સુપ્રીમ કોર્ટે રદ કરી વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી તમામ FIR, કોકરોચ જનતા પાર્ટીની 5 સપ્ટેમ્બરની રેલી રદ કરવાની જાહેરાત

સુપ્રીમ કોર્ટે જુલાઇ મહિના દરમિયાન દેશભરમાં થયેલાં વિદ્યાર્થીઓનાં આંદોલનો બાદ દાખલ કરવામાં આવેલી તમામ FIR રદ કરવાનો આદેશ આપ્યો છે. CJI સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આર્ટિકલ 142 હેઠળ સુપ્રીમ કોર્ટને મળતી વિશેષ સત્તાનો ઉપયોગ કરીને 20થી 25 જુલાઈ દરમિયાન થયેલાં વિરોધ પ્રદર્શનો અંગે નોંધાયેલી FIRને કાયમી ધોરણે બંધ કરી દેવા આદેશ આપ્યો છે.

આ રાહત માત્ર કેન્દ્ર કે અરજી કરનાર ચાર રાજ્યો પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર દેશમાં લાગુ પડશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જે વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્ય માટે નિષ્ઠાપૂર્વક આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ કોર્ટે કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશને આ મામલે ભવિષ્યમાં નવી કોઈ FIR નોંધવા પર પણ રોક લગાવી દીધી છે.

જોકે કોર્ટે શરતી રાહત આપતાં દિલ્હી પોલીસને જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ 2,873 લોકો સામેની એક FIR અંગે આગળ તપાસ કરવાની છૂટ આપી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું હતું કે આ વ્યક્તિઓ સામે અગાઉથી ગંભીર ગુનાહિત ઇતિહાસ છે અને તેમના પર હત્યા, દુષ્કર્મ તથા અપહરણ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેથી આ આરોપીઓ સામેની તપાસ ચાલુ રહેશે.

CJPએ 5 સપ્ટેમ્બરની રેલી કરી રદ

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીમાં આગામી 5 સપ્ટેમ્બરે યોજનાર તેની રેલી પણ રદ કરી છે. CJPના સૌરવ દાસે સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર રહીને નિવેદન આપ્યું હતું કે કેન્દ્ર સરકારનાં વચનો અને સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને આ રેલી રદ કરવાનો નિર્ણય લીધો છે.

આ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ઉપરાંત બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સરકારે 20થી 25 જુલાઈના રોજ થયેલા આંદોલનોની FIR રદ કરવા માટે અરજીઓ દાખલ કરી હતી.

સરકારે વળતર આપવા માંગ્યો 3 મહિનાનો સમય

સોલિસિટર જનરલે અદાલતમાં એ બાબતની પણ ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર NEET-UG પરીક્ષા રદ થયા બાદ આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવાના પોતાના વચન પર અડગ છે. સરકારે આ વળતર આપવાની પદ્ધતિઓ અને નિયમો નક્કી કરવા માટે ત્રણ મહિનાનો સમય માંગ્યો છે, જે બાબત પણ કોર્ટે ધ્યાને લીધી છે.

CJPએ અગાઉ 24 ઑગસ્ટે જાહેરાત કરી હતી કે જો સરકાર વચનો નહીં પૂરાં કરે તો 5 સપ્ટેમ્બરે ઇન્ડિયા ગેટથી દિલ્હી પોલીસ હેડક્વાર્ટર સુધી વિરોધ માર્ચ કાઢવામાં આવશે. CJPએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકારે FIR પરત ખેંચવાનું જે વચન આપ્યું હતું તે પાળવામાં વિલંબ થઈ રહ્યો છે. આ આરોપ સાથે રેલીની જાહેરાત કરવામાં આવી હતી.

આ શાંતિપૂર્ણ ઉકેલને આવકારતાં ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે જો બંને પક્ષો સદ્ભાવના અને ખુલ્લા મનથી આગળ આવે તો દુનિયાની કોઈ પણ સમસ્યા કે મુદ્દો ઉકેલી શકાય છે. સોલિસિટર જનરલે પણ ઉમેર્યું હતું કે આ સમગ્ર મામલે બંને પક્ષોએ એકબીજાના વિરોધી બનવાને બદલે સકારાત્મક અને રચનાત્મક અભિગમ અપનાવ્યો છે.

નોંધનીય છે કે આ વિવાદમાં 18 ઑગસ્ટની સુનાવણી વખતે એક ટેકનિકલ સમસ્યા સામે આવી હતી. સામાન્ય રીતે એકવાર FIR નોંધાયા પછી તેને માત્ર મેજિસ્ટ્રેટ સમક્ષ ક્લોઝર રિપોર્ટ રજૂ કરીને જ બંધ કરી શકાય છે, જેને ફગાવવાની સત્તા મેજિસ્ટ્રેટ પાસે હોય છે. તેથી સુપ્રીમ કોર્ટે પોતાની વિશેષ બંધારણીય સત્તા કલમ 142નો ઉપયોગ કરીને તમામ FIR એકસાથે રદ કરવાનો નિર્ણય લીધો છે.