિંદુ મંદિરોની બહાર દેખાવો થવાની આશંકાઓ છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ SFJના ચીફ ગુરપતવંત સિંઘ પન્નુએ એક વિડીયો બહાર પાડીને એવી ધમકી આપી હતી કે 16, 17 નવેમ્બરે ખાલિસ્તાનીઓ અયોધ્યા રામ મંદિર સહિત ઘણા હિંદુ મંદિરોને નિશાનો બનાવશે.

    આ મામલો સામે આવ્યા બાદ જસ્ટિન ટ્રુડોની આગેવાની હેઠળની સરકાર પર નિશાન સાધતા, ભારતે કહ્યું હતું કે “કેનેડા સરકાર આ ધમકીઓને અવગણીને આરામ ન કરી શકે. અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આ તમામ પ્રવૃત્તિઓ બીજું કઈ નહીં પરંતુ ‘આતંકી કૃત્યો’ છે. કેનેડાની સરકાર અગાઉના હુમલાઓની તપાસ છુપાવી રહી છે. આ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં ઇરાદાપૂર્વકની રાજદ્વારી નિષ્ફળતા રહી છે.”

    ઉલ્લેખનીય છે કે આ ધમકીઓ પહેલા પણ 3 નવેમ્બરે ખાલિસ્તાની સમર્થકોએ બ્રેમ્પ્ટનમાં હિંદુ સભા મંદિરમાં કોન્સ્યુલર કેમ્પ પર હુમલો કર્યો હતો, જેના કારણે ત્યાં હિંસા થઈ હતી. આ હિંસક અથડામણ સામે પીલ પોલીસે કાર્યવાહી કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હિંસક અથડામણની નિંદા કરીને ઘટનાને ભારતીય રાજદ્વારીઓને ડરાવવાનો કાયર પ્રયાસ ગણાવ્યો હતો. તથા કેનેડિયન સત્તાધીશોને સુરક્ષા અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે ઝડપી પગલાં લેવાની અપીલ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં