
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા– FSSAIએ દેશની બે પ્રખ્યાત મસાલા બ્રાન્ડ્સ– ‘એવરેસ્ટ ફુડ પ્રોડક્ટ્સ’ અને ‘લાલજી ગોધૂ એન્ડ કંપની’ના (LG બ્રાન્ડ) હિંગ પાઉડરના વેચાણ પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે. એક ગ્રાહકની ફરિયાદ મળ્યા બાદ FSSAIએ હાથ ધરેલા વ્યાપક માર્કેટ સર્વેલન્સ અને લેબોરેટરી ટેસ્ટિંગમાં આ બંને બ્રાન્ડ્સનાં સેમ્પલ ગુણવત્તાના નિર્ધારિત ધોરણો પર ખરાં ન ઉતરતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
FSSAIએ બંને કંપનીઓને નોટિસ પાઠવીને હાલ જે બજારમાં માલ પહોંચાડવામાં આવ્યો છે એ પરત ખેંચી લેવા માટે અને ગુણવત્તા પરત લાવવા માટે શું ફેરફારો કરવામાં આવશે એ બાબતે એક્શન પ્લાન તૈયાર કરીને રજૂ કરવા માટે જણાવ્યું છે. ત્યાં સુધી ઉત્પાદનના વેચાણ પર રોક રહેશે.
સત્તાવાર અખબારી યાદી અનુસાર FSSAIની ટીમે મુંબઈ સ્થિત બંને કંપનીઓના કેન્દ્રીય લાયસન્સ ધરાવતા એકમોમાંથી સેમ્પલ લીધાં હતાં. આ ઉપરાંત ગુજરાત સ્ટેટ FDA સાથે મળીને વલસાડના ઉમરગામ સ્થિત એવરેસ્ટના ઉત્પાદન એકમ પર પણ સંયુક્ત નિરીક્ષણ કરીને સેમ્પલ લીધાં હતાં. પ્રાથમિક લેબોરેટરીના ટેસ્ટ રિપોર્ટમાં આ તમામ એકમોમાંથી એકત્રિત કરવામાં આવેલા કમ્પાઉન્ડેડ હિંગના નમૂના હલકી ગુણવત્તાવાળા અને મિસબ્રાન્ડેડ હોવાનું બહાર આવ્યું છે.
The Food Safety and Standards Authority of India (FSSAI) has taken regulatory enforcement action under the Food Safety and Standards Act, 2006, issuing Prohibition Orders against M/s Everest Food Products Private Limited and M/s Laljee Godhoo and Company. pic.twitter.com/9kcjoaX2Sw
— ANI (@ANI) August 29, 2026
વધુમાં, તપાસ દરમિયાન લાલજી ગોધૂના મુંબઈ એકમમાંથી કાચી હિંગની 6 અલગ-અલગ જાતોના નમૂના પણ લેવામાં આવ્યા હતા. FSSAIના ધોરણો મુજબ કાચી હિંગમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુમાં વધુ 1% હોવું જોઈએ, જ્યારે LGની કાચી હિંગમાં આ પ્રમાણ 15%થી 32% જેટલું વધારે મળી આવ્યું હતું. આ કારણે કાચો માલ જ સબ-સ્ટાન્ડર્ડ સાબિત થયો હતો.
એવરેસ્ટના અન્ય મસાલા પણ નીકળ્યા ઓછી ગુણવત્તાવાળા
ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને FSSAIએ બંને કંપનીઓને તેમનાં વર્તમાન ઉત્પાદનોના વેચાણ પર તાત્કાલિક અસરથી રોકવાનો આદેશ આપ્યો છે. સાથોસાથ, બંને બ્રાન્ડ્સને બજારમાં ઉપલબ્ધ આવો તમામ માલ સ્વૈચ્છિક રીતે પાછો ખેંચવા અને નિયમોનું પાલન કેવી રીતે કરવામાં આવશે તે અંગેનો એક્શન પ્લાન રજૂ કરવા સૂચના આપી છે. આ સિવાય, એવરેસ્ટના ચિકન મસાલા, ગરમ મસાલા અને એગ કરી મસાલામાં પણ લેબલિંગ અને મીઠાના પ્રમાણને લઈને ક્ષતિઓ જોવા મળી હતી.
ખોરાકની ગુણવત્તા સુધારવાની આ ઝુંબેશ વચ્ચે FSSAI એ સુપ્રીમ કોર્ટમાં એક પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. જેમાં વધુ પડતી સાકર, મીઠું કે સેચ્યુરેટેડ ફેટ ધરાવતા પેક્ડ ફુડ્સના પેકિંગ પર આગળના ભાગે લાલ રંગનું ષટ્કોણ વોર્નિંગ લેબલ લગાવવાની જોગવાઈ છે. સંસ્થાનું કહેવું છે કે આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને આરોગ્યપ્રદ ખોરાક પસંદ કરવામાં મદદ કરવાનો અને ખાદ્ય સુરક્ષા વધારવાનો છે.

