વૈનડાઇક અને અન્ય યુક્રેની નાગરિકો મ્યાનમારમાં વિમાન પર થયેલા ડ્રોન હુમલામાં પણ સામેલ હતા: NIA

મેથ્યૂ વૈનડાઇક

માર્ચ 2026માં પકડાયેલા એક અમેરિકી અને છ યુક્રેનિયન નાગરિકો પાડોશી દેશ મ્યાનમારમાં થયેલા એક ડ્રોન હુમલામાં પણ સંડોવાયેલા હોવાનું નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જણાવ્યું છે. કોર્ટમાં દાખલ કરેલી એક અરજીમાં એજન્સીએ જેલમાં બંધ આરોપીઓમાંથી બેની પૂછપરછ કરવા માટે પરવાનગી માગી હતી, જેમાં આ બાબતનો ઘટસ્ફોટ થયો. એક આરોપી મેથ્યૂ વૈનડાઇક છે, જે અમેરિકી નાગરિક છે અને હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.

31 ઑગસ્ટે NIA સ્પેશિયલ કોર્ટે એજન્સીની અરજી મંજૂર રાખીને વૈનડાઇક સહિત બે આરોપીઓની પૂછપરછ કરવા માટે ગ્રીન સિગ્નલ આપ્યું હતું. કોર્ટે કહ્યું કે સામાન્ય રીતે અદાલતો તપાસ અને પૂછપરછના તબક્કામાં હસ્તક્ષેપ કરતી નથી અને એજન્સીને પૂછપરછ કરતી રોકવા માટેનું કોઈ કારણ પણ નથી. આરોપીઓના વકીલોએ દલીલ કરી હતી કે એજન્સી પાસે નવેસરથી પૂછપરછ કરવાનું કોઈ સ્પષ્ટ કારણ નથી, પણ કોર્ટે એ દલીલ ગ્રાહ્ય રાખી ન હતી.

એજન્સી હવે વૈનડાઇક અને એક યુક્રેની નાગરિકની જેલમાં પૂછપરછ કરશે. જેના માટે દુભાષિયાની પણ મદદ લેવામાં આવશે. આગામી અઠવાડિયે આ કેસમાં ચાર્જશીટ દાખલ થાય એવી શક્યતા છે.

અરજીમાં NIAએ જણાવ્યું છે કે તેમને પાસે વિશ્વસનીય સ્ત્રોતો પાસેથી માહિતી મળી છે કે પકડાયેલા યુક્રેની અને અમેરિકી નાગરિકો મ્યાનમારમાં એક વિમાન પર થયેલા ડ્રોન હુમલામાં પણ સંડોવાયેલા હતા.

એજન્સીએ જણાવ્યું કે આ તમામ ટૂરિસ્ટ વિઝા પર પહેલાં ભારત આવ્યા હતા. તમામ જુદી-જુદી તારીખે અને જુદાં-જુદાં સ્થળોએથી ભારત આવીને ગુવાહાટી પહોંચ્યા હતા અને ત્યાંથી કોઈ પણ પ્રકારના દસ્તાવેજ વગર (રિસ્ટ્રિક્ટેડ એરિયા પરમિટ) મિઝોરમ ગયા હતા અને ત્યાંથી ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં ઘૂસ્યા હતા.

મ્યાનમારમાં તેઓ હથિયારધારી વિદ્રોહી જૂથોને ડ્રોન ઑપરેશન, જેમિંગ ટેક્નોલોજી વગેરેની ટ્રેનિંગ આપી રહ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે મ્યાનમારમાં દાયકાઓથી અમુક વિદ્રોહી દળો સક્રિય છે. ફેબ્રુઆયર 2021માં સૈન્યએ તખ્તાપલટ કર્યા બાદ આ સશસ્ત્ર દળો મળીને સેના સામે લડી રહ્યાં છે અને આ ગૃહયુદ્ધમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે. આ દળોને મદદ કરવા માટે આ વિદેશી નાગરિકો મ્યાનમાર પહોંચ્યા હોવાની માહિતી છે.

એ પણ નોંધનીય છે કે ફેબ્રુઆરી 2026માં મ્યાનમાર નેશનલ એરલાઈન્સનું એક પેસેન્જર એરક્રાફ્ટ ટેક ઑફ બાદ ક્રેશ થઈ ગયું હતું. પછીથી જાણવા મળ્યું કે તેની ઉપર FPV સ્યુસાઇડ ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે NIAએ આ જ ચોક્કસ ઘટનામાં વિદેશી નાગરિકોની સંડોવણી વિશે જણાવ્યું છે કે કેમ તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.

મેથ્યૂ વૈનડાઇક કોણ છે

મેથ્યૂ વૈનડાઇક વિશે વાત કરીએ તો તે અમેરિકી નાગરિક છે અને જાણીતો છે. તે પોતાને સિક્યોરિટી એનાલિસ્ટ, વૉર કોરસપોન્ડન્ટ, ડોક્યુમેન્ટ્રી ફિલ્મમેકર ગણાવે છે. 2014માં તેણે સન્સ ઑફ લિબર્ટી ઇન્ટરનેશનલ નામનું એક સંગઠન સ્થાપ્યું હતું. એ ખાનગી સિક્યુરિટી કોન્ટ્રાક્ટિંગ કંપની છે અને દુનિયાભરમાં વિદ્રોહી જૂથોને હથિયારી તાલીમ આપવાનો દાવો કરે છે.

વૈનડાઇક 2011માં લિબિયાના ગૃહયુદ્ધ દરમ્યાન પણ લિબિયા ગયો હતો અને ઘટનાઓ ફિલ્માવી હતી. પછીથી સરકારે વિદ્રોહીઓને પકડીને જેલમાં નાખ્યા ત્યારે તે પણ જેલભેગો થયો હતો. લગભગ છ મહિના પછી બહાર આવ્યો હતો.

તેના સંગઠન SOLIએ ઇરાકમાં ISIS સામે લડતાં જૂથોને પણ તાલીમ આપી હતી. 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારબાદ વૈનડાઇક અને તેના માણસો ત્યાં પણ પહોંચ્યા હતા. તે અગાઉ અમેરિકી સેના સાથે પણ સંકળાયેલો રહી ચૂક્યો છે. તાજેતરમાં તેના પરિવારે વૈનડાઇકને ભારતમાંથી છોડાવવા માટે અમેરિકી સરકારના હસ્તક્ષેપની માંગ કરી હતી.

વૈનડાઇક ભારતમાં શું કરતો હતો અને મ્યાનમારમાં વિદ્રોહી જૂથોને તાલીમ આપવાનો રશિયા-યુક્રેન યુદ્ધ સાથે શું સંબંધ છે એ અહીંથી વાંચી શકાશે.