Wednesday, December 4, 2024
More
    હોમપેજગુજરાતપ્રકૃતિના સાનિધ્યમાં શરૂ થાય છે પ્રદક્ષિણા, ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો ઇતિહાસ: જાણો...

    પ્રકૃતિના સાનિધ્યમાં શરૂ થાય છે પ્રદક્ષિણા, ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો ઇતિહાસ: જાણો કેમ કરવામાં આવે છે ગિરનારની લીલી પરિક્રમા, જે ધાર્મિક મહત્વ સાથે પર્યાવરણની સુરક્ષાનો પણ આપે છે સંદેશ

    ગિરનારની લીલી પરિક્રમા પ્રકૃત્તિ સાથેની ઐક્યતાનો સંદેશ આપે છે. ધરતી પરના તમામ જીવો એક છે અને ગરવો ગઢ ગિરનાર (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તરીકે ગુરુ દત્તાત્રેય) તમામ જીવોનું ઉદ્ગમસ્થાન છે, આ ભાવનાનું ભાથું લઈને માણસોની સાથે પ્રાણીઓ પણ તેમાં સહભાગી બને છે.

    - Advertisement -

    હિંદુ વૈદિક ધર્મમાં પરિક્રમાનું મહત્વ અનેક ગ્રંથોમાં વર્ણવાયું છે. દેવ પરિક્રમાની સાથે-સાથે પ્રકૃતિની પરિક્રમા વિશે પણ અનેક રસપ્રદ કથનો હિંદુ ધર્મશાસ્ત્રોમાં મળી આવે છે. વૈદિક ધર્મ દ્રઢપણે માને છે કે, પરિક્રમા અને પ્રદક્ષિણા બ્રહ્માંડનો અતૂટ નિયમ છે. દરેક તત્વ કોઈ અન્ય સ્ત્રોતની પ્રદક્ષિણા કરતું રહે છે. જેમ કે- પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની. તે જ રીતે મનુષ્ય પણ તેમાંથી બાકાત નથી. વૈદિક ધર્મમાં અનેક પ્રદક્ષિણાઓ અને પરિક્રમા વિશેની માહિતી મળી આવે છે. પરંતુ બે પરિક્રમા આજે પણ અખંડ અને અકબંધ છે. જે પૈકીની એક છે મા નર્મદાની પરિક્રમા (Narmada Parikrama) અને બીજી છે ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમા (Girnar ni Lili Parikrama).

    મા નર્મદાની પરિક્રમા વિશે અનેક દંતકથાઓ અને લોકવાયકાઓ પ્રચલિત છે. પરંતુ, ગિરનારની પરિક્રમા વિશે પ્રમાણે ઓછી માહિતી ઉપલબ્ધ છે. માન્યતા છે કે ગિરનારની પરિક્રમા કરવાથી 33 કોટિ દેવતાઓના આશિષ પ્રાપ્ત થાય છે. ગરવા ગઢ ગિરનારની તળેટીથી આ પરિક્રમા શરૂ થાય છે, જે સતત સાડા ત્રણ દિવસ સુધી ચાલે છે. આજે તો શ્રદ્ધાળુઓની સંખ્યાને લઈને તેની સમય અવધિ 5 કે 6 દિવસ સુધી વિસ્તારિત કરવામાં આવી છે. પરંતુ તેની સાથે જોડાયેલો દિવ્ય અને ભવ્ય ઇતિહાસ દિનપ્રતિદિન શ્રદ્ધાળુઓમાં નોંધપાત્ર વધારો કરી રહ્યો છે. જેના કારણે આગળ જતાં હજુ પણ સમય અવધિ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

    ક્યારે શરૂ થાય છે પરિક્રમા?

    ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાં શ્રદ્ધાળુઓ એકાદશીના પવિત્ર દિવસે દામોદર કુંડમાં સ્નાન કરીને દામોદરજીના દર્શન કરે છે. ત્યારબાદ ભવનાથ મહાદેવ અને દૂધેશ્વર મહાદેવના દર્શન કરીને ગિરનારની તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રિએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. ‘જય ગિરનારી’ અને ‘અલખ નિરંજન’ના ગગનભેદી નાદ સાથે ગિરનારની પરિક્રમાની શરૂઆત થાય છે. દિવાળી બાદ યોજાતી આ પવિત્ર પરિક્રમા લોકોને પ્રકૃત્તિ સાથે જોડાયેલા રહેવાનો ઈશ્વરીય સંદેશ આપે છે. તે સંદેશ જે, આજથી 5 હજાર વર્ષો પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણએ આપ્યો હતો.

    - Advertisement -

    શા માટે કહેવાય છે ‘લીલી’ પરિક્રમા?

