હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિવૈદ્યનાથ જ્યોતિર્લિંગ: રાવણની તીવ્ર ભક્તિ અને પરમ તત્વ શિવનું ‘વૈદ્યનાથ’ સ્વરૂપ

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ: રાવણની તીવ્ર ભક્તિ અને પરમ તત્વ શિવનું ‘વૈદ્યનાથ’ સ્વરૂપ

રાવણે શિવને મેળવવા માટે પોતાના મસ્તક અર્પણ કર્યાં હતાં, વૈદ્યનાથની કથા આપણને એથી પણ આગળ લઈ જાય છે કે અંતે અર્પણ થવાનું મસ્તક નહીં, પરંતુ મસ્તકમાંથી ઊભો થતો અહંકાર છે અને જ્યારે એ ગાંઠ છૂટે છે, ત્યારે ઉપચાર માત્ર શરીરનો રહેતો નથી, આખું અસ્તિત્વ શિવ તરફ વળે છે.

- Advertisement -

રાવણનું નામ સાંભળતાં જ આપણા મનમાં સામાન્ય રીતે એક એવું પાત્ર ઊભું થાય છે, જેનાં જ્ઞાન, પરાક્રમ અને શક્તિની સાથે તેનો અહંકાર પણ એટલો જ મોટો હતો. પરંતુ શિવપુરાણમાં આવતો વૈદ્યનાથ જ્યોતિર્લિંગનો પ્રસંગ રાવણને માત્ર લંકાના રાજા કે રામાયણના ખલનાયક તરીકે જોવાની બહાર લઈ જાય છે. અહીં એ જ રાવણ એક એવી તીવ્રતા સાથે શિવની ઉપાસના કરતો દેખાય છે કે પોતાની સાધનાની કોઈ સીમા બાકી રહેતી નથી. કથા આપણને તેના બાહ્ય પરાક્રમથી નહીં, પરંતુ તેની આંતરિક તીવ્રતા સાથે મળાવે છે અને એ જ તીવ્રતાની વચ્ચે શિવનું એક એવું સ્વરૂપ પ્રગટે છે, જેને ‘વૈદ્યનાથ’ કહે છે.

જ્યારે તપસ્યા પણ પોતાની સીમા વટાવી જાય

શિવ મહાપુરાણ અનુસાર રાવણે કૈલાસ પર શિવની ભક્તિપૂર્વક ઉપાસના શરૂ કરી. લાંબા સમય સુધી ઉપાસના કરવા છતાં શિવ પ્રસન્ન ન થયા, ત્યારે રાવણે વધુ કઠોર તપસ્યાનો આશ્રય લીધો. હિમાલયના દક્ષિણ ભાગમાં સિદ્ધિપ્રદ માનવામાં આવતા એક સ્થળે તેણે ખાડો ખોદ્યો, તેમાં અગ્નિ પ્રગટાવ્યો અને શિવની ઉપાસના શરૂ કરી. ઉનાળામાં પંચાગ્નિ વચ્ચે ઊભો રહેતો, વરસાદમાં ખુલ્લી ધરતી પર રહેતો અને શિયાળામાં જળમાં રહીને તપ કરતો. છતાં શિવ પ્રગટ ન થયા.

અહીં રાવણની તપસ્યાને માત્ર કઠિન સાધના તરીકે જોવી સરળ વાત છે, પરંતુ કથાની અંદર એક વધુ સૂક્ષ્મ તણાવ ચાલી રહ્યો છે. રાવણ પાસે શક્તિ હતી, જ્ઞાન હતું, સાધના કરવાની ક્ષમતા હતી અને અડગ સંકલ્પ પણ હતો. છતાં તેને જે જોઈતું હતું તે મળતું નહોતું. જાણે બહારની બધી શક્તિઓ પોતાની મર્યાદા સુધી પહોંચી ગઈ હતી અને હવે સાધકને પોતાની જ સીમા સામે ઊભા રહેવું હતું.

