AAP ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર, જેલમાં જ રહેશે

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.

વનકર્મીઓને ઘરે બોલાવીને ધાકધમકી આપીને માર મારીને ખંડણી ઉઘરાવવાના કેસમાં સેશન્સ કોર્ટે દોષી ઠેરવીને 7 વર્ષની સજા ફટકાર્યા બાદ ચૈતર વસાવાએ હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.

ગુજરાત હાઇકોર્ટે જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. જેથી ચૈતર વસાવા હાલ જેલમાં જ રહેશે. બીજી તરફ તેમનું ધારાસભ્ય પદ રદ થવાની શક્યતાઓ હવે વધી ગઈ છે કારણ કે કોઈ પણ ધારાસભ્ય/સાંસદ કોઈ ગુનામાં દોષી ઠરે અને 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેમનું સભ્યપદ જઈ શકે છે.

જૂન 2025માં રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આરોપીઓને દોષી ઠેરવીને 7-7 વર્ષની સજા ફટકારી હતી. આરોપીઓમાં એક ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવા પણ છે, જેમને જામીન મળી ગયા છે. ચૈતર વસાવા સિવાયના અન્ય પણ તમામ આરોપીઓ જામીન પર મુક્ત થયા છે.

કહેવાય છે કે ચૈતરના જામીન નકારતી વખતે ગુજરાત હાઇકોર્ટે અગાઉના ગુનાઓને પણ ધ્યાને લીધા હતા. ગુજરાત સરકારે જામીનનો વિરોધ કરતી વખતે જણાવ્યું હતું કે ધારાસભ્ય અનેક ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે અને અગાઉ કોર્ટે શરતી જામીન આપ્યા હોવા છતાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહ્યા છે. હાઇકોર્ટના વિસ્તૃત આદેશની રાહ જોવામાં આવી રહી છે.

શું છે સમગ્ર કેસ?

મામલો ઑક્ટોબર-નવેમ્બર 2023નો છે. વન વિભાગના અધિકારીઓએ ડેડીયાપાડાના બોગજ ગામની સીમમાં સરકારી જમીન પર એક ખેડૂતે વાવેલો પાક હટાવી દીધો હતો. તે પહેલાં વારંવાર સરકારી જમીન પર વાવેતર ન કરવાની સૂચના આપવામાં આવી હતી છતાં અવગણીને પાકની વાવણી ચાલુ રાખવામાં આવતાં ૩૦ ઑક્ટોબર, 203ની સવારે અધિકારીઓએ પાક હટાવી દીધો હતો.

આ બાબતની ફરિયાદ ખેડૂતે ચૈતર વસાવાને કરી હતી. ચૈતરનું પૈતૃક ગામ પણ બોગજ જ છે. ત્યારબાદ ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને ઘરે બોલાવ્યા હતા અને ધાકધમકી આપીને ખેડૂતને વળતર ચૂકવવા માટે જણાવ્યું હતું. દરમ્યાન એક કર્મચારીને લાફા પણ મારી દીધા અને ઘરમાંથી પિસ્તોલ મગાવીને હવામાં ગોળીબાર કર્યો હતો.

ત્યારબાદ બીજા દિવસે ચૈતર વસાવાના પીએએ વન વિભાગના કર્મચારીઓને દબાણ કરીને ખેડૂતોને પૈસા ચૂકવવા માટે જણાવ્યું હતું. અધિકારીઓએ પૈસા તો આપી દીધા પરંતુ પછીથી ફરિયાદ કરી દીધી હતી. ફરિયાદના આધારે પોલીસે FIR દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

ચૈતર વસાવા લગભગ દોઢેક મહિનો ફરાર રહ્યા બાદ ડિસેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસનો ચુકાદો જૂન 2026માં આવ્યો, જેમાં ચૈતર વસાવા અને અન્યોને દોષી ઠેરવવામાં આવ્યા હતા. ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે.

સમગ્ર કેસ વિશે વિગતવાર અહીંથી વાંચી શકાશે.