એક દાયકા કરતાં વધુ સમય થયો પણ આજે પણ આર્થિક-રાજકીય ક્ષેત્રનો એક ખાસ વર્ગ એ સ્વીકારી શકતો નથી કે વર્તમાન શાસનવ્યવસ્થા અર્થતંત્ર અને આર્થિક વિકાસની બાબતમાં અગાઉની સરકારો કરતાં ઘણું સારું કામ કરી શકે છે. તેઓ સીધી રીતે આ નકારી શકતા નથી કારણ કે આંકડાઓ તેમના પક્ષે નથી. આવા સંજોગોમાં જ્યારે પરિણામો પર સવાલો ન ઉઠાવી શકાય ત્યારે આંકડાઓ પર સવાલો ઉઠાવવાના શરૂ કરી દેવામાં આવે છે. જો આંકડાઓ પડકારવા કઠિન હોય તો ગણતરીની પદ્ધતિ પર સવાલ ઉઠાવાય છે અને એ પણ કામ ન કરે તો અન્ય કોઈ સવાલ લાવીને મૂકી દેવાય છે.
ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાનો (એપ્રિલથી જૂન) જીડીપી વૃદ્ધિ દર જાહેર થયો પછી આ જ થઈ રહ્યું છે. અર્થશાસ્ત્રીઓ અને અહીં સુધી કે આરબીઆઈના અનુમાન કરતાં પણ આંકડો અનેકગણો સારો રહ્યો. નૉમિનલ જીડીપી 10.3% અને રિયલ જીડીપી 7.8% નોંધાઈ.
સામાન્ય રીતે જોઈએ તો અર્થતંત્ર મજબૂતીથી આગળ વધી રહ્યું હોવાનો આ સ્પષ્ટ સંકેત છે અને એને એ જ રીતે જોવો જોઈએ. પણ આ આંકડાઓ શું દર્શાવે છે કે તેનાથી શું સાબિત થાય છે એની ચર્ચા કરવા કરતાં બહુ સિફતપૂર્વક ચર્ચાને એ દિશામાં વાળી દેવામાં આવી જેનાથી પ્રશ્ન એ થાય કે આંકડાઓ પહેલી નજરે જે દેખાય છે એવા નથી.
પહેલાં આંકડા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. ત્યારબાદ ગણતરીની પદ્ધતિ પર સવાલ ઉઠ્યા. ત્યારબાદ નવી જીડીપી સિરીઝ લાગુ કરવામાં આવી હોવાનો સંદર્ભ કાપી નાખીને સરકારે પાછલા વર્ષના આંકડામાં ગોલમાલ કરી હતી જેથી આ વર્ષનો વૃદ્ધિ દર વધુ દેખાય શકે એવો નરેટિવ પ્રસ્થાપિત કરીને વાસ્તવિક વિકાસ દર તો માત્ર 2.6% છે એવું તૂત ચલાવવામાં આવ્યું. જીડીપી વૃદ્ધિદરની ચર્ચા બાજુ પર રહી ગઈ અને 2.6%નો મુદ્દો હાવી થઈ ગયો.
જીડીપી-વૃદ્ધિ દરના આંકડા માત્ર અર્થવ્યવસ્થાના નંબર નહીં, સરકારનો રાજનીતિક રિપોર્ટ કાર્ડ
આર્થિક આંકડાઓની ચર્ચા કરવી, પ્રશ્નો કરવા અને તેના જવાબ મેળવવા– આમાં ખોટું કશું નથી. જીડીપી વૃદ્ધિદરની ગણના અને તેની પદ્ધતિ પર સ્વસ્થ ચર્ચા થવી જરૂરી છે અને થવી પણ જોઈએ. પણ આ તકનીકી બાબતોથી આગળ એક પ્રશ્ન બીજો આવે છે અને એ વધારે અગત્યનો છે.