- Advertisement -

રાવણે અંતે પોતાના શરીરને જ સાધન બનાવી દીધું. તેણે એક પછી એક પોતાના મસ્તક કાપીને શિવને અર્પણ કરવાના શરૂ કર્યાં. નવ મસ્તક અર્પણ થઈ ગયાં અને દસમું મસ્તક અર્પણ કરવાની તૈયારી હતી ત્યારે શિવ પ્રગટ થયા. શિવે તેનાં કપાયેલાં મસ્તકો ફરીથી એવી રીતે જોડી દીધાં કે તેને કોઈ પીડા થઈ નહીં અને તેની તપસ્યાથી પ્રસન્ન થઈને તેને ઇચ્છિત વરદાન તથા અદ્વિતીય શક્તિ આપી. શિવપુરાણ આ પ્રસંગે વિશેષ રીતે કહે છે કે શિવે તેનાં મસ્તકો ફરી જોડ્યાં, જાણે કોઈ વૈદ્ય ઉપચાર કરતો હોય. અહીંથી વૈદ્યનાથ નામની પાછળનો એક અર્થાત્મક દરવાજો ખુલે છે.

‘વૈદ્ય’ માત્ર શરીરનો ઉપચાર કરનાર નથી

‘વૈદ્ય’ એટલે ચિકિત્સક, રોગનો ઉપચાર કરનાર. ‘નાથ’ એટલે સ્વામી. તેથી ‘વૈદ્યનાથ’ નામને સામાન્ય અર્થમાં વૈદ્યોના નાથ અથવા ચિકિત્સક સ્વરૂપે રહેલા શિવ તરીકે સમજવામાં આવે છે. પરંતુ જો આપણે આ નામને માત્ર શરીરના રોગ સુધી સીમિત રાખીએ તો શિવના આ સ્વરૂપની દાર્શનિક ઊંડાઈનો મોટો ભાગ હાથમાંથી સરકી જાય છે.

ભારતીય દર્શનમાં રોગની કલ્પના માત્ર શરીર સાથે જોડાયેલી નથી. શરીર બીમાર પડે છે, મન અસ્વસ્થ થાય છે, પરંતુ માણસના અસ્તિત્વમાં એક એવો પણ રોગ છે જે બહારથી દેખાતો નથી. પોતાના સાચા સ્વરૂપનું અજ્ઞાન. માણસ જે નથી તેને પોતાનું સ્વરૂપ માની લે અને જે ખરેખર છે તેને ઓળખી ન શકે, ત્યાંથી બંધનની શરૂઆત થાય છે. દેહને ‘હું’ માનવો, મનના વિચારોને ‘હું’ માનવા, પદ અને પ્રતિષ્ઠાને ‘હું’ માનવાં, પોતાની શક્તિને જ પોતાની અંતિમ ઓળખ માની લેવી, આ બધું અવિદ્યાના અલગ-અલગ આવરણો છે.

એટલે વૈદ્યનાથને માત્ર રોગ મટાડતા શિવ તરીકે નહીં, પરંતુ અસ્તિત્વના મૂળ રોગનો ઉપચાર કરનારા પરમ તત્વ તરીકે જોઈ શકાય છે. શરીરનો ઘાવ દવાથી સાજો થઈ શકે છે, પરંતુ અહંકાર, અજ્ઞાન અને આસક્તિના ઘાવ માટે દવા અલગ છે. ત્યાં ઉપચાર જ્ઞાનનો છે, ચેતનાની ઓળખનો છે. આ દૃષ્ટિએ રાવણના મસ્તકનો પ્રસંગ અચાનક વધારે અર્થસભર બની જાય છે.

મસ્તક અર્પણ થયું, પરંતુ અહંકારનું શું?

રાવણ પોતાનાં મસ્તક શિવને અર્પણ કરે છે. પુરાણકથામાં આ તેની ભક્તિની પરાકાષ્ઠા છે. પરંતુ પ્રતીકાત્મક રીતે મસ્તક માણસના અસ્તિત્વમાં માત્ર શરીરનો એક ભાગ નથી. વિચાર, બુદ્ધિ, ઓળખ, અભિમાન અને પોતાની જાત વિશેની ધારણા, આ બધું મસ્તક સાથે જોડાયેલું છે.