    આ પ્રશ્નનો ઉત્તર જાણવા માટે ઑપઇન્ડિયાએ ભાવનગરના શિક્ષણાધિકારી વિશાલભાઈ રાજ્યગુરુનું સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વર્ષાઋતુ પૂર્ણ થયા બાદ તરત જ ગિરનારની પરિક્રમા કરવામાં આવે છે. જેના કારણે ગિરનારની તળેટીમાં ચોતરફ હરિયાળી જોવા મળે છે. અનેક પ્રકારની વનસ્પતિઓ અને ઔષધિઓથી ગિરનારની ધરતી પર એક લીલા રંગની ચાદર પથરાયેલી જોવા મળે છે. એવું કહેવાય છે કે, પ્રકૃત્તિ સ્વયં દાતાર ગિરનારની આરાધના કરે છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન તે હરિયાળી અને પ્રકૃત્તિ માણસોના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી ગણાય છે. તેથી આ પરિક્રમાને લીલી પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે, જેનો એકમાત્ર ઈશ્વરીય સંદેશ તે છે કે- પ્રકૃત્તિનું જતન કરો અને તેમાં પણ ઈશ્વરના અસ્તિત્વને પારખો.

    ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો છે ઇતિહાસ

    ગિરનારની લીલી પરિક્રમાનું મહત્વ હિંદુ ધર્મશાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર, પ્રત્યેક વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન એક વખત ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કરવી જરૂરી છે. આ પરિક્રમા કરવાથી પ્રત્યેક જીવને 33 કોટિ દેવતાઓના આશિષ મળે છે. આ ઉપરાંત આ પરિક્રમાનો મૂળ ઇતિહાસ ભગવાન શ્રીકૃષ્ણ સાથે પણ જોડાયેલો છે. વૈદિક સાહિત્ય અનુસાર, ગિરિરાજ ગિરનાર વિશ્વનો સૌથી પ્રાચીન પર્વત છે, તે હિમાલય કરતાં પણ અનેકો વર્ષો પ્રાચીન છે. જેના પર ગુરુ દત્તાત્રેયનો વાસ છે. ગુરુ દત્તાત્રેય માતા અનસૂયાના પુત્ર અને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશના સંયુક્ત અવતાર હતા. પ્રાચીન પર્વત અને ગુરુ દત્તાત્રયના સ્થાનકના લીધે તેનું મહત્વ પણ ખૂબ વધી જાય છે.

    1008 શ્રીમહામંડળેશ્વર રમજૂબાપુએ ઑપઇન્ડિયાને ગિરનારની પરિક્રમા સાથે જોડાયેલો ઇતિહાસ જણાવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, ગિરનારની સૌપ્રથમ પરિક્રમા ભગવાન શ્રીકૃષ્ણએ કરી હતી. પૌરાણિક માન્યતા અનુસાર, કારતક સુદ એકાદશીના દિવસથી ભગવાન શ્રીકૃષ્ણએ દાતાર ગિરનારની પરિક્રમા કરી હતી અને પ્રકૃત્તિના સાનિધ્યમાં રહીને અનેક લીલાઓ કરી હતી. આ ઉપરાંત તેમણે પ્રકૃત્તિના જતનનો બોધ પણ આપ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણએ પૂર્ણિમાના દિવસે પરિક્રમા પૂર્ણ કરી હતી.

    ફોટો: (Gujarat First)

    પરિક્રમા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના દર્શન અને તેમની આરાધના માટે 33 કોટિ દેવતાઓએ પણ ગિરનારની પરિક્રમા કરી હતી. ત્યારથી લઈને આજ સુધી આ પરિક્રમા અખંડ રહી છે. જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણના સ્વચરણોથી ગરવો ગઢ ગિરનાર વધુ ઉત્તમ અને પવિત્ર બન્યો હતો. તેથી આજે પણ આ સમયગાળા દરમિયાન દાતાર ગિરનારની લીલી પરિક્રમા કરવામાં આવે છે. દેશભરમાંથી લાખો લોકો આ સમયગાળામાં ગિરનારની ભવ્ય પરિક્રમા કરે છે. લોકવાયકા એવી છે કે, આજે પણ ભગવાન શ્રીકૃષ્ણ આ સમયગાળા દરમિયાન પરિક્રમા કરે છે અને 33 કોટિ દેવતાઓ પણ તેમની સાથે હોય છે. જેના કારણે આ પરિક્રમા વિશેષ રીતે આસ્થા, આદ્યાત્મ અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વની માનવામાં આવે છે.

