ભારતમાં ‘સેક્યુલર’ હોવાનો ઠેકો માત્ર હિંદુઓને જ આપવામાં આવ્યો છે. હિંદુએ પોતાની આસ્થા ઘરમાં રાખવી, પોતાના તહેવારને અંગત પ્રસંગ સુધી સીમિત રાખવો, પોતાના ધર્મ પર ગર્વ કરતાં પહેલાં દસ વખત વિચારવું અને ‘જય શ્રીરામ’ બોલે તો સામેની વ્યક્તિને એમાં કટ્ટરવાદ દેખાવો, આ બધું જાણે સામાન્ય બની ગયું છે. તમે કહો કે હું હિંદુ છું અને મને મારી સનાતન પરંપરા પર ગર્વ છે તો તરત જ પ્રશ્ન થાય કે ‘સેક્યુલર છો કે નહીં?’ પરંતુ એ જ પ્રશ્ન અન્ય મજહબી ઓળખોની જાહેર અભિવ્યક્તિ સામે એટલી સરળતાથી ઊભો થતો નથી.
હમણાં ન્યૂયોર્કના મેયર મમદાનીએ એક સભામાં બોલતા કહ્યું હતું કે RSSના કારણે દેશમાં ‘કટ્ટરતા’ ફેલાઈ છે અને વિભાજન ઊભું થયું છે. એ પહેલાં આ દેશ ‘સેક્યુલર’ હતો. તેણે આ બધી વાતો RSS પ્રમુખ મોહન ભાગવતના ન્યૂયોર્ક કાર્યક્રમના વિરોધમાં કહી હતી. હવે સમજવું જરૂરી છે કે આ વિચિત્ર વ્યવસ્થા ક્યારેય સ્વાભાવિક નહોતી. તેને ધીમે-ધીમે સ્વીકાર્ય બનાવવામાં આવી છે.
સદીઓથી આ ભૂમિ પર હિંદુ સમાજે વિવિધ પંથો, સંપ્રદાયો, દર્શનો અને ઉપાસનાપદ્ધતિઓને સાથે જીવતાં જોયાં છે. શૈવ, વૈષ્ણવ, શાક્ત, સ્માર્ત, બૌદ્ધ, જૈન, ચાર્વાકથી લઈને અનેક સ્થાનિક પરંપરાઓ સુધી, ભારતની સનાતન સભ્યતાએ મતભેદને અસ્તિત્વના વિનાશનું કારણ માન્યું નહોતું. અહીં કોઈ એક પુસ્તક, એક પયગંબર કે એક જ ઉપાસનાપદ્ધતિને આખા સમાજ માટે અનિવાર્ય બનાવવામાં આવી નહોતી. વિવિધતા ભારત માટે કોઈ નવી રાજકીય શોધ નહોતી, તે ભારતના સ્વભાવનો જ ભાગ હતી.
છતાં આજે જો કોઈ હિંદુ પોતાની આ ઓળખને જાહેરમાં વ્યક્ત કરે તો તેને ‘મેજોરિટેરિયન’, ‘કટ્ટરવાદી’ અથવા ‘સાંપ્રદાયિક’ ગણાવવાની ઉતાવળ થાય છે. ‘જય શ્રીરામ’નો નાદ પણ કેટલાક લોકો માટે માત્ર એક ધાર્મિક ઉદ્ઘોષ નથી રહ્યો, તેને સીધો કટ્ટરવાદ સાથે જોડી દેવામાં આવે છે. ભગવો દેખાય તો રાજકારણ દેખાય છે. મંદિરની વાત થાય તો ધ્રુવીકરણ દેખાય છે. સનાતન પરંપરા માટે ગૌરવની વાત થાય તો તરત ‘બીજાને શું?’ એવો સવાલ ઉભો થાય છે.
પણ સવાલ એ છે કે આ બીજાને સ્વીકારવાની વાતમાં હિંદુ પોતે ક્યાં છે? આ જ ‘સેક્યુલરિઝમ’ના નામે થયેલી સૌથી મોટી રમત છે.