રાવણ પાસે અસાધારણ જ્ઞાન હતું. તે મહાન શિવભક્ત હતો. તેની તપસ્યા સામાન્ય સાધકની તપસ્યા નહોતી. છતાં આગળની કથામાં એ જ રાવણ પોતાની શક્તિના ગર્વથી ફરી ભરાઈ જાય છે. શિવ પાસેથી મળેલી શક્તિ પછી તે ત્રિલોક પર વિજય મેળવવાની ઇચ્છા વ્યક્ત કરે છે. એટલે મસ્તક શિવને અર્પણ થયું હોવા છતાં ‘હું’ સંપૂર્ણપણે ઓગળી ગયું એવું કહેવું યોગ્ય નથી. શરીરનું અર્પણ અને અહંકારનું વિસર્જન એક જ ઘટના નથી. આ ભેદ અત્યંત મહત્વનો છે.

સાધના માણસને શક્તિશાળી બનાવી શકે છે, જ્ઞાન તેને બુદ્ધિશાળી બનાવી શકે છે અને તપ તેને અસાધારણ ક્ષમતા આપી શકે છે, પરંતુ જો આ બધું ફરી ‘હું કેટલો મોટો છું’માં પાછું આવી જાય તો સાધનાની દિશા અધૂરી રહી જાય છે. ભારતીય દર્શનની ચિંતા અહીંથી શરૂ થાય છે, શક્તિ મળી એ અંતિમ સિદ્ધિ નથી, શક્તિનો સ્વામી કોણ છે તેની ઓળખ થવી એ વધારે ઊંડી વાત છે. આ જ કારણ છે કે રાવણની કથા આપણને એક જ સમયે ભક્તિ અને અહંકાર બંને બતાવે છે. તે શિવને પામી શકે છે, પરંતુ પોતાને સંપૂર્ણપણે વટાવી શકતો નથી.

ઉપનિષદ જ્યાં ‘રોગ’નું મૂળ બતાવે છે

કઠો ઉપનિષદ આત્માને સમજાવતાં એક અદભૂત વાક્ય કહે છે કે ‘અણોરણીયાન્ મહતો મહીયાન્’: ‘આત્મા અણુથી પણ સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન છે, તે દરેક જીવના હૃદયમાં રહેલો છે. પરંતુ તેને જોનાર તે છે જે ઇચ્છાઓથી મુક્ત અને શોકથી પર થઈ શકે.’

આ વાક્ય વૈદ્યનાથના તત્વને સમજવા માટે ખૂબ મહત્વનું બની શકે છે. માણસ પોતાની ઓળખ હંમેશા કોઈ માપથી નક્કી કરવા માગે છે. હું મોટો કે નાનો, શક્તિશાળી કે નબળો, સફળ કે અસફળ, જ્ઞાની કે અજ્ઞાની. પરંતુ આત્મા માટે આમાંથી કોઈ માપ લાગુ પડતું નથી. જે તત્વ અણુથી પણ સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન છે તેને બાહ્ય સિદ્ધિઓથી માપી શકાય નહીં.

રાવણની આખી યાત્રા જાણે આ જ દ્વંદ્વને પોતાના સ્વરૂપમાં લઈને ચાલે છે. તે બહારથી અસાધારણ બનવા માગે છે, પરંતુ શિવ જે તત્વનું પ્રતિનિધિત્વ કરે છે તે કોઈ બાહ્ય મહત્તાથી નાનું-મોટું થતું નથી. રાવણને શક્તિ મળે છે, પરંતુ શિવત્વ શક્તિથી પ્રાપ્ત થતું નથી. શિવને પ્રસન્ન કરી શકાય છે, વરદાન મેળવી શકાય છે, પરંતુ આત્મતત્વને વરદાન તરીકે મેળવી શકાતું નથી, તેને ઓળખવાનું હોય છે. અહીં ‘વૈદ્ય’નો અર્થ શરીરના ઉપચારથી આગળ વધીને અસ્તિત્વની આ ભૂલનો ઉપચાર કરનાર બને છે.