દેશનો રાજનીતિક-આર્થિક ક્ષેત્રનો એક વર્ગ હજુ પણ કેમ સ્વીકારી શકતો નથી કે દેશ વાસ્તવમાં અપેક્ષા કરતાં વધુ પ્રદર્શન કરી શકે છે. કેમ આ કથિત બુદ્ધિજીવી વર્ગ કાયમ એ સાબિત કરવા બેચેન રહે છે કે દેશની પ્રગતિ એટલી બધી પણ નથી જેટલી દેખાય છે કે જેવી તે આંકડાઓ અને કાગળ પર જોવા મળે છે.
જવાબ શોધવા જઈએ ત્યારે રાજકારણ પણ આવે છે. કારણ કે હવે જીડીપી અને વૃદ્ધિદરના આંકડાઓ માત્ર અર્થવ્યવસ્થાના નંબર રહ્યા નથી. સરકાર માટે એ રાજનીતિક રિપોર્ટ કાર્ડ હોય છે.
વિકાસ દર મજબૂત હોય તો સરકારની આર્થિક નીતિઓ બરાબર કામ કરી રહી છે એ સાબિત થઈ જાય છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થાય તો એ સરકાર માટે ફાયદાકારક નીવડે છે કારણ કે ભૌતિક ચીજો આંખ સામે દેખાય છે. મેન્યુફેક્ચરિંગ વધે ત્યારે ‘મેક ઇન ઇન્ડિયા’ના નરેટિવને બળ મળે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થાન ઊંચું આવે ત્યારે પણ એ સરકાર માટે અને આખરે દેશ માટે ફાયદાકારક નીવડે છે. ટૂંકમાં કહીએ તો આંકડાઓ અને રાજકારણ બંને અલગ જોઈ શકાય નહીં. આંકડાઓ અનેક નરેટિવ સાધે છે.
એ જ કારણ છે કે સરકારની ટીકા ધીમેધીમે ભારતની પ્રગતિનો સીધો અસ્વીકાર કરવામાં જ તબદીલ થઈ રહી છે. કારણ કે આંકડાઓ સ્વીકારવામાં આવે તો એ પુરવાર થઈ જાય છે કે અર્થતંત્ર આગળ વધી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર બદલાઈ રહ્યું છે, લોકોના જીવનમાં બદલાવ આવી રહ્યો છે. સરકારની નીતિઓ કામ કરી રહી છે અને આ સ્વીકાર થાય તો આ બધી ઉપલબ્ધિઓનો શ્રેય સરકારને ગયા વગર રહે નહીં.
અસહજતા પાછળનું, બેચેની પાછળનું મૂળ કારણ આ છે.
એક દાયકામાં જે ફેરફારો આવ્યા છે એ હવે તો આંખ સામે દેખાય છે. તેના માટે તમારે કોઈ સરકારી પ્રેસ રિલીઝ કે આંકડાઓ પર આધાર રાખવાની જરૂર પડતી નથી. એક્સપ્રેસ વે, મેટ્રો, રેલવે પરિયોજનાઓ, રસ્તાઓ– આ બધામાં ગુજરાતીમાં કહીએ તો ‘હરણફાળ પ્રગતિ’ થઈ છે. ડિજિટલ પેમેન્ટ એક ક્રાંતિકારી પગલું સાબિત થયું. સરકારી યોજનાઓ અને સેવાઓની પહોંચ પહેલાં કરતાં અનેકગણી વધારે સારી પણ થઈ અને ડિજિટલ પણ થઈ. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આ સરકારની ઝળહળતી સફળતા પૈકીનું એક છે. રોકાણ વધી રહ્યું છે. ભારતની કંપનીઓ ડોમેસ્ટિક બજાર જ નહીં વર્લ્ડ માર્કેટ સુધી પહોંચી રહી છે. બધા જ ફેરફારો દેખાય છે.
સામાન્ય લોકો આ ફેરફાર જોતા અને સ્વીકારતા થયા છે, પણ બૌદ્ધિકોનો વર્ગ, જે 2014માં જ મોદીને આર્થિક બાબતોમાં અસક્ષમ સાબિત કરી ચૂક્યો હતો, તે હજુ પણ આ વાસ્તવિકતાનો સહજ સ્વીકાર કરી શકતો નથી. આ ફ્રસ્ટ્રેશન આખરે આવાં બધાં ગતકડાંમાં દેખાય છે.