સેક્યુલરિઝમનો એક શબ્દ ભારતની સમગ્ર સનાતન પરંપરાથી ઉપર બેસાડી દેવામાં આવ્યો છે. પછી આ શબ્દના નામે હિંદુને સતત સમજાવવામાં આવે છે કે પોતાની ઓળખથી થોડું દૂર રહો, પોતાના ધર્મની જાહેર અભિવ્યક્તિથી સાવચેત રહો, પોતાની સભ્યતાનો ગર્વ કરો તો ભાષા નરમ રાખો અને રાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખની વાત કરો તો પહેલાં સાબિત કરો કે તમે કોઈને નુકસાન પહોંચાડવા માગતા નથી.
અર્થાત્, સહિષ્ણુ રહેવાની જવાબદારી હિંદુની અને પોતાની ઓળખ સાબિત કરવાની જવાબદારી પણ હિંદુની. આ જ છે ‘સેક્યુલરિઝમનો ઠેકો’, જેનો ભાર વર્ષોથી હિંદુ સમાજના ખભા પર નાખવામાં આવ્યો છે.
ભારતના બંધારણમાં ‘સેક્યુલર’ શબ્દ છે, એ હકીકત છે. પરંતુ આ શબ્દ મૂળ પ્રસ્તાવનાનો ભાગ નહોતો. 1976ના 42મા બંધારણીય સુધારા દ્વારા ‘Sovereign Democratic Republic’ને બદલીને ‘Sovereign Socialist Secular Democratic Republic’ કરવામાં આવ્યું અને આ ફેરફાર 3 જાન્યુઆરી 1977થી અમલમાં આવ્યો.
અહીંથી એક મહત્વનો ભેદ સમજવો જરૂરી છે. ભારત સેક્યુલર શબ્દ બંધારણમાં ઉમેરાયો તે પહેલાં પણ અસ્તિત્વમાં હતું. ભારતીય સમાજને એકબીજાની આસ્થા સહન કરવાનું 1976 પછી શીખવવું પડ્યું નહોતું. આ ભૂમિ પર વિવિધ પંથો અને વિચાર-પરંપરાઓ સદીઓથી સાથે અસ્તિત્વ ધરાવતી હતી અને આ બધુ શક્ય હતું બહુમતી હિંદુ સમાજના કારણે.
તો પછી સમસ્યા ક્યાં ઊભી થઈ?
સમસ્યા ત્યારે ઊભી થઈ જ્યારે ‘સેક્યુલર’નો અર્થ માત્ર રાજ્યની ધાર્મિક નિષ્પક્ષતા ન રહીને હિંદુ ઓળખથી અંતર રાખવાની સામાજિક ફરજ બની ગયો.
હિંદુ ધર્મના તહેવારમાં ભાગ લો, પણ તેને ‘સાંસ્કૃતિક’ કહીને સમજાવો. મંદિર જાઓ, પણ જાહેરમાં તેની વાત કરતી વખતે સાવધ રહો. ભગવાનનું નામ લો, પણ રાજકારણ સાથે જોડાઈ ન જાય તેની ચિંતા કરો. રામનું નામ લો તો કોઈને ખરાબ ન લાગે તેની ચિંતા કરો. સનાતન કહો તો તરત સમજાવવું પડે કે તમે અન્ય ધર્મોના વિરોધી નથી.
આવું કેમ?
શું ભારતની બહુમતી પ્રજા પોતાની જ સભ્યતા પ્રત્યે ગૌરવ અનુભવે એમાં જ સમસ્યા છે? અને અહીં સેક્યુલરિઝમની આખી રમત સમજાય છે. સમાન અંતર રાખવાની વાત કરતા કરતા હિંદુને પોતાની ઓળખથી જ અંતર રાખવાનું શીખવવામાં આવ્યું.
આ માત્ર ધર્મની વાત નથી. હિંદુ સભ્યતા ભારતના સામાજિક અને સાંસ્કૃતિક જીવનના લગભગ દરેક સ્તરે વણાયેલી છે. મંદિર માત્ર પૂજાનું સ્થળ નથી, તે સ્થાપત્ય, કલા, સંગીત, શિલ્પ, દાન, શિક્ષણ અને લોકસ્મૃતિનું કેન્દ્ર રહ્યું છે. ગંગા માત્ર નદી નથી. તે ભારતીય સ્મૃતિનો ભાગ છે. દિવાળી માત્ર એક દિવસનો તહેવાર નથી, તેની પાછળ હજારો વર્ષોની કથા, પરંપરા અને સામૂહિક સ્મૃતિ છે. રામ માત્ર ધાર્મિક પાત્ર નથી, ભારતના અસંખ્ય પ્રદેશોની ભાષા, સાહિત્ય, લોકગીત, નાટ્ય અને સામાજિક કલ્પનામાં રામ વસે છે.
