
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વધુ એક પ્રાચીન હિંદુ મંદિર તોડી પાડવામાં આવ્યું છે. લાહોરથી લગભગ 130 કિલોમીટર દૂર આવેલા નારોવાલ જિલ્લાના સિરાજ ગામમાં સ્થિત 100થી 125 વર્ષ જૂના ઐતિહાસિક હિંદુ મંદિરને સ્થાનિક મદરેસાનો વિસ્તાર કરવા માટે તોડી પાડવામાં આવ્યું છે.
આશરે 1,000 ચોરસ મીટરની વિશાળ જમીન પર ફેલાયેલા આ સદીઓ જૂના મંદિર પર કટ્ટરપંથી મુસ્લિમોએ કબ્જો જમાવવા માટે આ કૃત્ય કર્યું છે. સ્થાનિક હિંદુ સમુદાય, લઘુમતી સંસ્થાઓ અને રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે આ વિધ્વંસ પાછળ કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનના (TLP) કટ્ટરપંથી તત્વોનો હાથ છે.
પીટીઆઈના રિપોર્ટ અનુસાર 21 ઑગસ્ટના રોજ કટ્ટરપંથી ટોળાંએ આ પવિત્ર મંદિર પર હુમલો કર્યો હતો. આ ઘટના માત્ર તોડફોડ પૂરતી મર્યાદિત નથી, મંદિર તોડયા બાદ તેના શિખર પર લગાવેલા ધાતુના ફિટિંગ્સ, કિંમતી સામાન અને ઈંટો પણ લૂંટી લેવામાં આવી હતી.
કટ્ટરપંથીઓ સામે કડક કાર્યવાહીની માંગ
આ ઘટના બાદ પાકિસ્તાન મસીહા મિન્નત પાર્ટીના (PMMP) અધ્યક્ષ અસલમ પરવેઝ સહોત્રાએ પંજાબના એડિશનલ હોમ સેક્રેટરીને મળીને લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમણે આ કૃત્યમાં સામેલ કટ્ટરપંથીઓ સામે કડક કાર્યવાહી કરવાની અને લઘુમતીઓની સુરક્ષામાં નિષ્ફળ રહેલા જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે.
મંદિરની જમીનના કબ્જા અંગે ખુલાસો કરતા સહોત્રાએ જણાવ્યું કે ઇવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડએ (ETPB) અગાઉ મદરેસા માટે મંદિર નજીકની જમીન લીઝ પર આપી હતી. જોકે, વર્ષો સુધી ભાડું ન ચૂકવતા આ લીઝ રદ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કટ્ટરપંથીઓએ આ સરકારી અને ધાર્મિક મિલકત પર ગેરકાયદેસર કબ્જો જમાવી લીધો હતો.
વહીવટીતંત્રની બેદરકારી સામે લાવતા તેમણે ઉમેર્યું કે 29 જાન્યુઆરી 2026ના રોજ જ ETPBએ ગેરકાયદેસર કબ્જો ખાલી કરાવવા અને મિલકત સીલ કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત સ્થાનિક પોલીસે પણ એપ્રિલ મહિનામાં સુરક્ષા જોખમની આશંકા દર્શાવી હતી, તેમ છતાં પ્રશાસને કોઈ કાર્યવાહી ન કરી અને અંતે કટ્ટરપંથીઓએ મંદિરને તોડી પાડ્યું.
ETPBની નિષ્ક્રિયતાના કારણે મંદિર પર હુમલો થયો હોવાનો દાવો
હિંદુ સમુદાયના નેતા અને નારોવાલ ડિસ્ટ્રિક્ટ પીસ કમિટીના સભ્ય રતન લાલે આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે સ્થાનિક તંત્ર અને ETPBની નિષ્ક્રિયતાના કારણે જ આ પ્રાચીન મંદિરમાં તોડફોડ થઈ છે. હવે સ્થિતિ એ છે કે હિંદુઓ ત્યાં જતાં પણ ડરી રહ્યા છે કારણ કે પરિસરમાં હજુ પણ મદરેસા ચાલી રહી છે.
બીજી તરફ દર વખતની જેમ પાકિસ્તાની સરકાર અને ઈટીપીબીના અધિકારી રાણા ઇફ્તિખારે ગોળગોળ જવાબ આપ્યો છે. તેણે દાવો કર્યો છે કે મંદિર તોડવામાં નથી આવ્યું પરંતુ ભારે વરસાદના કારણે તે પોતે જ ધરાશાયી થઈ ગયું છે. જોકે, તેણે સ્વીકાર્યું હતું કે આ મંદિર 100થી 125 વર્ષ જૂનું હતું.
પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ અને તેમના દેવસ્થાનો પર થતા અત્યાચારોની આ કોઈ પહેલી ઘટના નથી. ઇસ્લામી કટ્ટરપંથીઓ સતત લઘુમતી સમુદાયના ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવી રહ્યા છે.