હૃદયની ગાંઠ છૂટે ત્યારે ઉપચાર પૂર્ણ થાય

મુંડક ઉપનિષદ આત્મજ્ઞાનના પરિણામને એક અત્યંત સુંદર રૂપકમાં વ્યક્ત કરે છે. ‘હૃદયની ગાંઠ’ છૂટી જાય છે. પરમ તત્વનું દર્શન થાય ત્યારે હૃદયની ગાંઠ તૂટે છે, સંશયો દૂર થાય છે અને કર્મબંધનની સ્થિતિ બદલાય છે. આ ‘હૃદયની ગાંઠ’ને અવિદ્યા, કામના અને આસક્તિના બંધન તરીકે સમજવામાં આવે છે. માણસ બહારથી કેટલો પણ શક્તિશાળી હોય, અંદર જો પોતાની ઓળખ વિશે ગૂંચવણ હોય તો તેની શક્તિ તેને મુક્ત કરતી નથી. વિપરીત રીતે, તે જ શક્તિ તેને વધુ બંધનમાં પણ નાખી શકે છે.

રાવણનું પાત્ર આ વિરોધાભાસને અસાધારણ રીતે વ્યક્ત કરે છે. શિવની ભક્તિમાં તે પોતાની સીમા સુધી જાય છે, શિવ પાસેથી શક્તિ મેળવે છે અને છતાં એ શક્તિના ગર્વમાં ફરી બંધાઈ જાય છે. એટલે વૈદ્યનાથની કથા આપણને માત્ર એ નથી કહેતી કે શિવ ભક્તના ઘાવ સાજા કરે છે, તે એક વધુ કઠિન પ્રશ્ન આપણી સામે મૂકે છે કે જો શરીર સાજું થઈ જાય, શક્તિ મળી જાય, સંપત્તિ મળી જાય અને ઇચ્છાઓ પૂર્ણ થઈ જાય તો શું માણસ ખરેખર સ્વસ્થ થઈ ગયો? દર્શનનો જવાબ છે હજુ નહીં. જ્યાં સુધી પોતાના સાચા સ્વરૂપનું અજ્ઞાન છે ત્યાં સુધી મૂળ રોગ બાકી છે.

શિવનું વૈદ્યત્વ અને જ્ઞાનનો ઉપચાર

શિવપુરાણની કથામાં શિવ રાવણનાં મસ્તકો ફરી જોડે છે અને પછી રાવણ તેમની પાસેથી લિંગ લંકા લઈ જવાની ઇચ્છા વ્યક્ત કરે છે. શિવ તેને પોતાનું લિંગ લઈ જવાની અનુમતિ આપે છે, પરંતુ શરત મૂકે છે કે જ્યાં તે ભૂમિ પર મૂકવામાં આવશે ત્યાં તે સ્થિર થઈ જશે. માર્ગમાં રાવણને લિંગ એક ગોવાળિયાને સોંપવું પડે છે, થોડા સમય પછી તે લિંગ ભૂમિ પર મૂકાય છે અને ત્યાં જ સ્થિર થઈ જાય છે. દેવો અને ઋષિઓ ત્યાં આવી તેની પ્રતિષ્ઠા કરે છે અને તેનું નામ વૈદ્યનાથેશ્વર પડે છે. શિવપુરાણ આ જ જ્યોતિર્લિંગને ભોગ અને મોક્ષ બંનેના પ્રદાતા તરીકે વર્ણવે છે.

આ પ્રસંગમાં એક સુંદર દાર્શનિક વળાંક છે. રાવણ શિવને પોતાની સાથે લંકા લઈ જવા માગે છે, પરંતુ શિવ કોઈ એક વ્યક્તિની માલિકી બનીને જતા નથી. જ્યોતિર્લિંગ માર્ગમાં જ સ્થિર થઈ જાય છે. જાણે પરમ તત્વને પોતાની ઇચ્છા મુજબ કબજે કરી શકાય નહીં, તેને પોતાના જીવનની કોઈ એક જગ્યા, કોઈ એક સામ્રાજ્ય કે કોઈ એક અહંકારની મિલકત બનાવી શકાય નહીં.