આ આખી સભ્યતાને ‘ધર્મ’ના એક ખાનામાં બંધ કરી દો અને પછી કહો કે જાહેર જીવનમાં ધર્મ ન લાવો તો તમે હકીકતમાં શું કરી રહ્યા છો? તમે ભારતના જાહેર જીવનમાંથી ભારતને જ કાઢી રહ્યા છો.
આ જ કારણ છે કે ‘સેક્યુલર ભારત’ની ચર્ચામાં સૌથી પહેલાં સવાલ સનાતનનો થવો જોઈએ. કારણ કે ભારતનો બહુલતાવાદ કોઈ બહારથી આયાત કરેલી વિચારધારાની દેન નથી. તે આ ભૂમિની પોતાની સભ્યતાકીય પરંપરામાંથી આવ્યો છે.
હિંદુ સમાજે સદીઓ સુધી પોતાના કરતાં જુદા વિચારો અને ઉપાસનાપદ્ધતિઓને અસ્તિત્વ આપ્યું. આ પરંપરામાં મતભેદ માટે જગ્યા હતી. દર્શનો વચ્ચે ચર્ચા હતી, શાસ્ત્રાર્થ હતો, અસહમતિ હતી. પરંતુ દરેક અસહમતિનો અંત વિનાશમાં થાય એવી માનસિકતા નહોતી. આ સહિષ્ણુતા કોઈ આધુનિક રાજકીય પ્રમાણપત્ર મેળવવા માટે વિકસાવવામાં આવી નહોતી.
છતાં આજના ‘સેક્યુલર’ રાજકારણમાં હિંદુની સહિષ્ણુતાને તેના અધિકાર તરીકે નહીં, પરંતુ તેની ફરજ તરીકે જોવામાં આવે છે. હિંદુએ સહન કરવું. હિંદુએ સમાયોજિત થવું. હિંદુએ પોતાની ઓળખની ધાર ઓછી કરવી. હિંદુએ પોતાના પ્રતીકોને જાહેર જીવનમાં લાવતાં પહેલાં વિચારવું.
અને જો હિંદુએ આમાંથી કંઈ કરવાની ના પાડી અને પોતાની સનાતન ઓળખને ગૌરવપૂર્વક સ્વીકારી, તો તેને ‘કટ્ટરવાદ’નું લેબલ આપી દેવું. આ સેક્યુલરિઝમના નામે ઊભી થયેલી એકતરફી અપેક્ષા છે.
આજે ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીનું નિવેદન આ જ માનસિકતાનું તાજું ઉદાહરણ છે. મોહન ભાગવતના મેડિસન સ્ક્વેર ગાર્ડન કાર્યક્રમનો વિરોધ કરતા મમદાનીએ કહ્યું કે તેને પરિવાર પાસેથી મળેલું ભારત ‘બહુલતાવાદી સમાજ’ અને ‘સેક્યુલર ગણરાજ્ય’નું હતું, જ્યારે તે RSSમાં ‘એક્સક્લુઝનરી વિઝન’ જોઈ રહ્યો છે.
પરંતુ અહીં પણ સવાલ મમદાની કરતાં મોટો છે. તે જે ‘પ્લુરલિસ્ટિક ઇન્ડિયા’ની વાત કરે છે, એ ભારતને બહુલતાવાદી બનાવ્યું કોણે?
જે સંસ્કૃતિએ વિવિધ દર્શનોને સ્થાન આપ્યું, જે પરંપરાએ અનેક દેવ-દેવીઓની ઉપાસના સાથે અનેક નિરાકાર અને નિરીશ્વર દાર્શનિક પરંપરાઓને પણ ચર્ચામાં સ્થાન આપ્યું, જે સમાજે સદીઓ સુધી વિવિધ પંથો સાથે અસ્તિત્વ વહેંચ્યું, એ સનાતન પરંપરાને ભારતના બહુલતાવાદની વાતમાં સ્થાન આપવાનું કેમ ભૂલી જવાય?