સમસ્યાઓ, ઉપલબ્ધિઓ અને વિરોધાભાસ ઊભો કરવાનો પ્રયાસ
ભારતમાં કોઈ નવો એક્સપ્રેસ વે શરૂ થાય એટલે તરત એવું કોઈ ગામ શોધી લાવીને મૂકી દેશે જ્યાં રસ્તો નહીં બન્યો હોય. કોઈ નવી રેલ શરૂ કરવામાં આવે તો નકશા પરનું એકાદ સ્થળ જ્યાં રેલ નેટવર્ક હજુ પહોંચ્યું ન હોય તેનો ઉલ્લેખ કરી દેવાય છે. ડિજિટલ પેમેન્ટ વિશે વાત કરો તો તરત કોઈ છેવાડાના વિસ્તારમાં નેટવર્ક નથીની દલીલો મૂકી દેવામાં આવે છે. અર્થવ્યવસ્થા આગળ વધતી હોવાના આંકડા રજૂ કરો તો સીધો આંકડા પર જ સવાલ ઉઠાવી દેવામાં આવે છે.
ટૂંકમાં દરેક ઉપલબ્ધિ પાછળ એક સવાલ જોડી દેવાય છે.
સવાલો ન થવા જોઈએ એમ નથી. એવું પણ નથી કે કોઈ ગામમાં રસ્તા બાકી હોય કે ક્યાંક હજુ વીજળી ન પહોંચી હોય, ક્યાંય કોઈ બીજી સમસ્યા હોય તો તેને અવગણી દેવામાં આવે. પણ તેને બહુ મોટી ઉપલબ્ધિને ઓવરશૅડો કરવા માટે રજૂ કરવામાં અને સમાધાન માટે તેની ચર્ચા કરવામાં જમીન-આસમાનનું અંતર છે.
ભારત વિકસિત થવા તરફ આગળ વધી રહ્યું છે. સમસ્યાઓ હજુ છે. પણ તેનાથી ઉપલબ્ધિઓને સતત નકારતાં રહેવું એ નકારાત્મકતા પણ છે અને બદમાશી પણ. ત્યારે વાત સ્વસ્થ ટીકાથી આગળ વધીને વિચારસરણી પર ચાલી જાય છે.
દાયકાઓ સુધી નિરાશાવાદી રહેવાનાં આપણી પાસે કારણો હતાં. વિકાસ દર ધીમો હતો. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં દેશ પાછળ હતો. અર્થવ્યવસ્થાના બહુ મોટા હિસ્સાને વર્ષો સુધી સરકારો નિયંત્રિત કરતી રહી. વિદેશી હૂંડિયામણ કાયમ સંકટ પેદા કરતું હતું. સાથે-સાથે સરકારી નિષ્ફળતાઓને ઢાંકવા માટે આ ધીમા વૃદ્ધિ દરને જાણીજોઈને દેશના બહુમતી સમુદાય સાથે જોડીને ‘હિંદુ ગ્રોથ રેટ’ નામ આપી દેવામાં આવ્યું હતું. એક રીતે ભારતે નિરાશાની આદત બનાવી લીધી હતી.
પણ આજની પરિસ્થિતિ અલગ છે. એ વાત સાચી કે વિકસિત દેશોની સરખામણીએ આપણે હજુ ઘણું કરવાનું છે. હજુ માથાદીઠ આવકમાં ઘણે દૂર જવાનું છે. મેન્યુફેક્ચરિંગ હજુ વધારવાનું છે. ઇન્ફ્રાસ્ટક્ચર પર સતત કામ કરવું પડશે. પણ આ સમસ્યાઓનો સ્વીકાર જરૂરી છે એટલું જ જરૂરી છે એ પણ સ્વીકારવું કે દેશ દર વર્ષે થોડો આગળ વધી રહ્યો છે. દરેક વર્ષ સમસ્યાઓનું સમાધાન લઈને આવી રહ્યું છે.