    ગિરના જંગલોમાં પરિક્રમા, છતાં નથી નોંધાઈ કોઈ જાનહાનિ

    ગિરનારની લીલી પરિક્રમા પ્રકૃત્તિ સાથેની ઐક્યતાનો સંદેશ આપે છે. ધરતી પરના તમામ જીવો એક છે અને ગરવો ગઢ ગિરનાર (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તરીકે ગુરુ દત્તાત્રેય) તમામ જીવોનું ઉદ્ગમસ્થાન છે, આ ભાવનાનું ભાથું લઈને માણસોની સાથે પ્રાણીઓ પણ તેમાં સહભાગી બને છે. સહભાગી થવું એટલે પરિક્રમામાં બધારૂપ ન બનવું. કારતક સુદ એકાદશીથી પૂર્ણિમા સુધીના સમયગાળા દરમિયાન ગિરની તળેટીમાં વસવાટ કરતા હિંસક પ્રાણીઓ, જેવા કે સિંહ, દીપડા વગેરે સ્થળાંતર કરી જાય છે. તેમ છતાં પરિક્રમા દરમિયાન એકલ-દોકલ પ્રાણી દેખાઈ આવે છે, પરંતુ આજ સુધીનો ઇતિહાસ છે કે, તેણે ક્યારેય મનુષ્ય પર હુમલો નથી કર્યો.

    મહામંડળેશ્વર રમજૂબાપુએ જણાવ્યું છે કે, ગત વર્ષે એટલે કે 2023માં એક ઘટના બનવા પામી હતી, જેમાં દીપડાએ એક યુવતી પર હુમલો કરી દીધો હતો. પરંતુ, તેનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે, તે યુવતી પવિત્ર ધાર્મિક પરિક્રમા દરમિયાન માંસાહાર પકાવી રહી હતી. જેની ગંધના કારણે હિંસક પ્રાણી તે તરફ આકર્ષાયું હતું. આ ઉપરાંત આ યાત્રા દરમિયાન માંસાહર કરવું અથવા તો પકાવવું પણ વર્જિત હતું. તેમ છતાં માત્ર બાહરી આનંદ મેળવવા માટે તે યુવતીએ માંસાહાર પકાવ્યું હતું. તે એક ઘટના સિવાય આજ સુધી ક્યારેય પણ કોઈ હિંસક પ્રાણીએ હુમલો કર્યો હોય તેવી એક પણ ઘટના બનવા પામી નથી.

    અખંડ ચાલતા રહે છે સદાવ્રત

    ગિરનારની સમગ્ર પરિક્રમા લગભગ 36 કિલોમીટર આસપાસ હોય છે. તેમાં ડુંગરાઓના ખોળા ખૂંદીને ચડાણ કરવું અનિવાર્ય છે. તેથી આ પરિક્રમાને ખૂબ કઠિન પણ ગણવામાં આવે છે. દર વર્ષે આવતા લાખો લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવે છે. 36 KMના રૂટ પર દર 500 મીટરના અંતરે સદાવ્રત ચાલતું હોય છે. સદાવ્રત એટલે ભગવાનની સેવાના ભાગરૂપે તમામ પરિક્રમાવાસીઓને નિઃશુલ્ક ભોજન કરાવવું. સદાવ્રતમાં શુદ્ધ શાકાહારી ભોજન ભરપેટ જમાડવામાં આવે છે અને પરિક્રમાવાસીઓની સેવા પણ કરવામાં આવે છે.

    સદાવ્રતમાં સેવા આપતા સ્વયંસેવકો (ફોટો: News18)

    સદાવ્રતની જગ્યામાં જ ગાદલાં અને તકિયા પણ રાખવામાં આવે છે, જેથી કોઈ પરિક્રમાવાસી ખુલ્લા આકાશમાં પ્રકૃત્તિના સાનિધ્યમાં રાત્રિરોકાણ કરી શકે અથવા તો વિસામો પણ લઈ શકે. સૌરાષ્ટ્રના લગભગ તમામ સંતો પરિક્રમા દરમિયાન સદાવ્રત શરૂ કરે છે અને 5 કે 6 દિવસ સુધી સતત સદાવ્રત ચાલતું રહે છે. તેમાં સવારના ચા-નાસ્તાથી લઈને રાત્રિભોજની વ્યવસ્થા પણ ઉત્તમ રીતે કરવામાં આવે છે.

    એવી માન્યતા છે કે પરિક્રમાવાસીઓ ખૂબ પવિત્ર કાર્ય માટે નીકળ્યા છે, તેથી તેમની સેવા પણ ઈશ્વરસેવા ગણાય છે. તે સિવાય જે પરિક્રમાવાસીઓ પોતે જ ભોજન બનાવવા માટેની સામગ્રી સાથે લઈને આવ્યા હોય તો તેઓ જાતે પણ ગિરનારની તળેટીમાં ભોજન બનાવીને પરિવાર સાથે જમી શકે છે. તે માટેની વ્યવસ્થા પણ સેવાભાવીઓ અને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં