ખેડાના મહુધામાં વાહન ઓવરટેક કરવા મામલે વિવાદ બાદ હિંદુ યુવક પર જીવલેણ હુમલો, ઉવેશ, મલિક અને શકીલ સામે FIR: પ્રશાસને દબાણો પર ફેરવ્યું બુલડોઝર

ખેડામાં હિંદુ યુવક પર જીવલેણ હુમલો, બીજા દિવસે બુલડોઝર એક્શન (ફોટો- Divya Bhaskar)

ખેડાના મહુધામાં વાહન ઓવરટેક કરવાની બાબતમાં એક હિંદુ યુવક પર થયેલા જીવલેણ હુમલા મામલે ચાર શખ્સો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. બીજી તરફ સ્થાનિક પ્રશાસને બુલડોઝર કાર્યવાહી હાથ ધરીને સરકારી જમીન પરથી કુલ 48 કાચાં-પાકાં દબાણો દૂર કર્યાં હતાં.

પીડિત હિંદુ યુવકની ઓળખ જીગ્નેશ પટેલ તરીકે થઈ છે. જ્યારે હુમલાખોરોમાં ઉવેશ શેખ, મલિક શેખ અને શકીલ શેખ સામેલ છે. ચોથો સગીર છે જે શકીલ શેખનો ભાણેજ છે.

ઘટના એવી છે કે સોમવારે (31 ઑગસ્ટ) રાત્રે જીગ્નેશ પટેલ તેમની કારમાં મહુધા ચોકડી પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મુસ્લિમ રિક્ષાચાલક સાથે વાહન ઓવરટેક કરવા મુદ્દે ઝઘડો થયો હતો.

વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં રિક્ષાચાલકે ફોન કરીને બીજા માણસોને બોલાવી લીધા હતા અને તમામે ભેગા થઈને હથિયારો વડે જીગ્નેશ પટેલ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જીગ્નેશ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા, જેમને પછીથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ સમાચાર બધે પ્રસરી જતાં લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં અને હિંદુ સંગઠનો પણ દોડી આવ્યાં હતાં.

બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસની ટીમો પણ આવી ગઈ હતી. પછીથી જિલ્લા પોલીસ વડા, ડીવાયએએસપી અને ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીના અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને પોલીસ બંદોબસ્ત વધારી દીધો હતો.

પોલીસે પછીથી ત્રણ આરોપીઓ ઉવેશ, મલિક, શકીલ શેખ સામે FIR દાખલ કરી હતી. ત્યારબાદ મહુધામાં 250 પોલીસકર્મીઓ અને 25 અધિકારીઓનો કાફલો પણ ખડકી દેવાયો હતો.

બીજા દિવસે ફર્યું બુલડોઝર

બીજા દિવસે મંગળવારે સ્થાનિક પ્રશાસને ફીનાવ ભાગોળ અને આસપાસના વિસ્તારોમાં સરકારી જમીન પરથી અતિક્રમણ દૂર કર્યું હતું અને કાચાં-પાકાં 48 બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું હતું.

કાર્યવાહી વિશે માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે સરકારી જમીન પર દબાણ કરીને ચલાવવામાં આવતા કમર્શિયલ એકમોના કારણે રોડ સેફ્ટીના પ્રશ્નો ઊભા થાય છે અને ટ્રાફિક જામ થઈ જવાની પણ સમસ્યા રહે છે. પાલિકા આવાં એકમોને નોટિસ આપતી રહે છે. 48થી 50 એકમોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જે મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.