તેમ છતાં બહુ ચાલાકીપૂર્વક આ સમસ્યાઓને વર્તમાન સ્થિતિ સાથે વિરોધાભાસ સર્જવા માટે રજૂ કરવામાં આવે છે. પરંતુ ભારત 7.8%ના દરે વૃદ્ધિ કરે તોપણ માથાદીઠ આવક પ્રમાણમાં ઓછી હોય એ શક્ય છે. એક્સપ્રેસ વે બને પછી પણ અમુક ઠેકાણે રસ્તા ખરાબ હોય એવું બની શકે. આમાં કોઈ વિરોધાભાસ નથી. વિરોધાભાસ ત્યારે સર્જાય છે જ્યારે માની લેવામાં આવે કે ભારત દરેક ક્ષેત્રમાં વિકસિત દેશોની તુલનાએ સક્ષમ ન બની જાય ત્યાં સુધી તેની પ્રગતિને પ્રગતિ ન કહેવાય.
વાત માત્ર એટલી છે કે દેશમાં જે કંઈ ફેરફારો આવી રહ્યા છે તેને ઈમાનદારીથી સરકાર પ્રત્યે, શાસનવ્યવસ્થા પ્રત્યે કે શાસક પ્રત્યે પૂર્વગ્રહ રાખ્યા વગર સ્વીકારવામાં આવે. પરંતુ નિરાશાવાદ હવે ફેશનેબલ થઈ ગયો છે.
સતત શંકા ઉત્પન્ન કરવી, સંદેશ કરવો એ બુદ્ધિમત્તાની નિશાની છે. ભારતની ઉપલબ્ધિ પર ગર્વ કરવો એ સરકારની ભક્તિ છે અને ઉપલબ્ધિઓ પર પ્રશ્ન કરવો કે ધરાર ખામીઓ કાઢવી એ ગંભીર અને સ્વતંત્ર વિચારસરણી. દેશ કશુંક કરે તેની ઉપર ગર્વ કરો તો એ પ્રોપગેન્ડા માની લેવામાં આવે છે અને તેની ઉપર શંકા કરો એને ‘વિશ્લેષણ’ તરીકે જોવામાં આવે છે.
એ વાત સાચી કે દરેક આગળ વધતા વર્ષમાં દેશે નવાં માનકો નક્કી કરવાં જોઈએ. સમસ્યાઓના સમાધાન માટેના પ્રયાસો કરવા જોઈએ. વૃદ્ધિ દર હજુ વધે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. લક્ષ્યો મોટાં રાખવાં જોઈએ. મહત્ત્વાકાંક્ષાઓ હોવી જોઈએ. પણ તેના માટે જરૂરી છે આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસ માટે સૌથી પહેલાં જરૂરી છે ઉપલબ્ધિઓનો સ્વીકાર.
સરકારને સવાલો જરૂરી છે. આંકડાઓની ચકાસણી જરૂરી છે. તેની નિષ્ફળતાઓની ચર્ચા જરૂરી છે. પણ જે કામો થાય છે, જે નજર સામે દેખાય છે તેને સ્વીકારવામાં સંકોચ પણ ન રાખવો જોઈએ. કારણ કે આ જ ઇકોસિસ્ટમ કહે છે કે સરકાર દેશ નથી. સરકારો બદલાતી રહે છે, ચૂંટણીઓ આવતી રહે છે અને જતી રહે છે. પણ જે કામ થઈ રહ્યાં છે, થઈ ચૂક્યાં છે, જે ઉદ્યોગો સ્થપાયા છે એ વિકસિત ભારતની યાત્રાના કાયમી હિસ્સા બની ચૂક્યા છે.
આર્થિક બાબતે વર્ષો સુધી એક હીનભાવના રહી છે. હવે તેને સીધી આત્મસંતોષમાં બદલી નાખવાની જરૂર નથી. પણ તેના માટે પ્રગતિને સતત નકારતા રહેવું એ પણ ઉપાય નથી. ભારત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે અને ભારત સામે સમસ્યાઓ છે– બંને વાતો સાચી હોય શકે છે એ લોકો સ્વીકારી ચૂક્યા છે. કથિત બુદ્ધિજીવીઓ પણ સ્વીકારી લે એ સમયની માંગ છે.