મમદાનીનું નિવેદન માત્ર RSSવિરોધી ટિપ્પણી નથી. તે એ જ જૂની માનસિકતાનું પ્રતિબિંબ છે, જેમાં ભારતની સનાતન ઓળખને શંકાની નજરે જોવી અને તેને ‘બહુલતાવાદ’ના વિરોધમાં ઊભી કરવી જાણે સેક્યુલરિઝમની પહેલી શરત બની ગઈ હોય. ભારતની મૂળ ઓળખને જ કઠેડામાં ઊભી કરીને પછી ભારતને ‘સેક્યુલર’ હોવાનું પ્રમાણપત્ર આપવાની આ રમત હવે નવી નથી.
અને આ જ વાત ભારતની અંદર પણ લાગુ પડે છે. હિંદુ હોવાનો ગર્વ કોઈ બીજા પ્રત્યેની નફરત નથી. ‘જય શ્રીરામ’ કોઈના વિરોધનો નાદ નથી. ભગવો કોઈને ભારતમાંથી બહાર કાઢવાનો રંગ નથી. મંદિર કોઈના અધિકારનો ઇનકાર નથી.
સનાતન પરંપરાનું ગૌરવ કોઈ અન્ય મજહબ પ્રત્યેની દુશ્મની નથી. પરંતુ વર્ષોથી એવી માનસિકતા ઊભી કરવામાં આવી છે કે આ બધી વાતો સાબિત કરવા માટે હિંદુએ પહેલાં માફી માગવી પડે. જાણે પોતાની ઓળખ પર ગર્વ કરવો પોતે જ શંકાસ્પદ કૃત્ય હોય.
આ માનસિકતા સામે સવાલ કરવો જરૂરી છે. સવાલ એ નથી કે ભારતે સેક્યુલર બનવું જોઈએ કે નહીં. સવાલ એ છે કે ‘સેક્યુલર’ શબ્દની આડમાં ભારતને તેના સનાતન મૂળથી દૂર કરવાનો અધિકાર કોને આપ્યો?
હકીકતમાં તો સેક્યુલરિઝમના નામે હિંદુ પાસેથી જે અપેક્ષા રાખવામાં આવી છે, તે સહિષ્ણુતાની નહીં, આત્મવિસ્મૃતિની છે. પોતાની ઓળખ છુપાવો, પોતાની પરંપરાને જાહેર જીવનથી દૂર રાખો અને પોતાની જ સભ્યતા પ્રત્યે ગૌરવ વ્યક્ત કરતા પહેલાં બીજા કોઈની મંજૂરી લો, આને સેક્યુલરિઝમ કહેવામાં આવે છે.
ભારતનો સેક્યુલરિઝમ જો હિંદુને પોતાની ઓળખ છુપાવવાનું કહે છે, તો એ સેક્યુલરિઝમ પર પ્રશ્ન થવો જ જોઈએ. ભારતનો સેક્યુલરિઝમ જો ‘જય શ્રીરામ’ને કટ્ટરવાદ અને અન્ય ધાર્મિક અભિવ્યક્તિને માત્ર ઓળખ તરીકે જુએ તો એ સેક્યુલરિઝમના માપદંડ પર પ્રશ્ન થવો જ જોઈએ.
અને ભારતનો સેક્યુલરિઝમ જો સનાતનને ભારતની મૂળ સભ્યતા તરીકે સ્વીકારવામાં જ સંકોચ અનુભવે તો કદાચ સમસ્યા સનાતનમાં નથી. સમસ્યા એ વિચારમાં છે, જે ભારતને સમજવા માટે ભારતની પોતાની મૂળ સંસ્કૃતિને જ બાજુએ મૂકવા માગે છે.
સેક્યુલર શબ્દ કોઈ જાદુઈ મંત્ર નથી કે જેના ઉચ્ચાર સાથે ભારતનો ઇતિહાસ બદલાઈ જાય. ભારત તેની પહેલાં પણ હતું અને તેની પછી પણ રહેશે. આ ભૂમિની ઓળખ કોઈ 1976ના સુધારાથી શરૂ થઈ નથી. ભારતને સેક્યુલર કહો કે ગણરાજ્ય કહો, પરંતુ ભારતમાંથી સનાતનને કાઢી નાખીને ભારતને સમજવાનો પ્રયાસ કરશો તો હાથમાં ભારત નહીં, માત્ર તેની એક રાજકીય વ્યાખ્યા જ બચશે.