રાવણને શિવની શક્તિ મળે છે, પરંતુ શિવ પોતે તેની માલિકી બની જતા નથી. આ ભેદ ભક્તિ અને આધ્યાત્મિકતાની વચ્ચેની રેખા સમજાવે છે. ભક્તિનો અર્થ પરમ તત્વને પોતાની ઇચ્છા પૂર્ણ કરાવવાનું સાધન બનાવવો નથી. ભક્તિનો ઊંડો અર્થ એ છે કે પોતાની ઇચ્છા ધીમે-ધીમે પરમ તત્વ સામે પારદર્શક થતી જાય.

વૈદ્યનાથ: રાવણની કથાથી આત્મચિકિત્સા સુધી

વૈદ્યનાથ જ્યોતિર્લિંગની કથા બે સ્તરે ચાલે છે. એક સ્તરે તે રાવણની અદમ્ય ભક્તિ, તેની કઠોર તપસ્યા, મસ્તક અર્પણ અને શિવના પ્રાગટ્યની પુરાણકથા છે. બીજા સ્તરે એ માણસના પોતાના આંતરિક જીવનનું પ્રતિબિંબ બની જાય છે. આપણે પણ જીવનમાં અનેક પ્રકારની તપસ્યા કરીએ છીએ. સફળતા માટે મહેનત કરીએ છીએ, જ્ઞાન માટે અભ્યાસ કરીએ છીએ, શક્તિ માટે સંઘર્ષ કરીએ છીએ, પ્રતિષ્ઠા માટે દોડીએ છીએ. આ બધું જરૂરી હોય શકે છે. પરંતુ આ બધાની વચ્ચે જો ‘હું’ની ગાંઠ વધુ મજબૂત થતી જાય તો બહારથી મળેલી દરેક સિદ્ધિ અંદરના રોગને ઢાંકી શકે છે, સાજો નહીં કરી શકે.

વૈદ્યનાથનું શિવત્વ અહીં એક અલગ અર્થ આપે છે. શિવ એ એવા વૈદ્ય છે જે માત્ર ઘાવ પર પટ્ટી નથી બાંધતા, તેઓ માણસને એ બિંદુ સુધી લઈ જાય છે જ્યાં તેને સમજાય કે ઘાવનું મૂળ ક્યાં હતું. દેહ બદલાય છે, મન બદલાય છે, વિચાર બદલાય છે, શક્તિ આવે છે અને જાય છે, પરંતુ આત્મતત્વ આ પરિવર્તનોનું સાક્ષી બની રહે છે. કઠ ઉપનિષદનું ‘અણોરણીયાન્ મહતો મહીયાન્’ આ જ અપરિમેય આત્મતત્વ તરફ સંકેત કરે છે.

એટલે વૈદ્યનાથની યાત્રા અંતે રાવણથી શરૂ થઈને માણસના પોતાના અંતરમાં આવીને અટકે છે. બહારનો રોગ દેખાય છે, અંદરનો રોગ ઓળખવો પડે છે. બહારના ઘાવને ઔષધિ જોઈએ, અંદરના અહંકારને જ્ઞાન જોઈએ અને જ્યાં જ્ઞાન અવિદ્યાની ગાંઠ ખોલવા લાગે છે, ત્યાં શિવનું વૈદ્યત્વ પોતાની સૌથી ઊંડી અર્થવત્તા પ્રાપ્ત કરે છે.

વૈદ્યનાથ એટલે માત્ર રાવણને વરદાન આપનાર શિવ નહીં. વૈદ્યનાથ એટલે એ પરમ તત્વ, જે માણસને તેની પોતાની બનાવેલી ઓળખોની પીડામાંથી બહાર કાઢીને તેના મૂળ સ્વરૂપ સુધી પહોંચાડે છે. રાવણે શિવને મેળવવા માટે પોતાના મસ્તક અર્પણ કર્યાં હતાં, વૈદ્યનાથની કથા આપણને એથી પણ આગળ લઈ જાય છે કે અંતે અર્પણ થવાનું મસ્તક નહીં, પરંતુ મસ્તકમાંથી ઊભો થતો અહંકાર છે અને જ્યારે એ ગાંઠ છૂટે છે, ત્યારે ઉપચાર માત્ર શરીરનો રહેતો નથી, આખું અસ્તિત્વ શિવ તરફ વળે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં